મિઝોરમ - પૂર્વોત્તર ભારતનું કાશ્મીર જ્યાં ઈસાઈ અલગાવવાદીઓ દ્વારા ૩૭ હજાર વનવાસીઓના ઘર ભડકે બાળવામાં આવ્યા હતા

    ૨૫-ફેબ્રુઆરી-૨૦૨૦

Bru refugees_1  
 
 
સીએએના વિરોધને જેટલો મિડિયાએ મહત્ત્વ આપ્યું તેના દસમા ભાગનું મહત્ત્વ પણ જે મોટા સમાચારને ન આપ્યું તે છે- બ્રુ રિયાંગ સમજૂતી. એક લઘુમતી (તેમાંય લઘુમતી એટલે મુસ્લિમ કે ખ્રિસ્તી જ. પારસી/યહૂદી/બૌદ્ધ વગેરેની ગણતરી સેક્યુલર મિડિયા ક્યાં લઘુમતી તરીકે કરે છે ?)ને કે તેના ઉપાસના સ્થાનનું તણખલું ઊડે તો પણ તેને આંતરરાષ્ટીય સ્તરે ગજવતું મીડિયા કાશ્મીરી પંડિતોનો મુદ્દો પણ દબાવી દે અને તેના જેવો બ્રુ-રિયાંગ મુદ્દો પણ દબાઈ જાય !
 
બ્રુ-રિયાંગની સમસ્યા પણ કાશ્મીરી પંડિતો જેવી જ છે. આ જનજાતિના લોકોને પોતાના જ દેશમાં પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં શરણાર્થી તરીકે રહેવું પડ્યું હતું અને તે પણ ૨૩-૨૩ વર્ષ! તેમની પાસે ન તો પોતાનું ઘર હતું, ન જમીન, પરિવાર માટે ચિકિત્સાનો અભાવ, બાળકો માટે શૈક્ષણિક સુવિધાનો પણ અભાવ. પરંતુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટી તે દિવસથી જો મુસ્લિમ પોતાના ઘરે મોબાઇલથી વાત ન કરી શકે (ટપાલ પર પ્રતિબંધ નહોતો) તો પણ ટીવીના પડદા ગજવી મૂકતા સેક્યુલર પત્રકારોએ ન તો કાશ્મીરી પંડિતોની વેદના બતાવી, ન તો બ્રુ-રિયાંગ લોકોની વેદના બતાવી. તેનું કારણ એ હતું કે તેમને ભાગવું પડ્યું તે ખ્રિસ્તી બની ચૂકેલા મિઝો લોકોના કારણે. એટલે જ્યારે મુસ્લિમો કે ખ્રિસ્તીઓ દ્વારા કનડગત, મારપીટ, હત્યા કે નરસંહારની વાત આવે ત્યારે આ સેક્યુલર મીડિયા મૌન સાધી લે છે. જેમ કે, મુંબઈમાં જુહૂ વિસ્તારમાં આવેલી એમપી કિન્ની હાઉસ ઇમારતમાં પાંચ હિન્દુ પરિવાર રહે છે, બાકીના બધા ખ્રિસ્તી પરિવાર છે, તો ઝી ન્યૂઝના અહેવાલ મુજબ, ખ્રિસ્તી પરિવારોએ હિન્દુ પરિવારોની કનડગત શરૂ કરી દીધી. તેમનો પાણી પુરવઠો રોકી દીધો. તેમને ધમકી આપવા લાગ્યા. તેમને પૂજા પણ કરવા નહોતા દેતા. આ સમાચારને કેટલા સેક્યુલર મીડિયાએ બતાવ્યા? કદાચ એક પણ નહીં, પરંતુ જો આનાથી વિરુદ્ધ હોત તો ?
 
બ્રુ સમુદાયના કેટલાક લોકોનું કહેવું છે કે ૧૯૯૭માં તેમની સાથે જે થયું તે બીજું કંઈ નહીં, પરંતુ વંશીય સફાયો જ હતો. આ આદિવાસીઓને ત્યાંથી હાંકી કાઢવા માટેનું ઇરાદાપૂર્વકનું ષડયંત્ર હતું. હકીકતે, બ્રુ જેમને રિયાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે એ આદિવાસીઓ છે. તેઓ મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ આસામના કેટલાક ભાગમાં રહે છે અને વંશીય રીતે મિઝોથી અલગ છે.
 
તેમની સામે મિઝોએ પહેલી વાર આડોડાઈ ૧૯૯૫માં શરૂ કરી. યંગ મિઝો એસોસિયેશન અને મિઝો સ્ટુડન્ટ્સ એસોસિયેશને માગણી કરી કે બ્રુ લોકોને રાજ્યની મતદાર યાદીમાંથી પડતા મૂકવામાં આવે કારણ કે તેઓ મૂળ આદિવાસી નથી. અહીં બે મિનિટ અટકીને વિચારો કે ખરેખર તો અન્યાયકારી અને ગેરકાયદે એનઆરસી લાગુ કરવાની આ કોશિશ ખ્રિસ્તી મિઝોની હતી. આ જ વાત જો ખ્રિસ્તી કે મુસ્લિમોના સંદર્ભમાં કરવામાં આવી હોત તો? હજુ તો નથી કરાઈ (અને કરાવાની પણ નથી, કારણ કે એનઆરસી તો દેશમાં ગેરકાયદે રહેતા ઘૂસણખોરોને ઓળખી તેમના દેશ પાછા મોકલવા માટે છે). ત્યાં આટલો હોબાળો થાય તો ખરેખર આવી માગણી કરાઈ હોય તો કેટલી હિંસા થઈ જાય ?
 

Bru refugees_1   
 
અહીં કોઈ એમ કહે કે આ મિઝો તો સ્થાનિક લોકો છે અને આ મુદ્દો સ્થાનિકો વચ્ચેનો છે તો તેઓ ખાંડ ખાય છે. ઉપર જે સંગઠનની વાત કરી તે યંગ મિઝો એસોસિયેશન એ મિઝો લોકોનું સૌથી મોટું સેવા, સેક્યુલર અને એનજીઓ સંગઠન છે. તેની સ્થાપના ૧૫ જૂન ૧૯૩૫ના રોજ યંગ લુશાઈ એસોસિયેશન તરીકે કરવામાં આવી હતી. ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયો પછી તેનું નામ બદલીને યંગ મિઝો એસોસિયેશન કરી નાખવામાં આવ્યું. તેની સ્થાપના વેલ્શ ક્રિશ્ચિયન મિશનરીઓએ કરી હતી. ૧૯૩૫ સુધીમાં ખ્રિસ્તીઓ પરંપરાગત મિઝો દિનચર્યાને બદલી નાખવામાં સફળ થયા હતા અને તેનું એક કારણ ત્યાં શિક્ષણપદ્ધતિ બદલી નાખવામાં આવી તે પણ હતું. એટલે હકીકતે, તો જે લઘુમતીઓ સીએએનો વિરોધ એમ કહીને કરે છે કે આ તમામ ધર્મોને સમાન નથી ગણતું, તો સરકારે કહેવું જોઈએ કે જો તમને સીએએ મંજૂર ન હોય તો તમને લઘુમતી તરીકે અલગ ઉપાસના સ્થળ (અને તે પણ સરકારના નિયંત્રણ વગર), અલગ નિશાળ, પોતાના અંગત કાયદા વગેરેની જે છૂટ મળે છે તે બંધ કરી દઈએ.
 
ઉપરોક્ત યંગ મિઝો એસોસિયેશનના જે ઉદ્દેશ્યો છે તેમાંનો એક છે ખ્રિસ્તી મૂલ્યોનું સન્માન કરવું. ઈશાન ભારત અને દક્ષિણનાં રાજ્યોમાં ચર્ચ બહુ જ પ્રભાવી ભૂમિકા ભજવે છે. કૉમ્યૂનલ રૉડ ટૂ સેક્યુલર કેરળ પુસ્તકમાં જ્યૉર્જ મેથ્યૂએ વર્ણન કર્યું છે કે ઇન્દિરા ગાંધી કેરળમાં કૉંગ્રેસના નેતૃત્વવાળો યુડીએફ જીતે તે માટે ચર્ચને મત આપવા માટે ફતવો બહાર પાડવા કેવાં ઝૂકી પડતાં હતાં. ખ્રિસ્તી બિશપો તેના જવાબમાં અપીલ કરતા કે એ લોકોને જ મત આપો જે ગૉડમાં માને છે (અહીં ગૉડ શબ્દ મહત્ત્વનો છે કારણકે ગૉડ એટલે ખ્રિસ્તી જેમાં માને છે તે જ).
 
આ પુસ્તકમાં ઈશાન ભારતમાં ચૂંટણી જીતવા ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી કઈ રીતે ચર્ચોનું ખોટું તુષ્ટીકરણ કરતાં તે વાત પણ લખી છે. પાકિસ્તાનમાં મુસ્લિમો દ્વારા ખ્રિસ્તી દીકરીનું અપહરણ કરી તેને મુસ્લિમ બનાવી તેની સાથે લગ્ન કરી લેવાની ઘટનાઓ બહાર આવે છે તેમ છતાં માત્ર રાજકીય હેતુસર ગોવા સહિતના કેટલાંક ચર્ચો સીએએનો વિરોધ કરી રહ્યાં છે! આ જ બતાવે છે કે તેમને પોતાના પીડિત બંધુઓ-ભગિનીઓની પડી નથી, પરંતુ તેમને પોતાને ગમતી સરકાર આવે અને પોતાનું પ્રભુત્વ રાજકારણ પર જામેલું રહે તેમાં જ રસ છે.
 
ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે એક પણ ખ્રિસ્તી જૂથે તેનો વિરોધ લોકશાહી અને સંવિધાનના નામે નહોતો કર્યો. એક માત્ર ડૉ. જુહાનોન માર થોમા મેટ્રૉપૉલિટન નામના માર થૉમા ચર્ચના વડાએ પત્ર લખી કટોકટીનો વિરોધ કર્યો હતો. તેમણે જેલમાંથી રાજકીય કેદીઓને છોડી મૂકવા પણ માગણી કરી હતી, પરંતુ તેમની ગણતરી લિબરલ એટલે ઉદારવાદીમાં થતી હતી. જોકે આ પત્ર તેમણે ૨૫ ઑગસ્ટ ૧૯૭૬ના રોજ લખ્યો હતો અને તેમનું મૃત્યુ તેના એક મહિના પછી ૨૭ સપ્ટેમ્બર ૧૯૭૬ના રોજ થઈ ગયું હતું !
 
૧૯૮૯ના ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, તે વખતે રાજીવ ગાંધીએ મિઝોરમની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે કૉંગ્રેસ સત્તામાં આવશે તો શાળાઓનો અભ્યાસક્રમ બદલી તેમાં ખ્રિસ્તી સિદ્ધાંતો અને મિઝો સંસ્કૃતિ (જે ખ્રિસ્તી પ્રભાવિત સંસ્કૃતિ ૧૯૩૫માં જ બની ગઈ હતી)નો સમાવેશ કરાશે ! ઉપરાંત તેમાં મિઝો માટે સરકારી નોકરીઓમાં ૯૦ ટકા અનામત અને એક પરિવાર દીઠ એક નોકરીનું વચન પણ હતું.
 
તો, ખ્રિસ્તી મિઝોની આડોડાઈ પછી બ્રુ-રિયાંગે સ્વાયત્તતાની માગણી મૂકી. તેના વિરોધમાં હિંસક સંઘર્ષ શરૂ થયો. આથી ૧૯૯૭માં બ્રુ-રિયાંગ સમુદાયના લગભગ ૩૭,૦૦૦ લોકોને મિઝોરમ છોડી ત્રિપુરામાં શરણ લેવા વિવશ થવું પડ્યું. ૨૦૦૯થી મિઝો સરકાર તેમને પુનઃ વસાવવા પ્રયાસ કરતી હતી પરંતુ સુરક્ષાના કારણથી અને કેન્દ્રના અપૂરતા રાહત પેકેજના કારણે તેઓ ઇનકાર કરતા રહ્યા હતા. ૨૦૧૮માં સરકારે તેમને મિઝોરમ પાછા ફરવા પેકેજ ઑફર કરી હતી પરંતુ માત્ર ૩૨૮ પરિવારો જ મિઝોરમ પાછા ફર્યા હતા. પરંતુ હવે અમિત શાહે તેમને ૬૦૦ કરોડના પેકેજની ઑફર કરી જેના માટે તેઓ સંમત પણ થયા. આ શક્ય બન્યું તેનું એક કારણ એ પણ હતું કે મિઝોરમ અને ત્રિપુરા બંનેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની સરકારો ત્યાં છે. આ પેકેજમાં દરેક પરિવારને રૂ. ચાર લાખની એફ.ડી., ૪૦ x ૩૦ ફીટનો નિવાસી પ્લૉટ, ઘર બનાવવા રૂ. ૧.૫ લાખની સહાય, દર મહિને રૂ. ૫,૦૦૦ બે વર્ષ સુધી અને બે વર્ષ સુધી નિઃશુલ્ક રેશન અપાશે.
 
- જયવંત પંડ્યા