આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ - શું તમે કોંગ્રેસના સ્થાપકનું નામ જાણો છો?

    ૨૮-ડિસેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

congress_1  H x
 
આ પ્રશ્ન મેં મારા એક કોંગ્રેસી મિત્ર ને પૂછ્યો હતો પરંતુ આશ્ચર્ય ની વાત એ હતી તે આ પ્રશ્ન નો સાચો જવાબ આપી શક્યા ન હતા.
 
આ પ્રશ્ન નો સાચો ઉત્તર એ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોઈ ભારતીય નેતાએ કરી ન હતી પણ એક વિદેશીએ કરી હતી. એ વિદેશીનું નામ છે સર એલન ઓક્તેવિયન હ્યુમ. અંગ્રેજ લેખક સર વિલિયમ વેદરબરને સો વર્ષ પહેલાં એલન હ્યુમના ચરિત્ર વિશે એક પુસ્તક લખ્યું હતું જેમાં એલન હ્યુમ વિશે ઘણી માહિતી મળે છે.
 
એલન હ્યુમનો જન્મ 4 જૂન 1829ના દિને UK ના સેન્ટ મેરી ક્રેયમાં થયો હતો. સન 1849માં માત્ર 20 વર્ષની વયે તેઓ બંગાળના જિલ્લા મેજિસ્ટ્રેટ બની ભારત આવ્યા હતા. અને જ્યારે સન 1857માં ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ શરુ થયો તે સમયે તેઓ ઉત્તરપ્રદેશ (UP ) માં ઇટાવા જિલ્લાના કલેકટર હતા. 1857ની લડતને કચડી નાખવા આ એલન હ્યુમે ભારે દમનકારી પગલાં ક્રાંતિકારીઓ સામે લીધેલાં. એલન હ્યુમની આગેવાની હેઠળ અનેક સ્વાતંત્ર્ય વીરોને પકડી ગોળીએ દેવામાં આવેલા. એલન હ્યુમે કેવા પગલાં લીધેલાં તેની વિગતો Kaye નામના બ્રિટિશ લેખકે લખેલા પુસ્તકમાં પણ મળે છે. તે સમયના એક સેનાપતિએ ગવર્નર જનરલ લોર્ડ કેનિંગને મોકલેલ રિપોર્ટમાં લખ્યું છે કે "એલન હ્યુમ એ આ લડાઇમાં 131 બાગી ભારતીય સિપાહીઓને મારી નાખેલા."
 
પણ એલન હ્યુમનું બીજુ પાસુ વીર સાવરકરે 1857ના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ વિષે લખેલા તેમના ગ્રંથ માંથી જાણવા મળેછે. વીર સાવરકરે લખ્યું છે કે' .. એલન હ્યુમ ડરપોક પણ હતો... જ્યારે ભારતીય સ્વાતંત્ર્ય વીરોએ ઇટાવા પર કબજો કરી લીધો ત્યારે સ્વાતંત્ર્ય વીરોનું પરાક્રમ જોઈ હ્યુમ એટલો ડરી ગયો હતો કે તેણે પોતાનો જીવ બચાવવા પોતાના ગોરા શરીર પર કાળી મેશ લગાવી પોતાનો રંગ બદલી લીધેલો જેથી પોતે ગોરો અંગ્રેજ છે તેની જાણ ન થાય. તે પછી હ્યુમએ સાડી પહેરી લીધી અને માથે બુરખો ઓઢી સુરક્ષા હેઠળ ચૂપચાપ ઇટાવા છોડી ભાગી નીકળેલો."... આ છે કોંગ્રેસ ના સ્થાપક એલન હ્યુમનો ઈતિહાસ.
 
સન 1883માં હ્યૂમે સરકારી નોકરી માંથી રાજીનામું આપી રાજકારણમાં પડ્યા પણ ઇંગ્લેન્ડ પોતાના વતનમાં પરત ન ગયા. ભારતમાં 1857 જેવો બીજો સંગ્રામ ન થાય અને અંગ્રેજોને ભારતમાંથી ભાગવું ન પડે તે માટે તેમની યોજનામાં બે વિચાર હતા.(૧) સન 1835 પછી લોર્ડ મેકોલે એ ભારતમાં શરૂ કરેલી અંગ્રેજી શિક્ષણ પદ્ધત્તિ માંથી જન્મેલા અનેક ભારતીયો હતા જેઓ શરીરે ભારતીય હતા પણ મન મસ્તિષ્કથી અંગ્રેજ બની ચૂક્યા હતા. આ અંગ્રેજ ભક્ત શિક્ષિતોનું સંગઠન કરવું .અને(૨) આ શિક્ષિત લોકોને એક રાજકીય મંચ આપવો જેના પર આવી તેઓ પોતાના વિચારો રજુ કરે, પ્રસ્તાવો પસાર કરે, માગણીઓ મુકે, તેમાંથી થોડી માગણીઓ અંગ્રેજ સરકાર સ્વીકારે પણ ખરી , એમ કરીને પ્રેશર કૂકરના સેફ્ટી વાલ્વની જેમ લોકોના મનની વરાળ બહાર નીકળી જાય તો ફરી વિદ્રોહ ન થાય તે ગણતરીથી અંગ્રેજોની યોજના મુજબ એલન હ્યુમ એ કોંગ્રેસની સ્થાપના સન 1885માં મુંબઈમાં કરી હતી.
 
અરે, એલન હ્યુમની ચતુરાઈ તો જુઓ! તેમણે કોંગ્રેસના પ્રથમ પ્રમુખ તરીકે એક ઘોર અંગ્રેજ ભક્તને બેસાડી દીધેલા જેમનું નામ છે વ્યોમેશચંદ્ર બેનર્જી. તેઓ પોતે પ્રસિધ્ધ એડવોકેટ હતા. આમ તો તેઓ રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પણ તેઓ અંગ્રેજી સંસ્કૃતીથી ભારે પ્રભાવિત થઈ અંગ્રેજ ભક્ત બની ગયેલા. સન 1874માં તેમણે પોતાની નિરક્ષર પત્ની હેમાંગીની અને ત્રણ સંતાનોને લંડન મોકલી તેમણે સંપૂર્ણ રીતે અંગ્રેજી જીવન પદ્ધતિનું જીવન જીવતા કરી નાખેલા. આ દરમિયાન વ્યોમેશચંદ્રના પરિવારે ખ્રિસ્તી ધર્મ અંગીકાર પણ કરી દીધો. તેઓ હિન્દુ જીવન પદ્ધતિના એટલા વિરોધી બની ગયેલા કે તેમણે તેમના પરિવારજનોને સૂચના આપેલી કે તેમના અવસાન બાદ કોઈ પ્રકારની ધાર્મિક વિધિ તેમની પાછળ કરવામાં ન આવે..
 
આવા વ્યોમેશ ચંદ્રમાં એલન હ્યુમને તમામ લાયકાતોનાં દર્શન થવાથી કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવેલા... વધુમાં બેનર્જી અને હ્યુમની જોડીની બે વાતો આપને કરું છું.(૧) વ્યોમેષચંદ્રની પ્રમુખ તરીકેની મુદત પુરી થયા પછી સન 1902માં તેઓ કાયમ માટે ઇંગ્લેન્ડ જતા રહ્યા હતા અને (૨) એ જ રીતે એલન હ્યુમ પણ 1885 માં કોંગ્રેસની સ્થાપના કર્યા પછી 1894માં ઇંગ્લેન્ડ જતા રહ્યા હતા પણ ઇંગ્લેન્ડમાં બેઠા બેઠા સન 1907 સુધી તેઓ કોંગ્રેસને માર્ગદર્શન આપતા રહયા હતા. તેઓ કુલ 22 વર્ષ સુધી કોંગ્રેસના મહાસચિવ રહયા હતા.
 
હવે આપણા ધ્યાનમાં આવવું જોઈએ કે કોંગ્રેસ ને વિદેશી મૂળની વ્યક્તિને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં કેમ વાંધો નથી.
કોંગ્રેસની વર્તમાન દશા અને દિશા જોતાં એટલું કહી શકાય કે જે પાર્ટીની સ્થાપના એક વિદેશી એ કરી હોય તે પાર્ટી નો અંત પણ એક વિદેશીના હાથે થાય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી.. અસ્તુ.