અહલ્યા - ગૌતમ ઋષિના શાપિત પત્ની

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

ahalya_1  H x W
 

ગૌત્તમ ઋષિએ અહલ્યાને શાપ આપતાં કહ્યું : ‘‘આજથી કોઈ પણ મનુષ્ય તારું કાળું મોં જોશે નહિ.’’

 
રામ-લક્ષ્મણે રાક્ષસોનો વધ કર્યો અને સિદ્ધાશ્રમમાં રહેતા હતા, એવામાં જનકપુરમાંથી જાનકીના સ્વયંવરની કુમકુમ પત્રિકા વિશ્ર્વામિત્રને મળી. શ્રીરામ અને લક્ષ્મણની સંમતિ મળતાં વિશ્ર્વામિત્રએ તેમને લઈને જનકપુરી જવા પ્રસ્થાન કર્યું. રસ્તામાં અહલ્યાજીનો આશ્રમ આવ્યો. કોણ છે આ અહલ્યાજી ? તેમની વાસ્તવિક કથા શી છે ?
 
અહલ્યાજીનો ઉલ્લેખ ‘શતપથ બ્રાહ્મણ’માં ‘અહલ્યા મૈત્રી’એ નામથી મળે છે. તદનુસાર અહલ્યા મુદ્ગલની પુત્રી અને બ્રહ્માની માનસપુત્રી મનાય છે. બ્રહ્મદેવે તેને અદ્ભુત રૂપ પ્રદાન કર્યું હતું. એનામાં ‘હલ્ય’ એટલે કે કદરૂપાપણું ન હોવાને કારણે તેનું નામ અહલ્યા રાખવામાં આવ્યું.
 
શરદ્વત ગૌતમ મુનિની જિતેન્દ્રિયતા અને તપઃસિદ્ધિ જોઈ બ્રહ્મદેવે કન્યા અહલ્યાને પત્ની રૂપે તેમને અર્પણ કરી, પરંતુ ઇન્દ્ર, અગ્નિ, દાનવ તથા અન્ય રાક્ષસોના મનમાં પણ રૂપરૂપના અંબાર સમી અહલ્યાને પ્રાપ્ત કરવાની અભિલાષા થઈ. એમણે કહ્યું કે અમારા પૈકી પ્રત્યેકના સામર્થ્યની કસોટી કરવામાં આવે. બ્રહ્મદેવે કહ્યું કે જે વ્યક્તિ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સર્વ પ્રથમ આવશે તેને કન્યા અહલ્યા આપવામાં આવશે. અહલ્યાને પામવા ઉત્સુક સૌ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા લાગ્યા, પરંતુ અર્ધ પ્રસૂતા ગાય પૃથ્વી સમાન હોઈ ગૌતમે તેની તથા એકલિંગની પ્રદક્ષિણા કરી અને બ્રહ્મદેવ પાસે સહુના પહેલાં પહોંચી ગયા. એ જોઈ બ્રહ્મદેવે પોતાની કન્યા અહલ્યાને ગૌતમ સાથે પરણાવી દીધી. ત્યાર બાદ એક પછી એક પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવવા લાગ્યા, પણ તેમને ખબર પડી કે બ્રહ્મદેવે અહલ્યાને ગૌતમ સાથે પરણાવી દીધી છે, તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા. એ સમાચારથી ઇન્દ્રની નારાજગીનો પાર નહોતો, કારણ કે તે અહલ્યાને ખૂબ જ ચાહતો હતો. લગ્ન પછી ગૌતમ અને અહલ્યા બ્રહ્મગિરી પર રહેવા ચાલ્યાં ગયાં.
 
કેટલાક સમય પછી ઋષિ ગૌતમને આશ્રમ બહાર ગયેલા જોઈને કામાસક્ત ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરીને આવ્યા અને ગૌતમની પત્ની અહલ્યા સાથે દુરાચાર કર્યો. ઇન્દ્રના શરીરમાંથી દિવ્ય સુગંધ આવવાને કારણે અહલ્યાને ખ્યાલ આવી ગયો કે આ મારો પતિ નથી. એવામાં ગૌતમ ઋષિ બહારથી ઘેર પાછા ફર્યા. તેમને જોઈને ઇન્દ્ર અત્યંત ભયભીત થઈ ગયા.
ગૌતમ ઋષિ દરરોજ નદીએ સ્નાન કરવા જતા હતા. તેમના વિદ્યાર્થીઓને ગૌતમ ઋષિનું બીજું રૂપ દેખાયું. ગૌતમ ઋષિ આવ્યા એટલે વિદ્યાર્થીઓએ તેમના આશ્રમમાં ગૌતમનું બીજું રૂપ દેખાડ્યું.
 
ગૌતમ ઋષિ અત્યંત કોપાવિષ્ટ થયા. ગૌતમ ઇન્દ્રને શાપ આપે એ પહેલાં ઇન્દ્રે બિલાડાનું રૂપ ધારણ કરી ભાગવાની કોશિશ કરી. ગૌતમને શંકા ગઈ. એમણે ઇન્દ્રને પૂછ્યું : ‘‘તું કોણ છે ?’’ ત્યારે ઇન્દ્રે પ્રગટ થઈ પોતાનું મૂળ રૂપ દેખાડ્યું. ગૌતમ ઋષિએ ઇન્દ્રને શાપ આપ્યો કે, ‘‘તું શત્રુઓ દ્વારા હારીશ અને મનુષ્યલોકમાં તેં જારકર્મ કર્યું એટલે વ્યભિચારનું અડધું પાપ તારે માથે લખાશે. દેવરાજાને આશ્રયસ્થાન ક્યારેય પ્રાપ્ત નહીં થાય અને તારા શરીરે સો છિદ્રો થઈ જશે તથા તું વૃષણ વગરનો થઈ જઈશ.’’ ત્યાર બાદ ગૌતમે અહલ્યાને પણ શાપ આપ્યો કે તું કોઈને દેખાઈશ નહીં અને તારું રૂપ નષ્ટ થઈ જશે. તું શિલા બની જઈશ અને તારા જન્મસ્થાનમાં એક સૂકી નદી બની જઈશ. તારા દેહમાં કેવળ હાડકાં અને ચામડી જ બચશે, નખ અને માંસ નહીં હોય. તારા કારણે સ્ત્રીઓમાં પાપકર્મ પ્રત્યે ભય રહેશે.
 
અહલ્યાએ પોતાના પતિને પ્રાર્થના કરતાં કહ્યું : ‘‘ઇન્દ્ર આપનું રૂપ ધારણ કરીને આવ્યા હતા એટલે હું ઓળખી શકી નહીં.’’ ગૌતમે ધ્યાન દ્વારા જાણી લીધું કે અહલ્યા નિર્દોષ છે. તેમણે શાપનું નિવારણ કરતાં કહ્યું કે ભગવાન રામ જ્યારે અહીં આવશે ત્યારે તેમના ચરણસ્પર્શથી તારો ઉદ્ધાર થશે.
 
સીતા સ્વયંવરમાં ભાગ લેવા વિશ્ર્વામિત્ર રામ-લક્ષ્મણ સાથે જનકપુરી જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અહલ્યાનો આશ્રમ આવતાં વિશ્ર્વામિત્રે રામને કહ્યું કે આ પથ્થરને તમારા ચરણથી સ્પર્શ કરો.
 
શ્રીરામે પૂછ્યું કે આપ મને આ શિલાને ચરણથી સ્પર્શ કરવાનું શા માટે કહો છો ?
 
વિશ્ર્વામિત્રે રામને સમજાવ્યું કે આ પથ્થર ઋષિપત્ની અહલ્યા છે. તમારા ચરણસ્પર્શથી જ એનો ઉદ્ધાર થશે.
રામે કહ્યું : ‘‘આપની વાત સાચી પણ મારો એ નિયમ છે કે હું કોઈ સ્ત્રીને અડકતો નથી.’’
 
ડોંગરે મહારાજે રામાયણનો ઉલ્લેખ ટાંકીને નોંધ્યું છે કે રામચંદ્રજીએ અહલ્યાને ચરણથી સ્પર્શ કર્યો નથી. રામજી ત્યાં ઊભા છે તે સમયે પવન આવ્યો અને પવનને લીધે શ્રીરામની ચરણરજ ઊડીને પથ્થર પર પડી અને અહલ્યા સજીવન થયાં.
ઇન્દ્ર અને અહલ્યાની કથા રૂપકાત્મક લાગે છે. પતિ દ્વારા શાપિત અહલ્યા નિર્જનમાં ઉપેક્ષિત બની પથ્થર જેવું જડ જીવન ગુજારતી હતી. શ્રીરામે ગૌતમને કહ્યું કે મારી માતા તુલ્ય અહલ્યાએ પારાવાર દુઃખ વેઠ્યું છે. પશ્ર્ચાત્તાપની આગમાં બળીને એ પવિત્ર બની ગયાં છે. મારું વચન રાખી આપ માતા અહલ્યાનો પુનઃ સન્માનપૂર્વક સ્વીકાર કરો. રામનું નિઃસ્વાર્થ વચન ગૌતમ ઋષિએ સ્વીકાર્યું અને અહલ્યાનો ગુનો માફ કરી તેમને પત્ની તરીકે અપનાવી લીધાં. અહલ્યાનું પથ્થર જેવું જડ જીવન પુનઃ ધબકતું થયું અને નારીત્વનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું.
 
સ્વયં તુલસીદાસજીએ એક પદમાં આ ઘટના સંદર્ભે વર્ણવ્યું છે કે જંગલમાં રહેતા ઋષિપુત્રોને ખબર પડી કે શ્રીરામના સ્પર્શથી પથ્થર સ્ત્રી બની જાય છે ત્યારે તેઓ ગેલમાં આવી ગયા. ઋષિઓએ તેમના આનંદનું રહસ્ય પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે કુંવારા છીએ. રામ રસ્તેથી પસાર થશે એટલે પથ્થરો સ્ત્રી બનતા જશે અને અમને પરણવા માટે નારી મળશે.
 
બ્રાહ્મણગ્રંથ નૈમિની સૂત્રોમાં પણ આ કથાને રૂપકાત્મક રીતે વર્ણવતાં કહેવામાં આવ્યું છે કે અહલ્યા રાત્રિ છે અને ગૌતમ ચંદ્ર છે. ઇન્દ્રરૂપી સૂર્યે અહલ્યા રૂપી રાત્રિનું ઘર્ષણ કર્યું. આ એક નૈસર્ગિક ઘટના છે. રવીન્દ્રનાથ ટાગોરે પણ અહલ્યા ઉદ્ધારનું વર્ણન કર્યું છે. તદનુસાર અહલ્યા એટલે જ્યાં હળ ચલાવાયું નથી એવી ઉજ્જડ જમીન. અગત્સ્ય ઋષિએ દક્ષિણમાં પ્રથમ વસવાટ કર્યો અને દક્ષિણની અહલ્યા એટલે કે વણખેડાએલી જમીનને ‘હલ્યા’ એટલે કે ખેડાએલી જમીન બનાવી તેનો ઉદ્ધાર કર્યો. રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો એનો એક એવો પણ અર્થ ઘટાવાય છે કે દક્ષિણની વણખેડાયેલી જમીનને ફળદ્રુપ બનાવી.
 
રામકથા અદ્ભુત છે. મૈથિલીશરણ ગુપ્તે એટલે જ કહ્યું :
 
‘‘રામ તુમ્હારા વૃત્ત સ્વયં હી કાવ્ય હૈ
કોઈ કવિ બન જાયે, સહજ સંભાવ્ય હૈ.’’