પરશુરામ - શ્રીરામને યુદ્ધ માટે લલકારનાર

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

parasurama_1  H
 

પરશુરામની શક્તિ પણ હણાઈ ગઈ અને તેઓ પામી ગયા કે રામ પોતે સાચેસાચ જ વિષ્ણુનો અવતાર છે.

એકવાર રાજા દશરથ તેમના રસાલા સાથે પસાર થઈ રહ્યાં હતાં ત્યાં જ તેમને લાગ્યું જાણે આસપાસ પરશુરામ છે.
 
પરશુરામ એટલે સાક્ષાત્ કાળ. તેમાં પણ ક્ષત્રિય રાજાઓ માટે તો એ પ્રત્યક્ષ યમસ્વરૂપ જ હતા. પરશુરામનું નામ સાંભળતાં જ દશરથના મોંમાંથી ભયભર્યો શબ્દ નીકળી પડ્યો : ‘હેં ! જમદગ્નિપુત્ર પરશુરામ ?’ માનતા ન હોય એ રીતે એમણે વસિષ્ઠ તરફ નજર નાખી. વળી કહ્યું : ‘જે પરશુરામે એકવીસ એકવીસ વાર પૃથ્વી નક્ષત્રી કરી છે એ જ આ પરશુરામ ને, મુનિ ?’
વસિષ્ઠે જોયું તો દશરથ રાજાના મોં ઉપર નર્યો ભય જ ભય દેખાતો હતો. પોતાનો રથ હાંકતા સુમંત્રને આજ્ઞા કરી, ‘સુમંત્ર, શંખ ફૂંકીને આપણી સેનાને થંભી જવાની આજ્ઞા આપ.’
 
દશરથ રાજા વસિષ્ઠ સાથે રથમાંથી નીચે ઊતર્યા. વસિષ્ઠ મુનિએ શિષ્યોને બોલાવી પૂજાની સામગ્રી સત્વરે લાવવાની આજ્ઞા કરી.
 
પાછળના રથમાંથી રામ પણ પિતા પાસે આવી ઊભા. લક્ષ્મણ પણ આવી લાગ્યો. ધૂળ ઉડાડતા આવી રહેલા પરશુરામ તરફ એ બધા એકીનજરે તાકી રહ્યા હિંગળોકિયા રંગનાં દાઢીજટા ને એવી જ એમની ચકળવકળ આંખો. ક્રોધભર્યા પરશુરામ એક હાથમાં ધનુષ્યબાણ ને દશરથની એ મંડળી આગળ આવી પહોંચ્યા.
 
આવતામાં જ રામ તરફ પોતાનું ધનુષ્ય લંબાવ્યું. કહ્યું : ‘હે દશરથનંદન રામ, લે આ મારું વૈષ્ણવ ધનુષ્ય. એને તું એકવાર ચડાવ, પછી જ હું તારી સાથે યુદ્ધ કરીશ. મારે એ જોવું છે કે શિવધનુષ તોડનાર રામ કેવોક બળવાન છે જો !’
દશરથ તો બિચારા થરથર ધ્રૂજવા જ લાગ્યા. પોતાના માથા ઉપરથી મુગટ ઉતારતાં પરશુરામને કહેવા લાગ્યા : ‘ક્ષમા કરો ! ક્ષમા કરો !’
 
વસિષ્ઠ પણ પરશુરામને વીનવવા લાગ્યા, ‘હે મહાસમર્થ જમદગ્નિપુત્ર, એકવાર તમે અમારી પૂજાનો સ્વીકાર કરો. પછી તમારી આજ્ઞા હશે તો રામ એ માથે ચડાવશે.’
 
‘ભલે.’ પરશુરામ પૂજા માટે સ્થિર થઈને ઊભા રહ્યા. આ સાથે જ ધૂળની ડમરીઓ પણ સ્થિર થઈને હવામાં જાણે થીજી રહી&
પૂજાનું કામ પૂરું થતાં વળી પરશુરામે રામને કહ્યું : ‘મને ખબર પડી છે કે તેં તાડકાનો ને સુબાહુનો સંહાર કર્યો છે. વળી તેં જનકને ત્યાં પેઢી દર પેઢીથી પૂજાતું આવેલું શિવધનુષ પણ બે કકડે કરી નાખ્યું છે, પણ અલ્યા રામ, શિવધનુષનો ભંગ કરનાર તારા જેવા ક્ષત્રિયને હું શિક્ષા કર્યા વગર રહેવાનો નથી ! ’ લે, એકવાર તું આ વિષ્ણુધનુષ ચડાવીને મને ખાતરી કરાવી દે કે મારી સામે યુદ્ધ કરવા તું લાયક છે કે કેમ ? ’
 
પરશુરામના ક્રોધનો ચેપ રામને પણ લાગ્યો હતો, પણ પિતાની આમન્યા સાચવીને એ અત્યાર સુધી શાંત બનીને ઊભા હતા.
 
તો લક્ષ્મણ વળી રામને શાંત જોઈને મનોમન અકળાઈ રહ્યો હતો. પરશુરામે રામની સામે ધરેલું ધનુષ આંચકી લેવાનું તેને મન સુધ્ધાં થતું હતું. રામની સામે એણે અકળામણભરી નજર નાખી.
 
રામે પિતાની આજ્ઞા માગતા હોય એ રીતે દશરથ તરફ ડોક ફેરવી. આ જોઈને પરશુરામ વળી ઘૂરક્યા. કહ્યું : ‘હે રામ, શું જુએ છે તું તારા પિતાની સામે ? તારામાં જો સામર્થ્ય હોય તો -’
 
રામ હવે બદલાઈ બેઠા. ચપ કરતાકને પરશુરામના હાથમાંથી વૈષ્ણવ ધનુષ આંચકી લીધું. પગનો ટેકો લેતાકને આંખ મીંચતામાં પણછ એમણે ચડાવી દીધી. કાન સુધી ખેંચતાકને ટંકાર કર્યો. બીજી જ ક્ષણે પરશુરામના હાથમાંથી બાણ પણ એમણે સેરવી લીધું. ધનુષ ઉપર સજાવતાં હેબતાઈ રહેલા પરશુરામને કહ્યું : ‘હે મુનિ, તમને બ્રાહ્મણ ગણીને હું તમારો વધ કરીશ નહિ. જો તમે કહો તો હું તમારા તપને ભસ્મ કરી દઉં કે કહો તો તમારા પગમાંથી શક્તિ હરી લઉં.’
 
પરશુરામના હાથમાંથી રામે જ્યારે ધનુષ આંચકી લીધું એ જ ક્ષણેથી પરશુરામની શક્તિ પણ હણાઈ ગઈ હતી. એ હવે પામી ગયા કે રામ પોતે સાચેસાચ જ વિષ્ણુનો અવતાર છે.