નલ-નીલ - શ્રી રામસેતુ બાંધનાર

11 Nov 2020 14:55:11

nal and neel_1  
 

પરેશાન ઋષિ-મુનિઓએ કંટાળી જઈને તેમને શ્રાપ આપ્યો કે, તમે જે વસ્તુને પાણીમાં ફેંકશો તે તેમાં ડૂબશે નહિ.

 
પૌરાણિક માન્યતાઓ અનુસાર, નલ અને નીલને ભગવાન વિશ્ર્વકર્માના વાનર પુત્ર માનવામાં આવ્યા છે. પ્રચલિત કથા અનુસાર આ બંનેને ઋષિઓએ શ્રાપ આપ્યો હતો, અને તે શ્રાપ આગળ જઈને તેમના માટે વરદાન સાબિત થયો.
પ્રચલિત કથાઓ મુજબ નલ અને નીલ જ્યારે નાના હતા, ત્યારે તે ઋષિ-મુનિઓને ખૂબ પરેશાન કરતા હતા અને હંમેશા તેમની વસ્તુઓને સમુદ્રમાં ફેંકી દેતા હતા. આ બાળકોથી પરેશાન ઋષિ-મુનીઓએ કંટાળી જઈને તેમને શાપ આપ્યો કે, તમે જે વસ્તુને પાણીમાં ફેંકશો તે તેમાં ડૂબશે નહિ. બન્ને ભાઈઓને મળેલો આ જ શાપ તેમને લંકા જવા માટે શ્રી રામસેતુ બનાવવા માટે વરદાન સમાન સાબિત થયો.
 
ભગવાન શ્રી રામ જ્યારે પોતાની વાનર સેના સાથે સમુદ્રકિનારે પહોંચ્યા અને તેમણે સમુદ્રને રસ્તો આપવા માટે પ્રાર્થના કરી, ત્યારે સમુદ્રએ ભગવાન શ્રીરામનું કહેવું સાંભળ્યું નહિ. પછી શ્રીરામે સમુદ્રને સૂકવી દેવા માટે ધનુષ બાણ ચડાવી દીધું, અને આ જોઈને સમુદ્ર દેવ ડરી ગયા અને શ્રીરામ સામે પ્રગટ થયા. સમુદ્રએ શ્રીરામને જણાવ્યું કે, આપની સેનામાં નલ અને નીલ નામના વાનર છે. તે જે વસ્તુને હાથ લગાવે છે તે પાણીમાં ડૂબતી નથી. તમે સમુદ્ર પર સેતુ બનાવવા માટે તે બંનેની મદદ લઈ શકો છો.
 
ત્યારબાદ નલ અને નીલની મદદથી વાનર સેના સમુદ્ર પર લંકા સુધીનો સેતુ બનાવે છે. તે સેતુની મદદથી શ્રીરામ અને તેમની વાનર સેના લંકા સુધી પહોંચી જાય છે અને લંકા પર વિજય પ્રાપ્ત કરીને સીતા માતાને લઈને પાછા અયોધ્યા પધારે છે.
જોકે રામાયણ સાથે જોડાયેલી અમુક કથાઓમાં ફક્ત નલનો જ ઉલ્લેખ આવે છે, પણ તુલસીદાસ દ્વારા લખવામાં આવેલ રામચરિત માનસના સુંદરકાંડમાં સેતુ નિર્માણનું વર્ણન છે, જેમાં નલ અને નીલ બંનેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Powered By Sangraha 9.0