માનસમર્મ - વિશ્ર્વનો શ્ર્વાસ એટલે વિશ્ર્વાસ

    ૧૪-ડિસેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
 
બાળક, તેં આ બધા પ્રશ્ર્નોના જવાબ સાચા લખ્યા છે એટલે હું તને ઇનામ આપીશ. શિક્ષકની આ વાત સાંભળીને બાળક ખુશ થવાને બદલે રડવા લાગ્યું. શિક્ષક આશ્ર્ચર્યમાં પડી ગયા. ત્યારે બાળકે કહ્યું કે મને ઇનામ નહીં પણ સજા આપો, કેમ કે એક સવાલ મને આવડતો ન હતો એટલે મેં મિત્રની મદદ લીધી હતી. એટલે મને આ ઇનામ લેવાનો અધિકાર નથી.
 
શિક્ષક આ વાત સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને ઇનામ આપવા માંડ્યું.
 
બાળકે કહ્યું કે ગુરુજી, એકવાર તો કહ્યું કે હું આ ઇનામ ન લઈ શકું.
 
ત્યારે શિક્ષકે કહ્યું કે આ ઇનામ સાચું બોલવાનું છે.
 
આ બાળક એટલે આપણા દેશના મોટા નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે.
 
પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણાંમાં. એમ મહાન પ્રતિભાઓનાં બીજ બાળપણમાં જ દેખા દે છે. એમાં એનું પારિવારિક વાતાવરણ બહુ ભાગ ભજવે છે. એકવાર એક બાળક પોતાના બાપની સાથે પહાડી પ્રદેશમાં બેઠો હતો. એ વખતે બાળક પથ્થર ઉઠાવવાની કોશિશ કરી રહ્યો હતો. આ જોઈને પિતા હસવા લાગ્યા. ત્યારે બાળકે કહ્યું, પિતાજી, હું પૂરી તાકાત લગાવી ચૂક્યો છું છતાં પણ આ પથ્થર મારાથી ઊપડતો કેમ નથી? બાપે કહ્યું કે તેં પૂરી તાકાત નહીં લગાવી હોય. બાળકે કહ્યું કે મેં પૂરેપૂરી તાકાત લગાવી છે.
 
પિતાએ કહ્યું કે તેં પૂરી તાકાત નથી લગાવી. કેમ કે તું ભૂલી ગયો છે કે તારી શક્તિનો એક હિસ્સો હું પણ છું. મને સાદ પાડ.
બાપ-દીકરાએ સાથે મળીને બહુ સહજતાથી પથ્થરને ઉઠાવી લીધો.
 
એક લાકડીને તોડી શકાય પણ આખા ભારાને તોડી શકાતો નથી. સંઘે શક્તિ કલૌ યુગે । એકતાનું અછાંદસ સૌ કોઈએ વાંચવું જ રહ્યું. સૂક્ષ્મ રીતે કહું તો આપણી તાકાત પૂરી થઈ જાય ત્યારે ઈશ્ર્વરને યાદ કરીએ. એ પણ આપણી તાકાતનો એક હિસ્સો છે.
 
પરમાત્માને પામવા કઠિન નથી, ભગવતપ્રેમને પામવો કઠિન છે. સદ્ગુરુને પામવા એટલા કઠિન નથી, સદ્ગુરુનો પ્રેમ પામવો કઠિન છે. એવી રીતે કથાને પામવી કઠિન નથી, પરંતુ કથા પ્રત્યે મહોબ્બત થવી કઠિન છે. હું કથા કહેતો નથી, કથાને મહોબ્બત કરું છું. ભગવદ્ગીતા ખુદ કહે છે કે : ઈશ્ર્વરઃ સર્વભૂતાનાં હૃદેશેઙર્જુન તિષ્ઠતિ ।
 
પ્રેમને પચાવવો અઘરો છે. ભરતને તો પાદુકાએ બચાવ્યા, પરંતુ ભરતના પ્રેમને શત્રુઘ્નએ બચાવ્યો. પાદુકા આખા નગરના પ્રાણની રક્ષક બની શકે પરંતુ ભરતના પ્રાણની રક્ષક નથી બની શકતી, કેમ કે ભરતનો પ્રેમ અતિ તીવ્રતમ શિખર સુધી પહોંચ્યો છે. એના પ્રેમની રક્ષા મૌની મહાપુરુષ અને નિતાંત સમર્પિત વ્યક્તિત્વએ કરી. મને કહેવા દો કે તલગાજરડી દૃષ્ટિએ તીવ્રતમ પ્રેમના રક્ષક શત્રુઘ્ન છે. જેમ વૃન્દાવનમાં કૃષ્ણના પ્રેમની રક્ષા રાધિકાએ કરી એમ શત્રુઘ્ન પ્રેમના રક્ષક છે. રાધા ન હોત તો કૃષ્ણપ્રેમ બચત નહીં. મા સુમિત્રાને પ્રણામ કરવા જ્યારે શત્રુઘ્ન જાય ત્યારે એ હંમેશ ભરત વિશે પૂછે. શત્રુઘ્નએ રાજધન અને રામધન (ભરત) એમ બંનેની રક્ષા કરી.
 
ઘણા માણસોને પ્રેમ મળી જાય છે પરંતુ તેઓ પચાવી શકતા નથી. કાં તો અહંકાર આવી જાય છે કાં તો વિકૃતિ પ્રવેશે છે. પહેલાં પ્રેમને પચાવવાનો હોય પછી પ્રેમને બચાવવાનો હોય છે. પ્રેમ આપણી અંદરની મોસમને મસ્ત રાખે છે. મને એકવાર પૂછવામાં આવ્યું કે વિશ્ર્વાસની વ્યાખ્યા શું? વિશ્ર્વાસ વ્યાખ્યાયિત થોડો કરી શકાય છે ! એ તો જિવાય છે. રૂહથી મહેસૂસ કરાય છે. દાર્શનિક લોકો શ્રદ્ધાને આદર આપે છે પરંતુ વિશ્ર્વાસની આલોચના કરે છે. બૌદ્ધિક લોકોને વિશ્ર્વાસમાં વિશ્ર્વાસ નથી. કોઈ બીમારી થઈ જાય અને તમે ઓછા શ્ર્વાસ લેવા લાગો તો યંત્ર દ્વારા તમારા શ્ર્વાસની ગતિ નિયંત્રિત કરી શકાય છે.
 
વિશ્ર્વાસ નૈસર્ગિક રૂપમાં ચાલે છે. એક વિશેષ પ્રકારના શ્ર્વાસની પ્રક્રિયા એટલે વિશ્ર્વાસ. વિશ્ર્વાસ નફા કે નુકસાનનું નથી વિચારતો. વિશ્ર્વાસના બદલામાં હું આખા વિશ્ર્વને ભેટમાં આપવા માટે તૈયાર છું. વિશ્ર્વાસ એટલે વિશ્ર્વનો શ્ર્વાસ. શત્રુઘ્નનો વિશ્ર્વાસ ભરત અને ભરતનો વિશ્ર્વાસ રામ. આમ આખી સૃષ્ટિ વિશ્ર્વાસ ઉપર નભે છે.
 
આલેખન : હરદ્વાર ગોસ્વામી  ( [email protected])