કૌશલ્યા - શ્રી રામનાં માતા

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

kaushalya_1  H
 
 

કૈકેયી, તારે પુત્ર ભરતને ગાદી અપાવવી હતી તો એમાં અમે કોઈ વિરોધ ન કરત. રામને તો ભરત માટે આવું કરતાં અત્યંત ખુશી થાત.

 
હું રાણી કૌશલ્યા, આજે સ્વર્ગમાંથી પૂરા ભારતવર્ષને જોઉં છું અને મને ભારતવર્ષની પ્રજા સાથે થોડીક વાત કરવાનું મન થાય છે. સમય ઘણો પરિવર્તન પામ્યો છે પણ તમારે સૌએ ફરી ભગવાન રામને અને રામાયણને યાદ કરવાની જરૂર છે.
લોકો મને ભગવાન શ્રી રામની માતા તરીકે ઓળખે છે અને એ જ મારી સાચી ઓળખાણ છે. પછીથી ઋષિ વાલ્મીકિએ રામાયણ રચ્યું અને અમને તમારી સમક્ષ મૂક્યાં. એમણે આ ઉમદા કાર્ય કર્યું. એમ કરીને એમને ભારતવર્ષની સંસ્કૃતિને વિશ્ર્વ સામે મૂકી. હું ઇચ્છીશ કે ઋષિ વાલ્મીકિને પણ તમે સૌ યાદ કરો. મારો પુત્ર રામ, જેના નામથી રામાયણ રચાયું, એનો અર્થ શું થાય જાણો છો ? રામ+અયણ= રામની પ્રગતિ કે રામની યાત્રા.
 
ઉત્તર ભારતમાં આવેલી અયોધ્યા નગરીના સૂર્યવંશી રાજા દશરથ સાથે મારા વિવાહ થયા. મહાપ્રતાપી રાજા ભરતના વંશજ રાજા દશરથ, અજ અને ઇંદુમતીના પુત્ર હતા. એમની વાત તમે બીજેથી પણ જાણી શકશો. મારે તમારી સાથે મારા જીવનની વાત કરવી છે. હું કૌશલ દેશની કુંવરી એટલે કૌશલ્યા.
 
અમારી કથા એટલે ત્રેતાયુગની વાત. આ જ સમયગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતું. રાવણ એક અત્યાચારી રાજા હતો. દેવતાઓએ રાવણનો નાશ કરવાની ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુએ શ્રી રામ સ્વરૂપે મારી કૂખે અવતાર લીધો.
 
રાજા દશરથને મુખ્ય ત્રણ રાણીઓ હતી. હું એટલે કે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. હું સૌથી વરિષ્ઠ રાણી. એથી હું પટરાણી હતી. રાજા દશરથને કોઈ પુત્ર નહોતો એટલે એમણે પુત્ર-કામેષ્ટિ યજ્ઞ કર્યો. યજ્ઞમાં પતિ સાથે પટરાણી તરીકે દીક્ષિત થનારી હું અને આમ યજ્ઞદેવતા પાસેથી પ્રસાદી રૂપે પ્રાપ્ત થયેલી અને ત્રણે રાણીઓ વચ્ચે વહેંચાયેલી ખીરનો અર્ધો હિસ્સો મહારાણી તરીકે મારે ભાગે આવ્યો હતો.
 
આ યજ્ઞના ફળસ્વરૂપે મારી કૂખે શ્રી રામ જન્મ્યા. રાણી સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન તથા રાણી કૈકેયીને ભરત પુત્રરૂપે પ્રાપ્ત થયા. વિશ્ર્વમાં એવી કઈ માતા હશે જેને પુત્રપ્રાપ્તિનો આનંદ ન હોય ! પોતાના સંતાનનું મુખદર્શન માતાના હૈયામાં આનંદના ઓઘ ઉછાળે છે. જ્યારે હું કેવી ભાગ્યશાળી કે સ્વયં ભગવાન શ્રી રામને મેં મારા પુત્ર તરીકે મેળવ્યા હતા ! વિશ્ર્વની સૌથી ભાગ્યશાળી સ્ત્રી હું હતી. પણ યાદ રહે કે અમે બધી જ રાણીઓ ભગિનીસ્નેહ હૃદયે ધરી જીવન વિતાવતી હતી એટલે રામ જેટલા જ મને લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત પણ પ્રિય હતા.
 
હું મહારાણી હતી પરંતુ કૈકેયી રાજા દશરથની માનીતી રાણી હતી અને હું એને મારી પ્રિય નાની બહેન સમજતી હતી. મને એના માટે ક્યારેય દ્વેષ થયો નથી. સદાયે એ મારા પ્રેમની અધિકારી રહી. રાજા દશરથ કૈકેયી સાથે વધુ સમય વીતાવતા પણ મને એના માટે કદી ઈર્ષ્યા નથી જન્મી, પરંતુ કૈકેયીએ માંગેલાં વરદાન સમયે પરિસ્થિતિ અતિ ગંભીર અને વિપરીત બની ગઈ.
 
મેં જાણ્યું નથી કે કદી કૈકેયીએ પુત્ર રામનો દ્વેષ કર્યો હોય. પુત્ર રામ પ્રત્યે એને પણ એટલો જ સ્નેહ હતો. ઇક્ષ્વાકુ વંશ અનુસાર પટરાણીનો જ્યેષ્ઠ પુત્ર પિતાનો વારસદાર બને, રાજા બની રાજ્યશાસન સંભાળે એ સર્વસ્વીકૃત સત્ય હતું અને પુત્ર રામ તો માત્ર મારો કે કૈકેયીનો જ નહીં, સમગ્ર પ્રજાના પણ હૃદયે વસતો હતો. કૈકેયીએ રાજા દશરથ પાસે માંગેલાં બે વરદાન - પુત્ર ભરતને અયોધ્યાનો ગાદીવારસ બનાવવો અને પુત્ર રામને તત્કાળ વનવાસ આપવો એ મારા માટે તો વજ્રાઘાત બની રહ્યાં. રાજમહેલમાં કે રાજ્યમાં આ વાત કોઈ સ્વીકારી શકે એમ નહોતું.
 
કૈકેયીએ આ પહેલાં પણ મારી સાથે કદીક અનુચિત વ્યવહાર કર્યો છે પણ મેં કદી એ લક્ષમાં નહોતો લીધો. એના વર્તનને મેં હંમેશા માફ જ કર્યું અને એના પ્રત્યે સ્નેહની સરવાણી જ વર્ષાવી. પણ આ વરદાનની વાત સાવ જુદી હતી. સહન ન થઈ શકે એવી હતી. મારું હૃદય દુખથી અને આઘાતથી ચિરાઈ ગયું. મારા વિલાપથી દિશાઓ ભરાઈ ગઈ. હાય, કૈકેયી, તારે પુત્ર ભરતને ગાદી અપાવવી હતી તો એમાં અમે કોઈ વિરોધ ન કરત. પુત્ર રામને તો પોતાના લઘુબંધુ ભરત માટે આવું કરતાં અત્યંત ખુશી થાત. એને ક્યાં કશાયનો મોહ રહ્યો છે ! પણ રે નિષ્ઠુર કૈકેયી, તેં આ શું માંગ્યું ? રામનો વનવાસ ! શા માટે ? એણે તારો કયો અપરાધ કર્યો હતો ? શા માટે તેં એને અને અમને સૌને આવી આકરી શિક્ષા કરી ? હું પુત્ર રામ વગર કેવી રીતે જીવી શકીશ ? મારા આ કુમળા રાજકુમારને વલ્કલમાં કેવી રીતે નિહાળી શકીશ ? એ પહેલાં મારા પ્રાણ ચાલી જાય તો સારું ! આ કુઠારાઘાતથી મારા હૈયામાં કૈકેયી માટે અત્યંત ક્રોધ જન્મ્યો.
 
બીજી બાજુ રાજા દશરથ પણ ‘હા, રામ હા, રામ’ કરતાં મૂર્છિત થઈને પડ્યા, કેમ કે પુત્ર રામે તો આવતાવેંત માતા કૈકેયીની આજ્ઞા શિરોધાર્ય કરી હતી અને ત્વરિત વનપ્રસ્થાનની તૈયારી આરંભી દીધી હતી. આઘાત ઉપર આઘાત એ હતા કે સીતા અને લક્ષ્મણ પણ પુત્ર રામ સાથે જ વનગમન માટે તૈયાર થઈ ગયાં હતાં. કાચી વયનાં મારાં કુમળાં બાળકો વનજીવન કેવી રીતે સહી શકે ? હાય, કૈકેયી, તને આવી મતિ સૂઝી ? હાય મારું દુર્દૈવ ! હવે હું અહીં રાજમહેલમાં રહીને શું કરું ? મારે પણ વનવાસ જ જોઈએ.
 
મારો ક્રોધ રાજા દશરથ માટે પણ હતો. રાણી કૈકેયી પતિની માનીતી રહી ત્યાં સુધી મેં ક્ષણભર પણ એનો દ્વેષ નથી કર્યો. મારી રાજા પ્રત્યે પણ એ જ પ્રીતિ રહી છે પણ એનું આ પરિણામ ? શું રાજા દશરથ પિતા નથી ? એને પુત્ર રામ માટે તનિક પણ સ્નેહ નથી ? આવું વરદાન એ કેવી રીતે આપી શકે ? મારે સૌની સાથે વનગમન જ જોઈતું હતું, ભલે અંત:પુરમાં રાજા દશરથ કૈકેયી સાથે બધા સુખ ભોગવે !
 
પુત્ર રામ આ વાત સ્વીકારી શકતા નથી. પતિસેવા એ જ મારું પ્રથમ કર્તવ્ય છે એ વાત એ દૃઢપણે કરે છે અને મારે એ સ્વીકાર્યા વગર છૂટકો નથી.
 
રામ વિદાય લઈ રહ્યા છે અને વલ્કલ પહેરેલી રાજકુંવરી સીતાની સામે હું કેમેય મારી જાતને માફ કરી શકતી નથી, પરંતુ આ કરાલ કાળ અમારી પર ત્રાટકી ચૂક્યો છે. મારે વનવેશ ધરેલાં મારાં સંતાનોને આશીર્વાદ જ આપવા રહ્યા ! સારથિ સુમંત્રના રથ પર સવાર થઈ રામ સીતા અને લઘુબંધુઓ સાથે વન સિધાવ્યા ! મને થાય છે કે મારું હૃદય લોખંડનું બનેલું હોવું જોઈએ નહીંતર એ ફાટી કેમ જતું નથી ?
 
પુત્ર રામે શું ભવિષ્યદર્શન કર્યું હશે ? રાજા દશરથ રામવિદાયનો આઘાત સહી ન શક્યા અને મૂર્છિત થઈને ઢળી પડ્યા. હું સઘળા મોહમાંથી બહાર આવી. હવે મારા પતિ જ મારું સર્વસ્વ છે અને એમના દુખને હળવું કરવું એ જ મારી પ્રથમ ફરજ છે. મેં મનોમન રાજા દશરથને કહેલાં કટુ વચનોની માફી માંગી. આખરે એ પુત્રપ્રેમને કારણે જ ઉચ્ચારાયા હતા ! રાજા દશરથના ભાંગી પડેલા હૈયાને મેં સહારો આપ્યો અને એમને સંભાળીને હું ભવનમાં લાવી. રાજા પણ જાણે મને પોતે અન્યાય કર્યો છે એ અનુભવતા હતા અને એ પછી એ ક્યારેય કૈકેયીના ભવનમાં ગયા નથી. કદીક એમણે મારી હાથ જોડીને માફી માંગી છે. જો કે એમની એવી દશા બદલ મને ક્યારેય સુખ પ્રાપ્ત થયું નથી.
 
આઘાત ન સહી શકતાં આખરે રાજા દશરથ ‘રામ રામ’ વિલાપ કરતા સ્વર્ગે સિધાવ્યા. એક સાથે પુત્રનું વનગમન અને પતિનું દેહાવસાન, મારા ધૈર્યને કેવી રીતે સંભાળી શકે ? રુદન અને શોકથી મારું હૈયું ભાંગી પડ્યું. કૈકેયી પ્રત્યે ફરી એકવાર ક્રોધ જનમ્યો પણ આખરે આ બધું નિયતિને આધીન છે અને દૈવ સ્વીકારવું જ રહ્યું.
 
એક વિકટ પરિસ્થિતિને કારણે ડહોળાયેલું મન ધીરે ધીરે શાંત થયું. પ્રેમ અને સ્નેહનાં નિર્મળ જળ સપાટી પર રહ્યાં. ક્રોધનો કાદવ નીચે બેસી ગયો. એ પછી ધીરે ધીરે કૈકેયી પ્રત્યે પણ મારો રોષ શમી ગયો. ધર્મ એ જ જીવન છે અને નિયતિનો સ્વીકાર એ જ ધર્મ છે. પુત્ર રામે પણ આવું જ કહ્યું છે.
 
સમય પાણીના રેલા પેઠે વહી જાય છે. રામ અયોધ્યા પાછા ફરે છે અને રાજભવન અને અયોધ્યા પુનર્જીવિત થાય છે. પરંતુ સમય બદલાઈ ચૂક્યો હતો. મારો ધર્મ એ હતો કે પુત્ર અને પુત્રવધૂઓનાં મુખ જોઈને શેષ આયુષ્ય પૂરું કરવાનું. દૈવ, નિયતિ એ જ સમગ્ર જીવનવ્યવસ્થાનું પ્રાણતત્વ છે એ સત્ય હું સૌને સમજાવવા માંગું છું.
 
સંપૂર્ણ રામકથા તો આપ સૌ જાણો જ છો. રામના અયોધ્યા આગમન પછી કેવી કેવી ઘટનાઓ બની એ પણ તમે જાણો છો, પરંતુ એ સૌમાં દૈવ સિવાય બીજું શું હતું ? કશું જ નહીં. અને મારા પુત્ર, હા, શ્રી રામને મારા પુત્ર કહેવાનું સૌભાગ્ય હું કેવી રીતે ચૂકી શકું ? મારા પુત્ર શ્રી રામનું સમગ્ર જીવન પણ આ જ કહે છે કે સૌ પ્રત્યે સ્નેહ અને માત્ર સ્નેહ એ જ જીવન છે. હૃદયમાં ક્યાંય દ્વેષ કે ક્રોધને સ્થાન જ ન હોવું જોઈએ. જે કાંઈ બને છે એ દૈવ છે, નિયતિ છે અને દૈવનો સ્વીકાર એ જ ધર્મ છે.
આજીવન મેં પુત્ર રામના આ આદર્શને અનુસર્યો છે અને એ વાતનો મને અત્યંત આનંદ છે. શ્રી રામનો જય હો !