બરાબર ઊંઘ નથી આવતી? જાણી લો તેના કારણો અને તેના ઉપાયો...

    ૧૪-ડિસેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

not sleep_1  H  
 

અકળામણ કરાવતી ‘અનિદ્રા’

 
લોકડાઉન આવ્યું અને ગયું પણ કોરાનાની બીકમાંથી હજુ સુધી મુક્તિ મળી નથી, કેટલાક લોકો આ મહામારી દરમિયાન ડિપ્રેશનનો શિકાર બની ગયેલા છે. તો કેટલાક અનિદ્રાનો. આજે વાચકમિત્રો સાથે જે રોગ વિશે વાત કરવા જઈ રહી છું, તેનું નામ છે, ‘અનિદ્રા’. અનિદ્રાનો અર્થ છે, કોઈપણ કારણોસર ઊંઘ ન આવવી અથવા ઊંઘ ઓછી થઈ જવી. આપણા દેશમાં ઘણા બધા લોકો આ રોગનો ભોગ બનેલા છે.
 
અનિદ્રાનું મુખ્ય કારણ સતત રહેતો માનસિક તનાવ મુખ્ય છે. સતત સંઘર્ષ અને દોડધામમાં જીવતો આજનો માનવી માનસિક રીતે ખૂબ જ પરેશાન છે. આધુનિક જીવનશૈલીમાં અનિદ્રાનો રોગ ખૂબ જ સામાન્ય બની ગયો છે. યોગ્ય અને પૂરતી નિદ્રા એ વાત પણ હકીકત છે કે, દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત વ્યક્તિ અને તેની ઉંમર મુજબ અલગ-અલગ હોય છે. મોટા ભાગે વયસ્ક લોકોને ૭થી ૮ કલાકની ઊંઘ જોઈએ. જે રીતે ઓછી ઊંઘ તંદુરસ્તી માટે નુકસાનકર્તા છે તેમ વધુ પડતી ઊંઘ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ ઉપરાંત અનિદ્રાના કારણે માથાનો દુખાવો, ચક્કર આવવાં, યાદશક્તિ ઘટી જવી, આંખો નીચે કાળાં કુંડાળાં થઈ જવાં, ગુસ્સો આવવો, ચીડિયાપણું, બગાસાં આવવાં, ઉદાસીનતા અને અકાળે વૃદ્ધત્વનાં લક્ષણો દેખાવા માંડે છે. અનિદ્રાના રોગીને પૂરતી ઊંઘ ના મળવાથી આખા શરીરને તેમાંય ખાસ કરીને મગજ અને જ્ઞાનતંતુને ઊર્જા મળતી નથી, ત્યાં પૂરતું લોહી પહોંચતું નથી, પરિણામે તેમને હંમેશા થાક લાગ્યા કરે છે અને સુસ્તી રહ્યા કરે છે અને ઉત્સાહનો પણ અભાવ રહે છે.
 

અનિદ્રાનાં કારણો

 
અનિદ્રાનું મુખ્ય કારણ માનસિક તનાવ છે. એક પ્રકારની માનસિક તાણ, ચિંતા, બેચેની, નિરાશા, કોટુંબિક કારણો, નોકરીની ચિંતા, વિદ્યાર્થીઓને અભ્યાસનો તનાવ વગેરે ઉપાધિઓ માનવીની ઊંઘ હરામ કરવા માટે પૂરતી છે. ઘણા દર્દીઓ એવા પણ હોય છે કે જેમને શરૂઆતમાં તો ઊંઘ સરસ આવી જાય છે, પછી મુશ્કેલીથી બે-ત્રણ કલાકે પડખાં ફેરવીને થાક્યા પછી વિચારોથી મગજ થાકી જાય પછી ઊંઘ આવતી હોય છે. ચા, કોફી, બીડી, સિગારેટ જેવી સામાન્ય ઉત્તેજક ચીજોનું સેવન કરવાથી તેમજ મગજની ઉત્તેજનાથી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે અને લાંબા સમયના આ લક્ષણથી અનિદ્રાનો રોગ લાગુ પડી જાય છે.
 

ચિકિત્સા અને ઉપાય :

 
૧. ચિકિત્સામાં બ્રાહ્મીવટીની બે-બે ગોળી સવાર-સાંજ ગાયના દૂધ સાથે લેવી જોઈએ.
 
૨. પથ્યાદિ ક્વાથ કે માંસ્યાદિ ક્વાથનું વૈદ્યની સલાહ મુજબ સેવન કરી શકાય છે.
 
૩. સારસ્વતારિષ્ટ ૧-૧ ચમચી સવાર-સાંજ ભૂખ્યા પેટે લેવું જોઈએ.
 
૪. પિપલીમૂળ-ગંઠોડાનું ચૂર્ણ ભેંસના દૂધમાં નાખીને ઉકાળીને પીવું.
 
૫. મુક્તાપિષ્ટી, સર્પગંધા ઘનવટી વગેરે દવાઓનું સેવન વૈદ્યકીય સલાહ અનુસાર કરી શકાય છે.
 
૬. મન શાંત રાખવું, શક્ય હોય તો દરરોજ અડધો કલાક ધ્યાન કરવું, જેથી ગુસ્સો, ચિંતા, આવેશ, ભય જેવા ભાવો ધીરે ધીરે શાંત થતા જાય છે.
 
૭. પગના તળિયે કાંસાની વાટકીથી ગાયનું ઘી ઘસવું.
 
૮. નિદ્રાનો સમય, સૂવાના કલાકો, ઊઠવાનો સમય વગેરે નિશ્ર્ચિત રાખવું. ઘણીવાર સૂવાનો સમય વીતી જાય પછી ઊંઘ આવવી મુશ્કેલ બનતી હોય છે.
 
૯. જેમનું મન ખૂબ અશાંત અને વ્યગ્ર રહેતું હોય તેમના માટે આયુર્વેદમાં બતાવેલ શિરોધારાની ચિકિત્સા પણ ખૂબ જ અકસીર સાબિત થાય છે. સતત કપાળ પર પડતી ઘી કે તેલની ધારા માથા કે શિરનાં છિદ્રોમાં જઈ રક્તવાહિનીઓનું સંચરણ ઉત્તમ રીતે કરે છે. અનિદ્રા ઉપરાંત શિરોધારાથી વાળની સમસ્યામાં પણ ફાયદો થાય છે.
 
આમ ઉપરોક્ત ઉપાયો અને સારવાર અનિદ્રા જેવા રોગમાંથી અવશ્ય મુક્તિ અપાવે છે.