શ્રીનાથજી પાટોત્સવ - નાથદ્વારા નિમિત્તે | શ્રીનાથજી - ગોવર્ધનનાથની પ્રાગટ્યકથા

    ૧૪-ફેબ્રુઆરી-૨૦૨૦
 
shrinathji_1  H
 
(મહા વદ - ૭, શનિવાર, તા. ૧૫-૨-૨૦, શ્રીનાથજી પાટોત્સવ - નાથદ્વારા નિમિત્તે)

(વ્રજવાસીઓના વચને બંધાયેલ, ત્રેતાયુગના ભગવાન શ્રીકૃષ્ણનું કલિયુગનું પ્રાગટ્ય સ્વરૂપ)

શ્રીનાથજી - ગોવર્ધનનાથની પ્રાગટ્યકથા

ત્રેતાયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ મથુરાના રાજા હતા. ત્યાંથી તે દ્વારકા પધાર્યા. વ્રજવાસીઓ, ગોપ-ગોપીઓ તથા ગોકુળ-મથુરાના પ્રજાજનોથી ભગવાન શ્રીકૃષ્ણનો વિરહ સહન થયો નહીં. તે સર્વે ભગવાનને મળવા દ્વારકા આવ્યા. શ્રીકૃષ્ણ તથા દ્વારકાની પ્રજાએ તેમનું સ્વાગત કર્યું. વ્રજવાસીઓએ કહ્યું, હે ગોવર્ધનનાથ ! તમે અમને છોડીને અહીં આવ્યા છો પણ તમારો વિરહ અમારાથી સહન થતો નથી. તમારા વિના અમે અનાથ થયા છીએ. હવે અમારું પાલનપોષણ તથા રક્ષણ કોણ કરશે ? તમારું સ્થાન અમારા હૃદયમાં તો છે જ. પણ આપ એકવાર પ્રત્યક્ષ વ્રજમાં પધારો ! વ્રજવાસીઓની લાગણીથી ભગવાન વચને બંધાયા. પ્રભુએ કહ્યું, હે વ્રજવાસી મારા સખાઓ ! મને પણ તમારું સ્મરણ રહ્યા કરે છે. હું તમને વચન આપું છું કે વ્રજવાસીઓ તથા સમસ્ત જીવોના કલ્યાણ માટે કલિયુગમાં ગોવર્ધન પર્વતની તળેટીમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થઈશ ! ભક્તોની વિનંતીને આધીન ભગવાન શ્રીકૃષ્ણ કલિયુગમાં, વ્રજલોકમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં શ્રી ગોવર્ધન પર્વતની તળેટીમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા.
 
ભગવાન શ્રીનાથજીએ તેમના પ્રાગટ્ય માટે લીલા શરૂ કરી. વ્રજની આસપાસની ગાયો ઘાસ ચરવા ગોવર્ધન પર્વત પર જતી હતી. તેમાં સદપાંડેની ઘૂમર ગાય તેનું કેટલુંક દૂધ એક ચોક્કસ સ્થળ શ્રીનાથજીના પ્રાગટ્યસ્થળ પર ચઢાવતી હતી. વ્રજવાસીઓને ઘૂમર નામની ગાયના આ નિત્યક્રમથી આશ્ચર્ય થયું. તેમણે આ સ્થળની તપાસ કરી. આશ્ચર્યનો પાર ન રહ્યો. વ્રજવાસીઓને આ સ્થળે શ્રીનાથજીની ઊર્ધ્વ વામ ભૂજાનાં દર્શન થયાં.
 

shrinathji_1  H 
 
ત્રેતાયુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ આપેલું વચન સત્ય માલૂમ પડ્યું. તેમણે શરૂઆતમાં ભગવાન શ્રીનાથજીની ઊર્ધ્વ વામભૂજાની પૂજા શરૂ કરી. સમય પસાર થતાં તેમને શ્રીનાથજીનાં મુખાર્વિંદનાં દર્શન થયાં. છેવટે શ્રીનાથજી સમગ્ર સ્વરૂપે પ્રગટ થયા. વ્રજવાસી, ગોપ-ગોપીઓ તથા કૃષ્ણભક્તો નાચી ઊઠ્યા. ભગવાન શ્રીનાથજી કી જય, ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય વગેરેના નાદઘોષથી સમસ્ત જતીપુર અને વ્રજલોકની શ્રી ગોવર્ધન પર્વતની ભૂમિ ગુંજી ઊઠી. સૌએ ભેગા મળી શ્રીનાથજીની સ્થાપના કરી.
 
શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી ધર્મપ્રચારાર્થે ઝારખંડમાં પધાર્યા. એક ગામમાં રાત્રીરોકાણ દરમિયાન સ્વપ્નમાં ભગવાન શ્રીનાથજીએ તેમના વ્રજમાં પ્રાગટ્યનો સંકેત આપ્યો. ભગવાને શ્રી વલ્લભાચાર્યને તેમના પ્રાગટ્યસ્થળે ભવ્ય મંદિરના નિર્માણની પ્રેરણા આપી. શ્રી વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈતનો ધર્મપ્રચાર કરતા કરતા જતીપુરમાં સદપાંડેને મા. સમગ્ર ઘટના જાણી. તેમણે વ્રજવાસીઓ તથા ગોકુળ-મથુરાના કૃષ્ણભક્તોના સહકારથી શ્રી ગોવર્ધનનાથ - શ્રીનાથજીના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. શ્રી વલ્લભાચાર્યે આ સ્થળેથી વિષ્ણુભક્તો - કૃષ્ણભક્તો દ્વારા વિશ્વને ભક્તિનો સંદેશો આપ્યો. શ્રી ગોવર્ધન પર્વત પરથી શ્રીનાથજીનો મહિમા સમગ્ર ભારતભૂમિમાં પહોંચ્યો. અહીં શ્રીનાથજીની પૂજા-આરાધના થવા લાગી. આ સ્થળની પરિક્રમા માટે કૃષ્ણભક્તોનો સમૂહ ઊમટ્યો. દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ શ્રીનાથજીનાં દર્શનનો લ્હાવો લેવા પધાર્યા. આ શ્રીનાથજીનું પ્રાગટ્યમંદિર વિશ્વપ્રસિદ્ધ થયું.

શ્રીનાથજીની પધરામણીનો ઘટનાક્રમ - શ્રી ગોવર્ધન પર્વત પરથી નાથદ્વારા

શ્રી ગોવર્ધન પર્વત પર જતીપુરામાં બિરાજમાન શ્રીનાથજીના મંદિરની પ્રસિદ્ધિ ચારે બાજુ ફેલાવા માંડી. ભારતમાં અત્યાચારી ક્રૂર મોગલ શાસકની બૂરી નજર આ મંદિર પર પડી. પણ વ્રજવાસીઓ તેના આક્રમણ પૂર્વે સતેજ થયા. ઔરંગઝેબ અલૌકિક શ્રીનાથજીની ભવ્ય મૂર્તિ ખંડિત કરે અથવા ચોરી લે તે ભીતિથી વ્રજવાસીઓ આ શ્રીનાથજીના સ્થળાંતરની ચિંતામાં પડ્યા. એવામાં શ્રીનાથજીએ લીલા રચી. તેમણે તેમના પરમભક્ત મેવાડના રાજઘરાનાની રાજકુવરી અજબકુવરબાઈને સ્વપ્નમાં કહ્યું, હે મેવાડની વીરભૂમિના પરાક્રમી દેશભક્તો, સનાતન ધર્મપાલક રાજવીઓ, હું જતીપુરાથી મેવાડ પધારીશ. તમને વચન આપું છું. મેવાડની રાજકુંવરીને આવેલ સ્વપ્નના સમાચાર જતીપુરા સુધી પહોંચ્યા. આમ પણ જતીપુરામાં ભક્તો શ્રીનાથજીની રક્ષાની યોજના ઘડતા હતા. તેથી વ્રજવાસીઓ, શ્રી મહાપ્રભુ, શ્રી વિઠ્ઠલનાથજી, દામોદરજી, ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી અને જતીપુરાના સાહસિક ભક્તો શ્રીનાથજી પ્રભુને રથમાં પધરાવી, ગુપ્ત માર્ગે મેવાડ તરફ ચાલી નીકા. રસ્તામાં આવતી રિસાયતો આગ્રા, કિશનગઢ, કોટા, જોધપુર વગેરેના રાજાઓએ આ રથના રક્ષણની જવાબદારી સ્વીકારી નહીં. આ પ્રદેશમાં સૌ ઓરંગઝેબના ત્રાસથી ડરતા હતા. અૌરંગઝેબની દુશ્મનાવટ કરવાનું સાહસ તેમનામાં ન હતું. છતાં આ રાજવીઓ પણ સનાતન ધર્મના ઉપાસક હતા. તેમણે ગુપ્ત માર્ગે શ્રીનાથજીને મેવાડ તરફ પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી. બધા ભક્તો રથને લઈ આગળ ચાલી નીકા.
 

shrinathji_1  H 
 
ભગવાન શ્રીનાથજીના ભક્તો રથને લઈ મેવાડના સિંહાડ ગામ (હાલમાં શ્રીનાથદ્વારા)માં પહોંચ્યા. અહીં આ રથ કાદવ-કીચડમાં ફસાઈ ગયો. ખૂબ જ પ્રયત્ન કરવા છતાં રથને આગળ વધારી શકાયો નહીં. તેથી સૌને થયું કે પ્રભુની લીલા છે કે તે અહીં બિરાજમાન થાય. આ ઘટના જાણી મેવાડના તત્કાલીન મહારાણા શ્રી રાજસિંહ ત્યાં પધાર્યા. તેમણે ભગવાન શ્રીનાથજીની રક્ષાની જવાબદારી લીધી. મેવાડના મહારાણાઓ હિન્દુ-સનાતન ધર્મરક્ષક હતા. તેમણે વૈષ્ણવો તથા કૃષ્ણભક્તોના આ ધર્મકાર્યમાં મદદ કરી. એવું નોંધાયું છે કે વિ. સં. ૧૭૨૮માં અહીં એક ભવ્ય હવેલીનું નિર્માણ કરી તેમાં શ્રીનાથજીની પધરામણી કરી અને તેમની જયંતીની ઉજવણી કરી. હાલમાં પણ પ્રતિવર્ષે ફાગણ કૃષ્ણ સાતમે શ્રીનાથજીની જયંતી તથા તેમના પાટોત્સવની ભવ્ય ઉજવણી થાય છે. અૌરંગઝેબના ત્રાસથી બચવા એક હવેલીમાં તેમની પધરામણી કરી. ત્યાર બાદ મેવાડના મહારાણાઓએ હવેલી પર ધ્વજારોહણ કરી શ્રીનાથજીના ભવ્ય અલૌકિક મંદિરનું નિર્માણ કર્યું. તેથી રાજસ્થાનની મેવાડની ભૂમિનું આ નાથદ્વારા સ્થળ ગામ શ્રીનાથજીના મંદિરને કારણે વિશ્વપ્રસિદ્ધ થયું. અહીં શ્રીનાથજીની સેવામાં ફૂલઘર, રસોઈઘર, હિસાબઘર, કાષ્ટગૃહ, દૂધ-દહીં-મિસરી તથા ઘી મિશ્રિત પ્રસાદનું રસોઈઘર વગેરે અનેક પ્રકલ્પો છે.
 
આ ભવ્ય મંદિરમાં સોના-ચાંદીની ઘંટીઓ પણ છે, જેમાં કેસર, ચંદન તથા અમૂલ્ય દ્રવ્યો પીસવામાં આવતાં હતાં. અહીં મંદિરના પૂજારીઓ તથા સેવકોને વેતન સ્વરૂપે નગદ નાણાં અપાતાં નથી પણ પ્રસાદના થાળ અપાય છે. આ થાળનું ભક્તોમાં વિતરણ કરી નગદ નાણાં સ્વરૂપે, સેવકો તથા પૂજારીઓ ગૃહસ્થજીવન પસાર કરે છે. ભગવાન શ્રીનાથજી ચોક્કસ સમયે ભક્તોને દર્શન આપે છે. તેથી મંદિરના દ્વાર આગળ ભક્તોની ભીડ જામે છે. મંદિરનાં કમાડ ખૂલતાં ભારે ધક્કામુક્કી પણ થાય છે. ભગવાન શ્રીનાથજીના આઠ દર્શનો છે, જેમાં પ્રાતઃ ૧. મંગલા, ૨. શૃંગાર, ૩. ગ્વાલ, ૪. રાજભોગ તથા સાયં ૫. ઉસ્થાપન, ૬. ભોગ, ૭. આરતી, ૮. શયન (શયનના દર્શન આસો સુદ ૧૦થી માગસર સુદ ૭ સુધી તથા માઘ સુદ પાંચમથી રામનવમી સુધી હોય છે.) ભગવાન શ્રીનાથજીના પ્રસાદની વિશિષ્ટતા તથા મીઠાશ ભક્તો માટે આકર્ષણ તથા ભક્તિ પ્રગટ કરે છે.
 
ભારતમાં અઢારમી અને ઓગણીસમી સદીનો કાલખંડ અહીંનાં રાજા રજવાડાંઓ માટે ખૂબ જ ચર્ચિત રહ્યો છે. એવું મનાય છે કે જ્યારે શ્રીનાથદ્વારામાં ભગવાન શ્રીનાથજીની ખૂબ જ પ્રસિદ્ધિ હતી ત્યારે ઇન્દોરના રાજા હોલકર અને અન્ય રાજાઓએ ભગવાન શ્રીનાથજી પોતાના રાજ્યમાં પધરામણી કરે તેવા મનસૂબા સાથે શ્રીનાથદ્વારા ઉપર આક્રમણ કર્યું હતું, પણ મેવાડના તત્કાલીન મહારાણા ભીમસિંહજીએ શ્રીનાથજીનું રક્ષણ કરીને તેમને ઘસિયાર (જ્યાં હાલ શ્રીનાથજીની પૌરાણિક ગાદી-હવેલી છે.)માં તથા ઉદેપુરમાં સ્થાપિત કર્યા. ત્યાર બાદ સર્વત્ર શાંતિ સ્થપાતાં મહારાણાએ સુરક્ષા સાથે ભગવાન સદાશિવ ભોળાનાથ - શ્રી એકલિંગજીના આશીર્વાદ મેળવી કૈલાસપુરીના માર્ગેથી પુનઃ શ્રીનાથજીને નાથદ્વારામાં સ્થાપિત કર્યા હોવાનું મનાય છે. ભગવાન શ્રીનાથજીની હવેલીનું પુનઃ નિર્માણ થયું. પુનઃ વિધિવત્‌ પૂજા-અર્ચનાનો ક્રમ શરૂ થયો. ભગવાન શ્રીકૃષ્ણ ચૈતન્ય સ્વરૂપે અહીં બિરાજે છે તેવા ભાવથી થતી પૂજાનો ક્રમ ભક્તો માટે શ્રદ્ધા ઉપજાવે છે કે શ્રીનાથજીના ભક્તો ખૂબ જ સુખી સંપન્ન હોય છે. તેમના ઘરમાં લક્ષ્મીજી બિરાજે છે. સેવા પરાયણતાના કારણે તેમના ઘરમાં કદી ધન-ધાન્ય ખૂટતાં નથી.
 
નાથદ્વારાની શ્રીનાથજીની હવેલી રાજસ્થાનના એક મહત્ત્વના પર્યટન સ્થળ તરીકે પણ વખણાય છે. દેશ-વિદેશમાંથી હજારો યાત્રાળુઓ અહીં શ્રીનાથજીનાં દર્શને આવે છે. અહીં કૃષ્ણ જન્માષ્ટમી, હોળી-ધુળેટીનાં પર્વો તથા પ્રસંગો પ્રમાણે ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. રાજસ્થાનની મેવાડ ભૂમિ હોળીનૃત્ય માટે પ્રસિદ્ધ છે. તેથી અહીં લોકનૃત્યો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે.
 
શ્રીનાથજીના પરમ ભક્ત દાસ વિઠ્ઠલેશની વિનંતી પણ સ્તુતિ તરીકે ગવાય છે.
 
ઓ શ્રીનાથજી આવજો તમે,

વાટ જોઈ રહ્યા ક્યારના અમે,

અનેક જન્મથી જીવ આથડે,

આપ શરણની ખબર ના પડે

... ઓ શ્રીનાથજી આવજો તમે...
 
શ્રીનાથજી માટે માધવદાસે પણ ભક્તિગીત રચ્યું છે.
 
વાંકે અંબોડે શ્રીનાથજી,

ને સુંદરશ્યામ સ્વરૂપ,

શ્રી વલ્લભસુત સેવા કરે,

એ શ્રીગોકુળના ભૂપ,

કૃપા કરો શ્રીનાથજી,

બલિહારી માધવદાસ

માધવદાસ કહે હરિ મારું,

માગ્યું આપો મહારાજ,

લખી લખી કરું વિનંતી,

મુને વ્રજમાં દેજો વાસ.
 
શ્રીનાથજીના પાટોત્સવ પ્રસંગે તેમના ભક્તો દ્વારા જે શ્રીનાથજી ધ્વનિ સંભળાય છે તેની ધૂન પ્રખ્યાત છે.
 
મથુરામાં શ્રીનાથજી,

ગોકુળમાં શ્રીનાથજી.

યમુનાજીને કાંઠે રમતા,

રંગીલા શ્રીનાથજી

॥ શ્રીકૃષ્ણ શરણમ્‌ મમઃ ॥