શત્રુઘ્ન - શ્રીરામના ભાઈ

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

shatrughan in ramayan_1&n
 

શત્રુઘ્નનો અર્થ છે શત્રુને હણનાર, એને જીતનાર. શત્રુઘ્ન નામ પ્રમાણેનો આ ગુણ તો ધરાવતા જ હતા, તો એણે મોહને જીત્યો હતો.

રાજા દશરથને ત્રણ પત્નીઓ. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. રામની મા કૌશલ્યા, લક્ષ્મણ અને શત્રુઘ્ન સુમિત્રાને કૂખે જન્મ્યા ને ભરત કૈકેયીના પુત્ર. શત્રુઘ્નનો જન્મ સૂર્યવંશમાં ઇક્ષ્વાકુ વંશમાં. કૂળ રઘુકૂળ. ભૂમિ અયોધ્યા. યુગ ત્રેતાયુગ. લક્ષ્મણ તેનો સગો ભાઈ. જો કે મજા એ વાતની છે કે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન.. શત્રુઘ્નનાં લગ્ન શ્રુતકીર્તિ સાથે થયાં હતાં. એમના શત્રુગતિ અને સુબાહુ નામના બે પુત્રો. શ્રુતકીર્તિ એ જનક રાજાના નાના ભાઈ કુશધ્વજની પુત્રી. શત્રુઘ્ન અને શ્રુતકીર્તિને અનુક્રમે વિષ્ણુના ચક્રનો અને લક્ષ્મીના ચક્રનો અવતાર માનવામાં આવે છે. શત્રુઘ્નનો અર્થ છે શત્રુને હણનાર, એને જીતનાર. શત્રુઘ્ન નામ પ્રમાણેનો આ ગુણ તો ધરાવતા જ હતા, એણે મોહને જીત્યો હતો. આજે માણસ થોડું મોટું કામ કરે તોય ફૂલીને ફાળકો થાય, કામ કર્યાનો ઉત્સાહ અને ગૌરવ હોય એ બરાબર, પણ મિથ્યાભિમાન અને બીજાને તુચ્છ ગણી ઉતારી પાડવાની વૃત્તિ ઉચિત નથી. જેમ રામમાં વચનપાલન, લક્ષ્મણ ભાઈ રામનો પડછાયો, સીતા શક્તિ અને ત્યાગનું બીજું નામ, ભરત સંસારી સાધુ. એવા દરેકના ફરજનિષ્ઠાના અનોખા અગ્રેસર હતા, એ જ રીતે શત્રુઘ્નનાં માતાઓની સેવા, પરિવાર અને પ્રજા પ્રત્યેનું એનું કર્તવ્યપાલન વગેરે નોંધપાત્ર છે.
 
રામના વનવાસ પછી અયોધ્યાની ગાદી સંભાળી લેવા રામે ભરતને કહેલું, પરંતુ ભરતે તો રામની જેમ જ વનવાસી જીવન વ્યતીત કરવાનું નક્કી કર્યું હતું. ભરતની આ વિલક્ષણતા વંદનીય છે. પણ કહેવાનું તાત્પર્ય એ કે પ્રજાથી ભાઈઓ દૂર હતા એવી પરિસ્થિતિમાં રાજ્યનું શાસન સુચારુ ઢબે ચાલે, પરિવાર ને પ્રજા ખુશ ને આબાદ રહે એ પણ અત્યંત જરૂરી હતું, જે શત્રુઘ્ને જળકમળવત્ કરી બતાવ્યું હતું. એણે પ્રજાકલ્યાણનાં કામ કુશળતાપૂર્વક કર્યાં હતાં.
 
વનવાસમાં બીજા બધા ભાઈઓ ઘરથી દૂર હતા, ત્યારે માતાઓની પાસે એકમાત્ર પુત્ર શત્રુઘ્ન જ હતા.
 
રામને વનવાસ માટે કૈકેયીને ઉપસાવનાર મંથરાને શત્રુઘ્ન ઘસડીને મારવા તત્પર હતા, પણ રામને એ નહીં ગમે કહી ભરતે તેને વારતાં શત્રુઘ્ને એને છોડી દીધી હતી. લંકાપતિ રાવણના ભાણેજ મથુરાના દાનવરાજ એવા લવણાસુરનાં પાપકર્મોને અટકાવવા કોઈ સમર્થ નહોતું, ત્યારે શત્રુઘ્ને એ અત્યાચારીનો વધ કરી રામની સંમતિથી મથુરાનું રાજ સંભાળ્યું હતું, ને સંયોગ પણ કેવો! લવણાસુરનો વધ કરતા પહેલાં શત્રુઘ્ન વાલ્મીકિ ઋષિના આશ્રમે આશીર્વાદ લેવા જાય છે ત્યારે એ જ સમયે આશ્રમમાં રામનાં પત્ની સતી સીતાએ બે પુત્રોને જન્મ આપ્યો હોય છે. કથા એવી પણ છે કે ઋષિ વાલ્મીકિ શત્રુઘ્ન સમક્ષ એની ઓળખ વનદેવીના પુત્રો તરીકે આપે છે ને નામસંસ્કાર વેળા શત્રુઘ્નકાકાના આશીર્વાદ આ બેય બાળકો લવ અને કુશને મળે છે. એવા બળવાન બનો કે ભવિષ્યમાં તમે આ કાકાનેય હરાવો! એવા આશીર્વાદ પણ તે આપે છે. ને ખરેખર એમ જ થાય છે. શ્રી રામ જ્યારે અશ્ર્વમેધ યજ્ઞ કરે છે ત્યારે એમના આ બેય પુત્રો એ યજ્ઞનો અશ્ર્વ પકડી લે છે. ભરત, લક્ષ્મણ ને શત્રુઘ્ન પણ લવ કુશના અપ્રતિમ શૌર્ય સામે હારી જાય છે. પછી શ્રી રામ આવે છે ને અંતે પિતા-પુત્રોનું સુખદ મિલન થાય છે. લવ-કુશનું શૌર્ય જોઈ શત્રુઘ્ન સહિત સર્વે કાકાઓ ને હનુમાનજી વગેરે પ્રસન્ન થઈ ઊઠે છે.