કૃષિક્ષેત્રે ન્યાયોચિત ઊકેલ અને સમાજનાં મહત્તમ જાગૃતિ જરૂરી

    ૨૧-ડિસેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

farmer and india_1 &
 
કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ અને ખેડૂતોની આવક બમણી કરવા, કૃષિ બજેટમાં ૩૫.૬ વધારો, ૧૬.૩૮ કરોડ ખેડૂતોને સોઈલ કાર્ડ, કૃષિ લોનમાં ૫૭ ટકા વધારો જેવાં અનેક પગલાંઓ બાદ કેન્દ્ર સરકારે નવો કૃષિ કાયદો અમલમાં મુક્યો. નિષ્ણાતોનો મત કે આ કાયદાથી ખેડૂતો આત્મનિર્ભર બનશે, મુક્ત વેપારની મોકળાશ મળશે અને મંડી તથા એપીએમસીમાંથી મુક્ત થઈને ઇચ્છા મુજબ વેચાણ કરી શકશે. આ સુધારાઓની માંગ કોંગ્રેસ સરકારમાં હતી ત્યારથી, તેના ૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં ય છે તથા અન્ય વિપક્ષી રાજ્યોના પ્રસ્તાવો વિગેરેનાં આધારે જ કરવામાં આવ્યા. છતાં કાયદા વિરુદ્ધ તેને રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતો દસ દિવસથી આંદોલન કરી રહ્યાં છે. જેમાં અન્ય રાજ્યો ય પાછળથી જોડાયાં છે.
 
સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મંત્રણા બાદની ફળશ્રુતિમાં કૃષિ કાયદાઓનો ખેડૂતને વાંધો હોય તેવી જોગવાઈઓ પર સરકાર ખુલ્લા મનથી વિચારશે, કેન્દ્ર દેશભરમાં એમએસપી (ટેકાના ભાવ)ની લેખિતમાં ખાતરી આપશે, જમીનના ખેડાણ માટે ય સ્પષ્ટતા, પાક ખરીદનારની નોંધણી માટે રાજ્ય સરકારને સત્તા અપાશે, પરાળ સળગાવવાની સજા અંગ્ોના ખેડૂતોના વાંધાઓ દૂર કરાશે, ખેડૂતોને વીજળી બીલના પેમેન્ટની હાલની વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં અને તકરારોના સમાધાન માટે સિવિલ કોર્ટનો પણ વિકલ્પ અપાશે - જેવી સરકાર તરફથી ખાતરી અપાઈ. છતાં ત્રણ કાયદાઓ રદ કરવા ઉપરાંત ટેકાના ભાવોને તેમનો અધિકાર માનવામાં આવે, જો નક્કી ભાવ સિવાય ખેડૂત પાસેથી કોઈ નીચા ભાવે અનાજ ખરીદે તો તેને દંડ-સજા મળે તેવી જૂની માંગ અને જીદ યથાવત્ રાખીને સરકારના પ્રસ્તાવોને ફગાવી દીધા.
 
દેશનાં અંદાજીત ૧૦ કરોડ ખેડૂતોમાંથી પંજાબ-હરિયાણામાં માત્ર ૨૦ લાખ ખેડૂતો અને તેમાંય ૧૦ હેક્ટરથી વધુ જમીન ધરાવતા ૨ લાખ ખેડૂતો છે. એપીએમસી દ્વારા તેમના માલની ખરીદી અને ટેક્ષ વગરની આવકના કારણે માલેતૂજાર બનેલા ખેડૂતોએ આ સરકારી સવલતો સામે ક્યારેય છેલ્લાં પંદર વર્ષમાં ખેત ઉત્પાદન વધાર્યું નથી. ટેકાના ભાવ, માત્ર ૧૦% ખેત પ્રદેશોમાં જ અપાય છે. ઉત્પાદનના ધોરણો જોતાં મોટાભાગના ખેડૂતો તેમાંથી વંચિત અગર ખૂબ ઓછો લાભ મેળવે છે.
આમ છતાં કેન્દ્રીય કેબીનેટે આ પ્રસ્તાવો મંજૂર કર્યા ત્યારથી એટલે કે જૂન ૨૦૨૦થી ખેડૂત સંસ્થાઓ તે કાયદો ન બને તેની માંગ કરી રહ્યા હતા. તેમના મતે આ કાયદાઓથી નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, નાના વેપારીઓ, દુકાનદારો અને દેશમાં કાર્યરત ૭૦૦૦ મંડીઓને નુકસાન થશે. તેમના હિસાબે તો ૧૯૬૦-૭૦નો એપીએમસી એક્ટ, ખેડૂતોને મોટા ખરીદારો, વ્યાપારીઓની ચૂંગાલમાંથી છોડાવવા માટે જ બનાવ્યો હતો અને તે રદ થતાં બધુ રફેદફે થઈ જશે. ફરી ખેડૂતો તેમની દયા પર જીવતા અને કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી માત્ર આર્થિક ગુલામીમાં જ આવશે. તેમના મતે આ સુધારાનો સંધિય સિદ્ધાંતો વિરુદ્ધ અને રાજ્ય સરકારને હસ્તક વિષયમાં મોટો હસ્તક્ષેપ છે.
 
આ સંજોગોમાં વાસ્તવિક ખેડૂતો અને સરકાર વચ્ચે શાંતિથી સંવાદ થાય અને કાયદામાં ક્ષતિઓ હોય તો તેમાં સુધારો થાય એ જરૂરી છે. વિપક્ષો, ખાલિસ્તાનવાદીઓ, ડાબેરીઓ સરકારને પાડી દેવાના મનસૂબા સાથે આંદોલનની ચાલુ ગાડીએ ચડી ગયા છે. ૮મીના ભારત બંધના એલાનમાં દેશે જોયુ કે તેમાં ખેડૂતો ઓછા અને વિપક્ષી નેતાઓ કે કાર્યકર્તાઓ વધારે દેખાયા હતા. વામપંથી સંગઠનોએ વિશ્ર્વવિદ્યાલયોના કેમ્પસમાં દેશવિરોધી કાર્યક્રમો કર્યા હતા, તે જ રીતે તેઓ આ આંદોલનને હાઈજેક કરવા મથી રહ્યા છે. આ બિલથી ખેડૂતોનું નહીં પણ ખેડૂતોનું શોષણ કરનારા વેપારીઓનું નુકસાન થાય છે તેથી તેને ખેડૂતવિરોધ બતાવી ખેડૂતોની છાતી પર આંદોલનનું હળ હાંકી રાજકીય લાભનો પાક ઉગાડવાનું દુષ્કૃત્ય ન થાય તે જોવાની જવાબદારી યે સરકારની જ છે. વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરી, સાચા ખેડૂતોને હાંસિયામાં ધકેલી ઉદ્દંડ પ્રદર્શન કરી રહેલા તકસાધુઓને દૂર કરી, શાંતિપ્રિય આંદોલન કરી રહેલા ખેડૂતોને તેમનો હક આપવો એ સરકારનું સાચું કર્તવ્ય છે. કોરોના ખૂબ મોટાપાયે ફેલાઈ રહ્યો છે ત્યારે આ પ્રકારનાં આંદોલનોમાં હજારો લોકો કોઈપણ સાવચેતી, માસ્ક વગેરે વિના એકઠાં થાય એ આત્મહત્યા જ લેખાય. આ સ્થિતિમાં સરકાર સાથે સંવાદનાં બીજા માધ્યમોનો વિચાર કરવો જરૂરી. રાષ્ટ તેના અન્નદાતા ખેડૂતોને આ રીતે ગુમાવવા માંગતું નથી.
 
વર્તમાન સ્થિતિ જોતાં સરકાર અને વાસ્તવિક ખેડૂતો, બંને માટે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે કડવી ભાષા, આક્રમક વલણ, દેશની સંપતી કે નાગરિકોને નુકસાન થાય તેવાં કોઈ પગલાં ના ભરે. ઉન્માદી તત્ત્વોની વાતોમાં ના આવી ખેડૂતો પોતે જ સરકાર સાથે મંત્રણા કરે. સરકાર તેનો ન્યાયોચિત ઉકેલ લાવવાની સાથે ખેડૂતો અને સમાજમાં આ બાબતે મહત્તમ જાગૃતિ લાવી, તેનો યોગ્ય પક્ષ રજૂ કરે તેની તાતી જરૂરિયાત છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ખેડૂતો જગતના તાત છે, તેમના લીધે આપણે અનાજ પ્રાપ્ત કરી તૃપ્તિનો ઓડકાર ખાઈએ છીએ. કૃષિક્ષેત્રને યથાયોગ્ય તૈયારી કરી તેમાં વિકાસની ગતિશિલતાનો લક્ષ્યાંક તેમના પરિશ્રમ અને સમર્થન સાથે હાંસલ થાય તે સૌની સહિયારી જવાબદારી છે.