સતી અનસૂયા મહર્ષિ અત્રિ અને અગસ્ત્ય - શ્રીરામ - સીતાને શાસ્ત્ર-શસ્ત્રો પ્રદાન કરનાર

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

sati ansuya_1  
 
આપણે સૌએ અવકાશમાં સપ્તર્ષિ તો જોયા જ હશે. આ સપ્તર્ષિનાં સાત ઋષિમાંના એક ઋષિ એટલે અત્રિ ઋષિ અને અત્રિ ઋષિનાં પત્ની અનસૂયા. અત્રિ ઋષિનો ઉલ્લેખ અનેકવાર ઋગ્વેદમાં મળે છે. ઋષિ અત્રિનાં સતી અનસૂયા સાથે લગ્ન થયાં. સતી અનસૂયાને પણ સાત પતિવ્રતાઓમાં એક ગણવામાં આવે છે.
 
રામાયણમાં અત્રિ અને અનસૂયાનો આશ્રમ ચિત્રકૂટના વનપ્રદેશમાં સ્થિત છે. સતી અનસૂયા પતિવ્રતા હતાં. ભક્તિમય જીવન ગાળવાને કારણે તેમની પાસે અસાધારણ શક્તિઓ હતી. અનસૂયા દેવતિ અને કર્દમ ઋષિનાં પુત્રી હતાં. કપિલ ઋષિ તેમના ભાઈ અને ગુરુ હતા. વનવાસ સમયે રામ અને સીતા જ્યારે અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યાં ત્યારે ઋષિ અત્રિએ રામ અને લક્ષ્મણની સાથે ચર્ચા-વિચારણા કરી અને સતી અનસૂયાએ સીતાને પોતાની પાસે બોલાવી તેને વસ્ત્રો, અલંકારો અને એવી જડીબુટ્ટીઓ આપી, જેનાથી સીતાનું સૌંદર્ય જંગલમાં પણ અક્ષુણ્ણ રહે. સીતાજીને મલિન ન થાય તેવાં વસ્ત્રો આપીને સતી અનસૂયાએ પોતાનો માતા સમાન પ્રેમ આપ્યો. પ્રભુ શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીનો વનવાસ સારી રીતે સંપન્ન થાય તે માટે અત્રિ-અનસૂયાએ તેમને શસ્ત્રાસ્ત્ર અને દિવ્ય વસ્તુઓની સહાય કરી.
 
આવી જ રીતે સુતીક્ષ્ણ મુનિના ગુરુ મહર્ષિ અગસ્ત્યએ વનવાસ દરમ્યાન શ્રી રામને ક્યારેય તીર ન ખૂટી પડે તેવું અક્ષય ભાથું આપ્યું હતું અને સાથો સાથ સૂર્ય આરાધનાનું મહત્ત્વ સમજાવીને પ્રભુ શ્રીરામને ‘આદિત્ય હૃદય સ્તોત્ર’ શીખવ્યું હતું. આ બંનેને કારણે રાવણવધનો માર્ગ પ્રશસ્ત બન્યો હતો.