મેજર સોમનાથ શર્મા | વાત પ્રથમ પરમવીર ચક્ર વિજેતાના સાહસની...

    03-Nov-2020   
કુલ દૃશ્યો |

somanath sharma_1 &n 
 
 
મેજર સોમનાથ શર્મા (કુમાઉ રેજીમેન્ટ, ચોથી બટાલિયન - મરણોત્તર)
જન્મ- ૩૧ જાન્યુઆરી, ૧૯૨૩ શહિદ- ૩ નવેમ્બર, ૧૯૪૭
 
વર્ષ હતું ૧૯૪૭નું. ભારતને આઝાદી મળ્યાને બે મહીના પણ માંડ વિત્યા હતા. હજુ દેશ વેતરાઈ ગયાની વેદનાની પ્રજાને કળ પણ નહોતી વળી. પાકિસ્તાનથી હિન્દુઓની લાશો ભરીને આવેલી ટ્રેનોના પૈડા હજુ પ્રજાના હૃદય પર ફરી રહ્યાં હતા, પાકિસ્તાનમાં જ અગ્નીસંસ્કાર વગર કોહવાઈ રહેલી હિન્દુઓની લાશોની દુર્ગંધ હજુ પીડા બનીને પ્રજાના મસ્તકમાં સણકા કરી રહી હતી.
 
ત્યાંજ પાકિસ્તાને નવો દાવ ખેલ્યો. કાશ્મીરને પોતાના અબ્બાઓનો માલ સમજી બેઠેલા પાકિસ્તાનીઓએ સશસ્ત્ર જવાનોને કાશ્મીર કબજે કરવાનો હુકમ આપીને ભારત પર છોડી મુક્યા. પાકિસ્તાની રાજકારણીઓના સપોર્ટથી એ ભેડિયાઓને ભારતની સરહદમાં  પ્રવેશવામાં સફળતા મળી ગઈ.
 
પંડિત નહેરુને કોઈએ ખબર આપ્યા, ‘સાહેબજી, પાકિસ્તાની ભેડિયાઓ ભારતની સરહદમાં ઘુસી ગયા છે અને કાશ્મીરને પચાવી પાડવાનો કારસો રચી રહ્યાં છે.’ બીજો કોઈ નેતા હોત તો એના રૂંવાડા ઉભા થઈ જાત અને એ એ ભેડિયાઓને ખતમ કરી નાંખવાનો હુકમ કરત. પણ પંડિત નહેરુ તો જાણે કંઈ બન્યુ જ નથી એમ ચૂપ જ રહ્યાં. ઉલ્ટાનું એમણે કાશ્મીરના મહારાજા હરિસિંહને સૂચના આપી કે જે થતું હોય એ થવા દો. તમે કોઈ પગલા ભરશો નહીં.
 
ભારત તરફથી કોઈ પ્રતિકાર ના થતા પાકિસ્તાનીઓની હિંમત ઓર વધી. પંદરેક દિવસ બાદ બીજા અનેક લોકોએ પણ કાશ્મીરની ખીણમાં ઘુસણખોરી કરી અને તાંડવ મચાવવાનું શરું કર્યુ.
 
રરમી ઓક્ટોબર ૧૯૪૭ની મધ્યરાત્રીએ ઘુસણખોરોએ મુઝફ્ફરાબાદને ભડકે બાળ્યુ અને મહુરા પર કબજો જમાવી દીધો. મુઝફફરાબાદની આગ જેમ જ આ વાત પણ આખા દેશમાં ફેલાઈ ગઈ. કાશ્મીર મુઝફફરાબાદથી માત્ર પચાસ માઈલ દૂર હતુ અને એક મોટુ વીજ મથક હતું. ત્યાં ઘુસણખોરી થયાના થોડા જ કલાકોમાં આખાયે શ્રીનગરમાં અંધારપટ છવાઈ ગયો.
નહેરુ ભલે ઠંડા હતા પણ દેશના લોહપુરુષ તપી ચુક્યા હતા. એમણે એમની કુનેહ વાપરીને એમના વિશ્વાસુ એવા વી.પી.મેનનને તાત્કાલિક શ્રીનગર મોકલ્યા અને રાજા હરિસિંહનુ સહમતિ પત્ર મંગાવી લીધુુ. આખરે જોડાણ પત્ર લખાઈ ગયુ એટલે કાશ્મીરને બચાવવાની જવાબદારી સરકારના માથે આવી પડી.
 
દેશમાં ભારે અરાજકતા ફેલાઈ રહી હતી. ભારતના તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડમાઉન્ટ બેટન સાથે દિલ્હીમાં એક બેઠક યોજવામાં આવી હતી. એક બાજુ પાકિસ્તાનીઓ ભારતનું કાશ્મીર ઓળવી જાય એવી સ્થિતી પેદા થઈ હતી છતાં પણ નહેરુંએ એ બેઠકમાં રશિયા, આફ્રિકા અને યુનાઈટેડ નેશન જેવા વિષયો પર ચર્ચા કરવાનું શરૂ કર્યુ. એમની આ વ્યર્થ ચર્ચા સાંભળીને ત્યાં બેઠેલા સરદાર પટેલનું  ( Sardar Patel ) મગજ ફાટી ગયુ. એ ઉભા થયા અને સિંહ ત્રાડ પાડતો હોય એમ બોલ્યા, ‘નહેરુજી, એ બધી વાત છોડો. તમે એ કહો કે તમારે કાશ્મીર જોઈએ છે કે જતું કરવું છે?’
 
‘જોઈએ છે!’ નહેરુંએ હળવેકથી જવાબ આપ્યો.
 
સિંહ પાછો ગજ્ર્યો, ‘તો પછી આ બધી વ્યર્થની ચર્ચાઓ છોડો અને આદેશ આપો. આપણું સૈન્ય એ પાકિસ્તાની કુતરાઓને ઘડીના છઠ્ઠા ભાગમાં ઘર ભેગા કરી દેશે.’
 
આખરે નહેરુંએ આદેશો આપવા પડ્યા અને પછી લોહપુરુષ સરદાર પટેલની કુનેહથી ભારતીય સૈન્યની પહેલી ટુકડી પાકિસ્તાની ભેડિયાઓનો ખુરદો બોલાવવા મેદાને પડી.
 
***
 
આ બાજુ નહેરુના આદેશો છુટયા અને આ બાજુ સિંહના ટોળા જેવું ભારતીય સૈન્ય. પાકિસ્તાની સૈન્ય ધીમે ધીમે કાશ્મીર સર કરી રહ્યુ હતુ. હવે તેઓ ધીમે ધીમે શ્રીનગરના હવાઈ મથક તરફ આગળ વધી રહ્યાં હતા. એ વખતે ચોથી કુમાઉ રેજીમેન્ટની ડી. કંપનીના જાંબાજ મેજર સોમનાથ શર્માની કંપની શ્રીનગરના હવાઈ મથકની સુરક્ષા કરી રહી હતી. મેજર સોમનાથ શર્માને થોડા સમય પહેલાજ હોકી રમતા રમતા હાથમાં ઈજા થઈ હતી એટલે તેઓ દિલ્હી આવ્યા હતા. એમના જમણા હાથે પ્લાસ્ટર હતું. ડોકટરએ એમને ખાસ સૂચના આાપી હતી કે, ‘મેજર, હાથ ઝડપથી સાજો કરવો હોય તો આ હાથે ચમચી પણ ના પકડતાં.’ જવાબમાં મેજર શર્માએ માત્ર મર્માળુ સ્મિત આપ્યુ હતું.
 
પાકિસ્તાની ભેડિયાઓ કાશ્મીર સર કરવા માટે મેદાને પડ્યા છે એ વાતની જાણ થઈ ત્યારથી જ મેજર શર્માની અંદરનો સૈનિક આરપારની લડાઈ માટે થનગની રહ્યો હતો. પણ હાથમાં થયેલી ઈજાને કારણે એમને કોઈ ઓર્ડર મળ્યો નહીં. તેઓ લડાઈ માટે અનફિટ હતા એવું કારણ આપવમાં આવ્યુ. આખરે સોમનાથે રજુઆત કરી, ‘સર, મારો હાથ તુટ્યો છે. હૈયુ કે હામ નહીં! હાથની સામાન્ય ઈજાને કારણે હું મારા દેશને ઈજા થવા દઉં એ કેવું કહેવાય? અરે હાથ શું હું આખે આખો ઈજાગ્રસ્ત હોઉં તો પણ એ ભેડિયાઓ સામે લડી શકું એટલી દેશદાઝ તો છે જ મારામાં. પ્લીઝ... ઓર્ડર મી ટુ ફાઈટ એન્ડ ફિનીશ ઓલ એનીમી....’
 
‘૫ણ મેજર ડોકટરે તમને ચમચી પણ પકડવાની ના પાડી છે.’
 
‘હા, તે ચમચીને હાથ પણ નહીં અડાડુ. હું ખાઈશ જ નહીં બસ. પણ મને ગન પકડવાની ના નથી પાડી. પ્લીઝ સર, હું મારી ટુકડીને બીજા કોઈના હાથમાં સોંપવા નથી માંગતો. અને સર મહાત્માએ કહ્યુ છે કે, વીર પુરુષ રોગ શય્યામાં મરવા કરતા રણક્ષેત્રમાં મરવું વધું પસંદ કરે છે. મને રણક્ષેત્રમાં જવા દો સર!’
 
સોમનાથ શર્માનુ જુનુન જોઈને અધિકારીએ એમને શ્રીનગરના હવાઈ મથકની રક્ષા કરવાનો હુકમ આપ્યો. ફરી પાછુ સોમનાથનું મન કચવાયુ, ‘સર, હવાઈમથકની સુરક્ષા કરવાનું એ કોઈ જવાબદારી નથી. એ તો સિક્યોરીટી તરીકે કામ કરતા હોઈએ એવું લાગે. મારે તો મેદાને જંગ ખેલવો છે.’
 
‘મેજર, એ હવાઈ મથકની સુરક્ષા જેટલી મોટી જવાબદારી બીજી કોઈ નથી. પાકિસ્તાની સૈન્ય એ હવાઈ મથક કબ્જે કરવાની ફિરાકમાં જ છે. એ લોકો જો એ હવાઈ મથક કબ્જે કરી લેશે તો સમજાે કાશ્મીર આપણા હાથમાંથી ગયુ. અને ત્યાં જેવી લડાઈ થશે એવી કુરુક્ષેત્રમાં પણ નહીં થઈ હોય. તમને ખબર નથી મેં તમારા હાથમાં શ્રીનગરનું હવાઈ મથક નહીં પણ કાશ્મીર આપી દીધું છે. હવે કાશ્મીરને એટલેકે ભારતના મસ્તકને બચાવવાની જવાબદારી તમારા હાથમાં છે... તમારા ઈજાગ્રસ્ત હાથ પર મેં ભરોસો મુક્યો છે મેજર.... ’
 
‘ડોન્ટ વરી સર! હું વચન આપુ છું કે જીવીશ ત્યાં સુધી એક પણ પાકિસ્તાનીનો પગ કાશ્મીરની ધરતી પર નહીં પડવા દઉં.’
***
 
તારીખ હતી ત્રીજી નવેમ્બર, ૧૯૪૭. પાકિસ્તાની ઘુસણખોરો શ્રીનગરના હવાઈ મથકથી સાવ નજીક આવેલા બડગામમાં પહોંચી ચુક્યા હતા. શ્રીનગર ખાતેના કમાન્ડર બ્રિગેડિયર સેને મેજર સોમનાથ શર્મા અને તેમની ‘ડી’ કંપનીને બડગામ તરફ જવાનો આદેશ આપ્યો.
 
એ જ તારીખ. બપોરના ૨.૩૦ વાગ્યા હતા. બડગામમાં આરપારની લડાઈ શરૂ થઈ ગઈ હતી. આ બાજુ મેજર સોમનાથ શર્માની ઝાંબાજ ટુકડી હતી અને પેલી તરફ પાકિસ્તાની ઘુસણખોરોની મોટી ફોજ. ઘુસણખોરો તરફથી તોપગોળાઓનો વરસાદ થઈ રહ્યો હતો. મશીનગનની ગોળીઓ તો ધાણી ફુટે એમ ફુટી રહી હતી. ધીમે ધીમે પાકિસ્તાની ધુસણખોરો શ્રીનગરના હવાઈ મથકની નજીક સરકી રહ્યાં હતા. મેજર સોમનાથની મજબુરી એ હતી કે તેમની ટુકડીમાં માત્ર રર સૈનિકો હતા અને પાકિસ્તાની ઘુસણખોરોની સંખ્યા ૭૦૦ જેટલી હતી.
 
શ્રીનગરનું હવાઈ મથક અને બડગામની ખીણો તોપગોળાના અવાજથી ઘણઘણી રહી હતી. મેજર શર્મા પાસેનો શસ્ત્ર સરંજામ ખૂટી રહ્યો હતો. માત્ર બાવીસ જણ સાતસો ભેડિયાઓનો મુકાબલો કરી રહ્યાં હતા. મેજર શર્માને કમાન્ડરે કહેલા શબ્દો યાદ આવી ગયા, ‘મેજર, એ લોકો જો હવાઈ મથક કબ્જે કરી લેશે તો સમજો કાશ્મીર આપણા હાથમાંથી ગયુ. તમને ખબર નથી મેં તમારા હાથમાં શ્રીનગરનું હવાઈ મથક નહીં પણ કાશ્મીર આપી દીધું છે. હવે કાશ્મીરને એટલેકે ભારતના મસ્તકને બચાવવાની જવાબદારી તમારા હાથમાં છે... તમારા ઈજાગ્રસ્ત હાથ પર મેં ભરોસો મુક્યોછે મેજર.... ’
 
કમાન્ડરના શબ્દો યાદ આવતા જ મેજર સોમનાથ ગંભીર થઈ ગયા. એ વિચારી રહ્યાં હતા કે આજે જો હવાઈ મથક હાથથી ગયુ તો કાશ્મીર હંમેશાં માટે છીનવાઈ જશે. ટૂંકમાં પાકિસ્તાની ઘુસણખોરો અને કાશ્મીર વચ્ચે હવે એક માત્ર દિવાલ ગણો તો એ સોમનાથ શર્માની રર સૈનિકોની ટુકડીની હતી. અને એ પાડવા માટે ૭૦૦ જેટલા પાકિસ્તાની હથોડાઓના ઘા ઝીંકાઈ રહ્યાં હતા.
 
પણ દિવાલ મજબુત હતી. એનો એક એક કણ માટીમાં ના મળી જાય ત્યાં સુધી એ તુટે એમ નહોતી. પોતાની પાસેનો શસ્ત્ર સરંજામ ખુટતો જતો હતો. આસપાસના ઘરોમાં પણ ગોળીબાર શરૂ થઈ ચુક્યો હતો. મેજર શર્મા અને એમની ટુકડી ધારત તો એક જ બોમ્બ ધડાકે દુશ્મનો ધુમાડો થઈ જાત. પણ એમણે એ પણ ધ્યાન રાખવાનું હતું કે એક પણ નિર્દોષ નાગરિકનો જાન ના જાય. દુશ્મનો દેખાય ત્યાં સુધી એમણે રાહ જોવી પડે એમ હતી.
 
આખરે થોડીવારે દુશ્મનોની ચહલ પહલ થઈ. મેજર શર્મા એમના ઈજાગ્રસ્ત હાથ વડે દુશ્મનો પર ઘાણી ફુટ ગોળીઓ છોડી રહ્યાં હતા. ગોળીઓનો વરસાદ વરસાવતા વરસાવતા એમણે પરિસ્થિતીનો તાગ મેળવ્યો. એમને ખબર પડી ગઈ હતી કે હવે એમની જિંદગી ભારત માતાને સમર્પિત કરવાનો સમય આવી ગયો છે. શહીદી નામની દુલ્હન વરમાળા લઈને ઉભી છે, બસ થોડી ક્ષણોની જ વાર છે.
 
આખરે મેજર સોમનાથ શર્માએ હેડક્વાટરને સંદેશો મોકલ્યો, ‘સર, દુશ્મનો અમારાથી માત્ર ૫૦ યાર્ડઝ દૂર છે. અમારી ટુકડી ચારે તરફથી ઘેરાઈ ચુકી છે. દુશ્મનો ગોળીઓનો વરસાદ કરી રહ્યાં છે. બટ, ડોન્ટ વરી. હું તમને વચન આપુ છુ કે હું એક તસુભાર પણ ખસવાનો નથી. વી વિલ ફાઈટ ટીલ ધ લાસ્ટ બુલેટ એન્ડ લાસ્ટ સોલ્ઝર. હું છેલ્લી છેલ્લી ગોળી અને છેલ્લા સિપાહી સુધી લડતો રહીશ. જયહિન્દ... જય ભારત...!’
 
આ સંદેશ મેજર સોમનાથ શર્મા તરફથી આવેલો છેલ્લો સંદેશ હતો. સંદેશો મોકલીને મેજરે ધરતીમાને વંદન કર્યા. અને વિફરેલા સિંહ જેમ મેદાનમાં દોડ્યા. દુશ્મનોથી દૂર ભાગવાને બદલે એ દુશ્મનો તરફ દોડી રહ્યાં હતા. આ હુમલામાં પાકિસ્તાની સેનાપતિ ખુરશીદ ઘાયલ થયો હતો. મેજર સોમનાથ જે રીતે વિફર્યા હતા એ જોઈને એમને લાગ્યુ કે ભારતીય સૈન્ય બહું મોટી સંખ્યામાં છે અને પોતે એમનો સામનો નહીં કરી. એ લોકો પીછે હટ કરવાનુ વિચારી રહ્યાં હતા.
 
મેજર સોમનાથના હાથમાં મોર્ટાર હતી. એ દુશ્મનો તરફ દોડી રહ્યાં હતા. અને દુશ્મનો કંઈ વિચારે એ પહેલા જ એક મોટો ધમાકો થયો. કાશ્મીરની ખીણમાં એનો પડધો પડ્યો અને એક ગરજતો સિંહ શાંત થઈ ગયો.
 
સરદાર પટેલે મોકલેલુ કુમક બડગામ પહોંચ્યુ ત્યારે ત્યાં બધું જ શાંત થઈ ગયું હતું, નહોતા સંભાળાતા બોંબ ધડાકાના અવાજ, નહોતી સંભળાતી ગોળીઓની રમઝટ કે નહોતી સંભળાતી સોમનાથ શર્મા નામના સિંહની ગર્જના. બડગામના મોરચા પર ભારતના બાવીસ નરબંકાઓ શહીદીની ચાદર ઓઢીને સૂતા હતા પણ સામે પક્ષે સાતસો પાકિસ્તાની ભેડિયાઓની લાશો ઢાળી દીધી હતી. શ્રીનગરનું હવાઈ મથક સુરક્ષિત હતું અને કાશ્મીર પચાવી લેવાના પાકિસ્તાનીઓના મનસુબા મરી ચુક્યા હતા.
 
આઝાદ ભારતનું આ પ્રથમ યુદ્ધ અને પ્રથમ બલિદાન હતું. એ દિવસે જો મેજર શર્માની બહાદૂરીએ રંગના રાખ્યો હતો તો એ જ દિવસે કાશ્મીર દુશ્મનોના હાથમાં ચાલ્યુ ગયું હોત. મેજર શર્માની શહીદીએ કાશ્મીર બચાવી લીધુ. મેજર શર્માના છેલ્લા મેસેજ મુજબ તેઓ તેઓ છેલ્લી ગોળી અને છેલ્લા સિપાહી સુધી લડ્યા. એમના આ અમુલ્ય અને અજોડ બલિદાન બદલ ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૨ના દિવસથી સર્વોચ્ચ બહાદુરી માટે શરૂ કરવામાં આવેલા પ્રથમ પરમવીર ચક્રથી એમને સન્માનવામાં આવ્યા. મરણોત્તર પરમવીર ચક્ર મેળવનારા આ પરમવીરના પિતાએ જ્યારે દીકરા વતી આ સન્માન સ્વીકાર્યુ ત્યારે એમની આંખો ભીની નહોતી પણ છાતી ગૌરવથી ફુલી નહોતી સમાતી. સંજોગની બલિહારી તો એ હતી કે પ્રથમ પરમવીર ચક્ર મેળવનાર મેજર સોમનાથ શર્મા પરમવીર ચક્રની ડિઝાઈન તૈયાર કરનાર સાવિત્રી દેવીની દીકરીના દિયર હતા.
 
અને આંખ ભીની થઈ જાય એવી વાત એ છે કે પ્રથમ પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્માના છેલ્લા શબ્દો, ટીલ ધી લાસ્ટ બુલેટ એન્ડ લાસ્ટ સોલ્ઝર આજે ભારતીય સૈન્યના દરેક સિપાહી માટે મુદ્રા લેખ સમાન બની ગયો છે.
 

ગુજરે થે હમ જીધર સે - સોમનાથ શર્મા - Major Somnath Sharma

 
મેજર સોમનાથ શર્મા ( Major Somnath Sharma ) નો જન્મ ૩૧મી જાન્યુઆરી, ૧૯૨૩ના રોજ હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના ડાઘ ગામે થયો હતો. તેમનો પરિવાર પણ ભારતીય લશ્કર સાથે જોડાયેલો હતો. તેમના પિતા મેજર જનરલ અમરનાથ શર્મા તથા તેમના બે ભાઈઓ સુરીન્દરનાથ શર્મા તથા વિશ્વનાથ શર્મા અને તેમના બહેન કમલા તિવારી પણ લશ્કરમાં જોડાયેલા હતા.
સોમનાથ શર્માના પિતા મેજર જનરલ અમરનાથ શર્મા લશ્કરના ઉચ્ચ અધિકારી હતા અને દેશની આર્મ્ડ મેડિકલ સર્વિસીસના દેશની આઝાદી બાદ નિવૃત થયા હોય એવા પ્રથમ ડાયરેકટર જનરલ હતા.
 
તેમના ભાઈ લેફટનન્ટ જનરલ સુરીન્દરનાથ શર્મા એન્જિનિયર ઈન ચીફ તરીકે નિવૃત થયા હતા અને તેમના બીજા ભાઈ વિશ્વનાથ શર્માએ ચીફ આર્મ્સ સ્ટાફ તરીકે નિવૃતિ પામ્યા હતાં. સોમનાથના બહેન બહેન મેજર કમલા તિવારી પણ લશ્કરમાં તબીબ હતા. તેમના એક મામા કેપ્ટન કૃષ્ણદત વાસુદેવ પણ ૯/૧૯ હૈદરાબાદ ઈન્ફ્રન્ટી રેજીમેન્ટમાં જ હતા. જાપાનીઓ સાથેના એક યુદ્ધ દરમિયાન સ્લમ નદી પરના એક પુલને બચાવતા તેઓ શહીદ થયા હતા. તેમની શહીદીને કારણે તેમની બટાલિયનના હજજારો સૈનિકો નદીનો પુલ પાર કરી શક્યા હતા.
 
તેમના મામાનું બલિદાન સોમનાથના મન પર ઘેરી અસર કરી ગયુ હતું. એ બલિદાન તેમના જીવનનું પ્રેરણાસ્ત્રોત બની ગયુ હતું.
 
સોમનાથ શર્મા તેમના પરિવાર અને મિત્રોમાં સોમના હુલામણા નામથી ઓળખાતા હતા. બાળપણથી તેઓને શ્રીનગરમાં રહેતા તેમના નાનાજી પંડિત દૌલતરામ પાસે રહેવું ખુબ ગમતું હતું. તેમની પાસેથી તેઓએ ગીતા સાંભળી હતી. અને કૃષ્ણએ અર્જુનને આપેલા સંદેશને તેઓએ પોતાના જીવનમાં વણી લીધો હતો.
 
સોમનાથ જ્યારે દસ વર્ષના હતા ત્યારે દહેરાદૂનથી પ્રિન્સ ઓફ વેલ્સ રોયલ મિલિટરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. એ પછી તેઓ રોયલ ઈન્ડિયન મિલિટરી એકેડમી સાથે જોડાયા હતા. એ અભ્યાસ પૂર્ણ થતા તેઓ ૮/૧૯ હૈદરાબાદ ઈન્ફ્રન્ટ્રી રેજીમેન્ટમાં જોડાયા હતા. અને છેલ્લે ૨૨મી ફેબ્રુઆરી, ૧૯૪૨ના રોજ ભારતીય લશ્કરની ચોથી કુમાઉ રેજીમેન્ટની ડી કંપનીમાં તેઓની ભરતી કરવામાં આવી હતી. જે કંપની અંતર્ગત આઝાદ ભારતના પહેલા યુદ્ધમાં ૩જી નવેમ્બર ૧૯૪૭ ના રોજ તેઓએ શહીદી વહોરી હતી.