કૃષિનો કાયદો : ખેડૂતની ભ્રમણાઓનું નીંદામણ અને વિશ્ર્વાસનું વાવેતર જરૂરી

    ૦૯-ઓક્ટોબર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

indina farmer_1 &nbs
 
કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ, ખેડૂતોને સક્ષમ બનાવવા અને ખેડૂતોની આવક બમણી કરવા, કૃષિ બજેટમાં ૩૫.૬ વધારો, ૧૬.૩૮ કરોડ ખેડૂતોને સોઈલ કાર્ડ, કૃષિ લોનમાં ૫૭ ટકા વધારો જેવાં અનેક પગલાંઓ સાથે તાજેતરમાં કાયદાકીય સુધારા એક અત્યંત મહત્ત્વનું પગલું છે. ભારતની ૫૮ ટકાથી વધુ વસ્તી પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર છે અને જીડીપીમાં ખેતીનું પ્રદાન ૧૫ ટકા હોય ત્યારે કૃષિક્ષેત્રે આર્થિક અને કાયદાકીય સુધારા આવકાર્ય જ હોય.
 
સ્વામિનાથન રિપોર્ટ મુજબ દેશના ૮૬ ટકા નાના સીમાંત ખેડૂતો એપીએમસી મંડીમાં પોતાની ખેતપેદાશ વેચવા મુશ્કેલી અનુભવી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહે પણ ‘વન નેશન- વન માર્કેંટ’ વિભાવનાની વાત કરી ખેડૂતોને પોતાની જણસ વેચવા આઝાદી મળે તેવી રજુઆત કરેલ. શેતકરી સંગઠનના સ્થાપક અને દેશના અગ્રણી ખેડૂત નેતા શરદ જોશીએય કહેલું, ‘ખેડૂત વેપારીના એકાધિકાર પર નિર્ભર છે, જેનું કારણ મંડી પ્રથા છે.’ નેશનલ કમિશન ઓફ ફાર્મર્સે પણ ૨૦૦૬થી પ્રાઇવેટ મંડી ખોલી, ટેક્ષ હટાવી મંડી પ્રણાલીમાં પારદર્શકતા માટે સૂચવેલ. આવી અનેક રજૂઆતો બાદ, ખેડૂતોની સમસ્યાઓને સમજી તેના ઉકેલ માટે, કૃષિમાં પારદર્શકતા લાવવા, ખેડૂતોને ઘરે બેઠા માલ વેચી શકે તેવું વાતાવરણ આપવા સરકારે આ વિધેયકો લાવી કાયદો બનાવ્યો. આ કાયદા થકી સરકાર ખેડૂતના ‘અચ્છે દિન’ની ખાતરી આપી રહી છે. હવે ખેડૂત આત્મનિર્ભર બનશે, મુક્ત વેપારની મોકળાશ મળશે, ખેડૂતો મરજી મુજબ પ્રોસેસર, હોલસેલર, એકસપોર્ટર, લાર્જ રિટેઈલર, રિલાયન્સ ફ્રેશથી માંડીને એમેઝોન જેવી કંપનીઓ સાથે વેપાર કરી શકશે, ખેડૂતો ઇચ્છે તો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી કરી શકે અથવા જમીન લીઝ પર આપી શકે, લીઝ પર લેનાર કંપની કે એજન્સી બોરવેલથી માંડીને સિંચાઈની અત્યાધુનિક વૈજ્ઞાનિક ખેતી કરે. અંતતોગત્વા ખેડૂતની જમીન ન વેચાય અને તેને વધુ નફો મળે. પાયાની માળખાગત સુવિધાઓ સહિત ઘણા ફાયદાઓ નિષ્ણાતો ગણાવી રહ્યા છે.
 
વિપક્ષો અને ખેડૂતોનાં કેટલાંક સંગઠનોએ નવા કૃષિસુધારા ખરડાનો વિરોધ કરી તેને ખેડૂતો વિરોધી ગણાવ્યો છે. આ બિલથી ખેડૂત સુરક્ષા કવચથી વિમુખ બનશે, એપીએમસી કાનૂનનો અંત આવશે, માત્ર કોર્પોરેટ ગૃહોને જ ફાયદો થશે અને ખેડૂતને નુકસાન થશે તેવી ભ્રમણાઓ સામે નિષ્ણાતો તેને નકારતાં કહે છે કે ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્યની સુરક્ષા કાયદામાં ચાલુ જ રહેવાની છે. એપીએમસી વધુ સક્ષમ અને મજબૂત બનશે. ખેડૂત ઇચ્છે તો જ કોર્પોરેટ ફાર્મિંગમાં જોડાઈ શકે છે, અન્યથા નહીં. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી નાના ખેડૂતો પણ મોટું ગ્રુપ બનાવી વિરાટ સ્તરે કામગીરીના ફાયદા પ્રાપ્ત કરી શકશે. શ્રેષ્ઠ ટેક્નોલોજી તથા નવી વૈજ્ઞાનિક ખેતીપદ્ધતિઓથી ખેતી કરી શકશે.
 

indina farmer_1 &nbs 
 
કાયદામાં ખેડૂતોના ફાયદાની જોગવાઈઓ તો ઘણી પણ સાથે કેટલાંક ભયસ્થાનોય છે. ખેડૂત દેશના કોઈ પણ માર્કેંટમાં પેદાશ વેચે તે પહેલાં જ નવા કાયદા હેઠળ ખાનગી વેપારીઓ બજારની બહારના લાઇસન્સ મેળવી ખરીદી શકશે ? ખેડૂતોને સારું જ વળતર મળશે ? વિગેરે. નવા કાયદાનાં ખેડૂત ઉદ્ધારક લક્ષ્યોને સફળ કરવા કૃષિપેદાશોની ટેકાના ભાવે ખરીદી અંગે અલગ કાયદા દ્વારા બાંયધરી આપી શકાય ? વેપારીઓની નોંધણી, કેન્દ્ર - રાજ્યમાં બેંક સુરક્ષા, કૃષિ સંબંધિત તમામ વિવાદોના ઉકેલ માટે સ્વતંત્ર કૃષિ ટ્રિબ્યુનલ તથા ચીજવસ્તુઓનો સંગ્રહ કરનારાઓ વચ્ચે હરીફાઈ ના થાય તે માટેની જોગવાઈ કરી શકાય ?
 
સરકાર જ ખેતપેદાશો શા માટે ઊંચા ભાવે ખરીદી નથી લેતી ? એવા પ્રશ્ર્નોય ઊભા થયા. વૈશ્ર્વિક અનુભવો મુજબ આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં સરકારના ભાવ વધુ હોય ત્યારે ચીજની માંગ ઘટે અને ભરાવાનો ભય ઊભો થાય છે. યુરોપિયન યુનિયને આંતરરાષ્ટ્રીય કરતાં ઊંચા ભાવે ખરીદીની પદ્ધતિ અપનાવી તેથી તેના દૂધ, બટર વગેરેના ગ્રાહકો રહ્યા જ નહીં અને બહુ મોટું નુકસાન થયું, ભારતમાં તો માળખાકીય સુવિધાઓ પૂરતી નથી જ. ભરાવો થાય તો અનાજને સડવાના મોટા પ્રશ્નો છે.
 
આ કાયદો ભારતીય અર્થતંત્રને ઊંચકીને ખેડૂતોની દશા અને દિશા બંને સુધારશે. પરંતુ નિષ્ણાતોનાં મત ધ્યાને લઈ ત્રુટિઓ પૂરતી કરવી રહી. આ માત્ર કાયદો નથી, જગતના તાતની સૌથી મોટી આશા છે. તેમાં કોઈ ત્રુટિને અવકાશ જ ના હોય. ભારત પાસે દુનિયામાં કૃષિનું પ્રમુખ પાવર હાઉસ બનવાની મોટી ક્ષમતા છે. આ કાયદો એ ક્ષમતાને વધારશે તેવી મોટી આશા ચોક્કસ જ વર્તાઈ રહી છે. સરકાર ખેડૂતોની ભ્રમણાઓનું નીંદામણ કરી તેમના હૃદયમાં વિશ્ર્વાસનું વાવેતર કરી જીવનમાં હરિયાળી લાવે. એટલે તેમની બમણી આવક સાથે જીવનધોરણ ઊંચુ જાય.