વિચાર વૈભવ । અસ્તિત્વ એક વળાંકે હવે, અંત કે વસંત !

    ૧૩-ફેબ્રુઆરી-૨૦૨૦   

vasant panchami_1 &n
 
 
વસંતપંચમીએ મારી એક પરિચિત કોયલને સાંભળવા હું ખાસ વહેલો ઊઠ્યો છું. શિયાળાની ના હોય એવી રીતે થતી ઠડીની આવનજાવને બધું છિન્નભિન્ન કરી નાખ્યું છે, આપણે તો કાનટોપી કે મફલરથી હવાને મનાવી લઈએ પણ પક્ષીઓની વેદના જુદા પ્રકારની હોય છે. એમની અનુકૂલન સાધવાની કવાયતમાં ઊભા થતા ખરબચડા ચઢાવ-ઉતાર સાંભળવા હું નીરવ શાંતિમાં એમના પ્રારંભાતા ટકાઓની નહીં સમજાતી ભાષાને સાંભળવા કાનને લાંબા ટૂકા કરતો હોઉં છું, પણ જેમ નિસર્ગ તેમ માણસના ટકા, ગીતો, વાતો, અવાજો અને ઘોંઘાટોને સાંભળવા મારા કાન માંડતો હોઉં છું. આ કારણસર જ જાન્યુઆરીમાં દાવોસ તરફ કાન માંડીને બેસવાની મજા આવે છે. સ્વિત્ઝર્લેન્ડના આ નાનકડા શહેરમાં જગતના બૌદ્ધિકો, શ્રીમંતો અને નેતાઓ ભેગા થાય છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એક રીતે વિશ્વ-ચિંતન-શિબિર હોય છે એટલે ત્યાંથી ઊઠતા અવાજો અને ચિંતાઓ જગતનો થિન્કિગ-એજન્ડા બને છે. વિશ્વપ્રિય ઇતિહાસકાર જે ભવિષ્યમાં ડોકિયું કરીને બોલે છે અને હરારીનો અવાજ નવી ષ્ટિથી પડકારોને આલેખે છે, એ ચિંતા અને ચિંતન માટે સૌને વિવશ કરે છે. હરારી ત્રણ મહાભયંકર શક્યતાઓ જોઈ રહ્યા છે. એક, ન્યૂ ક્લીયર મહાયુદ્ધ, ક્લાઇમેટ કયામત, અને ટેક્નોલોજીનું ખલેલ પહોંચાડતું મહાતાંડવ.
રીલ્કેએ એક વાર કહેલું કે કવિઓ એ ભગવાનના પૂર્વજો છે, કારણ કે એમણે ભગવાનને સર્જ્યા છે. હવે, હરારીની સ્ટોરી-થિયરી જગતને જુદી રીતે સમજાવી રહી છે. એ કહે છે આ જગત અનેક વાર્તાઓ કે કથાનકોનો મહામેળો છે. ડૅાલર એક સ્ટોરી છે, તેમ ધર્મ એક સ્ટોરી છે. માણસને ભગવાને સર્જ્યા હતા, હવે માણસ ભગવાન જેવી શક્તિઓથી રોબોટ માનવ સર્જી શકે તેવી સ્થિતિમાં આવી ગયો છે. આ રોબોટ ઊર્મિલ બનવાના છે. તમારી એકાંતની સમસ્યા દૂર કરવા માટે એમને લાગણીઓ અને ભાષાઓથી સજ્જ બનાવાઈ રહ્યા છે. એ દિવસો દૂર નથી જ્યારે ડિજિટલ-બોયફ્રેન્ડ કે રોબોટ-ગર્લફ્રેન્ડ તમને કપની આપશે. એ તમારી સાથે જીવશે અને તમારી લાગણીઓના સૂના ઓરડે તમને સંગાથ આપશે. આવે વખતે જે પડકારો દેખાઈ રહ્યા છે તે છે અપ્રસ્તુત થતાં જતાં અનેક ક્ષેત્રોની આપણી સમજ, અને એની આસપાસ ઊભાં થયેલાં સંસ્થાકીય સ્ટ્રક્ચરો અને મૂલ્યવિન્યાસની જાળી કે ઝાંખરાં ! યુટ્યુબ ક્રાંતિથી ક્લાસરૂમમાં આવનારાં કપનો અને નૂતન સંવાદો એક પ્રકારનો રોમાંચ ઊભો કરે છે.
 
સૌથી મોટી ક્રાંતિ તો મેડિકલ ક્ષેત્રે આવશે, જ્યાં ઇન્ફોટેક અને બાયોટેકનો સંગમ નવાં સમીકરણો રચવાનો છે. મનુષ્ય એના શરીર વિશે જે જાણે છે એના કરતાં વધુ જાણતા મશીન નવી સ્થિતિ ઊભી કરવાના છે. સર્જરીમાં રોબોટસ આવી ગયા છે અને રેડિયોલોજિસ્ટ દાક્તરોનો જોબ-પ્રોફાઈલ બદલાઈ રહ્યો છે. એની સારી અસર એવી પણ બનશે કે કેન્સર જેવા રોગોને એની પ્રાથમિક અવસ્થામાં જ પડકારી શકાશે. અવયવોની અદલાબદલી કે નવા અવયવોનું પ્રત્યારોપણ મૃત્યુ સાથેની લડાઈમાં નાનકડી વિજયપતાકા લહેરાવી શકે, પણ પ્રાઇવસીના મહામૃત્યુની એક તમસઘંટડી નવા સંધ્યાકાળના ઉદયના એંધાણ આપે છે, એનું શું ?
 
સૌથી વધુ ઊથલપાથલ તો ટનબંધ ડેટા અને એની ખૂબ જ ઝડપથી બદલાઈ રહેલી ઉપયોગિતા અને અર્થઘટનોની ડોકાઈ રહી છે. બ જ લોકો અને એમના જોબ યુઝલેસ સાબિત થવાના છે. ડેટા ભેગી કરતી મહાકાય કપનીઓ નવી ડેટા-શાર્ક બની રહી છે, ડેટા પીધેલાં પોર્ટલો તમારા જીવનમાં અસાધારણ દખલ કરી શકે છે. નવી ડેટાકોલોનીઓ અને નવા ડેટા-ડિરેક્ટરો કે અલગોરીધમ-અડ્ડાઓ આખી આપણી સમજની ઇકો-સિસ્ટમને બદલી રહ્યાં છે તે અંગે ચિંતા કરવા જેવી છે. કારણ ડેટાંધ સેનાપતિઓ પાસે જો હટમન-કીલર રોબોટસને કમો આપવાની બાદશાહી આવી જાય તો ડ્રોનનું કોક તીડટોળું શું નું શું કરી શકે. બેટા કરતાં ડેટા હેરાન કરી શકશે. લાગણીઓનો એમઆરઆઈ નીકળશે તે દિવસે દભીઓનો પર્દાફાશ થશે, એ તો સારું થશે પણ જીવનમાં રહસ્ય કે કુતૂહલનું અકાળ અવસાન પણ ખાસ્સી ગૂંગળામણ ઊભી કરશે.
 
હું આ વસંતપંચમીએ સરસ્વતીની તદ્દન અલગ મુદ્રા જોઈ રહ્યો છું. એનો જેટલો રોમાંચ છે એટલી જ ચિંતા છે. સર્જકોએ મનુષ્યતાની અગાશીમાં આવીને આ નવા આકાશને ઓળખવું પડશે.
 
જગતના સર્જકોના અવાજ સાંભળવાની મજા આવી રહી છે. આવી મજા સલમાન રશ્દી, જે આજના અંગ્રેજી સાહિત્યના બાણભટ્ટ છે એમની પાસેથી સાંભળીએ. સલમાન રશ્દી એમની છેલ્લી નવલકથા ક્વીચોટેમાં એક અદભુત વાત છેડે છે, `એની થિંગ કેન હેપન ટાઈમ...' હવે કોઈ નિયમો કામ નહીં આવે.