જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢૂકડોને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટના સંત પૂજ્ય જલારામ બાપા Jalarambapa ની આજે ૨૨૧મી જન્મજયંતી છે

    ૨૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

virpur jalaram bapa_1&nbs
 
 
સૌરાષ્ટના પ્રવાસે ગયા હોઈએ અને વીરપુર બાજુથી નીકળ્યા હોવ અને જલારામ બાપા (Jalarambapa ) ની ખીચડી ન ખાધી હોય તો યાત્રા અધૂરી ગણાય. ખીચડી તો જલારામ બાપાની જ એવી લોકવાયકા બની તેની પાછળ વીરપુરમાં આવેલ જલારામ બાપાનું સદાવ્રત છે. virpur jalaram mandir જલારામ બાપાનાં ભંડારા રૂપી આ અન્નજ્યોત ૨૦૦ વર્ષથી અખંડ દીવાની જેમ પ્રજ્વલિત છે. એક પણ રૂપિયાનું દાન લીધા વગર રોજનાં હજારો ભક્તો અને ભૂખ્યા જનો માટે ભંડારો ચાલે છે. જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢૂકડોને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટના સંત પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા અન્ન ક્ષેત્રનો ૨૦૧મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. જ્યારે કોઈપણ પ્રકારના દાન કે ભેટસોગાદો લેવાનું બંધ થયું તેનો ૨૧મા વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે આવો, વાત કરીએ સૌરાષ્ટના એ મહાન પરચાધારી સંત શ્રી પૂ. જલારામ બાપાના માહાત્મ્યભર્યાં જીવન અને તેમના દ્વારા શરૂ કરાયેલ અન્ન ક્ષેત્રની.
 

અપરંપાર છે પૂ. જલારામબાપાનો મહિમા

 
ભગવાન શ્રી રામચંદ્રજી જે અભિજિત નક્ષત્રમાં જન્મ્યા હતા તે જ નક્ષત્રમાં ભક્તરામ શ્રી જલારામ બાપાનો જન્મ માતુશ્રી રાજબાઈની કૂખે થયો હતો. જલારામજીની ઉંમર ૧૪ વર્ષની થઈ ત્યારે તેમના પિતાજીએ તેમનો યજ્ઞોપવીત સંસ્કાર કરાવ્યો હતો, સોળ વર્ષની ઉંમરે તેઓ આટકોટ ગામના ઠક્કર પ્રાગજી સોમૈયાનાં દીકરી વીરબાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. સત્તર વર્ષની ઉંમરે જલારામજીએ ગોકુળ, મથુરા, અયોધ્યા, કાશી, રામેશ્વર, જગન્નાથજી, ગયાજી અને બદ્રીનારાયણની યાત્રા કરી હતી. ત્યારબાદ સંવત ૧૮૭૬ના મહા સુદ બીજના રોજ વીરપુરમાં પોતાના આશ્રમમાં સદાવ્રત (અન્નદાન) આપવાનું શરૂ કર્યું. આ સમયે જલારામ બાપાની ઉંમર વીસ વર્ષની હતી. આ સમયે એક દિવ્ય મહાત્મા સદાવ્રતમાં આવ્યા અને બાપાને રામજીની સેવા આપીને કહ્યું, તમારા આશ્રમમાં શ્રી હનુમાનજીની એક ગુપ્ત મૂર્તિ છે તે તમોને આજથી ત્રીજા દિવસે પ્રસન્ન થઈને દર્શન આપશે અને પ્રસિદ્ધ થશે. આ મહાત્માના કહેવા મુજબ શ્રી હનુમાનજીની મૂર્તિએ એ સ્થળે જ પ્રગટ થઈને દર્શન આપ્યાં, જેથી જલારામ બાપા ત્યાં જ મંદિર બનાવી લાલજી ને હનુમાનજીની પૂજા કરવા લાગ્યા અને સદાવ્રત આપવા લાગ્યા.
 
આજે પણ જલારામ બાપાની જગ્યામાં પ્રથમ રામ, લક્ષ્મણ અને જાનકીજી સહિત હનુમાનજી તથા પ્રભુએ વીરબાઈ માને આપેલા ઝોળી-દડાની પૂજા થાય છે. ત્યારબાદ રામદ્વારે છબિમાં બિરાજતા બાપાના ચિત્રજીની પૂજા થાય છે. સાથે બાપાના ગુરુદેવ શ્રી ભોજલરામ બાપાનાં ચરણચિહ્નોની પૂજા થાય છે. અહીં જલારામ બાપાની કોઈ મૂર્તિ પધરાવેલ નથી પણ છબિમાં મઢેલો ફોટો જ છે. જલારામ બાપાનો આ ફોટો એ સમયમાં એનસોન એન્ડ કલ્યાણજીની કપનીએ પાડ્યો હતો. એનસોન ડેન્માર્કનો રહેવાસી હતો. જલારામ બાપા વીસ વર્ષની ઉંમરે બાપા નું બિરુદ પામ્યા હતા. હરજી નામના એક દરજીને બાપાના આશીર્વાદથી રોગમુક્તિ થઈ હતી ત્યારે તેમણે સૌપ્રથમ જલારામજીને બાપાનું સંબોધન કર્યું હતું. જ્યારે જલા એ અલાનું બિરુદ વીરપુરના જમાલભાઈ નામના ઘાંચીએ આપેલું. બાપાની કૃપાથી આ ઘાંચીનો યુવાન દીકરો મરણપથારીએથી બેઠો થયો હતો, જેની ખુશાલીમાં જમાલભાઈએ ચાલીસ મણ દાણા ગાડામાં ભરી બે બળદ સહિતનું ગાડુ જગ્યામાં આપી દીધું હતું અને બાપાના પગે પડી કહ્યું હતું કે, આજથી તમે મારા અલ્લા છો.
 

સારા ઘંટલા થાય તેવો પથ્થર કઢાવી મોકલો

 
ધ્રાંગધ્રાના મહારાજા પ્રભાસ પાટણની યાત્રા કરવા પોતાના ૧૫૦ સવારો સાથે વીરપુરના પાદરથી નીકળ્યા. બાપા સવારી આડે ઊભા રહી ગયા અને હાથ જોડી મહારાજાને વિનંતી કરી કે, બાપુ ! જૂનાગઢ છેટુ છે, રામનો પ્રસાદ લીધા સિવાય ન જવાય. આમ કહી મહારાજા સહિત બધા સવારોને એક સૂંડલામાંથી બે-બે લાડુ અને દોથા ભરી ગાંઠિયાનો પ્રસાદ આપવા માંડ્યા, છતાં સૂંડલા તો ભરેલા જ રહે છે. આ ચમત્કાર જોઈને મહારાજા જલારામ બાપાને હાથ જોડીને કહે છે, માંગો ! માંગો ! શું આપું ? બાપાએ હાથ જોડી કહ્યું, બાપુ ! આમાં ચમત્કાર જેવું કાંઈ નથી, રામનો પરસાદ રામજીએ સૌને આપ્યો.
 

virpur jalaram bapa_1&nbs 
 
મહારાજાએ કહ્યું, ભગત ! એ સાચું કે રામનો પ્રસાદ છે પણ તમને કાંઈક આપ્યા વગર અહીંથી હવે જવાનો નથી. આવો આગ્રહ જોઈને બાપા બોલ્યા કે, બાપુ ! શું માંગુ! રામનો પ્રતાપ છે. ઘંટીનો દળેલો લોટ પૂરો થતો નથી, દળણાં દળાવવાં પડે છે. આપના રાજમાં સારા પથ્થરોની ખાણો છે તો સારા ઘંટલા (ઘંટી) થાય તેવા પથ્થર કઢાવીને મોકલો. મહારાજા સાહેબે કહ્યું, અરે ભગત ! માંગ્યું માંગ્યું ને આ શું માંગ્યું! કઈ ગામ-ગરાસ માંગવો હતો ને ! મારી આપને વિનંતી છે કે મારા રાજમાં જગ્યા બાંધો. ગીરાસ કાઢી આપું. બાપાએ કહ્યું, અમને સાધુ-સંતોને ગામ-ગરાસ ન હોય, ધરતીના ધણી ન થવાય, અમે તો રામનું ભજન કરીએ અને રામ આપે તે ટુકડો સૌને આપીએ. મહારાજા બાપાના ચરણે પ્રણામ કરી આગળ સીધાવ્યા ને જાત્રા કરી પાછા ધ્રાંગધ્રા આવ્યા. ઘંટલા માટે સારામાં સારા પથ્થરો કઢાવી વીરપુર જગ્યામાં મોકલાવ્યા અને ધ્રાંગધ્રાથી સારા કારીગરો મોકલાવી જગ્યામાં ઘંટલો ચાલુ કરાવ્યો. આ ઘંટલો બળદથી ચાલતો અને રોજનું દશ મણ દળણું દળાતું. આ ઘંટલો આજે પણ જગ્યામાં મોજૂદ છે.
 

બાપાને પોતાનાં ગુણગાન પસંદ નહોતાં

 
પૂજ્ય જલારામ બાપા કોઈ બ્રાહ્મણને પગે લાગવા દેતા નહીં. કોઈ બ્રાહ્મણ ભૂલેચૂકે બાપાને પગે લાગે અને બાપાને ખબર પડે કે આ બ્રાહ્મણ છે તો એ ગોરબાપાને ઊભા રાખી પગે લાગી ચાર ફેરા ફરી પ્રદક્ષિણા કરતા અને પાછા પગે પડી માફી માંગતા. ગોપાલ જોષી નામના એક વિદ્વાન સારસ્વત બ્રાહ્મણને પંદર વર્ષ થયાં પક્ષાઘાત હતો. તેને થયું કે વીરપુરમાં જલારામ ભગતને પ્રભુનો સાક્ષાત્કાર થયો છે, જો એનાં દર્શન કરું તો મારો પક્ષાઘાત મટે. એ આશાથી તે વીરપુર આવ્યા અને બાપાને વાત કરી કે પંદર વર્ષ થયાં પક્ષાઘાત થયો છે, કઈક દવાઓ કરી પણ મટતો નથી. કાંઈક ઉપાય બતાવો ! બાપા કહે કે અહીં જગ્યામાં જ રહો અને ઠાકરનું ભજન કરો. જોષી તો જગ્યામાં જ રહ્યા અને છ મહિનામાં તેમનો પક્ષાઘાત મટી ગયો. હર્ષઘેલા થઈ ગયેલા ગોપાલ જોષીએ ભગવાનશ્રી રામચંદ્રજીની મૂર્તિ સામે બેસી બાપાનું ભજન ગાવાનું શરૂ કર્યું. આ ભજન ભજનાવલીમાં છે, તેનું મુખડુ નીચે મુજબ છે -
મારી સુરતામાં લેજો રે સંભાળ, જલારામ જોગી રે...
 
આ ભજન સાંભળી બાપા મંદિરમાં આવ્યા અને ગોપાલ જોષીને કહ્યું, બસ જોષી, બસ કરો, હવે જો મારું એકેય ભજન કરી મારાં ગુણગાન ગાયા છે તો મારા ઠાકર તમને પાછા હતા તેવા કરી દેશે, માટે મારાં ગુણગાન બંધ કરો.
 
જોષીએ તરત ભજન બંધ કર્યું. બાપાને પોતાનાં ગુણગાન પસંદ ન હતાં. બાપાની હયાતીમાં ફક્ત બાપાનું આ એક જ ભજન ગોપાલ જોષી બોલ્યા હતા. ગોપાલ જોષીનો પક્ષાઘાત મટી ગયો અને પછી પોતાને ગામ ગયા. પૂજ્ય જલારામ બાપા ગુરુદર્શન વગર રહી શકતા નહીં એટલે મહિનો, બે મહિના થાય ત્યાં તો પૂરા પચાસ માઈલ પગે ચાલીને ફતેપુર પધારે અને ગુરુનાં દર્શન કરે. જે ભોજા ભગતને દ્વારકાધીશે જાતે આવીને છાપું આપેલી, જેની ભુજાઓ પર શંખ, ચક્ર, ગદા અને પદ્મની નિશાનીઓ હતી એ ભોજા ભગત જલારામ બાપાના ગુરુ હતા. તેમણે જલારામ બાપાને વચન આપેલું કે મારો છેલ્લો મુકામ તારે ત્યાં જ હશે. છેલ્લી વેળાએ જ્યારે એ વીરપુર જવા નીકા ત્યારે ફતેપુરમાં સૌને કહેતા ગયા કે, હવે હું પાછો આ દેહે ફતેપુર નહીં આવું પણ વીરપુરમાં મારા વ્હાલા ભગત જલારામને ત્યાં દેહ છોડીશ. વીરપુરમાં જલારામ બાપાએ ગુરુની બ જ સેવા કરેલી, જેનાથી પ્રસન્ન થઈને ભોજા ભગતે કહેલું, હે જલારામ ! મારો અંતરાત્મા આશિષ આપે છે કે તું મારાથી સવાયો થઈશ. તારી નામના ચોતરફ ફેલાશે, તારા નામ માત્રથી સિદ્ધિ જન્મશે અને સૂરજ ચાંદો તપશે ત્યાં સુધી તારું બાંધેલું સદાવ્રત ચાલ્યા કરશે. હું મારી જાતને ધન્ય માનું છું કે તારા જેવો પ્રભુનો સાક્ષાત્કાર પામેલો શિષ્ય મને મો. આમ પોતાના શિષ્યને આશિષ આપી ગુરુ ભોજલરામ સંવત ૧૯૦૬ની સાલમાં સ્વર્ગે સીધાવ્યા. હાલ વીરપુર બાપાની જગ્યામાં ભોજાભગતની ચરણપાદુકા એક મંદિરમાં છે અને સવાર-સાંજ તેમનું પૂજન થાય છે. પૂજ્ય જલારામ બાપાને ગોંડલના મહારાજા, ધ્રાંગધ્રાના મહારાજા અને જૂનાગઢના નવાબે પણ પોતાના રાજ્યમાં જગ્યા બાંધવા અને ગામ-ગરાસ લેવા બ જ સમજાવેલા પણ ભક્તરાજે એ સૌને હાથ જોડીને ના પાડેલી.
 

જલારામ બાપાનું દેહાવસાન

 
સંવત ૧૯૩૪ (ઈ.સ. ૧૮૭૯) નો ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે જલારામ બાપાએ યાચકોને છુટ્ટા હાથે સદાવ્રત આપી હજારો મનુષ્યોને ભોજન આપેલું. સંવત ૧૯૩૫ના કારતક વદ નોમના દિવસે માતુશ્રી વીરબાઈમા પ્રભુભજન કરતાં કરતાં સ્વર્ગવાસી થયાં. ત્યારબાદ સંવત ૧૯૩૭ના મહાવદી ૧૦ને બુધવારે ભજન કરતાં કરતાં અને સેવકોને બોધ આપતાં ભક્તશિરોમણી શ્રી જલારામજી મહારાજ દેહ ત્યજી પ્રભુપદને પામ્યા અને સંવત ૧૯૩૭ના ફાગણ સુદ ૭ને શુક્રવારે ભક્ત હરિરામજીએ જગ્યાનો વહીવટ સંભાળો. બાપા વૈકુઠ સીધાવ્યા ત્યારે ભક્તશ્રી હરિરામે શ્રી જલારામ બાપા પાછળ રૂપિયા ત્રીસ હજારના ખર્ચે સંતમેળો કર્યો હતો અને આ મેળામાં તે સમયે એક લાખ માણસો ભેગા થયા હતા. આ સંતમેળો ત્રણ દિવસ ચાલ્યો હતો અને આ દરમિયાન વીરપુરના નામદાર ઠાકોર શ્રી સુરાજી બહાદુરે પોતે ત્રણ દિવસ ઘોડેસવાર થઈ આ મેળાની દેખરેખ રાખી હતી. પૂજ્ય જલારામ બાપા સ્વર્ગે સીધાવ્યા બાદ જેતપુર બાજુના વાડાસડા ગામના નારણભાઈ નામના બાપાના સેવક બાપાનાં ફૂલ ગંગાજીમાં પધરાવવા પગે ચાલીને ગયા હતા. જ્યારે સૌએ તેમને એકલા આટલે દૂર જવાની ના કહી ત્યારે નારણભાઈએ કહેલું કે, મારા ગુરુનાં ફૂલ ગંગાજીમાં જો હું ન પધરાવું તો મારી જવાની લાજે! તે સમયમાં તેમણે એક વાંસળીમાં ત્રણસો રૂપિયા ભરી કેડ્યે બાંધી લીધેલા. સામાનમાં એક પોટલું અને હાથમાં મોટી ડાંગ સાથે રોજ પંથ કાપતા તેઓ છ મહિને પહોંચ્યા હતા. ગંગાજીમાં ગુરુનાં અસ્થિ પધરાવી તેમણે જીવતર સાર્થક કર્યું હતું.
સદગુરુ શ્રી રણછોડદાસજી બાપુએ જલારામ બાપા વિશે કહ્યું છે, અન્યનું દુઃખ દેખીને જેનું દિલ દ્રવે છે, સંતો પ્રત્યે જેને ઘણી પ્રીત છે, ભૂખ્યાને જ્યાં અન્નનો ટુકડો મળે છે તે જલાની રીત છે. અન્નદાનનો મહિમા કેટલો મહાન છે તે મહાભારતના પેલાં સોનાના નોળિયાવાળા પ્રસંગ ઉપરથી સમજાય છે, આથી જ બાપાએ કહ્યું છે, જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂકડો.
 

virpur jalaram bapa_1&nbs 
 

કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થાકેન્દ્ર વીરપુરનું જલારામ મંદિર

 
ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી લગભગ બાવન કિ.મી. દૂર આવેલું વીરપુર આમ તો નાનકડુ ગામ છે, પરંતુ તે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર. દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ અહીં જલારામ બાપાનાં દર્શનાર્થે આવે છે. અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલારામ બાપાનું કાર્યસ્થળ હતું એટલે કે ખરેખર તો આ એક ઘર જ છે, જેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા. આ ઘરમાં તેમના જીવનકાળ સાથે સંકળાયેલી ચીજોનો સંગ્રહ છે, સાથે શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજીની અને હનુમાનજીની પ્રતિમાઓ છે. લોકવાયકામાં ભગવાન દ્વારા આપવામાં આવેલી ઝોળી અને દડની જે વાત આવે છે તે પણ અહીં સચવાયેલાં છે. આ મંદિરના મુખ્ય આકર્ષણમાં પૂ. શ્રી સંત જલારામ બાપાનો શ્વેત-શ્યામ ફોટો છે, જે તેમના પરલોકગમનના એક વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો. વીરપુર સિવાય પણ ગુજરાતમાં સંત શ્રી જલારામ બાપાનાં સેંકડો મંદિરો આવેલાં છે. વિદેશોમાં પણ સંત શ્રી જલારામ બાપાના મહિમાને ઉજાગર કરતાં અનેક મંદિરો આવેલાં છે. વિશેષ કરીને પૂર્વ આફ્રિકા, બ્રિટન, અમેરિકા અને ન્યૂઝીલેન્ડમાં તેમના મંદિર જોવા મળે છે. જલારામ બાપાનાં આ મંદિરોમાં જલારામ બાપાની પ્રતિમા હોય છે. હસમુખી, સફેદ પાઘડી, કુર્તા અને ધોતિયું, એક હાથમાં દડો અને એક હાથમાં માળા ધરેલી પ્રતિમાઓ પ્રસ્થાપિત હોય છે. સાથે તેમના પૂજનીય એવા ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાજીની પ્રતિમાઓ પણ હોય છે. જલારામ બાપાની જન્મજયંતીના દિવસે જગતભરના મંદિરોમાં ઉત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે ભક્તસમૂહો પ્રસાદરૂપે લોકોને ભોજન ખવડાવે છે. વીરપુરમાં આ દિવસનું ખાસ્સું મહત્ત્વ છે. સ્થાનિક લોકો માટે જલારામ જયંતી જાણે કે નવું વર્ષ હોય છે. આ દિવસે અહીં મોટો મેળો ભરાય છે અને લાખો શ્રદ્ધાળુઓને ભોજનમાં ખીચડી અને બુંદી, ગાંઠિયાનો પ્રસાદ પીરસવામાં આવે છે.
 

virpur jalaram bapa_1&nbs 
 

દાન લીધા વગર પીરસાય છે હજારો લોકોને ભોજન

 
સેવા અને ધર્મનો વારસો પૂ. શ્રી જલારામ બાપાને ગળથૂથીમાંથી જ મળેલો હતો. સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું, જે આજે ૨૦૧ વર્ષ બાદ પણ અવિરત ચાલે છે. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામના મંત્ર સાથે શરૂ થયેલ આ સદાવ્રતમાં આજે રોજના પાંચથી છ હજાર શ્રદ્ધાળુઓને ભોજન પીરસાય છે. તહેવાર અને રજાના દિવસોમાં તો આ આંકડો અનેકગણો વધી જાય છે. આજે આ સદાવ્રતની સૌથી મહત્ત્વની વાત એ છે કે, અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ અને ગરીબોને ભોજન પીરસાતું હોવા છતાં જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી.
 

દાન લીધા વગર કેવી રીતે ચાલે છે આટલું મોટુ રસોડુ ?

 
જલારામ મંદિરમાં તમને ક્યાંય દાનપેટી જોવા નહીં મળે, છતાં કોઈ જાણતાં-અજાણતાં પણ જો મંદિરમાં ક્યાંય દાન મૂકતા દેખાઈ જાય તો તેમને વિનમ્રતાપૂર્વક રોકવા મંદિરના સેવકો ખડે પગે હાજર હોય છે. ત્યારે એવો પ્રશ્ન જરૂર થાય કે, કોઈપણ પ્રકારનું દાન કે ભેટસોગાદ લીધા વગર રોજના હજારો લોકોની ભૂખ ભાંગતું જલારામ મંદિર અને તેનું સદાવ્રત આખરે ચાલે છે કેવી રીતે ? કહેવાય છે કે (ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ વીરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું. અગાઉ મંદિરમાં રોકડ, અનાજ સહિતનું દાન સ્વીકારવામાં આવતું હતું, પરંતુ જલારામ બાપાનાં વંશજ જયસુખરામ બાપાએ પરિવારજનોની સાથે ચર્ચા કરી મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરાવ્યું હતું. દાન ન સ્વીકારવાનાં કારણમાં મંદિર જોડે પૂરતું દાન આવી ગયું હોવાની અને તે દાનથી આવનાર ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે એમ કહેવાય છે.
 

જલારામ બાપા પર ફિલ્મ પણ બની ચૂકી છે

 
આશરે પચાસ વર્ષ પહેલાં પૂજ્યશ્રી જલારામ બાપાના પ્રસિદ્ધ પરચાઓ પર આધારિત સંત શિરોમણી નામની એક ફિલ્મ બની હતી. સંસારી શ્રદ્ધાળુઓ પર જ્યારે સંકટ આવે છે ત્યારે એ દુઃખી જીવો આસ્થાપૂર્વક મનોમન બાપાને પ્રાર્થના કરે છે અને બાપાની કૃપાથી તેઓ દુઃખમુક્ત થાય છે એવા ત્રણ પ્રસંગો આ ફિલ્મમાં દર્શાવ્યા છે. આ ફિલ્મમાં માત્ર જલારામ બાપાની છબિનાં જ દર્શન થાય છે. સાથે સાથે એક આકાશવાણી ગીત ગુંજતું રહે છે, જે આ પ્રમાણે હતું
 
અલા જેવો જલા મનાણો,
રામજીનો ભગત લુહાણો.
 
પૂજ્ય જલારામ બાપા સૌ કોઈના હતા, સૌ કોઈના છે અને હંમેશા રહેશે. તેમના ગુરુ ભોજા ભગત પટેલ હતા તો એમના સેંકડો શિષ્યો ભિન્ન-ભિન્ન જ્ઞાતિઓના હતા. પૂજ્ય બાપા તો સૌમાં રામ જોતા. આથી જ એ પદ પ્રસિદ્ધ છે કે -
 
રામનાથ મેં લીન હૈ, દેખત સબ મેં રામ,
તાકે પદ વંદન કરું, જય જય જલારામ.