વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસૈયો થઈ માણે

    ૨૮-ડિસેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

narasinh mahta_1 &nb 
 
 
ભક્તકવિ નરસિંહ મહેતા - (વિક્રમ સંવત ૧૪૧૭થી ૧૫૩૬, ઈ.સ. ૧૪૧૩થી ૧૪૭૯)
 
સમરસતાના પ્રહરી ભક્તકવિ નરસિંહ મહેતા
 
વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસૈયો થઈ માણે
 
સૌરાષ્ટ ગુજરાતના તળાજામાં પિતા કૃષ્ણ દામોદરજી અને માતા દયાકુંવરજીને ત્યાં જન્મેલા ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતમાં આદિકવિ રૂપે જાણીતા છે. તેમનો જન્મ વડનગરા નાગર બ્રાહ્મણ કુળમાં થયો હતો. તળાજા નજીકના જંગલમાં અપૂજ એવા શ્રી ગોપનાથ મહાદેવની શ્રી નરસિંહ મહેતા દ્વારા કરાયેલ ઉપાસનાથી પ્રસન્ન થઈ સ્વયં ભગવાન શંકરે તેમને વરદાન માંગવા કહ્યું, ત્યારે નરસિંહ મહેતા ભગવાન શંકરને કહે છે કે, તમને જે પ્રિય હોય તેવું વરદાન મને આપો. ભગવાન શંકરે તેમને પ્રિય એવા ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાનાં તેમને દર્શન કરાવ્યાં અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવા કહ્યું. આ રીતે તેઓ કૃષ્ણમય બની પરમ વૈષ્ણવ બની ગયા અને પોતાનું સંપૂર્ણ જીવન કૃષ્ણભક્તિમાં વિતાવ્યું. તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન કૃષ્ણભક્તિ કરતાં કરતાં હજારોની સંખ્યામાં પદ, કાવ્ય, ભજન, પ્રભાતિયાં રચ્યાં. તેમનાં આ પદ, ભજન, કીર્તન, આખ્યાન વગેરે આજે પણ એટલાં જ લોકપ્રિય છે અને લોકોની જીભ પર રમે છે, કારણ કે ભક્તકવિ નરસિંહ મહેતા અને તેમની રચનાઓ લોકોના હૃદયમાં અંકિત થયેલી છે. તેમનાં એ ભક્તિકાવ્યો મંગળપ્રભાતમાં લોકો આજે પણ સાંભળે છે. તેઓએ પોતાનું મોટાભાગનું જીવન ગિરનાર પર્વતની તળેટીમાં વસેલા જૂનાગઢમાં વ્યતીત કર્યું હતું.
 
એવી વ્યક્તિ જે બીજાની પીડાને સમજે છે અને એ પીડાને દૂર કરવા સ્વયં કષ્ટ સહી પીડિતની પીડા દૂર કરે છે અને એવું કર્યા બાદ પણ તેના મનમાં લેશ માત્ર પણ અભિમાન નથી આવતું તેમને નરસિંહ મહેતા વૈષ્ણવ ગણાવે છે.
 
આ જ વાત કાવ્ય દ્વારા કરતાં તેઓ કહે છે કે,
 
વૈષ્ણવ જન તો તેહને રે કહીએ,
જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ન આણે રે.
 
તેમનું આ ભજન સાચા વૈષ્ણવ-જનના ગુણો દર્શાવે છે. આ ભજન મહાત્મા ગાંધીજીનું પણ પ્રિય ભજન હતું અને આજે તે વિશ્ર્વપટલ પર ગુંજી રહ્યું છે.
 
શ્રી નરસિંહ મહેતા સમદૃષ્ટા હતા. તેઓ કોઈપણ પ્રકારના ભેદમાં માનતા ન હતા. પ્રકૃતિનાં તમામ રૂપોમાં તે ઈશ્ર્વરને જોતા હતા અને તે વાત આચરણના રૂપમાં તેમના જીવનમાં મૂર્તિમંત થઈ છે. તેમનું એક ભજન એકાત્મ જીવનદર્શનને ખૂબ જ યોગ્ય રીતે સ્પષ્ટ કરે છે. તેઓ તે ભજનમાં કહે છે કે...
 
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
જૂજવે રૂપે અનંત ભાસે,
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ,
તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
પવન તું, પાણી તું, ભૂમિ તુ,
ભૂધરા, વૃક્ષ થઈ ફાલી રહ્યો આકાશે,
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.
વેદ તો એમ વદે, શ્રૃતિસ્મૃતિ સાખ દે, કનક-કુંડળ વિશે ભેદ નો હોયે,
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે,
ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે, તેહ પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે,
સત્ય છે એ જ મત એમ સૂઝે.
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે,
ભણે નરસૈંયો એ મન તણી શોધ ના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
(ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ - ૨, ખંડ : ૧, પૃષ્ઠ-૧૭૪)
 
ઉપરોક્ત પદ દ્વારા નરસિંહ મહેતા કહે છે કે, સમગ્ર બ્રહ્માંડમાં એટલે કે દેહ, તેજ, વાણી, પવન, પાણી, પૃથ્વી, વૃક્ષ વગેરે ચરાચર સૃષ્ટિ અલગ અલગ દેખાય છે, છતાં તમામમાં એક જ પરમ તત્ત્વ (ઈશ્ર્વર) વિદ્યમાન છે. વેદ અને સ્મૃતિને ઉલ્લેખી તેઓ કહે છે અનેક પ્રકારનાં સુવર્ણ આભૂષણ હોય છે. પરંતુ તે તમામમાં અંતે તો સુવર્ણ જ હોય છે. તેવી જ રીતે તમામનાં રૂપ અલગ અલગ છે, પરંતુ તે તમામમાં એક જ ઈશ્ર્વર રહેલો હોય છે. આમ આવી રીતે તે સંદેશ આપે છે કે, તમામમાં એક જ પરમ તત્ત્વ વિદ્યમાન છે એટલે કે તેઓ અદ્વૈતદર્શનનું જ્ઞાન આપતાં સમાનતા, એકાત્મકતા અને બંધુત્વની વાત કરે છે.
 
એવા સમયે જ્યારે સમાજમાં જાત-પાતનાં બંધનો ખૂબ જ કડક હતાં, ત્યારે પણ નરસિંહ મહેતાએ જાતિગત ભેદભાવોને નકાર્યા હતા, જેને પરિણામે તેમને જીવનમાં અનેક મુશ્કેલીઓ અને કષ્ટોનો સામનો કરવો પડ્યો હતો. છતાં પણ તેઓ પોતાના સમાનતાના વિચારો પર અડગ રહ્યા અને સમાજમાં મોટું પરિવર્તન લાવવામાં સફળ રહ્યા હતા. આવી જ એક સામાજિક સમસ્યા તેમના જીવનમાં ઉલ્લેખનીય છે.
 
જ્યારે કેટલાક લોકોએ નરસિંહ મહેતા પર ભ્રષ્ટ હોવાનો આરોપ મૂક્યો, ત્યારે જૂનાગઢના રા માંડલિક નરસિંહ મહેતાને કહે છે કે તમને શ્રીકૃષ્ણ સાથે પ્રેમ છે, એ વાત ત્યારે જ માનવામાં આવશે જ્યારે શ્રીકૃષ્ણના ગળામાં રહેલ હાર શ્રીકૃષ્ણ ખુદ તમને પહેરાવશે તો જ તમને નિર્દોષ ગણવામાં આવશે. ત્યારે નરસિંહ મહેતા શ્રીકૃષ્ણને બોલાવે છે અને શ્રીકૃષ્ણના ગળામાંનો હાર આપોઆપ મહેતાજીના ગળામાં આવી જાય છે. આ સાક્ષાત્કાર માર્ગશીષ સુદસપ્તમીના શુભ દિને સંપન્ન થયો હતો.
નરસિંહ મહેતાના જીવનનો વધુ એક પ્રેરણાદાયી પ્રસંગ છે. જ્યારે તેઓ દામોદર કુંડમાં સ્નાન કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક હરિભક્તમાં દૃઢતાવાળા અનુસૂચિત જાતિના ભાઈઓ તેઓને પોતાને ત્યાં ભજન કરવા આમંત્રણ આપે છે. ત્યારે નરસિંહ મહેતા કહે છે કે :
 
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્ર્વર,
સમદૃષ્ટિ ને સર્વ સમાન.
ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો, એવું વૈષ્ણવે આપ્યું વાક્ દાન.
(વહી પૃ. ૧૩૭)
 
એટલે કે, નરસિંહ મહેતા કહે છે, જ્યાં ભેદભાવ હોય છે ત્યાં પરમેશ્ર્વર નથી હોતા. જેઓમાં સમદૃષ્ટિ હોય છે, તેમના માટે સૌ સરખા. તમારું આંગણું ગૌમૂત્ર અને તુલસીથી સ્વચ્છ કરી રાખજો. હું તમારે ત્યાં ભજન કરવા જરૂરથી આવીશ.
 
મહેતાજી નિશાએ આવિયા,
લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.
ભોર થયા લગી ભજન કીધું,
સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ.
(વહી પૃ. ૧૩૭)
 
એટલે કે નરસિંહ મહેતા સાંજે પ્રસાદ લઈ અનુસૂચિત જાતિના ભાઈઓના નિવાસસ્થાને પહોંચી જાય છે અને ઉત્સવ મનાવે છે. સવાર સુધી ત્યાં ભજન કરે છે અને તમામ વૈષ્ણવો સંતુષ્ઠ થાય છે.
 
ભજન બાદ જ્યારે મહેતાજી પોતાના ઘરે પરત ફરતા હોય છે ત્યારે કેટલાક લોકો તેમની હાંસી ઉડાવે છે અને કહે છે કે શું આ છે બ્રાહ્મણનું રૂપ ? ત્યારે નરસિંહ મહેતા પોતાના જ નાગર ભાઈઓને જવાબ આપે છે.
 
નાત ન જાણો ને જાત ન જાણે,
ન જાણો કાંઈ વિવેક વિચાર,
કર જોડીને કહે નરસૈંયો,
વૈષ્ણવ તણો મને આધાર.
(વહી પૃ. ૧૩૭)
 
એટલે કે હાથ જોડી વિનમ્ર ભાવથી નરસિંહ મહેતા કહે છે, તમે વિવેક વિચારને નથી જાણતા.
નાત-જાતને જાણવાનો પ્રયાસ ન કરશો. મને તો વૈષ્ણવનો જ આધાર છે.
 
આગળ તેઓ કહે છે :
 
એવા રે અમો એવા રે,
તમે કહો છો વળી તેવા રે.
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો
તો કરશું દામોદરની સેવા રે.
(વહી પૃ. ૧૩૭)
 
એટલે કે, તે કહે છે કે, હું તો એવો જ છું. તમે જેવો કહેશો તેવો જ છું. ભક્તિ કરતાં તમે મને ભ્રષ્ટ પણ કહો છો, તો પણ હું દામોદર એટલે કે કૃષ્ણની સેવા કરતો રહીશ. છેલ્લે તેઓ કહે છે...
 
હળવા કરમનો હું નરસૈંયો,
મુજને તો વૈષ્ણવ વ્હાલા રે,
હરિજનથી જે અંતર ગણશે,
તેના ફોગટ ફેરા ઠાલા રે...
(વહી પૃષ્ઠ. ૧૩૮)
 
એટલે કે હું સાદાં કર્મ કરનાર છું, મને વૈષ્ણવ વ્હાલા છે, હરિજનથી જે અંતર રાખશે તેમનો અવતાર જ અર્થહીન છે.
સમરસતાને સમજાવતાં તેઓ કહે છેઃ
 
વસ્તુનો સાગર સાવ સમરસભર્યો,
અણછતો નરસૈંયો થઈ માણે
(વહી પૃ. ૧૩૮)
 
એટલે કે જ્યારે આપણે સારી લાગતી કોઈ વસ્તુનું દર્શન કરીએ છીએ અને તે વસ્તુમાં ખુદને પરિવર્તિત કરી દઈએ છીએ, તે સમરસતા કહેવાય છે. જેમ તેઓએ ગોપીભાવથી કૃષ્ણની આરાધના કરી અને અંતમાં તે એવી સ્થિતિમાં આવી ગયા કે તેઓ ગોપીભાવથી મુક્ત થઈ ગયા અને તેઓ ખુદ અને કૃષ્ણ એકાકાર થઈ ગયા.
 
નરસિંહ મહેતા વિરલ હોવાની સાથે સાથે, સીધા-સાદા, સરળ અને સહજ છે. આજે પણ એવા સીધા-સાદા સરળ વ્યક્તિને ભગત એટલે કે નરસિંહ મહેતાનું ઉપનામ આપવામાં આવે છે.
 
ભક્ત કવિ નરસિંહ મહેતાના કોઈ જ ગુરુ ન હતા અને તેઓ ક્યારેય કોઈ પંથના અનુયાયી નથી બન્યા. તેઓએ સ્વયં પોતાની વિવેકબુદ્ધિથી અને અનુભવના આધારે પોતાના વિચારો કાવ્યરૂપે ઢાળી પ્રસ્તુત કર્યા. ભગવાન શ્રીકૃષ્ણની આરાધના અને સમાજનું દિશાનિદર્શન કર્યું.
 
નરસિંહ મહેતાએ હરિજન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરી પછાત વર્ણને બહુમાન બક્ષ્યું હતું. (ગુજરાતી પુસ્તક : નરસિંહ મહેતાનાં જીવનસ્મરણ, સંપાદક : શ્રીયુત બાપુભાઈ જાદવરાવ વૈષ્ણવ, પૃષ્ઠ -૭૭)
 
તે સમયની કૃષ્ણભક્તિમાં લીન કવયિત્રી મીરાબાઈએ નરસિંહ મહેતાના જીવન પરથી નરસિંહજી કા મ કાવ્યની રચના કરી હતી. શીખ ગુરુ નાનકદેવજીએ ગુરુગ્રંથ સાહિબમાં નરસિંહ મહેતાનો ઉલ્લેખ કર્યો છે. મહારાષ્ટના કવિ જેઠમલ અને ભક્તકવિ ગોવિંદ સ્વામી, રાજસ્થાનના કવિ ઈશ્ર્વરદાસ અને કબીરપંથના ધર્મદાસજીએ પોતાનાં કાવ્યોમાં નરસિંહ મહેતાનો ઉલ્લેખ ખૂબ જ આદરપૂર્વક કર્યો છે. (નરસિંહ મહેતા ગુજરાતી પુસ્તિકા, બાલભારતી પુસ્તક શ્રેણી, પૃષ્ઠ. ૩૯)
 
નરસિંહ મહેતા ભગવાનને ક્યારેય પણ મદદ માટે પોકારતા નથી. ભગવાનથી સહયોગ મેળવી તેઓ સમાજમાં એવું પ્રસ્થાપિત કરવા માગે છે કે, ભક્તિ કરનાર ક્યારેય દુઃખી થતા નથી. ભગવાન ભક્તને આધીન છે. તેઓ ભગવાન પાસે સહયોગ જરૂર માગે છે, પરંતુ પોતાના લાભ માટે નહીં, બલ્કે ભક્તિની મહત્તા બતાવવા માટે જીવનમાં ક્યારેય પણ તેઓએ ભગવાન પાસે ધન, વૈભવ અને દૈહિક સુખાકારીની માંગણી નથી કરી. બસ માગી છે તો માત્ર ભક્તિ જ.
 
તેમના દ્વારા રચાયેલાં પદોથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભક્તિ મોક્ષથી પણ ઊંચી છે. સૌ સમાન છે, કોઈની પણ સાથે ઊંચ-નીચનો ભેદભાવ ન કરવો જોઈએ. ભક્તિ પાપનો ક્ષય (નાશ) કરે છે. ઈશ્ર્વરનું પ્રેમથી, ભક્તિભાવપૂર્વક સ્મરણ કરો. ઈશ્ર્વરને પામવા માટે વ્રત-ઉપવાસ, તીર્થયાત્રા કરવાની જરૂર નથી. ઈશ્ર્વરના શરણમાં રહેવું એ જ સાચી ભક્તિ છે. આવા ગુજરાતના એ મહાન આદિકવિએ શ્રાવણ કૃષ્ણ અષ્ઠમીના દિવસે વૈકુંઠપ્રયાણ કર્યું હતું.
 
- મહેશ ચૌહાણ