ફ્રાન્સના રાષ્ટપતિની ઇસ્લામિક જેહાદ પર રિપબ્લિકન સ્ટ્રાઇક

    ૧૭-ડિસેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

france president Emmanuel
 
 
ફ્રાન્સના રાષ્ટપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ ફ્રાન્સના મુસ્લિમ પ્રતિનિધિઓને સ્પષ્ટ જણાવી દીધું છે કે, દેશમાંથી કટ્ટરપંથી ઇસ્લામને નેસ્તોનાબૂદ કરવા તમારે રિપબ્લિકન મૂલ્યોનાં ચાર્ટનો સ્વીકાર કરવો જ પડશે. ઇમેન્યુઅલ મેક્રોની આ ધમકીથી ફ્રાન્સના મુસ્લિમ ધર્મગુરુઓ ઢીલાઢફ થઈ ગયા છે અને તેમની પાસે ઇમેન્યુઅલની વાત નકારવાનું ન તો કોઈ કારણ છે કે ન તો છૂટકો છે. હમણાં સુધી વિશ્ર્વભરના મુસ્લિમ દેશોમાં જે રીતે ફ્રાન્સ વિરુદ્ધ જેહાદની રેલીઓ થઈ રહી હતી તે જોતાં લાગતું હતું કે કદાચ ફ્રાન્સને પોતાનાં પગલાં પાછાં લેવાં પડે, પરંતુ ઇમેન્યુઅલ મેક્રોએ દુનિયા આખીને સ્પષ્ટ રીતે સંભળાવી દીધું કે દેશનાં પારંપરિક મૂલ્યો અને સંસ્કૃતિને બચાવવા તે ગમે તે ભોગ આપવા તૈયાર છે અને ફ્રાન્સ ક્યારેય પણ કટ્ટરવાદી ઇસ્લામ સામે ઘૂંટણિયે પડશે નહીં.
 

શું છે આ રિપબ્લિકન મૂલ્યો આધારિત ચાર્ટ ?

 
આ ચાર્ટ મુજબ ફ્રાન્સમાં ઇસ્લામ એ માત્ર એક ધર્મ છે અને રાજનૈતિક આંદોલન સાથે તેનો કોઈ જ સંબંધ સ્વીકાર્ય નથી, માટે આમાંથી રાજનીતિ દૂર કરવામાં આવે અને ફ્રાન્સના મુસ્લિમ સમુદાયમાં કોઈપણ પ્રકારના વિદેશી હસ્તક્ષેપ પર પ્રતિબંધ લગાવવો પડશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ફ્રાન્સમાં જે રીતે એક પછી એક ઇસ્લામિક હુમલાઓ થયા છે ત્યાર બાદ રાષ્ટપતિ ઇમેન્યુઅલ મેક્રોએ ઇસ્લામિક જેહાદ સામે રિપબ્લિકન જેહાદ છેડી દીધી છે, જે અંતર્ગત અહીંના કટ્ટરવાદીઓ અને તેમને આશ્રય આપનારા તેમના આકાઓ સામે આકરાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.
 

યુરોપમાં સૌથી વધુ મુસ્લિમ આબાદી ધરાવે છે ફ્રાન્સ

 
ફ્રાન્સની જનસંખ્યામાં ૧૦ ટકા મુસ્લિમો છે અને આ આંકડો યુરોપમાં સૌથી વધુ છે. ફ્રાન્સમાં મોટાભાગના મુસ્લિમો તેની પૂર્વ વસાહત મોરક્કો, ટ્યુનિશિયા અને અલ્જીરિયાથી અહીં આવી વસેલા છે. છેલ્લા કેટલાક સમયથી ફ્રાંસમાં ઇસ્લામ અને મુસલમાન સૌથી મોટા મુદ્દા બની ગયા છે. જો કે ફ્રાંસ એક સેક્યુલર (બિન સાંપ્રદાયિક) દેશ હોવાથી આપણી જેમ તેનો પણ કોઈ સરકારી ધર્મ નથી. ફ્રાંસમાં આ સેક્યુલરિઝમને લાઈસીતે (laicite) તરીકે ઓળખવામાં આવે છે.
 
ફ્રાન્સમાં આ સેક્યુલરિઝમને દેશના ડાબેરીઓ અને જમેણી વિચારધારાવાળા બન્ને પક્ષોએ અપનાવ્યું છે અને બન્ને વિચારધારાઓ આ મુદ્દે એકમત છે કે ફ્રાન્સની વિચારધારામાં ઇસ્લામ સમગ્ર રીતે ફીટ બેસતો નથી, પરિણામે તમામ રાજકીય પક્ષોએ ઇસ્લામને ફ્રાન્સની વિચારધારા અંતર્ગત લાવવાના પ્રયાસો કર્યા છે, પરંતુ વિદેશી દબાણોને કારણે કે પછી જે તે વખતની સરકારોના મનોબળને કારણે તેઓને આ કાર્યમાં સફળતા મળી નથી.
 

ફ્રાન્સને ઇસ્લામ તરફી વિદેશી હસ્તક્ષેપ સામે વાંધો

 
રાષ્ટપતિ ઇમેન્યુઅલે જે ચાર્ટ બનાવવાની વાત કરી છે તેમાં ઇસ્લામમાં વિદેશી હસ્તક્ષેપ પર રોક લગાવવાની વાત કરવામાં આવી છે. ફ્રાન્સની મસ્જિદોમાં મોરક્કો, ટ્યુનિશિયા અને અલ્જીરિયા જેવા દેશોમાંથી ઈમામો આવે છે. અહીંના પેરિસની જામા મસ્જિદને અલ્જીરિયા તરફથી મોટું ફંડ પણ મળે છે અને ફ્રાન્સમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી એવી સાર્વજનિક ચર્ચા થઈ રહી છે કે વિદેશી લોકો ફ્રાન્સમાં એક પેઢીનું બ્રેઈન વોશ કરી તેમને આતંકવાદ, કટ્ટરવાદી બનાવી રહી છે અને વાત વાજબી પણ છે, કારણ કે ૨૦૧૫માં ફ્રાન્સમાં જેટલા પણ આતંકવાદી હુમલા થયા છે તે તમામને ફ્રાન્સના સ્થાનિક મુસ્લિમ યુવાઓ દ્વારા જ અંજામ આપવામાં આવ્યો હતો.
 
વર્તમાન રાષ્ટપતિ મેક્રો છેલ્લાં બે વર્ષથી ફ્રાન્સના ઇસ્લામને લાઇસીતે અંતર્ગત લાવવા માટે અનેક પગલાં લઈ રહ્યા છે, જેને લઈને અહીંની સંસદમાં એક પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવ્યો છે. જે મુજબ -ધર્મના આધારે સાર્વજનિક અધિકારીઓને ડરાવનારા - ધમકાવનારાઓને આકરી સજા આપવામાં આવશે અને બાળકોને ઘરમાં ધાર્મિક શિક્ષણ આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. દરેક બાળકને તેની ઓળખ માટે એક વિશેષ નંબર આપવામાં આવશે, જેથી એ ધ્યાન રાખી શકાય કે તે બાળક શાળામાં જઈ રહ્યું છે કે નહીં. અને આ કાયદો તોડનાર માતા-પિતા કે વાલીને ૬ મહિનાની જેલ સાથે સાથે મોટો દંડ પણ ભરવો પડશે.