નિષાદરાજ અને કેવટ - વનવાસ દરમિયાન શ્રીરામની મદદ કરનાર

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

nishad and kevat_1 &
 

મેં તમને ગંગા પાર કરવામાં મદદ કરી. કાલે જ્યારે હું તમારી પાસે ભવસાગર પાર કરવા માટે આવું ત્યારે મને જરૂર મદદ કરી દેજો.’’

 
વનવાસ દરમિયાન એકવાર ભગવાન શ્રી રામ ચાલતા ચાલતા શ્રુંગવેરપુર પહોંચી ગયા. તે રાજ્ય નિષાદોનું હતું. નિષાદરાજ ગુહને જ્યારે શ્રી રામના આવવાના સમાચાર મા ત્યારે તે ખુશ થઈ ગયા. તેણે તરત જ તેના ભાઈઓ અને મિત્રોને ભેગા કરી દીધા. બધા કંદ, મૂળ અને ફળો ભેગાં કરીને શ્રી રામનાં દર્શન કરવા માટે ચાલી નીકા. બધાએ ભગવાન શ્રી રામને દંડવત્ પ્રણામ કર્યાં અને બધી જ ભેટ તેમના ચરણોમાં ધરાવી દીધી.
 
શ્રી રામે નિષાદરાજ ગુહને પોતાની પાસે બોલાવ્યા. નિષાદરાજ ગુહ બોલ્યા, ‘‘હે ભગવાન ! તમારા ચરણોનાં દર્શન કરીને હું તો ધન્ય થઈ ગયો. આ પૃથ્વી, ધન અને ઘર બધું જ તમારું છે. હું તમારો તુચ્છ સેવક માત્ર છું. તમે મારા ઘરે પધારીને મારા ઘરને પાવન કરો.’’ શ્રી રામ બોલ્યા, ‘‘મિત્ર ! આવું થવું તો શક્ય નથી. મારે પિતાજીની આજ્ઞા માનીને ચૌદ વર્ષ સુધી મુનિ વેશ ધારણ કરીને વનમાં જ રહેવાનું છે. તેથી હું તમારા ઘરે નહીં આવી શકું. અમે બધા અહીં જ આરામ કરી લઈશું.’’ ત્યારબાદ નિષાદરાજ ગુહે ત્યાં બધી જ સાફ-સફાઈ કરાવી આપી અને સુંદર કોમળ પથારી કરાવી આપી. બધાં ફળો પણ સાચવીને ત્યાં જ રાખી દીધાં. ભોજન લીધા પછી જ્યારે ભગવાન શ્રી રામ આરામ કરી રહ્યા હતા ત્યારે લક્ષ્મણજી તેમના પગ દબાવી રહ્યા હતા. તે ઊંઘી ગયા પછી લક્ષ્મણ ધનુષ્ય પર બાણ ચડાવીને તેમની રક્ષા કરવા લાગ્યા.
 
વહેલી સવારે શ્રી રામે વટવૃક્ષનું દૂધ મંગાવીને લક્ષ્મણ સહિત પોતાના મસ્તક પર જટા બનાવી લીધી. પછી શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણ ગંગાના તટ પર આવી ગયાં. નિષાદરાજ ગુહ પણ તેમની સાથે ગયા. પછી શ્રી રામે કેવટને ગંગા પાર કરવાનું કહ્યું.
 
કેવટે બધાને ગંગા પાર કરાવી આપી. કિનારે પહોંચીને બધાએ શ્રી રામનાં ચરણો ગંગાજળથી ધોયાં. શ્રી રામ મનોમન વિચારી રહ્યા હતા કે પોતે કેવટનો આભાર કઈ રીતે માને. પતિના મનની વાત સીતાજી સમજી ગયા. તેણે તરત જ પોતાની રત્નજડિત વીંટી કાઢીને શ્રી રામના હાથમાં મૂકી દીધી. તેથી શ્રી રામે કેવટને વીંટી આપવાનું નક્કી કર્યું.
 
કેવટ બોલ્યો, ‘‘હે ભગવાન ! આજે તમારાં દર્શન માત્રથી હું કૃતાર્થ થઈ ગયો. તમારી જેના પર કૃપા હોય તેને બીજી કોઈ પણ જાતનો મોહ રહેતો નથી, તેથી હવે મારે કંઈ જ જોઈતું નથી. બસ ભગવાન ! મારા પર એક કૃપા જરૂર કરજો. આજે તમે જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મેં તમને ગંગા પાર કરવામાં મદદ કરી. આવતીકાલે જ્યારે હું તમારી પાસે ભવસાગર પાર કરવા માટે આવું ત્યારે મને જરૂર મદદ કરી દેજો.’’
 
કેવટનો આવો પ્રેમભાવ જોઈને ભગવાન શ્રી રામ તેના પર પ્રસન્ન થઈ ગયા. તેણે તેની નિર્મલ ભક્તિ માટે વરદાન આપીને કેવટને વિદાય આપી. પછી ભગવાન શ્રી રામે ત્યાં સ્નાન કરીને પાર્થિવ લિંગની સ્થાપના કરી. પછી બધી જ પૂજા-વિધિ પણ કરી. પછી તેમણે નિષાદરાજ ગુહને પણ વિદાય આપી દીધી.
 
નિષાદરાજ ગુહ હાથ જોડીને બોલ્યા, ‘‘હે રઘુનંદન ! હું થોડા દિવસ તમારી સાથે રહીને તમારી સેવા કરવા માંગું છું. તમે જે વનમાં રહેશો તે વનમાં હું તમને સુંદર પર્ણકુટિર બનાવી આપીશ. તમે મને જેવા આદેશ આપશો તે મુજબ જ હું કામ કરીશ. હવે કૃપા કરીને તમે મને તમારા ચરણોથી દૂર ન કરો.’’
 
ગુહનો પ્રેમ જોઈને શ્રી રામે તેને હા પાડી દીધી. તેણે તરત જ પર્ણકુટિર બનાવવાની આજ્ઞા આપી દીધી. શ્રી રામ ત્યાં જ રહેવા લાગ્યા.
 
અમુક ધાર્મિક ગ્રંથોમાં તો એવું પણ વર્ણન છે કે નિષાદરાજ ગુહે જ શ્રી રામને ગંગા પાર કરાવી હતી. ભગવાન વિષ્ણુ જ્યારે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના રૂપમાં અવતર્યા ત્યારે નિષાદરાજ ગુહ સુદામાના રૂપમાં જન્મ્યા હતા.