માનસમર્મ - આકાશને આંબવા આંખોમાં ભેજ અને પાંખોમાં તેજ જોઈએ

    ૦૯-ઓક્ટોબર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

dada mekran_1  
 
કચ્છના રણમાં પોતાની પીઠ પર લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો રોટલાનું પોટલું અને પાણીની મશક લઈને આખો દિવસ ફર્યા કરે. જેવા ભૂખ્યા તરસ્યા રાહ ભૂલેલા વટેમાર્ગુ દેખાય કે રોટલો અને પાણી પહોંચાડવાનું એમનું કામ. કૂતરાની બાજનજર આવા લોકોને શોધી કાઢે. બંનેને દાદા મેકરણે એ રીતે તૈયાર કર્યા હતા. કચ્છના કર્મશીલ કાપડી સંતનો જન્મ ખોભંડી નામના ગામમાં થયો હતો. પિતાનું નામ હરગોપાલજી તથા માતાનું નામ પંતાબાઈ હતું.
 
૧૨ વર્ષની ઉંમરે જ તેમણે સાધુ તરીકે દીક્ષા લીધી હતી. તેમનું બાળપણનું નામ મોકાયજી હતું,. તેઓ પ્રાયઃ પોતાના ખભા પર કાવડમાં રોટલો અને પાણી ભરીને કચ્છના રણમાં ભૂખ્યાં-તરસ્યાં લોકોને ભોજન તથા જળ પિવડાવતાં. બસ એક જ લાગણી કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી. સેવાને સમર્પિત આ સંત કબીર તરીકે ઓળખાતા હતા. સંત કબીરની માફક તેમણે કચ્છી ભાષામાં અનેક દોહાઓની રચના કરી છે. પીર પીર કુરો કર્યોતા, નાંય પીરેજી ખાણ પંજ ઇન્દ્રિયું વસ કર્યો ત પીર થીંઓ પાણ પીર જન્મતા નથી, પીરોની કોઈ ફેક્ટરી નથી કે જેમાંથી પીરનું મેન્યુફેક્ચરીંગ થાય. માણસ પોતાની પાંચ ઇન્દ્રિય પર કાબૂ મેળવે એટલે એ પીર બની શકે છે.
 
હિસાબી લોકો વેપારી થઈ શકે અને બેહિસાબી સંત થઈ શકે. માત્ર ઈશ્ર્વર કે સંતના આશીર્વાદ પર બેસી ન રહેવાય. કર્મ પણ કરવું જોઈએ. અંશુમાનથી ગંગા પૃથ્વી પર ન આવી. તો કોઈ બીજું લાવશે. એથી ગંગા અવતરણનો પ્રયત્ન છોડી ન દેવાય. આશીર્વાદ પૂરક છે. આશિષ અને આશીર્વાદમાં અંતર છે. આશિષ કોઈ પણ આપી શકે અને આશીર્વાદ સંત આપી શકે છે. જેની પાસે સંવેદનની સંપદા, ખમીરનો ખજાનો હોય એ જ આપી શકે છે. હોઈ વરદ્ હસ્ત માથે પડી જાય તો તો બેડો પાર થઈ જાય. કોઈ અભય હાથના વટવૃક્ષ નીચે આપણે નિરાંતે આરામ કરી શકીએ છીએ. તુલસીદાસે સંતસમાજનાં બે લક્ષણોની ચર્ચા કરી છે, જેમાં મુદ અને મંગલ શબ્દો પ્રયોજ્યા છે. આપણે ત્યાં ઘણા પ્રસંગો માંગલિક હોય છે પણ મુદિતા જરાય હોતી નથી. પતંજલિનો મુદિતા શબ્દ ખ્યાત છે. પ્રભાવમાં નહીં પણ સ્વભાવમાં રહે એ વ્યક્તિ સુખી થઈ શકે. આકાશને આંબવા આંખોમાં ભેજ અને પાંખોમાં તેજ જોઈએ.
 
મને એક ઉંમરવાન માતાજીએ પૂછ્યું હતું કે બાપુ, કોઈ સ્ત્રી કોઈ ઘટનાથી શોકગ્રસ્ત હોય તો એને માટે શું કરવું ? મારે એમને એટલું જ કહેવાનું છે કે ભૂતકાળમાં બની ગયેલા શોકને યાદ કરીને શું કામ વધુ ગમગીન થવાનું ? દુખનું વિસ્મરણ એ જ સૌથી મોટું સુખ. તમે કહેશો કે ભૂલવું આસાન નથી. એના માટે કોઈ એવા તત્ત્વનું સ્મરણ કરો. તમે ગાડી ચલાવો છો ત્યારે પાછળ જોઈ ડ્રાઇવિંગ કરો છો ? જો પાછળ જ જોયા કરશો તો આગળ એક્સિડંટ થયા વગર નહીં રહે. વર્તમાનનું સ્ટિયરિંગ મારા હાથમાં હોય ત્યારે પાછળ (ભૂતકાળ) નહીં પણ આગળ(ભવિષ્ય) તરફ જુઓ. ગીતા કહે છે કે...
 
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વાં સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥
 
ઈશ્ર્વર કહે છે કે જીવ સર્વ છોડીને મારી પાસે આવે તો હું એને બધામાંથી મુક્ત કરું. વેદ જ્યાં નેતિ નેતિ કહે છે એ અધૂરામાં રાજી નથી થતો. આશ્રિત સાધકોએ ચિંતા કરવી નહીં એ પરમાત્માની કૃપાળુતાનું અપમાન છે. ગીતાનો આરંભ સંશય, મધ્ય સમાધાન અને અંત શરણાગતિ છે. પંડિત રામકિન્કર મહારાજ કહે છે કે ગીતા એ યોગશાસ્ત્ર છે. રામચરિતમાનસ પ્રયોગશાસ્ત્ર છે. ગીતામાં જે યોગોનું વર્ણન છે એ રામાયણમાં પ્રયોગો થયા છે. ગીતામાં અર્જુનને વિષાદયોગ થાય છે એમ રામાયણમાં વિભીષણને થાય છે. રાવણ રથમાં છે અને રામ નીચે છે એ જોઈને વિભીષણના વિચારોમાં વિષાદનાં વાદળો ગોરંભાય છે. ત્યાં કૃષ્ણ સારથિ હતા અહીં સ્વયમ્ સારથિ બનવાનું છે. રામાયણ અને ગીતાના શ્ર્લોકો આપણા હીરા-મોતી છે. અર્જુનની જેમ છેલ્લે કરિષ્યે વચનં તવ બોલીશું ત્યારે જિંદગીનાં બધાં યુદ્ધ જિતાશે.
આલેખન : હરદ્વાર ગોસ્વામી ([email protected])