માનસમર્મ । પ્રેમ એ વિશ્વની સૌથી મોટી ખોજ છે । મોરારિબાપુ

    ૧૩-ફેબ્રુઆરી-૨૦૨૦   


moraribapu_1  H
 
 
રાજા અશ્વશિરાનો અશ્વમેધ યજ્ઞ પૂર્ણ થયો ત્યારે કપિલ અને જૈગીષવ્ય નામના બે મુનિઓ આવ્યા. રાજાએ એમનું સ્વાગત કર્યું. રાજાએ જિજ્ઞાસા વ્યક્ત કરી કે મારે નારાયણનાં દર્શન કરવા છે. મુનિઓએ કહ્યું કે કરી લો દર્શન.
રાજાએ કહ્યું કે હું સમજ્યો નહીં.
 
મુનિઓએ કહ્યું કે અમે જ નારાયણ છીએ.
 
રાજાએ કહ્યું કે આપ પૂજનીય છો પણ નારાયણ તો ગરુડ પર સવાર હોય છે, તરત જ એક મુનિ નારાયણ અને બીજા મુનિ ગરુડ બની ગયા. તરત જ રાજા પગમાં પડી ગયો.
 
મુનિઓએ કહ્યું કે અમે નહીં દરેક વ્યક્તિ નારાયણરૂપ છે. જ્યારે દરેકમાં નારાયણ દેખાશે ત્યારે તમે સાચા રાજવી બની શકશો
 
રાજા મુનિઓનો મર્મ સમજી ગયા અને ત્યારથી પ્રજામાં પરમેશ્વર જોવા લાગ્યા.
 
`મહાભારત' અને `કર્ણભાર' બંનેના કર્ણ જુદા છે. વ્યાસ અને ભાસ બંનેના ષ્ટિકોણ અલગ છે. સર્જક નિરંકુશ હોય છે. કોઈ માઈનો લાલ એનો આ હક છીનવી ન શકે. વ્યાસનો કર્ણ, એની પાસે કવચકુંડળ લેવા માટે ઇન્દ્ર છળ કરીને આવે તે બધું યુદ્ધ પહેલાં થઈ જાય છે. કવિ ભાસ કહે કે મારે કર્ણનાં કવચકુંડળ ક્યારે લેવાં એ મારી સ્વતંત્રતા છે. કર્ણને સૂર્યએ આગલી રાતે ચેતવી દીધા છે કે કોઈ તારું કવચકુંડળ લેવા આવે તો આપતો નહીં. આપણે કયું કાર્ય ક્યારે કર્યું એનો એક મોટામાં મોટો સાક્ષી ભગવાન ભાસ્કર છે. દાનવીર કર્ણ પોતાની નિસ્બત છોડે કે તોડે ? પોતાના સામે જ લડવાનું.. તોય મોઢું નહોતું બગાડ્યું. પણ મનમાં એક કસક રહી ગઈ હતી. ભીષ્મના ઇચ્છામરણ પહેલાં કર્ણએ ઇચ્છામરણ સ્વીકાર્યું હતું. યુદ્ધમેદાનમાં એક બ્રાહ્મણ ભિક્ષામ્ દેહિ કહીને કર્ણ સામે ઊભો છે. દાતાર તો જ્યાં ઊભા હોય ત્યાં કોઈ ને કોઈ પહોંચી જાય છે. દાતારથી એમ ન કહેવાય કે મારા આશ્રમમાં આવજો ત્યારે આપીશ. દિલેરી અને દાતારીપણું જુદી વસ્તુ છે. બ્રાહ્મણ કવચકુંડળ માંગીને જાય છે. ત્યારે ઇન્દ્ર વિમલા નામની શક્તિ કર્ણ માટે મોકલે છે. કર્ણને કહેવામાં આવે છે કે કવચકુંડળ ન હોવાને કારણે તમારું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે છે અને એ દાન કરીને તમે મૃત્યુ સામેથી સ્વીકાર્યું છે. પણ ભાસનો કર્ણ કહે છે દાન લેનારને લેતી-દેતીનો સંબંધ ન હોય, આ તે કંઈ વાટકી વહેવાર છે ? વેપાર અને વ્યવહારમાં બહુ મોટો તફાવત છે. જેમ વેચવું અને વહેંચવામાં... મેં કવચકુંડળ આપ્યાં અને બદલામાં મને વિમલાશક્તિ મળે ? હું મારી રીતે લડીશ. હું આ વિમલાશક્તિ નહીં સ્વીકારું. હાટ હોય ત્યાં હાર્ટ ન હોય સાહેબ...ખુમારીના ખોરડે કદી ખોટ નથી પડતી... ખલીલ ધનતેજવી કહે છે -
 
હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહીં આવું.
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું. 
 
મહાત્મા ગાંધીએ જ્યારે સવિનય આંદોલન શરૂ કર્યું ત્યારે રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે પત્રવ્યવહાર ચાલતો હતો. ટાગોર લખે તો પ્રિય મહાત્મા સંબોધન કરે અને ગાંધીજી લખે તો પ્રિય ગુરુદેવ સંબોધન કરે. આવું બંને વચ્ચે આદરનું વાતાવરણ. મતભેદ હતો પણ મનભેદ ન હતો. ટાગોર કહે છે કે બાપુ, આપ કહો છો કે મને ઉપવાસથી શક્તિ મળે છે પણ આ શક્તિ ક્યારેક અનીતિ કરાવે. જગદંબાની જે શક્તિ છે એ જ મારી શક્તિ. આ શક્તિ કદી અનીતિ નહીં કરાવે. જગદંબા વગરની શક્તિ ક્યારેક ગોથું ખવડાવી દે. ગાંધીજીના એક અંતેવાસીએ ટાગોરને કહ્યું કે બાપુ સાથે આપની આટલી મૈત્રી છે તો આપ ક્યારેક ક્યારેક રેંટિયો કાંતો ને ! ત્યારે કવિવરે કહ્યું કે બાપુને કહો ને ક્યારેક ક્યારેક કવિતા સર્જે. આ કવિનું નિરંકુશપણું છે. હું સમાજને પ્રાર્થના કરું છું કે કોઈ કવિને અંકુશના આકાશમાં બાંધવો નહીં. જે બંધાય એ સર્જક ન હોઈ શકે. એની નિરંકુશતા જ સમાજ માટે લાભદાયી છે. ગ્રંથકારને કદી ગ્રંથિ ન હોય અને જેને ગ્રંથિ હોય એ ગ્રંથકાર નથી.
 
- આલેખન :  હરદ્વાર ગોસ્વામી