રાજકીય જગતમાં ‘ભીષ્મપિતામહ’ - અટલબિહારી વાજપેયીજી ( Atal Bihari Vajpayee )

    ૨૫-ડિસેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

atal bihari vajpayee_1&nb 
 
 

૨૫ ડિસેમ્બરના રોજ અટલબિહારી વાજપેયીજી ( Atal Bihari Vajpayee ) ના જન્મદિન નિમિત્તે વિશેષ

 
ખડા રહા વો ‘અટલ’ - હિમાલય...આંધી ઔર તૂફાનો મેં...!
 
25મી ડિસેમ્બરે ભારરત્ન સ્વ. શ્રી અટલબિહાર વાજપેયીજી ( atal bihari vajpayee ) નો જન્મદિવસ છે. 1924માં જન્મેલા અટલજીએ રાષ્ટ્રકાર્યને જીવન સમર્પિત કરી 16મી ઓગસ્ટ, 2018ના રોજ છેલ્લાં શ્ર્વાસ લીધાં હતાં. ભારતરત્ન, અજાતશત્રુ અટલબિહારી વાજપેયીજીના અવસાનથી ભારતીય રાજકારણમાં એક યુગ આથમી ગયો. 93 વર્ષના આયુષ્યમાં છેલ્લા દિવસો એમણે શૂન્યમનસ્ક અવસ્થામાં ગાળ્યા. સંસદમાં અને જાહેર સભાઓમાં એમની મનમોહક વાણીની સરવાણી શ્રોતાઓના કાનમાં આજે પણ ગુંજતી હશે. 25મી ડિસેમ્બર - એમનો જન્મદિવસ ‘સુશાસન દિવસ’ તરીકે ઊજવાય છે.
 
2005માં જ જાહેરજીવન છોડી ચૂક્યા હોવા છતાં જનતાના હૃદયસિંહાસન પર બિરાજમાન અટલજી રાજનીતિમાં કમળવત જીવન જીવ્યાં હતાં. કવિહૃદયના રાજપુરુષ અટલજી પ્રખર વક્તા, નિખાલસતા અને કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતા. કેન્દ્રમાં બિનકોંગ્રેસી સરકારના સુકાની તરીકે પાંચ વર્ષની મુદત પૂર્ણ કરનાર અટલજી પ્રથમ વડાપ્રધાન બની રહ્યા.
બાળપણ અને શિક્ષણ અટલજીના પિતાનું નામ પં.કૃષ્ણબિહારી. તેઓ વ્યવસાયે અધ્યાપક અને કવિ પણ હતા.
 
દેશભક્તિપૂર્ણ કાવ્યોથી અને વિદ્વત્તાથી તેઓ ગ્વાલિયર રાજઘરાનામાં ઉત્તમ સન્માનના અધિકારી બની રહ્યા. તેમનાં ધર્મપત્ની શ્રીમતી કૃષ્ણદેવીની કૂખે 25 ડિસેમ્બર, 1924ના રોજ ગ્વાલિયરમાં પુત્રજન્મ થયો. નામકરણ થયું. ‘અટલબિહારી’. અટલજીને ત્રણ ભાઈઓ અવધબિહારી, સદાબિહારી, પ્રેમબિહારી, જ્યારે વિમલા, કમલા અને ઊર્મિલા ત્રણ બહેનો પણ છે.
અટલજીને બાલ્યકાળથી જ પારિવારિક સંસ્કારનો લાભ મળ્યો. પિતાજી કવિ હોવાથી અટલજીમાં કવિત્વનાં બીજ પરિવારમાંથી જ વવાયાં. વિદ્યાર્થીકાળથી જ તેઓ ‘આર્યકુમાર સભા’ના સક્રિય કાર્યકર્તા બન્યા. ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજમાં બી.એ. થયા. કૉલેજ છાત્રસંઘમાં મંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે પણ ચૂંટાયેલા. વાદ-વિવાદ પ્રતિયોગિતામાં અટલજી હંમેશા પ્રથમ આવતા. ગ્વાલિયરથી અલાહાબાદ તેઓ એક વક્તૃત્વ સ્પર્ધામાં પહોંચ્યા. પરંતુ ટ્રેન મોડી પડવાથી સ્પર્ધાને અંતે પહોંચ્યા. સ્પર્ધાના નિર્ણાયકોમાં હરિવંશરાય બચ્ચન પણ હતા. અટલજીને વક્તવ્ય માટે બોલાવ્યા. તેમણે મંત્રમુગ્ધ કરનાર વક્તવ્ય આપી પ્રથમ પારિતોષિક મેળવ્યું.
 
અટલજી કાનપુરની ડી.એ.વી. કૉલેજમાંથી રાજનીતિશાસ્ત્ર સાથે એમ.એ. પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા, ત્યાર પછી એલએલ.બી.ના અભ્યાસ દરમિયાન જ અટલજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ ગયા.
 
સ્વાતંત્ર્ય સંગ્રામની 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં અટલજી સક્રિય રહ્યા. 24 દિવસનો જેલવાસ પણ વેઠ્યો, પરંતુ નાની વયના હોવાને લીધે અટલજીને આગ્રાની બાળકોની બેરેકમાં રાખવામાં આવેલા.
 

atal bihari vajpayee_1&nb 
 

સંઘ સમર્પિત અટલજી

 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્ણ સમયના પ્રચારક તરીકે અટલજીએ ભારતમાતાની સેવામાં પૂર્ણ સમર્પિત જીવનની પ્રતિજ્ઞા લીધી. આજીવન પ્રતિજ્ઞાનું પાલન પણ કર્યું. એટલે જ તો પ્રધાનમંત્રી બન્યા પછી અમેરિકાના પ્રવાસ દરમિયાન ત્યાંના મૂળ ભારતીયો સમક્ષ અટલજીએ કહેલું કે, ‘મૈં ભારત કા પ્રધાનમંત્રી આજ હૂં, લેકિન કલ નહીં રહૂંગા. લેકિન મેરા સ્વયંસેવક બને રહને કા અધિકાર જીવનભરકા હૈ, જિસે મુઝસે કોઈ છિન નહીં સકતા!’
 
1946માં અટલજી લાડુઓની નગરી સંડીલાના સંઘના વિસ્તારક તરીકે રહ્યા. ત્યાર પછી અટલજી લખનૌથી પ્રકાશિત ‘રાષ્ટ્રધર્મ’ના પ્રથમ સંપાદક બન્યા. એ જ રીતે ‘પાંચજન્ય’ સાપ્તાહિકનો લખનૌથી પ્રારંભ થયો ત્યારે તેના સંપાદક તરીકે પણ અટલજીની જ નિયુક્તિ થઈ. આ બંને સામયિકો દ્વારા અટલજીએ એક સંનિષ્ઠ - પ્રભાવી પત્રકાર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી.
 
1942માં અટલજી દસમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. તે વખતે લખનૌમાં કાલીચરણ કૉલેજમાં રા. સ્વ. સંઘનો સંઘશિક્ષા વર્ગ હતો. એ વખતે અટલજીએ તેમની સુપ્રસિદ્ધ કાવ્યરચના ‘હિન્દુ તન-મન હિંદુ જીવન, રગ-રગ હિંદુ મેરા પરિચય’નું ગાન તત્કાલીન સરસંઘચાલક પ. પૂ. ગુરુજીની ઉપસ્થિતિમાં કર્યું ! ઉપસ્થિત સહુ કોઈ આ કાવ્ય-પઠનથી મંત્રમુગ્ધ થઈ ઊઠ્યા ! કાવ્ય-પઠન વેળાએ અટલજીના વ્યક્તિત્વની વિશેષ-મુદ્રા તથા વક્તૃત્વ કલાનો પરિચય થયો.
 
1950માં ફરીથી દૈનિક ‘સ્વદેશ’ના સંપાદક બન્યા પછી લખનૌથી અટલજી દિલ્હી આવ્યા. અહીં ‘વીર અર્જુન’ના સંપાદક પણ બન્યા. આ વર્ષોની તેમની તેજસ્વી કલમથી તેઓ પત્રકારિતા જગતમાં અને સાર્વજનિક જીવનમાં વિખ્યાત બન્યા.
 

જનસંઘની સ્થાપના

 
21 ઑક્ટોબર, 1951માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી તેના સ્થાપક અધ્યક્ષ બન્યા. પં. દીનદયાળ ઉપાધ્યાયજી સાથે અટલજી પણ જનસંઘના આદ્ય સંસ્થાપકો પૈકી અગ્રણી રહ્યા. અટલજી ડૉ. મુખર્જીના અંગત સચિવ પણ બન્યા. આ રીતે અટલજીની ઉજ્જ્વળ રાજનૈતિક કારકિર્દીના પ્રારંભમાં ડૉ. મુખર્જી અને પં. દીનદયાળજીનું અનન્ય યોગદાન રહ્યું છે.
 
1957માં બીજી લોકસભામાં ચૂંટાઈ આવ્યા પછી તેમણે કદી પાછળ વળીને જોયું નથી. નવ વાર લોકસભા અને એક વાર રાજ્યસભામાં ચૂંટાયેલા અટલજીનું પારદર્શી જીવન આજેય પ્રેરક છે. પહેલાં જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ તેમણે અને લાલકૃષ્ણ અડવાણીએ પક્ષને લોકસભામાં બે બેઠકથી બહુમતી સુધી પહોંચાડ્યો હતો. એટલું જ નહીં, 1977માં મોરારજીભાઈ દેસાઈની પ્રથમ બિનકોંગ્રેસી - જનતા સરકારમાં પણ તેઓશ્રી વિદેશપ્રધાન રહ્યા હતા. 1979માં જનતા સરકારના પતન બાદ ભારતીય જનતા પક્ષની સ્થાપનામાં પણ અટલજી અગ્રેસર રહ્યા હતા.
 
1994માં શ્રી અટલજીને શ્રેષ્ઠ સાંસદના એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા. 1996માં લોકસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ - ભાજપના નેતા અટલજીને સરકાર રચવાનું આમંત્રણ મળ્યું, પણ સેક્યુલરવાદ અને રાજકીય અસ્પૃશ્યતાના પરિણામે માત્ર તેર દિવસમાં રાજીનામું આપવું પડ્યું. આ પછી 1998માં અમેરિકા સહિતના દેશોના વિરોધ અને પ્રતિબંધોની ધમકીને અવગણીને તેમણે અણુપરીક્ષણ કર્યું. તેમની પહેલથી ભારત-પાક. વચ્ચે લાહોર બસ-સેવા શરૂ થઈ હતી. જો કે સંસદ પર હુમલા પછી એ સેવા સ્થગિત કરી દેવાઈ હતી. મોટા હૃદયના અટલજી પાસે રાજકીય પ્રતિસ્પર્ધી પર શબ્દોના પ્રસારથી જનવોઈવઢ ઘા કરવાની આવડત તો હતી, પણ પ્રસંગ આવ્યે તેઓ હરીફને બિરદાવવાનું ચૂકતા નહીં.
 
1998ની ચૂંટણીમાં અન્ય સાથી પક્ષો જોડાયા અને સરકાર બનાવી, પરંતુ 1999માં અણ્ણાદ્રમુકનાં જયલલિતાએ ટેકો પાછો ખેંચી લીધો. અટલજી તે દબાણને વશ થયા નહીં. માત્ર 1 વોટ ખૂટતો હતો પરંતુ અટલજીએ ખરીદારી કરી નહીં અને લોકશાહીનાં મૂલ્યોનું જતન કરી રાજીનામું આપી દીધું. છ મહિના બાદ ફરી ચૂંટણીમાં વાજપેયીજીની સરકાર જીતી અને પૂરાં પાંચ વર્ષની મુદત પણ પૂરી કરી. આ પાંચ વર્ષનો તેમનો સમયગાળો ઐતિહાસિક રહ્યો. પોખરણનો અણુધડાકો, પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવાના એમના પ્રયાસ-લાહોર બસ-યાત્રા - કારગિલ યુદ્ધ અને પરવેઝ મુશર્રફ સાથે આગ્રા શિખર પરિષદ જેવાં અનેક નોંધપાત્ર કાર્યો કર્યા.
 
અટલજીએ 15 ઓગસ્ટ, 2003ના રોજ ચંદ્રયાન-1 પ્રોજેક્ટને મંજૂરી આપી અવકાશી સિધ્ધિ હાંસલ કરી. અટલજીને વર્ષ 2015માં ભારતરત્નના સર્વોચ્ચ સન્માનથી બિરદાવવામાં આવ્યા.
 
આંતરિક રાજકારણમાં એમની પ્રતિભા અજોડ હતી. લોકશાહીમાં કોઈ વિરોધપક્ષ હોય નહીં. પ્રતિ પક્ષ-વિપક્ષ હોય એવો એમનો અનુરોધ અને આગ્રહ હતો. ભારતીય રાજકારણમાં વિરોધ અને અસહકારની નહીં. સહકારની અનિવાર્યતા છે. રાજકારણને નકારાત્મક વમળમાંથી બહાર લાવવાની જરૂર છે. સંઘર્ષ નહીં, સંવાદથી કામ કરવાની જરૂર છે એવી એમની અપીલ કોંગ્રેસે સ્વીકારી નહીં તે કમનસીબી છે. અટલજીની આ ગરવાઈ યાદગાર બની રહેશે.
 
કારગિલ યુદ્ધ આજે પણ ભારતીયોમાં દેશપ્રેમનો જુસ્સો ભરી દે છે. શ્રી વાજપેયી પાસે ભારતના નિર્માણની સુરેખ યોજના હતી. સુવર્ણ ચતુર્ભુજ અને ગ્રામસડક યોજના, અર્થતંત્રનું ખાનગીકરણ, ટેલિકોમ ક્રાંતિ અને સર્વ શિક્ષા અભિયાન તેમની સૂઝબૂઝનું પરિણામ છે.
 

રાજકારણમાંથી નિવૃત્તિ

 
નવ વખત લોકસભામાં અને બે વખત રાજ્યસભામાં ચૂંટાયેલા અટલજી રાજકીય જગતમાં ‘ભીષ્મપિતામહ’ હતા અને એમણે ડિસેમ્બર, 2005માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. અઢાર વર્ષની યુવા વયે મહાત્મા ગાંધીના આહ્વાનથી ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા અને 2005 સુધી દેશસેવામાં સક્રિય રહ્યા. તેઓ તેમના કાર્યોથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ માન-સન્માનના અધિકારી બન્યા.
 
1984માં લોકસભામાં ભાજપના માત્ર બે સભ્યો હતા ત્યારથી આજે સંપૂર્ણ બહુમતી છે એના મૂળમાં એમના અથાક પ્રયાસ અને ઉજ્જ્વળ પ્રતિભાનું યોગદાન છે. ભારતના ઇતિહાસમાં અટલજી જેવું વ્યક્તિત્વ જડવું મુશ્કેલ છે. આવનારી સદીઓ સુધી અટલજીનું નામ ગુંજતું રહેશે. અટલ અમર રહેશે.