બીજા દેવ અને શિવ મહાદેવ । એ ૧૦૦ નામનું પણ પુણ્યસ્મરણ થાય તો ૧૦૦% મનોકામના પૂર્ણ થાય છે

    ૩૦-ડિસેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

kedarnath_1  H
 
 
પૂર્વકાળમાં દૈત્યો નિષ્ઠુર બની લોકોને પીડા આપી રહ્યા હતા. ધર્મનો લોપ કરવા લાગ્યા હતા. એ મહાબલી અને મહાપરાક્રમી દૈત્યોથી પીડિત થઈને દેવતાઓએ દેવરક્ષક ભગવાનને પોતાનાં બધાં દુઃખ કહી બતાવ્યાં. ત્યારે શ્રીહરિ કૈલાસ પર જઈને ભગવાન શિવની વિધિપૂર્વક આરાધના કરવા લાગ્યા. હજાર નામની શિવની સ્તુતિ કરવા લાગ્યા. પ્રત્યેક નામના ઉચ્ચારણ બાદ એક કમળ ચઢાવતા હતા. શિવે વિષ્ણુના ભક્તિભાવની કસોટી કરવા માટે એમના લાવેલાં એક હજાર કમળમાંથી એક કમળ સંતાડી દીધું. શિવની માયાને કારણે ઘટિત થયેલી આ ઘટનાથી ભગવાન વિષ્ણુને ખબર ન પડી. એમણે ઓછું થયેલું ફૂલ શોધવાનો પ્રયત્ન આરંભ્યો. ઉત્તમ વ્રતના પાલન કરનાર વિષ્ણુએ એ ફૂલની શોધ માટે આખી પૃથ્વીમાં પરિભ્રમણ કર્યું. પણ ક્યાંય ફૂલ ન મળ્યું. શિવની પૂજા અધૂરી રહી જાય તે કેમ ચાલે ? ખૂબ મનોમંથન પછી પોતાનું કમળ સમાન એક નેત્ર કાઢીને ચઢાવી દીધું. આ જોઇને સમગ્ર દેવપુરી આશ્ર્ચર્યચકિત થઈ ગઈ અને વિષ્ણુના ભક્તિભાવ પર વારી ગઈ. જગતના દેવ મહાદેવ કેમ વિષ્ણુને પોતાનાથી વધારે સન્માન આપે છે એની આ ઘટનાથી જાણ થઈ.
 
કેદારનાથની ભૂમિમાં જગતગુરુ શંકરાચાર્યએ નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. એ દેવભૂમિ છે. અહીંની હવામાં પણ અધ્યાત્મનો અહેસાસ થશે. શિવનાં હજાર નામ છે પણ બધાનો અર્થ તો કલ્યાણ જ થાય છે. સો નામ મુખ્ય માનવામાં આવે છે. એ ૧૦૦ નામનું પણ પુણ્યસ્મરણ થાય તો ૧૦૦% મનોકામના પૂર્ણ થાય છે. તુલસી ૧૬૩૧ની આસપાસ થયા છે. તુલસીદાસજી કેદારનાથની યાત્રાએ આવેલા. મહાપુરુષોના પરિભ્રમણથી એ સ્થળને લાભ થયા છે.
 
ઈસવીસન તેરસોથી સત્તરસો સુધીનાં ચારસો વર્ષનો જે એક હિમકાળ હતો, એમાં કેદારનું આ મંદિર, કેદારની આ મૂર્તિ ચારસો વર્ષ સુધી બરફમાં હતી. વિજ્ઞાને પણ સંશોધન કરી એના પર મહોર મારી છે. પછી સત્તરસોમાં કેદાર પરનો બરફ ધીરે ધીરે ઓગળ્યો. કેદારનાથનું મંદિર કહે છે કે સૌથી પહેલા પાંડવવંશી રાજાએ બનાવ્યું હતું. એનો મતલબ એ કે આપણે પાંચ હજાર વર્ષ રિવાઇન્ડ કરવાં પડશે. કહેવાય છે કે આદિ ગુરુ શંકરાચર્યએ એનો ર્જીણોદ્ધાર કરાવ્યો. મને એક વાત સમજાય છે કે કોઈ બુદ્ધપુરુષની ઓળખ કરવી હોય તો કેદાર જેટલું મદદ કરે છે એટલી દુનિયાની કોઈ ભૂગોળ મદદ નથી કરતી. રામચરિતમાનસના આરંભમાં તુલસીને શંકર નામ જ યાદ આવ્યું.
 
ભવાનીશઙરૌ વન્દે શ્રદ્ધાવિશ્વાસરુપિણૌ ।
યાભ્યાં વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાન્તઃ સ્થમીશ્વરમ્‌ ॥
 
જેની સાથે સ્નેહ હોય એનું નામ વારંવાર લેવાય છે. તુલસી માનસમાં શિવ ફરી ફરી ઉચ્ચારે છે. તુલસીએ દેહાતી ભાષામાં ‘સંકર’ લખ્યું છે. ચોવીસ કલાકમાં મન-વચન અને કર્મથી કોઈ ભૂલ થાય તો શિવની એક માળા જપી લેવી. કેદારનો એક અર્થ થાય છે જાતિસ્વભાવ. જેમ જાતિસ્વભાવ મિટાવી શકાતો નથી એમ કેદારને પણ મિટાવી શકતો નથી. એ અખંડ છે. આપણે જાતિઓ બહુ બનાવી દીધી. વર્ણની વાત નથી કરવી. વ્યવસ્થાના રૂપમાં ઠીક છે. જાતિ એટલે નર જાતિ અને નારી જાતિ.
 
જે ખેતરમાં બીજ વાવી દો એને કેદાર કહે છે. કેટલી સુંદર વાત ! જ્યારે કોઈ આપણા અંત:કરણમાં અધ્યાત્મયાત્રા માટે કોઈ સૂત્ર વાવી દે ત્યારે આપણું હૃદય કેદાર બની જાય છે. તમે તમારી જાતમાં કેદાર સર્જી શકો છો. એ બીજ ક્યારેક વૃક્ષ થશે. યોગીપુરુષોનું બીજ વટવૃક્ષ બને છે. સવાલ એ બીજની સંભાળનો છે. યોગ્ય રીતે ન સીંચવામાં આવે તો મુરજાઈ છે.
 
સંગીતના સુંદર રાગનું નામ કેદાર છે. નરસિંહ મહેતાનો તો પ્રિય અને પ્રાણમય રાગ છે. કેદાર રાગ ગાતાં ગાતાં અનુરાગમાં સરી પડીએ છીએ. કેદારમાં નાથ જોડાય ત્યારે હારમાળા અને જપમાળા સાથે હરિ સમ્મુખ હોઈએ. નાથનો અર્થ થાય છે સ્વામી. જેમ નારી પતિવ્રતા હોય એમ શિષ્ય ગુરુવ્રતા હોવો જોઈએ. બળદનું નાક છેદીને એમાં વચ્ચે દોરડું નાખવામાં આવે એને નાથ કહીએ છીએ. નાથનો અર્થ છે અંકુશ. નિરંકુશ મનને અંકુશમાં રાખે એ શંકર. શિવજી સાથે નાથ શબ્દ સૌથી વધુ જોડાયેલો છે. સોમનાથ, વિશ્ર્વનાથ, તુંગનાથ ઇત્યાદિ... આ અનાથોના નાથનો મહિમા આલેખવા અરણ્યની લેખિની અને સમુદ્રની શાહી લઈએ, તોય પાર ન આવે..
 
આલેખન : હરદ્વાર ગોસ્વામી [email protected]