સીતા માતા - રાજા જનકના પુત્રી શ્રી રામનાં ધર્મપત્ની

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

sita_1  H x W:
 

સીતાજીનું પાત્ર એક આદર્શ પતિવ્રતા નારી, આદર્શ માતા, પરિવારમાં પ્રેમ ઉજાગર કરનાર, નારીશક્તિ સ્વરૂપે હંમેશા ચિરસ્મરણીય રહેશે.

પુરાણોમાં સૃષ્ટિના આદિકાળની એક ધર્મકથામાં સીતાના પ્રાગટ્યની કથા છે. શ્રી લક્ષ્મી મહામાયાએ એક દિવસ મહાવિષ્ણુને પૂછ્યું, હે પરમાત્મા ! મનુષ્યલોકમાંથી દુઃખ અને સંતાપના સિસકારા તથા ડૂસકાં લગાતાર કેમ સંભળાયા કરે છે ? મનુષ્ય આ રીતે દુઃખ શા માટે ભોગવે છે ? તેમને શું એટલી ખબર નથી કે આ બધી આપની લીલા છે ? હે પ્રભુ ! આપની જ માયાનો ખેલ છે તે મનુષ્યો નથી જાણતા ?
 
મહામાયાની વાણી સાંભળી મહાવિષ્ણુએ કહ્યું, મહામાયે ! આપણે એક કામ કરીએ. દેવો તથા ઋષિઓના આગ્રહથી આપણે પૃથ્વીલોકમાં મનુષ્ય અવતાર ધારણ કરીએ અને મનુષ્યના દુઃખ અને સંતાપોનો જાતઅનુભવ મેળવીએ તો તમને મૂંઝવતા બધા જ પ્રશ્નોનું સમાધાન થશે. આ સાંભળી મુખ પ્રાતઃકાળના કમળની જેમ ખીલી ઊઠ્યું. તેમણે કહ્યું, નાથ, એમાં મને પૂછવાની શી જરૂર ? આપણો સંકેત એ મારો પરમધર્મ તથા સુખ છે. આ સંવાદ અનુસાર ત્રેતાયુગમાં મહાવિષ્ણુ અયોધ્યામાં દશરથ રાજાને ત્યાં શ્રીરામના મનુષ્ય સ્વરૂપે અને મિથિલાનગરીમાં લક્ષ્મીજી રાજા જનકવિદેહીને ત્યાં સીતાજી સ્વરૂપે અવતાર ધારણ કરે છે.
 
વાલ્મીકિજીએ મનુષ્યલોકમાં શ્રીરામ તથા સીતાના અવતાર થતાં તે સંદર્ભે રોચક ધર્મકથાને મહાકાવ્ય સ્વરૂપે રચી. એ જ આપણી રામાયણકથા. રામાયણ કથામાં જનકરાજાને ત્યાં સીતાનો જન્મપ્રસંગ રસમય છે. મિથિલાના રાજા જનક આદર્શ તથા ધર્મપરાયણ હતા. પ્રાચીન સમયમાં આદર્શ રાજાઓ પોતાનું ભરણપોષણ જાતે જ કરતા. રાજાઓ જાતે જ ખેડૂતોની જેમ બીજની વાવણી માટે હળ હાંકતા હતા. તે દરમિયાન તેમણે જોયું કે ખેતરમાં ખેડેલી જમીનમાં એક તેજસ્વી બાલિકા નજરે પડી. આ બાલિકાને જોતાં જ તેને ખોળામાં લઈ આનંદઘેલા થઈ જનકરાજા રાણી પાસે આવ્યા. રાણીએ આ બાલિકાને જોતાં કહ્યું, હે રાજન ! આજે આપણું ભાગ્ય ઊઘડી ગયું છે. ધરતી માએ આપણી લાંબા સમયની મનોકામના પૂરી કરી છે.
શુક્લ પક્ષમાં વધતા ચંદ્રમાની જેમ આ બાળકી તેના રૂપ, ગુણ અને સૌંદર્યથી દિવસે બમણી અને રાત્રે ચારગણી વધવા લાગી. આ બાળકી એ જ આપણા મહામાયા સીતાજી. તેમનું પ્રાગટ્ય મહા વદ આઠમે થયું હોવાથી, આ દિવસને વિશ્ર્વમાં સીતાજયંતી તરીકે પણ ઊજવાય છે. સીતાજીને જનકરાજાએ તેમના ખોળામાં લઈ તેનું લાલન-પાલન કરેલું તેથી સીતાને જાનકીનું હુલામણું નામ પણ મું.
 
મિથિલામાં જનકરાજાને ત્યાં સીતાજીના જન્મકાળના સમયાંતરે અયોધ્યામાં દશરથ રાજાને ત્યાં રામનવમીના દિવસે મહાવિષ્ણુ, શ્રીરામ સ્વરૂપે અવતાર ધારણ કરે છે.
 
સીતાજી બાળપણથી જ શક્તિસ્વરૂપા હતાં. પિતા જનકને તેમના મિત્ર પરશુરામે ભેટમાં અલૌકિક શિવ ધનુષ્ય આપ્યું હતું. જેને મનુષ્યલોકમાં ઉપાડવા કોઈ સમર્થ ન હતું. આ ધનુષ્યને સીતાજી ઘોડો બનાવી રમતાં હતાં. સીતાજી અને શ્રીરામના મિલનની કથા પણ સીતાજીના જીવનમાં અદ્ભુત રીતે વર્ણવાયેલ છે. વિશ્ર્વામિત્ર શ્રીરામ તથા લક્ષ્મણને લઈ મિથિલા નગરીમાં આવે છે. નગરની બહાર એક મંદિરમાં સીતાજી દર્શન માટે આવે છે ત્યાં જ વિશ્ર્વામિત્ર શ્રીરામને લઈને આવ્યા હોય છે. જનકરાજાએ મિથિલામાં સીતા-સ્વયંવરની ભવ્ય તૈયારી કરી હોય છે તે વેળા વિશ્ર્વામિત્ર શ્રીરામને લઈ મિથિલા નગરમાં પ્રવેશે છે. જનક મહારાજા વિશ્ર્વામિત્ર તથા શ્રીરામને આવકારી તેમનું સ્વાગત કરે છે. શ્રીરામને જોતાં જનક રાજાના મનમાં થાય છે કે આ શ્રીરામ જ મારી પુત્રીને લાયક છે. જનકરાજાએ અયોધ્યાના રાજકુંવર શ્રીરામનું રૂપ જાણ્યું હતું તેવું જ તેમણે પ્રત્યક્ષ નિહાળ્યું.
 
રામાયણમાં સીતા સ્વયંવર તથા શ્રીરામ - સીતાના વિવાહની કથા વિસ્તારપૂર્વક વર્ણવી છે. રામાયણના આ બંને પ્રસંગોમાંથી મહત્ત્વની શીખ મળે છે. પિતાએ પોતાની પુત્રી માટે લાયક વરની વરણી કરતાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેનું દૃષ્ટાંત સીતા-સ્વયંવર છે. શ્રીરામ સીતાના વિવાહમાં પણ વિવાહનું કારણ તથા મહત્ત્વ જાણવા મળે છે. સ્ત્રી-પુરુષના લગ્નનો વિવાહપ્રસંગ એ બંનેની પૂર્વ કોઈ લેણદેણ (ઋણ) હોય છે. વિવાહ એ જન્મોજન્મનું સ્ત્રી-પુરુષ વચ્ચેનો અતૂટ બંધન છે. સુખ-દુઃખમાં પતિ-પત્નીએ એકબીજામાં વિશ્ર્વાસ મૂકી, એકબીજાની પડખે રહી જીવનના અંત સુધી પરસ્પર સેવા કરવી. પત્નીએ પતિ સિવાય અન્ય પુરુષને ભાઈ-બાપ સ્વરૂપે તથા પતિએ પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ મા-દીકરી સમાન છે તેમ માનવું. સીતાજી જીવન પર્યંત પત્ની તરીકે પવિત્ર રહ્યાં અને સતી સીતા કહેવાયા, જ્યારે શ્રીરામ પણ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કહેવાયાં, જેમણે પરાક્રમથી સીતાજીને લંકાપતિ રાવણના બંધનમાંથી મુક્ત કર્યાં. સીતાજીએ શ્રીરામની સાથે વનમાં દુઃખ વેઠ્યું. શ્રીરામે સીતાજીને અયોધ્યાની રાણીનું સુખ પણ આપ્યું. શ્રીરામ દ્વારા સીતાના ત્યાગની કરુણ કથા પણ છે.
વાલ્મીકિ આશ્રમમાં સીતાજી લવ-કુશને જન્મ આપે છે. પતિના વચને વિરહ ભોગવી હિંમતથી કેમ જીવવું તથા હરહંમેશ પતિને આદરથી નિહાળવા, કદી પતિનું અમંગળ ન થાય, પતિ તેમના આદર્શોને વળગી રહે તેવી લાગણી રાખવી વગેરે બાબતોનો ઉલ્લેખ રામાયણમાં સીતાના પાત્રમાં નિરૂપાયો છે.
 
વાલ્મીકિ આશ્રમમાં એક વૃદ્ધ તાપસી હતા જેને સૌ માતાજી કહેતાં. આ માતાજીને સીતાજી તેમના જન્મથી માંડી અહીં આશ્રમમાં આવ્યા ત્યાં સુધીના સમયની બધી જ ઘટનાઓ સંભળાવે છે. રામાયણમાં સીતાના જીવનમાં જે કંઈ બન્યું છે તે સર્વે સીતાજી આ વૃદ્ધ તાપસી માતાજીને સંભળાવે છે. વાલ્મીકિ આશ્રમમાં આ માતાજી અને સીતાજીનો સંવાદ સાંભળવાથી પણ રામાયણમાં વર્ણવાયેલ સીતાજીના મુખ્ય માત્ર વિષે જાણવા મળે છે.
 
એક પતિવ્રતા સ્ત્રીને સંસારમાં દુષ્ટ, દુરાચારી, રાક્ષસીવૃત્તિવાળા નરાધમો કેટલું કષ્ટ આપી શકે છે તેની પરાકાષ્ઠા તથા દુઃખ સહન કરવામાં સ્ત્રીનો સંઘર્ષ તથા હિંમત કેવાં હોવાં જોઈએ તેનું દૃષ્ટાંત સીતાજી છે. સંઘર્ષમાં અંત સુધી પવિત્રતામાં કેટલી તાકાત હોય તેની પ્રતીતિ પણ સીતાજીએ રાવણને કરાવી હતી. રાવણ જ્યારે પણ સીતાજીને વશ કરવા આવતો ત્યારે સીતાજી પવિત્રતાની એક ઘાસની સળી તેની સામે ધરતાં. સતીના આ સત આગળ અભિમાની દુરાચારી રાવણ પણ લાચાર થઈ જતો હતો. લંકામાં સીતાજી પવિત્ર સન્નારી તરીકે રહ્યાં. રાવણ તેમને સ્પર્શ પણ કરી શકતો નથી. આમ રામાયણનું આ સ્ત્રીપાત્ર સીતા, સ્ત્રીઓને કપરા સંજોગોમાં કેટલી ધીરજ તથા હિંમત રાખવી અને નરાધમોનો સામનો કેવી રીતે કરવો તેની શીખ આપે છે.
 
મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એક વ્યક્તિના કહેવાથી સીતાજીનો ત્યાગ કરે છે. પોતે રાજા હોવા છતાં, રાજધર્મ નિભાવવા એક સામાન્ય વ્યક્તિની જેમ પત્નીનો ત્યાગ કરે છે, છતાં સીતાજી માટે રામને જરા પણ માન ઓછું થતું નથી. શ્રીરામ સીતાજીમાં હરહંમેશ પ્રેમ, લાગણી રાખે છે. તેમને સીતાજીના સતીત્વમાં ભરોસો હતો. સીતાજીને સુખરૂપ શેષ જીવન જીવવા વાલ્મીકિ ઋષિના આશ્રમમાં મૂકે છે. આશ્રમમાં સીતાજી લવ-કુશને જન્મ આપી તેમનો ઉછેર કરે છે. પુત્રોમાં સંસ્કાર, જ્ઞાન સીંચે છે. પુત્રો તથા પિતામાં હંમેશા સ્નેહ રહે અને કોઈપણ પ્રકારનું ઝેરનું બીજ ન રોપાય તેની કાળજી હંમેશા સીતાએ રાખી છે.
શ્રીરામ તેમના અશ્ર્વમેધ યજ્ઞના ઘોડાને લવ-કુશ પાસેથી છોડાવવા વાલ્મીકિ આશ્રમમાં આવે છે. લવ-કુશ તેમની સાથે યુદ્ધ કરે છે. સીતાજીને આ પ્રસંગની જાણ થાય છે, છતાં સીતાજી લવ-કુશને શ્રીરામ તેમના પિતા છે તેની જાણ કરતાં નથી.
વાલ્મીકિ આશ્રમમાં લવ-કુશને તેમના માતા-પિતા સંદર્ભે સીતાજી સાથે શ્રીરામની સઘળી કથા, એક હતા રાજા રામ એમ કહી તેમના જીવનના પ્રસંગો કહી સંભળાવે છે. અયોધ્યાના રામદરબારમાં લવ-કુશે જે આ કથા સંભળાવી હતી તે પણ પ્રચલિત છે. આ કથા રામાયણકથાના શ્રોતાઓ તથા કથાકારની આંખો ભીની કરે છે. છેલ્લે શ્રીરામ પોતાના પુત્રોને સ્વીકારી તેમને અયોધ્યાનું રાજ સોંપે છે.
 
સીતાજીની અગ્નિપરીક્ષા તથા ધરતી માતામાં સમાઈ જવાની ઘટના રામાયણકથાનું સૌથી કરુણ દૃશ્ય છે. અયોધ્યાની પ્રજા તથા વાલ્મીકી ઋષિનો આગ્રહ હોવા છતાં શ્રીરામ સીતાનો સ્વીકાર કરતા નથી અને સીતાની અગ્નિપરીક્ષા કરવાનું એલાન કરે છે. અહીં સતીના સતીત્વની પરીક્ષાની પરાકાષ્ઠા જોવા મળે છે. સીતાજી પણ આ પરીક્ષામાં સફળ થાય છે ત્યારે ધરતી માતાને વિનંતી કરતાં કહ્યું હે મા ધરતી ! મહાવિષ્ણુના અવતાર શ્રીરામ સાથે એક સ્ત્રી-નારીને કેટકેટલાં સુખ-દુઃખો ભોગવવાં પડે છે તેનો અનુભવ કર્યો છે. મનુષ્યલોકમાં મારું કાર્ય પૂર્ણ થયું છે. તું મને તારી ગોદમાં સમાવી લે ! રાજદરબારમાં જમીન ફાટે છે અને સીતાજી તેમાં સદેહે સૌભાગ્યવતી સ્વરૂપે સમાઈ જાય છે ત્યારબાદ શ્રીરામ પણ મહામાયા જાનકી - સીતાની પાછળ સરયૂ નદીમાં સમાઈ જાય છે. રામાયણમાં સીતાનું ચરિત્ર ભારતીય નારીનું સૌથી સંઘર્ષમય સ્ત્રીચરિત્ર છે. સીતા ભારતનાં એક એવાં સ્ત્રી છે જે લૌકિક જીવનની કઠોરમાં કઠોર તપશ્ર્ચર્યામાંથી પાર ઊતર્યાં છે. સીતાજી સંઘર્ષના અગ્નિમાં આજીવન તપ્યાં છે. વનવાસમાં ભયંકર કષ્ટો, પતિનો વિયોગ, રાવણની કેદ, અગ્નિપરીક્ષા, હૃદયને ચીરી નાખે તેવો લોકાપવાદ અને રામે કરેલો ત્યાગ. આનાથી વધારે દુઃખમય પરિસ્થિતિ મનુષ્યજીવનમાં બીજી હોઈ પણ શું શકે ?
રામાયણમાં સીતાનું પાત્ર કથાના પ્રારંભથી કથાની સમાપ્તિ સુધી વિસ્તૃત રીતે વર્ણવાયું છે. રામાયણનાં સ્ત્રીપાત્રોમાં સીતાનું પાત્ર એક આદર્શ પતિવ્રતા નારી, આદર્શ માતા, પરિવારમાં પ્રેમ-લાગણીના સંબંધો ઉજાગર કરનાર નારીશક્તિ સ્વરૂપે હંમેશા ચિરસ્મરણીય રહેશે.