દિવાળીના થોડા દિવસો પહેલાંની વાત છે. એક કુંભારના વાડામાં ચાર દીપકો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. પહેલો દીપક બોલ્યો, હું હંમેશાથી મોટો બનવા માંગતો હતો. કાશ હું સુંદર, રંગીન ઘડો બન્યો હોત તો ! મારું નસીબ જ ખરાબ છે. કુંભારે મને નાનો અમથો દીપક બનાવી દીધો, જેથી મારે કોઈ ખૂણામાં પડ્યા પડ્યા બળ્યા કરવું પડશે.
બીજો દીપક બોલ્યો, ભાઈ, મારે પણ એવું જ છે. હું એક સુંદર અને ભવ્ય મૂર્તિ બની કોઈ પૈસાદારના ઘરની શોભા બનવા માંગતો હતો પણ હાય રે નસીબ.. કુંભારે મને પણ નાનોઅમથો દીપક બનાવી મારાં સ્વપ્નોને દીવાની આ વાટને સથવારે બળવા માટે છોડી દીધાં.
આ સાંભળી ત્રીજો દીપક બોલ્યો, મને તો પહેલેથી જ પૈસાથી ખૂબ જ પ્રેમ હતો. કાશ, કુંભારે મને ગલ્લો બનાવ્યો હોત તો હંમેશા મારામાં પૈસા જ પૈસા પડ્યા રહેતા હોત, પરંતુ હવે તો મારામાં તેલ અને આ દિવેટ જ રહેશે જે પણ થોડાક જ સમયમાં ક્યાંય જતાં રહેશે.
ચોથો દીપક આ ત્રણેયની વાતો સાંભળી મંદ-મંદ હસી રહ્યો હતો. પેલા દીપકોએ તેના હસવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, આજે હું તમને એક ખાનગી વાત કહું છું. જીવનમાં કોઈ ઉદ્દેશ્ય રાખી તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો એ સારી વાત છે. પરંતુ એમાં જો અસફળ થવાય તો નસીબને દોષ આપી દુઃખી થયા કરવું એ તો યોગ્ય નથી જ. આપણે એક જગ્યાએ અસફળ થયા તો શું થયું, બીજા અનેક અવસરો આપણને મળવાના છે. એક વારની અસફળતાથી જિંદગી ખતમ તો નથી થઈ જતી ને !
હવે જુવોને, તહેવારોમાં લોકો આપણને ખરીદશે. તેમના પૂજા-ઘરમાં ભગવાન સામે મૂકી આપણને પ્રગટાવશે. ન જાણે કેટકેટલાં ઘરોમાં આપણાથી પ્રકાશ ફેલાશે ! માટે મિત્રો, જ્યાં પણ રહો, જેવી પણ પરિસ્થિતિમાં રહો, ખુશ રહો, દુઃખી થવાને બદલે આનંદપૂર્વક તહેવારો મનાવો.