તંત્રીસ્થાનેથી । રાષ્ટ્રનું સાચું સુખ ‘આત્મનિર્ભરતા’માં જ

    ૧૪-ડિસેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

atmanirbhar _1  
 
 
‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ અને એ દિશામાં થઈ રહેલા પ્રયત્નો દેશને એક ઉચ્ચ મુકામે પહોંચાડશે તેવો અર્થશાસ્ત્રના અગ્રણીઓનો મત છે. વર્તમાન‘આત્મનિર્ભર ભારત - ૩.૦’માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ, ઇમરજન્સી ક્રેડિટ સ્કિમ, મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કિમ, એગ્રિકલ્ચર સબસિડી, બૂસ્ટ ફોર પ્રોજેક્ટ એક્સપોર્ટસ જેવી વિવિધ યોજનાઓ અમલમાં આવી. સર્વાધિક રોજગારી આપતા સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગો તથા દેશના ગરીબ નાગરિક, શ્રમિક, મજૂર, ખેડૂત, સંગઠિત-અસંગઠિત ક્ષેત્રના સૌ વ્યક્તિઓ માટે આત્મવિશ્ર્વાસ અને પ્રગતિ. સંપૂર્ણ સ્વદેશી અને વિદેશી ટેક્નિકલ જોડાણ સાથે ભારતમાં બનનારી કોરોના રસી (વેક્સીન) આપણને વેક્સીન અંગે વૈશ્ર્વિક ઉત્પાદનની હરોળમાં મૂકવા સાથે, પરદેશી રસી કરતાં કદાચ આઠથી દસ ગણી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. ૧૩૦ કરોડ લોકો માટેની બચત ગણીએ તો હજારો કરોડો રૂપિયા થાય.
 
અર્થતંત્રમાં અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભર થવાના વિશેષ પ્રયત્નોમાં સૌરઊર્જા સૌથી મહત્ત્વનું ક્ષેત્ર. દેશમાં ઊર્જાની કુલ જરૂરિયાતના ૯૯.૬ ટકા ભારતમાં જ ઉત્પન થાય છે. લગભગ સાતથી દસ રૂપિયા પ્રતિ યુનિટના સ્થાને સૌર ઉર્જા લગભગ બેથી ત્રણ રૂપિયે પ્રતિ યુનિટ પ્રાપ્ત થાય છે. હાલમાં જ સૌરઊર્જાનું ઉત્પાદન કરનારી પાંચ કંપનીઓએ ૨૦૦૦ મેગા વોટ વીજળીના ઉત્પાદન અને બેથી અઢી રૂપિયે પ્રતિ યુનિટ આપવાનું કહ્યું. મધ્યપ્રદેશના રિવામાં ૭૫૦ મેગાવોટનો એશિયાનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ શરૂ થયો, જેની ૨૪ ટકા વીજળી દિલ્હીની મેટ્રો ટ્રેનને અને બાકીની મધ્ય પ્રદેશની વીજ કંપનીઓને મળશે. ગુજરાતના ખાવડામાં સોલાર એન્ડ વિન્ડ પ્રોજેક્ટ, જેનું પ્રધાનમંત્રી ૧૪-૧૫ ડિસેમ્બરે ખાત મૂહુર્ત કરશે તે ૩૦ હજાર મેગાવોટનો પ્રોજેક્ટ દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જીનો પ્રોજેક્ટ છે. અન્ય યોજનાઓમાં નવા ઇન્ટીગ્રેટેડ પ્લાન્ટ દ્વારા સીલીકામાંથી ચીપ્સ, સેલ તથા સોલાર મોડ્યુલ, બેટરીઝ અને પેનલ્સ એક જ પ્લાન્ટમાં બનાવવાની કવાયત પણ ઉદ્યોજકો દ્વારા ઘડાઈ છે. હવે ખેતરો, ઘરો, ઓફિસો, ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, એરપોર્ટ, મોટરકાર બધે જ સૌર ઉર્જા વપરાશે. રાષ્ટ્રીય સૌર ઉર્જા મિશન અંતર્ગત ૨૦૨૨ સુધીમાં ૨૦ હજાર મેગાવોટની ક્ષમતાવાળા સૌર ગ્રીડની સ્થાપના અને ત્રણ કરોડ સિંચાઈ પંપોને ડિઝલ કે વીજળીના બદલે સૌર ઉર્જાથી ચાલતા કરવાનું લક્ષ્ય. હાંસલ થવામાં માત્ર ૨ વર્ષ, ૨૦૩૫ સુધીમાં દેશમાં સૌર ઉર્જાની માંગ સાત ગણી વધશે. ભારતની સંપૂર્ણ ‘આત્મનિર્ભર’ થવાની તૈયારી પૂરજોશમાં છે.
 
તેલ આયાતમાં આપણે દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ. પરંતુ આ વર્ષે પાછલા દસ વર્ષની તુલનામાં ભારતની તેલની આયાત ૩૬.૪થી ઘટીને ૧૨.૩૪ ટકા થઈ ગઈ. માત્ર છેલ્લા વર્ષનો આંકડો જોઈએ તો તેમાં ય ૧૯ ટકા જેટલી ઘટ નોંધાઈ. નિષ્ણાતો મુજબ આની પાછળ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત મુખ્ય કારણ ત્યારબાદ લોક-ડાઉન વગેરે.
 
સુરક્ષા ઉપકરણોનાં ઉત્પાદન પ્રયત્નો ઉડીને આંખે વળગે તેવા છે. જે અંતર્ગત નાણા મંત્રી નિર્મલા સિતારમણે ડિફેન્સ ક્ષેત્રમાં ઓટોમેટિક રૂટ દ્વારા એફડીઆઈ ૪૭ ટકાથી વધારીને ૭૪ ટકા કરવાની જાહેરાત, આયુધના કારખાનાઓની હાલત જોતાં ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડના નિગમીકરણનો નિર્ણય, ગોળા-બારૂદ, રાઈફલ, તોપ, રડાર, માલવાહક વિમાન, પારંપરિક ઈલેક્ટ્રીક પનડુબ્બી જેવી રક્ષા ક્ષેત્રેની ૧૦ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ, ભારતનિર્મિત રક્ષા ઉપકરણો માટે બજેટમાં વિશેષ ફાળવણી, રક્ષા ઉપકરણો બનાવતી દેશની કંપનીઓને પ્રોત્સાહન તથા મેક ઈન ઈન્ડિયા દ્વારા નવી ટેકનોલોજી પર ભાર, આ બધું જોતા રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતા સાથે રોજગારી અને ક્ષમતા ય વધશે એ નક્કી છે.
 
ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝનું સ્થાન દુનિયામાં નવમું છે. અહીં દુનિયાના સર્વાધિક દ્વિ-ચક્રી વાહનોનું ઉત્પાદન થાય છે અને ત્રણ પૈંડાવાળા વાહનોના ઉત્પાદનોમાં ય આપણે અગ્ર હરોળમાં છીએ. કાર અને અન્ય મોટા વાહનોમાં મારૂતિ સુઝુકી, ફોક્સવેગન ઇન્ડિયા, નિશાન મોટર્સ, ફોર્ડ ઇન્ડિયા અને ટાટા જેવી કંપનીઓની ગાડીઓની વિશ્ર્વના અનેક દેશોમાં નિકાસ થાય છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે હજુ વધારે આત્મનિર્ભર બનવા માટે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને તેના માટેના ચાર્જિંગ સ્ટેશનોના નિર્માણની યોજના કાર્યાન્વિત છે. ૨૦૨૨ સુધી માત્ર પવન ઉર્જા થકી ૬૦ ગીગા વોટ અને ત્યારબાદ ૩૦૦થી વધુ ગીગાવોટ ઉર્જા પ્રાપ્ત કરવાનું ભારતનું લક્ષ્ય છે.
 
ભારત હાલમાં પ્લાસ્ટિક, ઈલેક્ટ્રોનિક સાધનો, રમકડા, હેવી મશીનરી, ઓર્ગનિક કેમિકલ્સ, સ્ટીલ, લોખંડ, મોબાઈલ ફોન જેવી ઘણી ચીજોની આયાત કરે છે. આમાંની અનેક ચીજો ઉદ્યોગો દ્વારા, રીસર્ચ અને ડેવલપેમેન્ટના માધ્યમથી, ટેક્નોલોજી ખરીદીને, નવા સ્ટાર્ટ અપ દ્વારા ભારતમાં ઉત્પાદન કરવા હજારો એકમો કાર્યરત છે. આવનાર પાંચ વર્ષમાં તેનાથી લાભાન્વિત થતા આપણને ઘરેલું ઉત્પાદન, વિશ્ર્વ કક્ષાની ટેક્નોલોજીથી સજ્જ ચીજો, આયાતની વિદેશી મુદ્રા ખર્ચ કર્યા વગર ‘સ્વદેશી’ રાહે જ મળી શકશે. આપણે ટૂંક સમયમાં આયાત અવેજી અને નિકાસ વૃદ્ધિનો સમન્વય કરીને ચીનને પણ પાછળ છોડી દઈશું.
 
જેમ માનવીના જીવનનું સાચું સુખ તેના ‘આત્મા’માં જ રહેલું છે તેમ રાષ્ટ્રનું સાચું સુખ ‘આત્મનિર્ભરતા’માં જ છે. નાગરિકો લોકલ અને વોકલ બની દેશનાં ઉત્પાદનો ખરીદે તો જ આપણે આત્મનિર્ભર દેશનું નિર્માણ કરી આત્મગૌરવ પ્રાપ્ત કરી શકીશું.