પાથેય - આચરણનું મહત્ત્વ । વાસ્તવિક પ્રમાણપત્ર કોને કહેવાય?

    ૧૪-ડિસેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

leo tolstoy_1  
 
સુપ્રસિદ્ધ લેખક લિયો ટોલ્સ્ટોયને પોતાના કામકાજની દેખરેખ માટે એક સહાયકની જરૂર હતી. તેઓએ તેમના મિત્રવર્તુળને કહ્યું કે કોઈ યોગ્ય વ્યક્તિ હોય તો તેને મારી પાસે મોકલજો. થોડાક દિવસો બાદ તેમના એક મિત્રએ એક ખૂબ ભણેલ-ગણેલ અને પદવીવાળા એક યુવકને તેમની પાસે મોકલ્યો. ટોલ્સ્ટોયે તે યુવકને કામે ન રાખ્યો અને બીજા જ દિવસે પેલા યુવક કરતાં ખૂબ જ ઓછું ભણેલ અને બિનઅનુભવી યુવકને પોતાના સહાયક તરીકે રાખી લીધો. આ વાતની જાણ જ્યારે ટોલ્સ્ટોયના મિત્રને થઈ ત્યારે તેઓએ તેમની સમક્ષ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું અને આવું કરવા પાછળનું કારણ પૂછ્યું.
 
ટોલ્સ્ટોયે તેનો જવાબ આપતાં કહ્યું, ‘મિત્ર, મેં જેને મારા સહાયક તરીકે પસંદ કર્યો છે તેની પાસે તેં મોકલેલા પેલા ઉચ્ચ શિક્ષિત અને અનેક પ્રમાણપત્રવાળા યુવક કરતાં પણ અમૂલ્ય પ્રમાણપત્ર છે. મારા કાર્યાલયમાં આવતા પહેલાં તેણે મારી પરવાનગી લીધી અને બહાર જ તેનાં જૂતાં ઉતારી અંદર પ્રવેશ્યો. તેના કપડાં તો સાવ સાધારણ હતા પરંતુ એકદમ સ્વચ્છ હતાં. મેં તેને જે પણ પ્રશ્ર્નો પૂા તેના તેણે ગોળ-ગોળને બદલે સંક્ષિપ્તમાં જવાબ આપ્યા. તે કોઈની લાગવગ લઈને મારી પાસે નહોતો આવ્યો. તે ભલે વધારે ભણેલો નહોતો, પરંતુ તેને તેની યોગ્યતા પર ગજબનો વિશ્ર્વાસ હતો. આટલાં બધાં પ્રમાણપત્રો ખૂબ જ ઓછા લોકો પાસે હોય છે.’
 
ત્યારબાદ ટોલ્સ્ટોયે કહ્યું કે તેં મોકલેલ વ્યક્તિ સીધેસીધો જ મારા કાર્યાલયમાં આવી ગયો અને ખુરશી પર બેસતાં પહેલાં મને એ અંગે પૂછવાનું પણ જરૂરી ન સમજ્યું. તે તેની યોગ્યતાને બદલે તારી સાથેના પરિચય અંગે જ મને જણાવતો રહ્યો. હવે તું જ કહે, તેનાં પ્રમાણપત્રોનું શું મૂલ્ય હોઈ શકે ? ટોલ્સ્ટોયનો મિત્ર તેમની વાતનો મર્મ સમજી ચૂક્યો હતો અને વાસ્તવિક પ્રમાણપત્ર એટલે કે આચરણનું મહત્ત્વ સમજી ચૂક્યો હતો.