કૈકેયી - ભરતનાં માતા

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

kaikai_1  H x W
 

મંથરાની કાનભંભેરણીથી ધૈર્યવાન, બહાદુર, રામને પોતાના ભરત કરતાં વધારે ચાહનારા કૈકેયીની બુદ્ધિ પણ ફરી ગઈ.

 
ત્રેતાયુગની વાત છે. આ યુગમાં ભારતભરમાં અનેક પ્રદેશો હતા. આ દરેક પ્રદેશના રાજા-રાજ્ય વહીવટ જુદાં હતાં. એવા જ કૈકેયી નામના પ્રદેશ, રાજ્યના રાજાનું નામ હતું અશ્ર્વપતિ રાજા. અશ્ર્વપતિને સુંદર રાજકુંવરી હતી. એનું નામ કૈકેયી. રૂપ રૂપનો અંબાર અને વહાલી રાજકુંવરી પિતાને ખૂબ લાડકી હતી. રાજાને કુંવરી ઉપર અપાર પ્રેમ હતો, પરંતુ રાણી સાથે અણબનાવ હોવાથી રાણીનો ત્યાગ કર્યો હતો.
 
રાજકુંવરી, કૈકેયી તો હજી બાળક હતી. મા વગરની કુંવરી રાજમહેલમાં ઊછરવા લાગી. રાજમહેલની એક દાસી મંથરાને કૈકેયીની સાર-સંભાળની જવાબદારી સોંપવામાં આવી. પિતા રાજા હોવાથી પોતાની કુંવરીને પણ એવી જ બહાદુર અને હોશિયાર બનાવવા માંગતા હતા. રાજા અશ્ર્વપતિએ નાનપણથી જ કૈકેયીને જુદી-જુદી વિદ્યા શીખવાડવા માટેની ગોઠવણી કરી હતી.
 
સમય પસાર થતો ગયો એમ કૈકય પ્રદેશની આ સ્વરૂપવાન કુંવરી મોટી થતી ગઈ. ચંદ્રની સોળ કળાઓ જેવું એનું રૂપ ખીલ્યું, તે યુવાન બન્યાં. રૂપની સાથે કૈકેયીમાં અનેક ગુણો પણ હતા.
 
કૈકેયી રથવિદ્યા અને રણવિદ્યામાં પારંગત બન્યાં. રાજકુંવરીને રાજરાણી જેવું જ માન-પાન મળવા લાગ્યું.
 
રથવિદ્યામાં પ્રવીણ, બહાદુર, નીડર, બળવાન અને હિંમતવાન કૈકેયીએ એક લડાયક સ્ત્રી તરીકેની ખ્યાતિ મેળવી હતી.
એકવાર રાજા અશ્ર્વપતિએ અયોધ્યા નરેશ દશરથને પોતાના રાજ્યમાં આમંત્રણ આપ્યું. રાજા દશરથ આમંત્રણનો સ્વીકાર કરીને કૈકય પ્રદેશના મહેમાન બન્યા. રાજ્યની પરંપરા પ્રમાણે કૈકય રાજા અને દરબારીઓએ રાજા દશરથનું ભવ્ય સ્વાગત કર્યું. આ સ્વાગત સમારોહમાં રાજકુમારી કૈકેયીએ પણ કેટલીક વ્યવસ્થા તથા આયોજનમાં ઉત્સાહ દાખવ્યો હતો.
અયોધ્યા નરેશ દશરથ કૈકય રાજ્યમાં પોતાના ભવ્ય સ્વાગતથી અતિ ખુશ થયા. વળી, રાજકુમારી કૈકેયીથી અત્યંત પ્રભાવિત થયા. કૈકેયી રાજ્યની મુલાકાત દરમિયાન જ રાજા દશરથે, રાજા અશ્ર્વપતિ સમક્ષ કૈકેયી સાથે પોતાના વિવાહનો પ્રસ્તાવ મૂક્યો.
 
રાજા અશ્ર્વપતિ, અયોધ્યા નરેશની પ્રતિષ્ઠા, પ્રતિબદ્ધતા, પ્રામાણિકતાથી વાકેફ હતા. તો રાજા દશરથની પ્રજાવત્સલતા માટે ત્રણે લોકમાં જાણીતા હતા. આવા દયાળુ, પ્રેમાળ, બહાદુર રાજા દશરથ સાથે પોતાની કુંવરીનાં લગ્ન થાય એ કોને ન ગમે? દશરથ રાજાનો વિવાહ પ્રસ્તાવ સાંભળીને રાજા અશ્ર્વપતિ તો હરખાયા, પરંતુ એક પિતાના હૃદયે એમને વિચારવા માટે પ્રેર્યા. રાજા અશ્ર્વપતિએ થોડીવાર વિચારીને કહ્યું કે, ‘‘અયોધ્યા નરેશ, આપનો પ્રસ્તાવ કોઈ પણ રાજા નકારી શકે એમ નથી, પણ એક પુત્રીના પિતા તરીકે હું આ પ્રસ્તાવ સ્વીકારી શકતો નથી, કારણ કે આપ વિવાહિત છો.’’ આપની પ્રથમ પત્નીના પુત્રને જ રાજગાદી મળશે એ સ્વાભાવિક છે. જો આપ વચન આપો કે મારી પુત્રી કૈકેયી. આપની રાણી બને એના પુત્રને જ રાજગાદી મળશે તો હું એનાં લગ્ન તમારી સાથે કરવા તૈયાર છું. ’’
 
રાજકુમારી કૈકેયીના સૌંદર્ય અને સત્ત્વશીલ વ્યક્તિત્વથી અંજાઈ ગયેલા અને પોતાની પહેલી રાણી કૌશલ્યાને કોઈ સંતાન ન હોવાથી દશરથ રાજાએ કૈકયના રાજાને વચન આપ્યું, ‘‘તમારી પુત્રી, રાણી કૈકેયીના પુત્રને જ અયોધ્યાની રાજગાદી મળશે.’’
 
રાજા દશરથ કૈકય રાજ્યથી કૈકેયી કુંવરીને અયોધ્યાની રાણી બનાવીને લઈ આવ્યા, સાથે દાસી મંથરા પણ હતી જ. અયોધ્યામાં કૌશલ્યા રાણીએ કૈકેયીનું સ્વાગત કર્યું, પોતાની નાનીબહેનની જેમ એને આવકારી.
 
કૈકેયી અયોધ્યાના રાણીવાસમાં મહાલવા લાગ્યાં. પોતે રથવિદ્યામાં અને રણવિદ્યામાં કુશળ હોવાથી પતિ દશરથ રાજા સાથે અનેકવાર યુદ્ધમાં જતાં હતાં.
 
એકવાર દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ભીષણ સંગ્રામ થયો એમાં દશરથ રાજાની સાથે કૈકેયી પણ ગયાં હતાં. આ સંગ્રામમાં એક રાત્રે રાંબર નામના રાક્ષસે કપટ કરીને દશરથ રાજાના સારથિની હત્યા કરી. સૂર્યોદય થતાં જ યુદ્ધનો આરંભ થયો. સારથિ વગર રાજા દશરથનો રથ યુદ્ધભૂમિમાં હાલક-ડોલક થવા લાગ્યો, રથના અશ્ર્વો પર કાબૂ રાખવો મુશ્કેલ હતો. આ પરિસ્થિતિ જોતાં રાણી કૈકેયીએ તરત જ દશરથ રાજાના રથની ધુરા સંભાળી લીધી. હવે દશરથ રાજાએ એકાગ્રચિત્તે યુદ્ધમાં ઝંપલાવ્યું. આ અતિ ભયંકર સંગ્રામ દરમિયાન એકાએક દશરથ રાજાના રથના પૈડાની ધરી તૂટી ગઈ.
 
રથનો એક ભાગ નમી પડ્યો. આવા કપરા, કટોકટીના સંજોગોમાં બહાદુર, હિંમતવાન કૈકેયીએ નમી પડેલા રથના ભાગને પોતાના ખભા ઉપર ટેકવી રાખ્યો અને રથનું પૈડું નીકળી ન જાય એ માટે ધુરામાં પોતાની એક આંગળી ખોસી દીધી. આમ ત્વરિત ચતુરાઈ ભરેલા કૈકેયીના નિર્ણયને કારણે દશરથ રાજાના પ્રાણ બચ્યા.
 
રાજા દશરથ પોતાની પ્રિય કૈકેયી રાણીની બહાદુરી પર ન્યોછાવર થઈ ગયા. એમણે રાણીને કહ્યું, ‘‘રાણી, હું તમારા પર અતિ પ્રસન્ન થયો છું. તમને બે વરદાન આપવા ઇચ્છું છું. તમે જે ઇચ્છો એ માગો.’’ રાજાનાં વચનો સાંભળી રાણી ખુશ થયાં. એમણે જવાબ આપ્યો, ‘‘રાજન, અયોધ્યા નરેશ, મારા વરદાન હું વખત આવશે ત્યારે માગીશ.’’
 
સમય જતાં કૌશલ્યાએ રામ, કૈકેયીએ ભરત અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્ન પુત્રને જન્મ આપ્યા.
 
અયોધ્યામાં ચાર-ચાર રાજકુમારોનો જન્મ થયો. સમગ્ર અયોધ્યામાં આનંદ આનંદ વ્યાપ્યો. રાજા દશરથ તો બાળક રામનું મુખ જોઈને જ વશ થઈ ગયા. રામ& રામ એમના પ્રાણપ્રિય, દશરથના શ્ર્વાસે શ્ર્વાસે રામનું રટણ ચાલતું રહેતું.
 
ચારેય રાજકુમારો મોટા થયા. સમય જતાં આ રાજકુમારોને શસ્ત્રવિદ્યા તથા અન્ય વિદ્યાની તાલીમ માટે વસિષ્ઠ ઋષિના આશ્રમમાં મોકલાયા. શસ્ત્ર વિદ્યા શીખ્યા બાદ રામ અને લક્ષ્મણ વિશ્ર્વામિત્ર સાથે ગયા અને અનેક દુષ્ટોનો વધ કર્યો. ત્યારબાદ સમય જતાં શ્રી રામ તથા સીતાના લગ્ન થયા તે જ રીતે સીતાની બહેનો સાથે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના પણ લગ્ન થયા.
 
અયોધ્યામાં ચાર-ચાર પુત્રવધૂઓ આવી. અખિલ અયોધ્યાએ સોળ શણગાર સજ્યા. આખી નગરી નવવધૂ સમી ખીલી ઊઠી. દશરથ રાજાએ નિર્ણય કર્યો કે, આવતીકાલે સવારે રામને રાજગાદી આપવી.
 
કૈકેયીને સદાય સુખી જોવા, સુખી કરવા ઇચ્છતી મંથરાએ આ સમાચાર કૈકેયીને આપ્યા. રાણી કૈકેયી અત્યંત રાજી થયાં, પરંતુ મંથરાએ રાણીને યાદ અપાવ્યું કે, રાજાએ તમારા પિતાને વચન આપ્યું હતું કે, તેઓ તમારા પુત્રને રાજગાદી આપશે. વળી, તમારે બે વરદાન માંગવાનાં પણ બાકી છે. વરદાન માંગવાનો આ શ્રેષ્ઠ સમય છે. ભરતને રાજગાદી અને રામને ચૌદ વરસનો વનવાસ. આ બે વરદાન તમે માંગી લો. મંથરાની કાનભંભેરણીથી ધૈર્યવાન, બહાદુર, રામને પોતાના ભરત કરતાં વધારે ચાહનારા કૈકેયીની બુદ્ધિ પણ ફરી ગઈ. એ પછી જે બન્યું એ જ ‘રામાયણ’ છે.
 
આજ્ઞાંકિત ‘રામ’ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર રાજ, સુખ, સમૃદ્ધિ છોડીને વનમાં જવા તૈયાર થઈ ગયા. પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ગયાં. આ દરમિયાન ભરત એના નાનાજી પાસે ગયા હતા. રામે વનપ્રયાણ કર્યું. રામના વિયોગમાં દશરથે કૈકેયીનો ત્યાગ કર્યો અને એમણે પ્રાણ ત્યાગ્યા.
 
ભરતને અયોધ્યા તેડાવ્યા. આખી ઘટના જાણીને ભરતે પોતાની જન્મદાત્રી માતા કૈકેયીનો ત્યાગ કર્યો. સાથે સાથે રાજગાદીનો પણ ! રામની જેમ જ તપસ્વી બનીને એક કુટિરમાં રહ્યા. પોતાના પુત્રના સુખ માટે માગેલાં બેય વરદાન નિષ્ફળ ગયાં. પોતાના કારણે પતિને ગુમાવ્યા. પુત્ર ભરતે ઉપેક્ષા કરી. આ બધાંને કારણે કૈકેયીને પોતાની ભૂલ સમજાઈ. વનમાં જઈને રામની માફી માગી. રામને અયોધ્યા પાછા ફરવા માટે વિનંતી કરી, પરંતુ શક્ય ન બન્યું. પોતે અયોધ્યા આવીને તપસ્વી જીવન અપનાવ્યું.
 
માતા કૈકેયીએ જે કંઈ કર્યું હતું તેનું શ્રીરામને કોઈ દુઃખ નહોતું. વનવાસ પૂરો થયા પછી શ્રી રામ અયોધ્યા પરત આવી સૌ પ્રથમ માત કૈકેયીને મા અને પ્રણામ કરીને કહ્યું, હે માતા, આપ મનમાં કોઈપણ પ્રકારનો સંકોચ ન રાખશો. ખરેખર તો આપના કારણે જ હું સીતાનો ત્યાગ અને લક્ષ્મણની ભાતૃભક્તિ અને હનુમાન જેવા મિત્રની મિત્રતા પામી શક્યો છું. આ વાક્યો સાંભળી કૈકેયીની આંખમાંથી પસ્તાવાના આંસુઓ સરી પડ્યાં.