વસંત આવી ગઈ એમ બોલ્યા એટલે બીજા દિવસે જ આવી ચઢેલી ઠડી જાણે કે નવી ઋતુસંહિતા લખવાની પ્રેરણા આપી રહી છે, મારા વાચકો જાણે છે. ભગવદગીતાના પ્રત્યેક અધ્યાયના મારા અભ્યાસના પડાવે જે સંકેત પામું છું એ આપું છું, આજે દશમો અધ્યાય વાંચ્યો અને ભગવાનની વિભૂતિઓનો વિચાર કરતો હતો ત્યાં જ બારીમાંથી એક ખિસકોલીનો (ટકો કે અવાજ) સ્માર્ટફોનના નોટિફિકેશનની ટપકતો (સાઉન્ડ ટુકડો) (ફોન-હોર્ન) અવાજ જેવો હવાના ટપકા જેવા શબ્દ સરી પડ્યો. એવો શબ્દ જેની ભાષા હું જાણતો નથી, એવો શબ્દ જેના લલાટ પર અજવાળાનું પવન-મિશ્રિત તિલક શોભી રહ્યું હતું. શ્રીકૃષ્ણ ભગવાન વહેલી સવારે અર્જુનને વિભૂતિઓનું વર્ણન કરે છે. વ્યાસ મુનિને દસમા નંબર સાથે કશીક લેવાદેવા છે, ભાગવતના દસમા સ્કધની વાત કરતાં કરતાં હર્ષાશ્રુ વહાવતા ડોંગરેજી મહારાજ સ્મરણમાં આવી જાય છે.
માણસ એ ઈશ્વરનો જાદુઈ જાસૂસ છે, એને આખી જિંદગી ઇશ્વરનાં પગેરાં શોધવાનાં હોય છે, ગુનેગારને શોધવા નીકળેલા જાસૂસના હાથમાં જાસા ચિઠ્ઠી આવી જાય એવી રીતે વિભૂતિયોગ ં ફરીથી વાંચી રહ્યો છું. પેલી ખિસકોલીની કિલકારીની અવગણતા કરતાં છાપાંઓ ઘરડી ભાષામાં દુષ્કર્મોની વાત કરવા બેસે છે. સામે ઊગેલુ ગુલાબના હોઠ પર કાલિદાસની વાસંતી પંક્તિઓ સાંભળવા કાનને ઢઢોળું છું. ગઈકાલે લગ્નમાં રૂપાળી વેવાણ સાથે ફેરફૂદડી રમવા જતા વેવાઈને એમની પુત્રીએ, પપ્પા ! રહેવા દો, ચક્કર આવશે ! એમ કહ્યું તેમાં બ્રશ કર્યા પહેલાં વાંચેલા છાપાની વાસ આવતી હતી.
ટ્રાફિકજામમાં ફસાયેલાં વાહનોની લાઇટોના કટાળેલા પ્રકાશ પર છંટાતા હોર્નના અવાજોની કરચો કાનમાં ઘૂસી જાય એ પહેલાં હું દૂર ધૂળના પડદાની પેલેપાર ચૅારીમાં અડધા પ્રગટેલા અગ્નિની આસપાસ ફેરા ફેરવતા મહારાજની ઉતાવળ વાંચવા બેસું છું. મહારાજને બીજું લગ્ન પણ પતાવવાનું છે એવું એમના શ્લોકાંકિત નહીં, પણ શોકાંકિત ચહેરા પરથી જણાતું હતું. અનાથોની મા જેવા સિન્ધુતાઈ સપકાલ પોરબંદરની સભામાં સંભળાતાં હતાં, એ કહેતાં હતાં, હું યુવાન ભિખારણ તરીકે જ્યારે બાળકને કોક ગટરના પડોશી એવા રસ્તાને ખૂણે જન્મ આપતી હતી ત્યારે એની ગર્ભનાળ તોડવા પથ્થર ઉઠાવી સોળ ઘા કરીને તોડી હતી. એમની વાત સાંભળતાં આવેલા એક આંસુમાં પલળેલા પ્રકાશને એક દાબડીમાં સંતાડી લાવ્યો હતો તે હમણાં પેલી ખિસકોલીની નાની બહેન જેવી ચકલીને પીવડાવી દીધો. કદાચ એના તાજા જન્મેલા બચ્ચાને આકાશના જીપીએસની ગળથૂથી બનાવવામાં કામ આવે એવી તીવ્ર ઇચ્છાથી ચકલીને પાયું છે અને અપેક્ષા નથી કે એવું કશુંક ગાય, કવિસભામાં અમે રમવાને ગ્યા'તા, અંજલિ ભરીને રસ પીધો રે...
દસમો અધ્યાય વાંચું છું ત્યારે નવમા અને અગિયારમા અધ્યાયની શ્લોકકણિકાઓ ઊડ્યા કરે છે. મહાકવિ વ્યાસની કવિતાનો આ ક્રમાનુકૂલનનો કરિશ્મા સમજાય છે. નવા અધ્યાયમાં મયા તતમિદ સર્વ જગદવ્યક્તમૂર્તિના આ સમગ્ર જગત મારા અવ્યક્ત રૂપોથી વ્યાપ્ત છે. દસમા અધ્યાયમાં ભગવાન પોતાના રૂપને થોડુ પ્રગટ કરે છે. નવમામાં મત્સ્થાનિ સર્વભૂતાનિ એટલે કે બધાં ભૂતો મારામાં રહેલાં છે એવું કહીને દસમામાં પોતાની વિભૂતિઓ ગણાવે છે. ૮૨ જેટલી ઉદાહરણરૂપ વિભૂતિઓ ગણાવે છે. આદિત્યોમાં હું સૂર્ય છું, નક્ષત્રોમાં ચંદ્ર અને દેવોમાં ઇન્દ્ર છું, સરોવરોમાં સાગર, મહિનાઓમાં માર્ગશીર્ષ, મહર્ષિઓમાં ભૃગુ, સ્થાવરોમાં હિમાલય અને સર્વયજ્ઞોમાં જપયજ્ઞ છું. પછી એકદમ પ્રાણીઓ અને જંતુઓની વાત કરતાં ભગવાન કહે છે, ઘોડાઓમાં ઉચ્ચૈઃશ્રવા નામનો અશ્વ, હાથીઓમાં હું ઐરાવત, ગાયોમાં કામધેનુ, સર્પોમાં વાસુકી, નાગોમાં અનંત, વન્યપશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ અને જળચર પ્રાણીઓમાં મગર છું. આમ પોતે સર્વત્ર વ્યાપ્ત બતાવે છે. વિભૂતિ તે છે જ્યાં ભગવાન વિશેષ રીતે વ્યક્ત થયા છે. પણ એક વિધાને અર્જુનને હેરાન કરી દીધો હશે, જ્યારે ભગવાન એમ કહે છે, વૃષ્ણિવંશમાં વાસુદેવ કૃષ્ણ અને પાંડવોમાં ધનંજય અર્જુન હું છું. આ વાક્ય સાંભળતાની સાથે જ અર્જુનના મનમાં પેલો સનાતન પ્રશ્ન ગર્જ્યો હશે, તો હું કોણ છું ? જો તમે અર્જુન હો તો હું કોણ ? બસ શ્રીકૃષ્ણની ઇચ્છા હશે કે અર્જુન આ આઇડેન્ટિટીના અડાબીડમાંથી બહાર નીકળે. હું કેટલાં બધાં સ્વરૂપોમાં વિશેષ રીતે અભિવ્યક્ત થયેલો છું એનો ખ્યાલ આપ્યા પછી એક અદભુત વચન ભગવાન કહે છે. આ વિધાન એ ગીતાનું એક સુવર્ણવાક્ય છે. દશમા અધ્યાયના એકતાલીસમા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે, જે જે પ્રાણીઓ કે પદાર્થ ઐશ્વર્ય, શોભા કે બળયુક્ત હોય તેને તેને તું મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલું જાણ. આ વિધાન જગતમાં થતી સર્ચ ફોર એક્સેલન્સનું પૂર્વરણન છે. જ્યાં જ્યાં તેજસ્વિતા છે, જ્યાં જ્યાં કશીક અલૌકિક ઊર્જાનાં દર્શન થાય છે ત્યાં ત્યાં પ્રભુને જોવાની એક વિવેકષ્ટિ કેળવવી એ જ તો વિભૂતિયોગનો સાર છે.
ગીતાના દસમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનને એક ખોજનું નિમંત્રણ આપે છે. જેમ આકાશમાં દેખાતા તારા એ કોક મોટી રજાઈના બખિયા જેવા ભાસી રહ્યા છે એવી કલ્પના કરીને તમે શિયાળાની ઠડી રાતે રજાઈ ઓઢો તો આભમાંથી ઝરતી ઠડીને બદલે હુંફ અનુભવો ત્યારે સૂરજ પણ એક તારો છે એવી સમજ અને સમાધાન એ અનુભવવાની વાત છે. ઈશ્વર આધારકાર્ડ ના હોય, પણ જે નિરાધારોનો આધાર છે એનું કોક સરનામું જોઈએ. હરિ ! તારાં નામ છે હજાર, કયા નામે લખવી કકોતરી... એ મૂંઝવણનું અહીં સમાધાન છે, ઈશ્વર વર્ચ્યુઅલ, ઓગમેન્ટેડ અને મિક્સ રિયાલિટીથી પારના પ્રદેશમાંથી બોલી રહ્યા છે. આ શોધનો સંકેત છે અને અનુભૂતિનું આહ્વાન છે. અર્જુન બનીને અનુભવો...