૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯નો એ કાળો દિવસ આજે પણ દરેક ભારતવાસીની યાદોમાં છે. પુલવામા હુમલાનો એ કાળો દિવસ અને ૪૦ જવાનોની શહીદીને ભારતનો કોઈપણ નાગરિક ક્યારેય પણ ભૂલી શકશે નહીં. દેશભરના નાગરિકો આજે પણ ભારતના એ વીર શહીદ સપૂતોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપે છે, ત્યારે ગોપીનાથ જાધવ નામના એક શખ્સે વીર જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે, જે સાંભળી તમે ગોપીનાથની દેશભક્તિને સલામ કરવા મજબૂર થઈ જશો.
ગોપીનાથ જાધવે શહીદોની યાદમાં અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ભારતભરમાં ૬૧૦૦૦ કિલોમીટરનો લાંબો પ્રવાસ કર્યો છે. આ યાત્રા દરમિયાન તે હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનોના ઘરે ઘરે ગયા અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી એટલું જ નહીં તેઓએ પ્રત્યેક શહીદ જવાનોના ગામ, ઘર અને સ્મશાનઘાટોની માટી એકત્રિત કરી છે.
કોણ છે ગોપીનાથ જાધવ ?
બેંગલુરુ નિવાસી ઉમેશ ગોપીનાથ જાધવ વ્યવસાયે એક જાદુગર છે અને ફાર્માકોલજિસ્ટ છે. ઉમેશ ગોપીનાથ જણાવે છે કે, ૪૦ શહીદ જવાનોના ગામ અને ઘરની યાત્રા તેમના માટે એક તીર્થયાત્રા સમાન સાબિત થઈ છે. શહીદોના ઘરઆંગણાની માટી એકત્રિત કરવામાં તેઓએ સમગ્ર ભારતને જોઈ લીધું, અનુભવી લીધું. તે કહે છે કે ૬૧,૦૦૦ કિલોમીટરનો આ પ્રવાસ શરૂઆતમાં મને અશક્ય લાગતો હતો, પરંતુ શહીદ જવાનોના બલિદાનની યાદોએ મારામાં ગજબની શક્તિ પૂરી અને અશક્ય લાગતી યાત્રાને શક્ય બનાવી દીધી.
યાત્રામાં અનેક મુસીબતો પણ આવી
ઉમેશ કહે છે કે, મારા માટે આ યાત્રા વિશેષ હતી. જો કે મારા માટે શહીદ જવાનોના ગામ અને પરિવારોને શોધવાનું કામ આસાન ન હતું, કારણ કે કેટલાંક ગામો તો સાવ અંતરિયાળ હતાં, જ્યાં જવાના રસ્તાનું પણ ઠેકાણું ન હતું. તેવામાં ત્યાં પહોંચી પરિવારોને શોધવા ખરેખર એક મોટા પડકાર સમાન હતું. તેમની આ યાત્રામાં તેમના સાથી હતાં, તેમની કાર અને કાર પર લખેલાં દેશભક્તિનાં સૂત્રો. જ્યાં પણ રાતવાસો કરવાનો થાય ત્યાં તેઓ પોતાની કારમાં જ સૂઈ જતા કે પછી આરામ કરી લેતા.
શહીદોના પરિવારોના આશીર્વાદ
ઉમેશ કહે છે કે આ યાત્રા ખરેખર અશક્ય હતી, પરંતુ શહીદ જવાનોના પરિજનોના આશીર્વાદથી મારી આ યાત્રા સફળ થઈ શકી છે. યાત્રા મારા માટે ઘણી લાગણીસભર રહી હતી, કારણ કે દરેક જવાનનાં માતા-પિતાએ પોતાનો પુત્ર, પત્નીએ પોતાનો સુહાગ, બાળકોએ પોતાના પિતા અને દોસ્તોએ પોતાના પ્રિય દોસ્તને ખોયો હતો. હું જ્યારે તેમને મળતો ત્યારે પોતાનાને હંમેશા માટે ખોઈ બેસવાનું દુઃખ તેમની વાતોમાં સ્પષ્ટ વર્તાતું હતું. શહીદના પરિવારજનોને મળી તેમની સાથે ભોજન કરવાની લાગણીને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. તેમને મળી તેમના આંગણાની મુઠ્ઠી માટી જ્યારે કળશમાં નાખતો ત્યારે એ શહીદની તસવીર મારી નજર સમક્ષ તરવટી ઊઠતી. હવે આ કળશ શ્રીનગરના સીઆરપીએફને શહીદોની યાદગીરી તરીકે સોંપી દેવામાં આવ્યો છે.
આખરે આવો વિચાર આવ્યો કેવી રીતે ?
સમગ્ર દેશમાં ફરી શહીદોના ઘરઆંગણાની માટી એકત્રિત કરી અનોખી શ્રદ્ધાંજલિ આપવાનો આ પ્રેરણાદાયી વિચાર તમને કેવી રીતે આવ્યો ? એ પ્રશ્નનો જવાબ આપતાં ઉમેશ કહે છે કે હું ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના એ દિવસે અજમેરથી બેંગ્લુરુ પરત ફરી રહ્યો હતો ત્યારે જયપુર હવાઈ મથક પર જ મેં ટીવી પર પુલવામા આતંકી હુમલો થયો છેના સમાચાર જોયા. હુમલાની ભયાનક તસવીરોએ અંદરથી મને હચમચાવી મૂક્યો અને મેં તેમના માટે કંઈક કરવાનું મનોમન નક્કી કર્યું. ઉમેશ કહે છે કે મને આ કાર્યમાં મારી પત્ની અને બાળકોનો વિશેષ સહયોગ મો હતો. ઉમેશ ઇચ્છે છે કે તેમનાં બાળકો પણ સેનામાં જ સામેલ થઈ દેશની સુરક્ષા કરે.