શ્રવણ - દશરથના શબ્દવેધી તીરે જેના પ્રાણ હર્યા

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

ravan in ramayan_1 &
 
શ્રવણ રામાયણનું એક મહત્ત્વનું પાત્ર છે. ઇતિહાસમાં માતૃ-પિતૃભક્તિ માટે શ્રવણકુમારનું નામ અમર છે. શ્રવણના માતા અને પિતા બન્ને અંધ હતા. અંધ માતા-પિતાની ચાર ધામોની યાત્રા કરવાની ઇચ્છાની જાણ થતાં નિર્ધન એવા શ્રવણકુમાર તેમને કાવડ બનાવી યાત્રા કરાવવા માટે નીકળી પડે છે. કાશી, પ્રયાગ એમ એક પછી એક યાત્રાસ્થાનો પર યાત્રા કરાવતાં તે સ્થાનોનું ધાર્મિક મહત્ત્વ પણ સમજાવે છે. એક દિવસ તે પોતાનાં માતા-પિતાને લઈ અયોધ્યા પહોંચે છે. તેમના માતાને તરસ લાગતા તે સરયૂકિનારે પાણી લેવા જાય છે.
 
એ સમયે અયોધ્યાના રાજા દશરથ શિકાર માટે નીકાં હતા. તેઓ રાત્રે પણ શિકાર કરવા માટે જંગલમાં જતા હતા. કારણ કે તેમને શબ્દવેધી બાણ ચલાવવામાં મહારથ હતી અને અવાજની દિશામાં બાણ ચલાવીને પ્રાણીને હણી શકતા હતા. તે દિવસે શ્રવણકુમાર ખાલી ઘડો પાણીમાં ડુબાડી પાણી ભરવા જાય છે, જેનો અવાજ સાંભળી દશરથને કોઈ મૃગ પાણી પી રહ્યું હોવાનો ભાસ થતાં તે પોતાના શબ્દવેધી બાણ છોડે છે. બાણ સીધુ શ્રવણકુમારની છાતીની આરપાર નીકળી જાય છે. રાજા દશરથ શ્રવણકુમાર પાસે જઈ ભૂલથી થયેલાં અપરાધ બદલ કહી માફી માગે છે.
 
શ્રવણ તેમને માફ કરતાં કહે છે કે, ‘મારાં તરસ્યા મા-બાપને પાણી પાઈ તેમને મારા મૃત્યુના સમાચાર આપજો અને મારા વતી માફી માંગજો કે હું અભાગી તેમની ચારધામની યાત્રા પૂર્ણ કરાવી ન શક્યો.’ વ્યથિત હૃદયે રાજા દશરથ શ્રવણકુમારનાં માતા-પિતાને જ્યારે આ વાત જણાવે છે ત્યારે માતા-પિતા હૈયાફાટ રૂદન કરે છે અને દશરથને શાપ આપે છે કે, ‘હે રાજા, જેવી રીતે અમે અમારા દીકરાના વિરહમાં પ્રાણ ત્યજી રહ્યાં છીએ તેમ તારો અંત પણ પુત્રવિયોગમાં તડપી-તડપી થશે.’ આ જ શાપ ભગવાન શ્રીરામના વનવાસનુ કારણ બને છે અને તેમના વિયોગમાં રાજા દશરથ પણ પોતાના પ્રાણ ત્યજી દે છે.