લક્ષ્મણ - શ્રી રામના ભાઈ

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

laxaman_1  H x
 
 

સામાજિક બંધનોની સુખ-સાહ્યબીનો ત્યાગ કરીને લક્ષ્મણ, શ્રીરામ સહિતનાં રામાયણનાં તમામ પાત્રોથી આગળ નીકળી ગયા છે.

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રની સાથે જન્મથી મહાપ્રયાણ સુધી લઘુબંધુ તરીકે સેવા અને ફરજ-આજ્ઞાનું પાલન કરનાર લક્ષ્મણ, રામાયણનાં પાત્રોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કોઈ બે ભાઈઓ વચ્ચેના પ્રેમ અને લાગણીના બંધનને રજૂ કરવું હોય તો ‘રામ-લક્ષ્મણની જોડી’ એવું હુલામણુ ઉદ્બોધન કરાય છે. સુમિત્રાપુત્ર લક્ષ્મણ સેવા, વચનપાલન, શૌર્ય-પરાક્રમ, બુદ્ધિચાતુર્ય માટે તથા દુશ્મન સામે પડકાર ફેંકનાર અયોધ્યાના વીરપુત્ર તરીકે અમર છે. જીવનના ઘટનાક્રમમાં લક્ષ્મણમાં રહેલ સર્વે ગુણોનાં દર્શન થાય છે. પિતા દશરથનું અવસાન તથા શ્રી રામને વનવાસ થયાની ઘટનામાં લક્ષ્મણ, મોટાભાઈ તથા માતા સમાન સીતાજીની સેવામાં ચૌદ વર્ષ વનવાસ ભોગવે છે. વનમાં શ્રીરામચંદ્ર તથા સીતાજીની સેવા તથા સુરક્ષામાં લક્ષ્મણ ઊણા ઊતરતા નથી. દિવસ-રાત્રી તેમનો પહેરો કરે છે તથા નિત્ય આવશ્યક મૂળભૂત જરૂરિયાતો માટે સતત પ્રયત્નશીલ રહે છે. રામ-લક્ષ્મણની જોડને કામદેવ કે કોઈ દેવ-દાનવ ફસાવી શક્યા નથી. જ્યારે શ્રી રામચંદ્રને કપટી મારિચ, સોનાનું મૃગ બની વનમાં દોરી ગયો હતો ત્યારે પર્ણકુટિરમાં સીતાજીની રક્ષા કરતા લક્ષ્મણે સીતાજીને સૂચના આપી હતી કે તેમણે લક્ષ્મણે દોરેલી દેવી રેખાને ઓળંગવી નહીં. રાવણ સાધુનો વેશ ધરી સીતાજીનું હરણ કરવા આવે છે અને ભિક્ષા માગે છે ત્યારે સીતાજી લક્ષ્મણરેખા ઓળંગી ભિક્ષા આપે છે તેથી રાવણ તેમનું હરણ કરે છે.
 
કોઈ મર્યાદા ઓળંગવાથી કેવાં માઠાં પરિણામ આવે છે તેનું આ ઉદાહરણ છે. લક્ષ્મણે તપ તથા મંત્રશક્તિથી આ ‘લક્ષ્મણ રેખા’ દોરી હતી. આજે પણ આ લક્ષ્મણરેખા સમાજમાં મર્યાદાના મૂલ્યને સમજાવે છે. આ પ્રસંગમાં લક્ષ્મણ એક સાચા સિપાઈ તરીકે ઊપસી આવે છે.
 
વનવાસ દરમિયાન રાવણની બહેન શૂર્પણખાએ શ્રી રામચંદ્ર પર મોહિત થઈ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તે દરમિયાન લક્ષ્મણ પણ ત્યાં ઊભા હતા. આ રાક્ષસીએ લક્ષ્મણ પર પણ જીવ બગાડ્યો. એ પછી લક્ષ્મણે શૂર્પણખાનો ચોટલો પકડી લક્ષ્મણ તલવાર વડે તેના નાક અને કાન કાપી નાખે છે. બાદ શૂર્પણખાનો બદલો લેવા રાક્ષસો યુદ્ધ કરવા આવે છે. તે વેળા લક્ષ્મણ પણ શ્રીરામની સાથે રહી રાક્ષસોનો સંહાર કરે છે. પર્ણકુટિરમાં રાત્રિ દરમિયાન સીતા-રામનો પહેરો ભરે છે. ત્યારે રામે હસીને કહ્યું, ‘ભાઈ લક્ષ્મણ ! તું તો હંમેશા એક આંખે જાગતો ને એક આંખે ઊંઘતો જ હોય છે ને ?’ ત્યારે લક્ષ્મણજીએ પણ શ્રીરામને કહ્યું, ‘જ્યેષ્ઠ બંધુ ! આ શૂર્પણખાના પ્રસંગથી હવે તો મારે બંને આંખે જાગતા રહેવું પડશે.’ આ પ્રસંગ પછી એવું મનાય છે કે ચૌદ વર્ષના વનવાસમાં લક્ષ્મણ ઊંઘ્યા જ નથી.
 
વ્યક્તિ પોતાના આખાયે વ્યક્તિત્વને ઓગાળી બીજામાં સમર્પિત કરી જીવનની ઊંચામાં ઊંચી સ્થિતિએ પહોંચે તેનું ઉદાહરણ લક્ષ્મણ છે. લક્ષ્મણે માતા સુમિત્રા, પત્ની ઊર્મિલા તથા પુત્ર ચંદ્રકેતુને પણ પુત્ર, પતિ અને પિતાનું સુખ ન આપ્યું. સામાજિક બંધનોની સુખ-સાહ્યબીનો ત્યાગ કરીને લક્ષ્મણ, શ્રીરામ સહિતનાં રામાયણનાં તમામ પાત્રોથી આગળ નીકળી ગયા છે. શ્રી વાલ્મીકિજીએ લક્ષ્મણના પાત્રમાં ‘ત્યાગે સો આગે’ સૂત્રને ચરિતાર્થ કર્યું છે. લક્ષ્મણે જીવન પર્યંત ભાભી સીતાજીમાં મા સમાન માતૃશક્તિનાં દર્શન કર્યાં છે. જ્યારે લક્ષ્મણને સીતાજીનો પરિચય આપવા કહ્યું, ત્યારે તેમણે કહ્યું, ‘હું હંમેશાં માતા સીતાના ચરણોમાં રહી તેમનાં ચરણોનાં જ દર્શન કરતો. હું માત્ર તેમના પગનાં આભૂષણોને જ ઓળખું છું.’
રામાયણમાં લક્ષ્મણના ઉગ્ર સ્વરૂપનો પ્રસંગ પણ છે. સુગ્રીવે શ્રીરામને સીતાની શોધમાં મદદ કરવાનું વચન આપ્યું હતું.
 પણ સુગ્રીવ તેનો રાજ્યાભિષેક થવાથી એશ-આરામમાં પડી ગયો. રામને આપેલ વચન ભૂલ્યો હોય તેવું લાગ્યું. તેની વાનરસેના પણ સીતાજીની શોધમાં નીકળવા આતુર હતી પણ સુગ્રીવ તેના મહેલને છોડતો ન હતો.
 
તે ભોગવિલાસમાં મહેલમાં સૂઈ રહેતો હતો. હનુમાનજી પણ તેને મહેલની બહાર કાઢવા અસમર્થ જણાતા હતા. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પણ ચિંતામાં હતા ત્યારે લક્ષ્મણ શ્રી રામચંદ્રની મૂંઝવણ સમજી ગયા. તેમના ગુસ્સાનો પાર ન રહ્યો. તેમણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સુગ્રીવ રાજા લક્ષ્મણના આ સ્વરૂપને જોઈ ગભરાઈ ગયો. તે બેબાકળો થઈ મહેલની બહાર આવ્યો. શ્રીરામને પ્રણામ કરી વાનર સેનાને સીતાજીની શોધ માટે સક્રિય કરી. લક્ષ્મણના ઉગ્ર સ્વરૂપથી શ્રીરામ પણ વિસ્મય પામ્યા. તેમણે લક્ષ્મણજીને શાંત કરતાં કહ્યું, ‘ભાઈ, સુમિત્રાપુત્ર ! મને તો થયું કે સુગ્રીવનું આવી બન્યું પણ મારી ઓથે તેં તારો ક્રોધ સમાવ્યો ને સુગ્રીવ બચી ગયો. સમય પડ્યે ક્રોધ પણ કેટલો આવશ્યક છે તથા સામેવાળાને કર્તવ્યનું ભાન કરાવે છે તેની પ્રતીતિ વાનરસેનાને પણ થઈ છે.’
 
ગોસ્વામી તુલસીદાસજીએ પણ લક્ષ્મણને શ્રીરામચંદ્રના સાથી-સેવક તરીકે વર્ણવ્યા છે. શ્રીરામે કહ્યું, ‘ભાઈ લક્ષ્મણ ! તું ક્યારેય મારાથી વિખૂટો પડ્યો નથી, જેમ કે મારી છાયા મારાથી વિખૂટી પડતી નથી. તું મારી સાથે વનમાં આવ્યો ન હોત તો સીતાની શોધમાં રડી રડીને હું દેહ પાડત. ખર-દૂષણ રાક્ષસોના સંહારમાં તારી વીરગાથા હંમેશા યાદ રહેશે. હે બંધુ ! સીતા વિના હું દીન થઈ ગયો હતો. મારી ગાંડા જેવી મનોદશામાં તેં ધીરજ આપી સીતા મળશે તેવું સાંત્વન આપ્યું છે.’
 
રામાયણ મહાગ્રંથમાં વાલ્મીકિએ શ્રીરામ-રાવણના યુદ્ધમાં લક્ષ્મણને કુશળ યોદ્ધા તરીકે વર્ણવ્યો છે. લક્ષ્મણ રાવણસેનાનો સંહાર કરે છે. છેવટે દશાનન-પુત્ર ઇન્દ્રજિત તેને મૂર્છિત કરે છે. લક્ષ્મણને સજીવન કરવા માટે હનુમાનજી તથા રાજવૈદ્યની સેવાઓ પણ રામાયણમાં અદ્ભુત વર્ણવી છે.
 
શ્રી રામચંદ્ર લક્ષ્મણનો ત્યાગ કરે છે અને લક્ષ્મણના મહાપ્રયાણ સ્વર્ગારોહણનો પ્રસંગ પણ લક્ષ્મણની વિદાય માટે અદ્ભુત છે.
શ્રીરામે અમાત્યોને બોલાવ્યા. કુલગુરુ વસિષ્ઠ સાથે આ અંગે ચર્ચા કરી. વસિષ્ઠજીએ રસ્તો કાઢતાં કહ્યું, ‘હે મહારાજ ! જો તમે લક્ષ્મણનો ત્યાગ કરશો તો વધ કર્યા બરાબર લેખાશે. માટે આ ક્ષણે જ લક્ષ્મણનો ત્યાગ કરો. તુરત જ શ્રીરામ રુદનીય કરુણ એવા ધીમા સ્વરે બોલ્યા, ‘હવે કશું જ બાકી નથી. કાળ પણ તેનું કામ કરશે. હું આ જ ક્ષણે લક્ષ્મણનો ત્યાગ કરું છું !’
 
શ્રીરામનાં આ વચન સાંભળી લક્ષ્મણની આંખો આંસુથી ભરાઈ આવી. તેમણે શ્રીરામચંદ્રથી મુખ ફેરવી દીધું. નગરમાંથી બહાર નીકળી ગયો. અયોધ્યામાં સ્નેહીજનો પત્ની, પુત્રો તથા માતાને મળવા પણ ગયા નહીં. સરયૂ નદીના જળનું આચમન કરી, પદ્માસન વાળી સમાધિમાં ઊતરી પડ્યા અને સરયૂ નદીમાં સમાઈ ગયા.