જનક રાજા અને સુનયના - સીતાજીનાં માતા-પિતા

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

janak raja_1  H 
 

મિથિલાનગરીમાં શુકદેવજી અને રાજા જનક વચ્ચે જ્ઞાનની પરીક્ષા માટે જે વાર્તાલાપ થયો તે અદ્ભુત છે.

રામાયણ મહાકાવ્યમાં શ્રી વાલ્મીકિજીએ જે પાત્રો અંગે વર્ણન કર્યું છે તેમાં જનકરાજાને વિદેહ દેશની મિથિલાનગરીની રાજધાનીમાં રહી આ પ્રદેશના મહાપરાક્રમી તથા જ્ઞાની શિરોમણી રાજા તરીકે વર્ણવ્યા છે. જનકરાજાને તેમના સ્વભાવ પ્રમાણે સુનયના નામની સદ્ગુણસંપન્ન પત્ની મળી હતી. તેમને બે દિકરીઓ હતી. સીતા અને ઉર્મિલા. સીતા શ્રીરામને પરણ્યા હતા અને ઉર્મિલા લક્ષ્મણને. ત્રેતાયુગમાં થયેલ મહાપ્રતાપી રાજાઓમાં જનકરાજાની યશગાથા ચારે દિશાઓમાં ફેલાયેલી હતી. અવતારી પુરુષ પરશુરામજીએ તેમના પરશુના અસ્ત્ર માત્રથી દુરાચારી અને લોકોને રંજાડતા રાજાઓનો એકવીસ વખત નાશ કર્યો હતો. આ પ્રતાપી પરશુરામ શ્રી જનકરાજાના પરમ મિત્ર હતા. તે શંકરના ઉપાસક હતા. ભગવાન શંકરે પરશુરામને અલૌકિક ધનુષ્ય આપ્યું હતું. આ ધનુષ્ય તેમણે મિત્ર જનકની મિત્રતા નિભાવવા યાદગીરીમાં જનકને ભેટ આપ્યું હતું. આ ધનુષ્યની પરાક્રમગાથા સીતા સ્વયંવરમાં જનકરાજાના મંત્રીએ વર્ણવી છે. સીતાજી કોને વરશે ? તેના નિયમો તથા સ્વયંવર રચવાનું કારણ અને ધનુષ્યનું મહત્ત્વ સમજાવતાં રાજા જનકની સૂચનાથી સ્વયંવર સભામંડળમાં ઉપસ્થિત સર્વે સ્પર્ધક રાજાઓને સંબોધતાં મંત્રીએ કહ્યું, આ ભગવાન શંકરનું ધનુષ છે જે અમને ભૃગુકુલભૂષણ પરશુરામજી પાસેથી મળ્યું છે. આ એ જ ધનુષ છે જેનાથી પરશુરામજીએ આ પૃથ્વીને ચોવીસ વખત નિઃક્ષત્રિય કરી હતી. સામાન્ય રીતે એક હજાર વીરપુરુષો ભેગા થાય તો કદાચ આ ધનુષને હલાવી શકે છે, પરંતુ જનકપુત્રી સીતા નાનપણમાં આ ધનુષને ઘોડો કરીને રમતી હતી. તેથી આ ધનુષની પ્રત્યંચા ચઢાવી શકે એવા વીરપુરુષ સાથે સીતાને પરણાવવાનો નિર્ધાર કર્યો છે. મહર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનેલ વિશ્ર્વામિત્રના આશીર્વાદથી શ્રીરામ ભગવાન શંકરની આજ્ઞાથી ધનુષ્ય સહજ ભાવથી ઉઠાવી પ્રત્યંચા ચઢાવે છે અને શ્રીરામે સીતા સાથે પાણિગ્રહણ કર્યું હતું. શ્રીરામ - સીતાનો વિવાહપ્રસંગ જનક રાજાએ ભવ્ય રીતે ઊજવ્યો હતો. રામાયણ કથાકારો કથા સંભળાવતા યજમાનો જોડે શ્રીરામના સ્વજનો તથા શ્રી સીતાજીના સ્વજનો જેવો અભિનય કરાવી, શ્રોતાઓને રામાયણકથામાં શ્રીરામ-સીતા વિવાહનો રસાસ્વાદ કરાવે છે.
 
શ્રીરાજા જનક તથા શ્રીરામ દશરથ શ્રીરામ-સીતાના વિવાહ નિમિત્તે એકબીજાના વેવાઈ બને છે. તેમના પરિવારો વચ્ચે અતૂટ પ્રેમસંબંધ બંધાય છે. જનકરાજા તેમની પુત્રીઓના વિવાહ દશરથરાજાના પુત્રો સાથે કરે છે. જનકની પુત્રી ઊર્મિલા લક્ષ્મણની પત્ની થાય છે.
 
રામાયણમાં રાજા જનકને વિદેહી જનક અર્થાત્ જીવનમુક્ત તત્ત્વદર્શી રાજા તરીકે વર્ણવ્યા છે. વેદવ્યાસ તેમના પુત્ર શુકદેવજીને રાજા જનકની પરીક્ષા કરવા મિથિલાનગરીમાં મોકલે છે ત્યારે શુકદેવજી અને રાજા જનક વચ્ચે જ્ઞાનની પરીક્ષા માટે જે વાર્તાલાપ થયો તે અદ્ભુત છે. રાજા જનક વિદેહી કહેવાયા. શુકદેવજીને મનુષ્યજીવનના સંઘર્ષ તથા મુક્તિનો માર્ગ બતાવ્યો. જનકારાજાએ શુકદેવજીને ગૃહસ્થજીવન માટે શીલ અને સૌજન્ય, પ્રભુપ્રાપ્તિ માટેની મુમુક્ષા, જીવનશુદ્ધિ તથા જીવનસિદ્ધિ, જીવનમુક્ત વ્યક્તિત્વ, રજોગુણ તથા તમોગુણનું મહત્ત્વ તથા તેનો પ્રભાવ, ઇન્દ્રિયોની વૃત્તિઓ તથા તેમના પર સંયમ, અષ્ટાંગ બ્રહ્મચર્ય વગેરે સમજાવ્યાં. જનકરાજાએ ઉપદેશમાં તપની વ્યાખ્યા કરતાં કહ્યું :
 
॥ ઇન્દ્રિયાણ્યેવ સંયમ્ય
તપો ભવતિ નાન્યથા ॥
 
જનકરાજાએ મનુષ્યના મન અંગે કહ્યું, ‘મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ’ મનુષ્યનું મન તેની છઠ્ઠી ઇન્દ્રિય છે. આ ઉપરાંત જનકરાજાએ મનુષ્યને જલકમલવત્ રહેવાના ઉપાયો દર્શાવ્યા છે. જનકારાજાનું જીવન અને કવન વર્ષો સુધી દ્વાપરયુગથી માંડી કલિયુગ સુધી ચિરસ્મરણીય રહેશે.