મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

ram_1  H x W: 0
 

એક યુવાન ગુરુ, માતા-પિતા, સ્વજનો, રાજ્યની પ્રજા અર્થાત્ રાષ્ટની સેવામાં પોતાના જીવનને કેમ ઢાળવું તેનું પ્રત્યક્ષ ઉદાહરણ શ્રીરામ છે.

 
શ્રી વાલ્મીકિ ઋષિએ ત્રેતાયુગના યુગપુરુષ શ્રીરામના જીવનચરિત્રને રામાયણ મહાકાવ્યમાં પ્રસ્તુત કર્યું. આ મહાકાવ્ય સમય જતાં ‘રામાયણકથા’ સ્વરૂપે પ્રસિદ્ધ થયું, જેમાં સાત કાંડો (૧) બાલકાંડ, (૨) અયોધ્યાકાંડ, (૩) અરણ્યકાંડ, (૪) કિષ્કિન્ધાકાંડ, (૫) સુંદરકાંડ, (૬) લંકાકાંડ, (૭) ઉત્તરકાંડ છે. આ સાત કાંડોનું અધ્યયન કરવાથી શ્રીરામ વિશે વિસ્તૃત જાણકારી મળે છે. મનુષ્યદેહ ધારણ કરનાર ત્રેતાયુગના આ યુગપુરુષના જીવનની સત્યતા તથા કાર્યોથી આર્ય સંસ્કૃતિ. હિન્દુ સંસ્કૃતિ વિશ્ર્વમાં ગૌરવ અનુભવે છે. શ્રીરામના જીવન સંદર્ભે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ તથા હાલના કલિયુગ સુધી અનેક ધર્મકથાઓ વેદ, ઉપનિષદ, પુરાણો, ધર્મગ્રંથો તથા લોકસાહિત્યમાં જાણવા મળે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના જીવનચરિત્રમાંથી મનુષ્યજાતિને શાશ્ર્વત તથા સત્યનો જીવનપંથ સાંપડ્યો છે. તેથી શ્રીરામના જીવનચરિત્રને વિશ્ર્વની મનુષ્યજાતિએ સ્વીકાર્યું અને જીવનમાં સુખ તથા શાંતિનો માર્ગ શોધ્યો છે.
 
શ્રીરામને રામાયણ ગ્રંથના સાતે કાંડોમાં માણવાથી તેમના સમગ્રજીવનને સાદી-સરળ ભાષામાં સમજી શકાય છે. શ્રીરામના જન્મથી માંડી મૃત્યુ (સ્વર્ગારોહણ) સુધીનો ઘટનાક્રમ એક સીધાસાદા મનુષ્યદેહ ધારણ કરેલ યુગપુરુષ તરીકે માણવાનો વિશેષ આનંદ છે. શ્રીરામને પરાક્રમી કે અવતારીપુરુષ તથા યુગપુરુષ તરીકે માણવાનો આનંદ તો છે જ પણ તેમાં તત્ત્વદર્શન તથા ચિંતનનું પાસું વધારે હોવાથી સામાન્ય માણસ માટે આ અધ્યયન સ્વાભાવિક રીતે સહેજ અઘરું લાગે ! છતાં રામાયણકથાના રસપાનમાં શ્રીરામને પામવાનો આનંદ કંઈક અનેરો છે.
 
શ્રીરામના જન્મ સંદર્ભે અનેક કથાઓ છે. પણ જ્યારે કોઈ મનુષ્યદેહધારી શ્રીરામને જાણવા હોય તો તેમની વંશાવલી જાણવી આવશ્યક છે. વંશાવલી જાણવાથી શ્રીરામના હોવાપણાના સંદેહને દૂર કરી શકાય છે. ત્રેતાયુગમાં ષટ્વાંગના પુત્રનું નામ દીર્ઘબાહુ હતું. દીર્ઘબાહુનો પુત્ર રઘુ. રઘુના પુત્રનું નામ અજ હતું અને અજના પુત્ર મહારાજા દશરથ હતા. આ દશરથ મહારાજાના પુત્રોમાંના એક જ્યેષ્ઠ એ જ આપણા શ્રીરામ.
 
હિમાલયની તળેટીના મેઘની કોશલ પ્રદેશની અયોધ્યાપુરી રાજ્યના મહારાજા શ્રી દશરથ હતા. તેમને ત્રણ રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકયી હતી. શ્રી દશરથ રાજાનું વિવાહિત જીવન સુખી હતું. છતાં તેમને સંતાનસુખ નહોતું. તેથી અયોધ્યાના રાજવંશીઓના કુલગુરુ વશિષ્ઠે દશરથ રાજા પાસે ‘પુત્રકામેષ્ટિ’ યજ્ઞ કરાવ્યો. યજ્ઞ સફળ થયો. યજ્ઞના અગ્નિકુંડમાંથી સ્વયં અગ્નિનારાયણ પ્રગટ થયા. તેમણે દશરથ રાજાને આશીર્વાદ આપ્યા. યજ્ઞનો પ્રસાદ આપતાં અગ્નિનારાયણે દશરથ રાજાને કહ્યું, ‘હે રાજન ! તમે આ પ્રસાદ તમારી રાણીઓને આપશો, જેથી તમારે ત્યાં પ્રતાપી પુત્રોનો જન્મ થશે.’ આટલું કહ્યું ને તુરત જ અગ્નિનારાયણ અદૃશ્ય થયા. દશરથ રાજાએ આ પ્રસાદ ત્રણે રાણીઓને આપ્યો. આ પ્રસાદથી રાણી કૌશલ્યાજીએ ચૈત્ર સુદ નોમ રામનવમીના દિવસે બપોરે બાર વાગે સૂર્યની સાક્ષીએ સૂર્યવંશી મહાપ્રતાપી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને જન્મ આપ્યો. રામાયણકથાના બાલકાંડમાં શ્રીરામના જન્મની કથા તથા અયોધ્યામાં આનંદ-ઉત્સવના પ્રસંગનું સુંદર વર્ણન છે. શ્રીરામ માતા-પિતાની છત્રછાયામાં મોટા થાય છે. શ્રીરામના બાલચરિત્રનું એક રોચક ઉદાહરણ પણ આ કાંડમાં વર્ણવાયું છે.
 
ત્રેતાયુગમાં ભગવાન શ્રીવિષ્ણુ શ્રીરામ સ્વરૂપે તથા શિવજી અગિયારમા રૂદ્ર તરીકે હનુમાનજી સ્વરૂપે પ્રગટ્યા હોવાનું મનાય છે. તેથી વિષ્ણુ અને શિવજીની આ જોડી સંદર્ભે શ્રીરામના બાલચરિત્રની બાળકથા છે. એક દિવસ શ્રીરામ પિતા દશરથના ખોળામાં રમતા હતા. ત્યાં એક મદારી માંકડાનો ખેલ કરવા આવ્યો. આ માંકડાને જોઈ રામજી રડવા લાગ્યા. તેમણે બાળહઠ પકડી. મારે વાંદરા સાથે રમવું છે. મદારી તથા દશરથ રાજા અનેક વાનરોને રામ સમક્ષ રજૂ કરે છે. પણ શ્રીરામ રમતા નથી. બાળરામ ભોજન તથા શયન કરતા નથી તેથી દશરથ રાજાને ચિંતા થઈ. તેમણે ગુરુ વશિષ્ટને આનો ઉપાય પૂો. વશિષ્ઠ ઋષિએ સમાધિમાં જોયું અને દશરથને કહ્યું, ‘હે રાજા ! તમારા રામને કિષ્કિંધાના હનુમાન બાળ સાથે રમવું છે. તેને અહીં મંગાવો.’ દશરથ રાજા બાળહનુમાનને રામ સમક્ષ રજૂ કરે છે. બાળહનુમાન તથા શ્રીરામ પ્રેમથી એકબીજા સાથે રમે છે.
 
અયોધ્યા રાજવંશના કુલગુરુ મહર્ષિ વસિષ્ઠ શ્રીરામ તથા રાજકુંવરોને ગુરુકુળમાં તમામ પ્રકારની કળાઓનું શિક્ષણ આપી શક્તિમાન બનાવે છે. દેવો તથા ગંધર્વો અને આદ્યશક્તિની ઉપાસના તથા તેમના આશીર્વાદ મેળવે છે. શ્રીરામને પરાક્રમી યોદ્ધા તથા તપસ્વી બનાવી કુલગુરુ વસિષ્ઠ ગૌરવ અનુભવે છે. શ્રીરામનો મહિમા બાળપણથી ચારે બાજુ ફેલાય છે. તેથી વિશ્ર્વામિત્ર જે રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ થયા હતા, તે શ્રીરામને તેમના આશ્રમમાં લેવા આવે છે. તેમણે શસ્ત્રોનો ત્યાગ કર્યો હોવાથી યજ્ઞોમાં વિઘ્ન નાખતા તથા તપશ્ર્ચર્યામાં ભંગ કરતા રાક્ષસોનો સામનો કરવા સમર્થ શ્રીરામને પસંદ કર્યા હતા. મહારાજા દશરથ ગુરુ વસિષ્ઠની આજ્ઞાથી શ્રીરામ તથા ભાઈ લક્ષ્મણને વિશ્ર્વામિત્ર સાથે મોકલે છે. વિશ્ર્વામિત્ર શ્રીરામને લંકાનરેશ રાવણ સહિતના રાક્ષસોની ઓળખ કરાવે છે તથા તેમનો સંહાર કરવા તેમનાં શસ્ત્રો તથા યુદ્ધકૌશલ્ય સમર્પિત કરે છે.
 
વિશ્ર્વામિત્ર શ્રીરામને જનક રાજાની મિથિલા નગરીનાં દર્શન કરવા લાવે છે. ત્યાં શ્રીરામ તથા સીતાનું મિલન થાય છે. મિથિલા નગરીમાં રાજા જનકવિદેહી પુત્રી સીતાનો સ્વયંવર રચે છે. પરશુરામે આપેલ શિવધનુષ્ય પર પ્રત્યંચા ચઢાવવાની શરત મુકાય છે. શ્રીરામ આ ધનુષ્ય ઉપાડી પ્રત્યંચા ચઢાવે છે. શ્રીરામ પરશુરામનો ઘમંડ ઉતારે છે. પરશુરામ શ્રીરામની શક્તિને ઓળખે છે. શ્રીરામ-સીતાનાં લગ્ન થાય છે. રામ-સીતા તથા લક્ષ્મણને લઈ પુનઃ વચન પ્રમાણે દશરથરાજાને તેમના પુત્રો સોંપવા અયોધ્યા તરફ પ્રયાણ કરે છે. તે દરમિયાન પ્રવાસમાં ગૌતમઋષિનો આશ્રમ આવે છે. ત્યાં શ્રીરામ ઋષિપત્ની અહલ્યાને ચરણસ્પર્શથી શિલામાંથી અહલ્યા બનાવી શાપમુક્ત કરે છે. વિશ્ર્વામિત્ર અયોધ્યા આવ્યા. અયોધ્યા નગરીમાં આનંદ છવાય છે. શ્રીરામની પરાક્રમગાથા સાંભળી કુલગુરુ વસિષ્ઠ તથા રાજા દશરથ અને સૌ રાણીઓ અને રાજકુંવરો ખુશ થાય છે. આમ બાલકાંડમાં શ્રીરામની બાલ્યાવસ્થાનું વર્ણન છે. મહર્ષિમાંથી બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કરનાર ગુરુ વિશ્ર્વામિત્ર તેમના શિષ્યમાં રહેલ શક્તિને ઓળખે છે અને તેને જાગૃત કરી વિશ્ર્વ સમક્ષ તેનો વિશ્ર્વકલ્યાણ માટે અધર્મનો નાશ કરી, ધર્મની સ્થાપનામાં કેવો ઉમદા ઉપયોગ કરે છે ! સાથે સાથે અયોધ્યામાં શ્રીરામનો કુળગુરુ વસિષ્ઠ તથા માતાપિતાની છત્રછાયામાં ઉત્તમ ઉછેર થાય છે તેનું માર્ગદર્શન પણ મળે છે. રામાયણમાં શ્રીરામના બાળઉછેરનું ઉત્તમ ઉદાહરણ છે.
 
શ્રીરામ-સીતા અયોધ્યામાં વિવાહિત જીવન સુખરૂપે પસાર કરે છે. શ્રીરામ પિતા દશરથને અયોધ્યાના રાજવહીવટમાં મદદ કરે છે. અયોધ્યાની સુરક્ષા તથા તેની અખંડિતતા માટે એક રાજકુમાર તરીકે સતત જાગૃત રહે છે. પરિવારમાં માતા-પિતા તથા અયોધ્યાની પ્રજાનો પ્રેમ મેળવે છે. એક યુવાન ગુરુ, માતા-પિતા, સ્વજનો, રાજ્યની પ્રજા અર્થાત્ રાષ્ટની સેવામાં પોતાના જીવનને કેમ ઢાળવું તેનું પ્રત્યક્ષ ઉદાહરણ શ્રીરામ છે. તેથી વિશ્ર્વમાં યુવાનો માટે શ્રીરામ આદર્શ રહ્યા છે. સત્ય અને શૌર્યના હંમેશા પારખાં થતાં આવ્યાં છે. મંથરાદાસીની કાનભંભેરણીથી માતા કૈકયીમાં કાળ પ્રવેશ કરે છે. તે દશરથ રાજા પાસે વચન માગી શ્રીરામને ચૌદ વર્ષ વનવાસ તથા પુત્ર ભરતને અયોધ્યાના રાજા બનાવવા પ્રસ્તાવ મૂકે છે. પ્રાણ જાયે પણ વચન ન જાયે એ સૂર્યવંશી પ્રતાપી રાજાઓનું ધર્મસૂત્ર રહ્યું છે તેથી શ્રીરામ પિતાના યશ ખાતર તથા કૈકયીમાં પ્રવેશેલા કાળપુરુષને માન આપી ચૌદ વર્ષ વનવાસ ભોગવવા નીકળે છે. રામાયણમાં શ્રીરામ સાથે સીતા તથા ભાઈ લક્ષ્મણ એક ભવ્ય રાજપાટ-સુખનો ત્યાગ કરી વનમાં જવા નીકળે છે તેનું કરુણ દૃશ્ય પણ રામકથાકાર તથા શ્રોતાઓના હૃદયને હચમચાવી મૂકે છે. શ્રીરામના વનગમનથી દશરથ રાજા પણ આઘાતથી સ્વર્ગે સિધાવે છે. આખી અયોધ્યાનગરી શ્રીરામ-સીતા-લક્ષ્મણ વિના સૂની થઈ જાય છે. મોસાળમાંથી ભરતનું અયોધ્યામાં આગમન, વનમાંથી શ્રીરામને મનાવી પાછા લાવવા જવું, શ્રીરામની પાદુકાને ગાદી પર બેસાડી શ્રીરામના આદર્શોથી અયોધ્યાની સેવા તથા સુરક્ષા કરવી વગેરે પ્રસંગો પણ રામ અને ભરત બે ભાઈઓ વચ્ચેના સંબંધનું ધર્મપ્રતીક છે.
 
ચૌદ વર્ષના વનવાસ દરમિયાન શ્રીરામ શ્રીલંકાનો પ્રદેશ તથા દંડકારણ્યમાં પ્રજાને રંજાડતા રાક્ષસોનો સંહાર કરે છે. કાળપુરુષ પણ શ્રીરામની પાછળ પાછળ ચાલતો જ રહે છે. લંકાપતિ રાવણ સીતાનું હરણ કરે છે. શ્રીરામ પત્નીના વિયોગથી તેમની શોધમાં આકુળવ્યાકુળ થઈ ભટક્યા કરે છે. અહીં એક પત્નીવ્રત ધારણ કરેલ પુરુષ પત્નીના પ્રેમમાં કેવો વિરહ અનુભવે છે તેનું વર્ણન વિવાહિત જીવન માટે પ્રેરણારૂપ છે. શ્રીરામ જટાયુનો ઉદ્ધાર કરી કિષ્કિંધા પ્રદેશમાં આવે છે. ત્યાં કિષ્કિંધાના રાજા સુગ્રીવ તથા હનુમાનજીનું મિલન થાય છે. આ મિલનથી શ્રીરામમાં નવી ચેતનાનો સંચાર થાય છે. રામસેતુનું નિર્માણ કરી, રામેશ્ર્વરમાં શ્રીરામ નવરાત્રિ વ્રતની ઉપાસના કરી આદ્યશક્તિ મા અંબા ભવાની પાસેથી શસ્ત્રો તથા શક્તિ મેળવી શ્રીલંકા પર વાનરસેના સાથે આક્રમણ કરે છે. શ્રીરામના વિરહથી પતિવ્રતા સતી સીતાને રાવણની કેદમાંથી મુક્તિ અપાવે છે. શ્રીરામ દશેરાના દિવસે રાવણનો સંહાર કરી, શ્રીલંકાનું રાજ્ય વિભિષણને સોંપી અયોધ્યા તરફ પ્રયાણ કરે છે. રામેશ્ર્વરપુરમમાં આવી માતૃભૂમિની રજનો સ્પર્શ કરે છે. શ્રી રામ અને સીતા જ્યોતિર્લિંગ શ્રીરામેશ્ર્વરની સ્થાપના કરે છે.
 
રામાયણના ઉત્તરકાંડમાં શ્રીરામની જીવનલીલા સમાપ્ત થવાની કરુણ ઘટનાનું વર્ણન કરે છે. પુત્રો લવ-કુશને સાથે રાખી શ્રીરામ અયોધ્યાનું રાજ્ય કરતા હતા. અયોધ્યાની પ્રજા પણ ખુશ હતી. સર્વત્ર આનંદ હતો. ત્યાં એક વેળા કાળપુરુષ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રીરામ સાથે એકાંતમાં વાર્તાલાપ કરવા આવે છે. ત્યાં કોઈને પણ પ્રવેશ ન હતો. જો કોઈ પ્રવેશે તો તેને મૃત્યુદંડ આપવો તેવું વચન આ કાળપુરુષ શ્રીરામ પાસેથી લે છે. શ્રીરામ આ માટે લક્ષ્મણને વાર્તાખંડની બહાર ચોકી કરવા દ્વારપાલ તરીકે નિયુક્ત કરે છે. આ ક્ષણે દુર્વાસાઋષિ શ્રીરામને મળવા આવે છે પણ લક્ષ્મણ તેમને રોકે છે. દુર્વાસા ઋષિના શ્રાપથી ભયભીત થઈ લક્ષ્મણ જીવન પરવા કર્યા વિના અયોધ્યાને ઋષિના શ્રાપથી બચાવવા શ્રીરામ પાસે જાય છે અને દુર્વાસાઋષિના આગમનની સૂચના આપે છે. જેવા લક્ષ્મણ ખંડમાં પ્રવેશે કે તુરત જ કાળપુરુષ અદૃશ્ય થાય છે. શ્રીરામ લક્ષ્મણને મૃત્યુદંડ આપવા વચનથી બંધાય છે. હવે કરવું શું ? કુલગુરુ વસિષ્ઠ આનો ઉપાય સૂચવે છે કે શ્રીરામ લક્ષ્મણનો ત્યાગ કરે તો મૃત્યુદંડ જ ગણાય. શ્રીરામ લક્ષ્મણનો ત્યાગ કરે છે. શ્રી લક્ષ્મણજી અયોધ્યામાં કોઈને પણ મળવા જતા નથી. સૌને વિરહ કરતા મૂકીને સરયૂ નદીમાં સમાધિ લઈ સ્વર્ગમાં સિધાવે છે. શ્રીરામે પણ પત્ની સીતા તથા ભાઈ લક્ષ્મણની વિદાય પછી સરયૂ નદીમાં સમાધિસ્થ થઈ જીવનલીલા સંકેલી છે. શ્રીરામની આ રામકથા વર્ષો સુધી યુગોના યુગો સુધી સાંભળવા માટે તેમના પરમભક્ત હનુમાનને તેમની વિનંતી છતાં સાથે સ્વર્ગમાં લઈ જતા નથી અને સંસારમાં ચિરંજીવીઓમાં સ્થાન આપે છે. ત્રેતાયુગના યુગપુરુષ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આજે પણ વિશ્ર્વમાનવ બનીને ‘રામકથા’ સ્વરૂપે લોકોના હૃદયમાં વિદ્યમાન છે. આ રામકથાનું શ્રવણ કરી મનુષ્ય પણ રામમય બની મૃત્યુના ભયથી મુક્ત બની પરમધામને પામી શકે છે.