શ્રી નર્મદા જયંતી નિમિત્તે મા શ્રી નર્મદાદેવીની જન્મકથા - માહાત્મ્ય

    ૦૧-ફેબ્રુઆરી-૨૦૨૦

naramada devi_1 &nbs 
 
(મહા સુદ ૭, તા. ૧-૨-૨૦૨૦, શનિવાર, શ્રી નર્મદા જયંતી નિમિત્તે)
 
(ગંગામૈયા પણ જેમાં સ્નાન કરવા આવે છે, જે સદાસર્વદા આનંદ આપનારી રેવા, રુદ્રકન્યા, મૈકાલકન્યા, વિંધ્યાચળ પુત્રી)
 

મા શ્રી નર્મદાદેવીની જન્મકથા - માહાત્મ્ય

 
વામનપુરાણ તથા સ્કધપુરાણમાં મા શ્રી નર્મદાદેવીની જન્મકથા તથા મહિમાનું વિસ્તૃત વર્ણન છે. આદ્ય ગુરુ શંકરાચાર્યે પણ નર્મદાષ્ટકમાં મા નર્મદાદેવીનાં ગુણગાન ગાયાં છે.
 
એક કથાનુસાર હિરણ્યાક્ષ અસુરે પુત્રપ્રાપ્તિ માટે ઘોર તપશ્ચર્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ પ્રસન્ન થઈ પોતાનો પુત્ર અંધક, હિરણ્યાક્ષને સોંપ્યો. સમય જતાં હિરણ્યાક્ષની આસુરીશક્તિથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. ત્રણે લોકમાંથી દેવા, ગંધર્વો તથા ઋષિમુનિઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આ રાક્ષસના ત્રાસની મુક્તિ માટે વિનંતી કરી. તેથી ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરી, હિરણ્યાક્ષનો સંહાર કર્યો. પિતાના મૃત્યુના સમાચારથી પુત્ર અંધકાસુર કોપાયમાન થયો. તે ભગવાન વિષ્ણુ તથા શિવને પણ શત્રુ માનવા લાગ્યો. તેણે દેવોને પરાસ્ત કરી સ્વર્ગલોકમાં આધિપત્ય જમાવ્યું. અંધકાસુરે શિવજી પાસેથી અપાર બળ પ્રાપ્ત કર્યું હતું. રાહુ અને કેતુ સિવાય અમૃતપાન કરનાર એકમાત્ર અંધકાસુર હતો. હવે ! અભિમાની અંધકાસુરે હિમાલય તરફ પ્રયાણ કર્યું. તેણે શિવજી સામે ઘોર યુદ્ધ કર્યું. શિવજીની અપાર શક્તિને પોતાની વિનાશકારી બુદ્ધિના કારણે વીસરી ગયો. અંતે શિવજીએ અંધકાસુરનો વધ કર્યો. દેવો, ગંધર્વો તથા ઋષિમુનિઓને આ અસુરોના ત્રાસથી મુક્ત કરી શિવજી વિંધ્યાચલ પર્વત પર ધ્યાનસ્થ અવસ્થામાં લીન થયા. ત્યાં દેવો તથા ઋષિમુનિઓ સદાશિવ ભોળાનાથ પાસે ગયા. સંસારમાં સર્વદા આનંદ-સુખ મળે અને પાપોના નિવારણ માટે કલ્યાણકારી શક્તિના પ્રાગટ્યની અપેક્ષા સાથે ૐ નમઃ શિવાયનું રટણ કરવા લાગ્યા.
 

naramada devi_1 &nbs 
 
વિંધ્યાચલ પવર્તના અમરકટક ક્ષેત્રમાં જ્યાં શિવજી ધ્યાનમુદ્રામાં હતા તે વેળાએ તેમના પરસેવાનું એક બુંદ મૈકાલ શીખર પર પડ્યું. આ બુંદમાંથી એક તેજોમય બાલકન્યા પ્રગટ થઈ. તે પણ શિવજીની સાથે તપમાં બેસી ધ્યાન કરવા લાગી. શિવજી જ્યારે ધ્યાનમાંથી ઊઠ્યા ત્યારે આ તેજોમય કન્યાને જોઈ આશ્ચર્યમાં પડ્યા. આ સ્થળે આવેલ દેવતાઓ તથા ઋષિમુનિઓ પણ આ શ્ય જોઈ પ્રસન્ન થયા. શિવજીએ કન્યાનું નામકરણ કર્યું. તેમણે દેવતાઓ અને ઋષિમુનિઓને આશીર્વાદ આપતાં કહ્યું, હે મુનિવરો ! દેવતાઓ ! આ કન્યા નર્મદાના નામથી આદ્યશક્તિ સ્વરૂપે સંસારમાં પૂજાશે. આ કન્યા મા શ્રી નર્મદાદેવી તમને સદાયે આનંદ આપશે તથા તમારાં પાપોનું નિવારણ કરશે. શિવજીએ એ પ્રમાણે આશીર્વાદ આપી અમરકટક ક્ષેત્રમાંથી પુત્રી નર્મદાને પ્રગટ કર્યાં. કાલગણના પ્રમાણે મા શ્રી નર્મદાદેવીના આ પ્રાગટ્યનો દિવસ મહાસુદ-૭ હોવાનું મનાય છે. તેથી આ દિવસ શ્રી નર્મદા જયંતી તરીકે ઊજવાય છે. મધ્યપ્રદેશમાં નર્મદા નદીના ઉદગમસ્થાન અમરકટક સ્થળે આ ઉત્સવ મનાવાય છે. દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આ ઉત્સવમાં આવે છે. મા નર્મદામાં સ્નાન કરી મનોકામના પૂર્ણ કરે છે. અહીં મા નર્મદાના મંદિરમાં વિસામો કરી તેમનાં દર્શનથી ધન્ય થાય છે.
 

naramada devi_1 &nbs 
 
સદાશિવ ભોળાનાથે જળદેવતા અને પૃથ્વીમાતા પર પણ જે નિવાસ કરી શકે તેવા શક્તિશાળી જીવ મગરમચ્છના આસન પર બેસાડી પુત્રી નર્મદાને ત્રણે લોકમાં દેવીસ્વરૂપે સ્થાપિત કર્યાં. સદાશિવે પુત્રીને કહ્યું, હે પુત્રી, હું સદાય તારી પાસે જ્યોતિર્લિંગ ૐ કારેશ્વર સ્વરૂપે નિવાસ કરીશ. તારો કોઈ પ્રલયકાળે પણ નાશ થશે નહીં. તને સ્પર્શ કરતો પથ્થર પણ નર્મદેશ્વર શિવલિંગ તરીકે પૂજાશે. જેની પ્રાણપ્રતિષ્ઠા કરવાની રહેશે નહીં. હે પુત્રી, તું મારી જ્યેષ્ઠા છે. મારી પુત્રી ગંગા પણ તારામાં સ્નાન કરવા આવશે. તારી પરિક્રમા સર્વને સુખ આપશે તથા મનોકામના પૂરી કરશે. આ કથાના અનુસંધાને જાણવા મળે છે કે એક દિવસ ગંગાજી પિતા શિવજી પાસે ગયા. તેમણે વિનંતી કરી કે, હે પિતા ! સંસારના લોકોએ પુણ્ય મેળવવા તથા પાપકર્મોના નાશ માટે મારામાં અસંખ્ય સ્નાન કર્યાં છે. તેથી હું આ ભાર સહન કરી શકુ તેમ નથી. મને આ કષ્ટ સહન કરવામાં મદદરૂપ થાઓ ! શિવજીએ કહ્યું, હે પુત્રી ! તું તારી મોટી બહેન જેનું પ્રાગટ્ય તારાથી પૂર્વનું છે, જે મારી જ્યેષ્ઠ પુત્રી છે. તેમાં સ્નાન કર. આ કષ્ટ સહન કરવા બહેન નર્મદાના શરણે જા ! એવું કહેવાય છે કે આજે પણ ચોક્કસ નક્ષત્ર-રાશિએ ગંગાજી નર્મદામાં સ્નાન કરવા પધારે છે.
 
અમરકટકમાં બિરાજમાન મા શ્રી નર્મદા દેવીનો મહિમા અદભુત છે. તેનાં દર્શન કરવા આવતાં શ્રદ્ધાળુઓ, રાજનેતાઓ તથા ગૃહસ્થીઓ જમીનમાર્ગે જ અહીં પધારે છે. એવું કહેવાય છે કે જે કોઈ રાજનેતા કે શ્રદ્ધાળુઓએ વિમાનમાર્ગે આકાશમાં શ્રીમાતાને ઓળગ્યાં છે તેમનો પરાજય થયો છે. કહેવાય છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરાજી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમાભારતીજી જેવા અનેક રાજનેતાઓને આમ કરવાથી પુનઃ તે સ્થાન-પદ મળ્યું નથી. વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મા નર્મદાદેવીનાં દર્શનનું રહસ્ય જાણતા હતા. તે અમરકટકથી ૨૦ કિ.મી. દૂર ઊતર્યા હતા અને ત્યાંથી જમીનમાર્ગે માતાનાં દર્શને ગયા હોવાનો ઉલ્લેખ છે.
 

મા શ્રી નર્મદાદેવી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે

 
ભારતની મહાનદીઓ ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે જ્યારે નર્મદા પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તેની રહસ્યકથા રાજકુમાર સોનભદ્ર અને શ્રી નર્મદાજીના વિવાહ સાથે જોડાયેલી છે. મા નર્મદા જ્યાં પ્રગટ થયાં ત્યાં રાજા મેખલ રાજ્ય કરતા હતા. તેથી શ્રી નર્મદા દેવી રાજા મેખલની પુત્રી સમાન હતાં. પુત્રી મોટી થતાં તેમના વિવાહ માટે રાજા મેખલે એક શરત મૂકી. જે રાજા અથવા વીર પરાક્રમી હિમાલયમાંથી ગુલબકાલીનું ફૂલ લાવી આપશે તેની સાથે મારી કન્યાનો વિવાહ કરીશ. ઘણાએ પ્રયત્ન કર્યો પણ સફળ થયા નહીં, પણ પરાક્રમી વીર રાજકુમાર સોનભદ્ર ગુલબકાલીનું ફૂલ લાવી રાજા મેખલને આપે છે. રાજા મેખલ પ્રસન્ન થઈ પોતાની પુત્રના વિવાહ સોનભદ્ર સાથે નિશ્ચિત કરે છે.
 

naramada devi_1 &nbs 
 
મેખલપુત્રી નર્મદાએ રાજકુમાર સોનભદ્રને કદી નિહાળ્યા ન હતા. તેથી તે તેમની દાસી જુહિલાને પોતાનો સંદેશો પહોંચાડવા મોકલે છે. દાસી જુહિલા નર્મદાજીને કહે છે કે, હે કુવરી ! મારી પાસે સારાં વસ્ત્રો નથી. તેથી મને આભૂષણો તથા વસ્ત્રો પહેરાવો, જેથી ત્યાં આપણી શોભા વધે. હર્ષઘેલાં નર્મદાજી પોતાનાં આભૂષણો તથા વસ્ત્રો દાસી જુહિલાને પહેરાવી સોનભદ્ર પાસે મોકલે છે. સોનભદ્ર દાસી જુહિલાને રાજકુવરી નર્મદાજી માની બેસે છે અને અજાણતાં ભૂલ કરી તેની સાથે પ્રેમાલાપ કરે છે. આ બાજુ રાજા મેખલ તથા પુત્રી નર્મદા અને રાજ્યના સૌ દાસી જુહિલાની રાહ જુએ છે. તેને પરત આવવામાં વિલંબ થયો તેથી નર્મદાજી પોતે રાજકુમાર સોનભદ્રને મળવા જાય છે. સોનભદ્ર અને જુહિલાને પ્રેમાલાપ કરતા જોઈ નર્મદાજી દુઃખી થયાં. તે રાજકુમાર સોનભદ્રની પૂર્વદિશામાંથી ઊલટાં ફરી ગયાં અને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કર્યું. રાજકુમાર સોનભદ્ર વિલાપ કરતા તેની પાછળ દોડ્યા અને વિલાપ કરતાં કહ્યું, હે દેવી ! ઊભાં રહો... ઊભાં રહો... હું અજાણ્યે તમને ઓળખી શકતા નથી. મને માફ કરો. પણ મા શ્રી નર્મદાદેવી ફરી પાછાં ફર્યાં નહીં. તેમણે સંન્યાસિનીનું રૂપ ધારણ કર્યું અને જીવનભર અવિવાહિત રહ્યાં. બધી નદીઓ બંગાળના ઉપસાગરમાં સમાય છે, જ્યારે મા નર્મદા કલ્પાંત કરતાં દુઃખ સાથે ક્રોધને સ્વમાં સમાવી સિંધુસાગરમાં લીન થયા. એવી લોકકથા છે કે આજે પણ નર્મદાની પરિક્રમા કરતાં શ્રદ્ધાળુઓને વિલાપ કરતાં અને ક્રોધે ભરાયેલ મા નર્મદા કાલિકા સ્વરૂપે દર્શન આપે છે, તેથી જ તેમના મહિમા માટે ગવાયું છે...
 
જન્મ કારણ જનની ભઈ,
લીલા કારણ બાલિકા,
સત્ય કારણ દેવી ભઈ,
અંત કારણ કાલિકા.
 
વિંધ્યાચળ પર્વતની ગિરિમાળાના અમરકટકમાંથી પ્રગટી ૧૩૦૦ કિ.મી.નો પથ કાપી મા નર્મદા ગુજરાતમાં ભૃગુકચ્છ પાસે સિંધુ સાગરને મળે છે. મા નર્મદાને કિનારે અમરકટકથી માંડી, ઓમકારેશ્વર, માંધાતા, શૂલપાણેશ્વર, ભેડાઘાટ, કપિલધારા, બારકેલ, ભૃગુકચ્છ, ચાણોદ-કરનાળી, નારેશ્વર વગેરે તીર્થસ્થાનો છે. મા નર્મદાના બન્ને કિનારે નાનાં મોટાં આવાં ૪૦૦ તીર્થસ્થાનોનો ઉલ્લેખ પુરાણોમાં છે. સર્વપિતૃશ્રાદ્ધ માટે વિશ્વભરમાં આ તીર્થસ્થાનો મહત્ત્વ ધરાવે છે. મા નર્મદા પણ પતિતપાવન ગંગાજીની જેમ તેમના પ્રવાહપથમાં અઢળક ધનધાન્ય તથા ખનીજ સંપત્તિથી સર્વેને સર્વદા સુખી રાખે છે. મધ્ય ભારતની જીવાદોરી મા નર્મદાના તટે અનેક સંતો, મહંતો તથા ઋષિમુનિઓએ નિવાસ કરી આશ્રમોનું નિર્માણ કર્યું છે. બારકેલના તીર્થસ્થાનમાં વ્યાસ, શુકદેવ તથા સતી અનસૂયાએ નિવાસ કર્યો હોવાનો ઉલ્લેખ પુરાણોમાં છે. તેથી અહીં તેમનાં મંદિરો પણ છે.
 
-  જયંતિકાબહેન જોષી