મૃત્યુ એ વિધિને આધીન છે પણ જીવન એ માણસને હસ્તક છે

    ૨૫-ફેબ્રુઆરી-૨૦૨૦   

moraribapu_1  H
 
વનવાસી પાંડવો દ્વૈતવનમાં આવી પહોંચ્યા. દુર્યોધનને આ વાતની ખબર પડી એટલે એણે એક યોજના ઘડી. લશ્કર સાથે મળીને ત્યાં જવાનો નિર્ણય કર્યો. પોતાની મોટાઈ બતાવવા કૌરવોએ હાથી-ઘોડાને શણગાર્યા. આગળ ચાલી રહેલા એક સેવકે જોયું કે ત્યાં ગાંધર્વપતિ ચિત્રસેન પરિવાર સાથે વિહાર કરી રહ્યા હતા. એણે કૌરવના સેવકને ભગાડ્યા. વાત વાતમાં વાત વધી ગઈ. નાનું એવું યુદ્ધ થઈ ગયું. પાંડવોને પરાસ્ત કર્યા ને કેદી બનાવ્યા. ત્યાંથી ભાગીને એક સૈનિક પાંડવ પાસે પહોંચી ગયો અને બધી વાત કહી. આ સાંભળી ભીમ આનંદમાં આવી અને નાચવા લાગ્યો અને કહ્યું કે પોતાની શ્રીમંતાઈ બતાવી અમને નીચા બતાવવા આવ્યા હતા અને પોતે જ પોતાના ખાડામાં પડી ગયા.
 
યુધિષ્ઠિરે કહ્યું કે એ ગમે તેવા દુષ્ટ હોય પણ આખરે તો એ આપણા ભાઈ છે. ગમે તેટલા મતભેદ હોય પણ એ આપણું લોહી છે. આપણી વચ્ચે યુદ્ધ થશે તો આપણે પાંચ હોઈશું અને તેઓ સો હશે પણ કોઈ પારકો આવશે તો આપણે એકસો ને પાંચ હોઈશું.
 
મહાભારતની આ ઘોષયાત્રાના પ્રસંગથી આપણે સૌ પરિચિત છીએ. વયં પન્ચાધિકમ શતમ્. બધા વારોમાં શ્રેષ્ઠ પરિવાર છે. સંકટ સમયની સાંકળ એટલે આપણું કુટુંબ. વિદેશોમાં કથા કરવા જવાનું થાય છે. ત્યાં જોયું કે કથાના શબ્દ કાને પડતા બે કુટુંબ વચ્ચેનો વિખવાદ દૂર થયો છે. ચોપાઈની આ તાકાત છે બાપ. વિજ્ઞાન સદૈવ પ્રયોગ કરીને સ્વીકારશે અને અધ્યાત્મને પ્રયોગ નહીં કરવા પડે, એ સ્વયંસિદ્ધ છે. તુલસીની ચોપાઈ કેવળ વિચારો નથી, વાણી પણ છે. વિચાર અને વાણીમાં બહુ ફેર છે. વિચાર રડાવી ન શકે પણ વાણી રડાવી શકે. વાણીનો મહિમા શબ્દ કરતાં વધુ છે. વાણીનો મહિમા વિચાર કરતાં પણ વધુ છે. વિચાર એ મનનું ક્ષેત્ર છે અને વાણી એ પરબ્રહ્મનું ક્ષેત્ર છે. તેથી મને મારો તુલસી ફરી યાદ આવે છે. બધા જ કવિઓ શાસ્ત્રીય પરંપરામાં સ્વસ્તિકશ્રી ગણેશાય નમ:થી સર્જનનો આરંભ કરે છે. પણ ગણેશની માફી સાથે `વંદે વાણી વિનાયકો' સાથે અહીં મંગલાચરણ કરે છે. પ્રથમ વાણી પછી વિનાયક. આ વાણી કોણ છે ? એનો પતિ કોણ છે ? `સુમિરિ ગીરા પતિ પ્રભુ ધન પામી' સીતાનો પતિ રામ એ તો સંસારિક સંબંધ થયો. રામ એ વાણીના પતિ છે, જેના હાથમાં રહેલા ધનુષ્યબાણ કોઈની હિંસા નથી કરતા છતાં તમને વાત્સલ્યમાં એટલા ઊંડા ઉતારી દે છે કે માત્ર પ્રેમ પીરસતા રહો.
 

moraribapu_1  H 
 
જેને ચોપાઈની ખબર ન હોય એને ભગતબાપુનાં ભાવપૂર્ણ ભજનો સાંભળી એમ જ થતું'તું કે આ જ રામાયણ છે. આ કવિની બહુ મોટી સફળતા છે. તુલસીમાં એક દિવસ વીરરસ, બીજે દિવસે શૃંગાર, ત્રીજે દિવસે હાસ્ય, ચોથે દિવસે અદભુત રસ, પાંચમે દિવસે રુદ્રરસ પછી કરુણ, શાંત, બીભત્સ રસ...માનસ નવરસની તોલે કોઈ ન આવી શકે. તુલસીની કેટલીક વાતથી હું સંમત ન હોઉં તો એને વંદન કરી આગળ નીકળી જાઉં છું.
 
જલાલુદ્દીન રૂમીના ગુરુએ કહ્યું કે જલાલુદ્દીન, હું અત્યાર સુધી દુનિયામાં રખડતો હતો. પણ મારી પાસે બેસી મને પચાવી શકે એવું કોઈ મળ્યું નહીં. તું પહેલો એવો મળ્યો. આપણે જેની પાસે બેઠા હોઈએ અને એ રાજી થાય, એટલું કરી શકીએ તોય ઘણું. ટાગોર એકવાર રાત્રે ગંગા નદીમાં નૌકાવિહાર કરી રહ્યા હતા. મીણબત્તી પ્રગટાવી વાંચી રહ્યા હતા. વાંચવાનું પૂરું થયું એટલે ફૂંક મારી મીણબત્તી ઓલવી નાખી. ત્યારે એને ખબર પડી કે પૂર્ણિમાના ચાંદે ચારે બાજુથી ચાંદની હોડકીમાં ભરી દીધી હતી. મીણબત્તી બળતી હતી એટલે એ ચાંદની દેખાણી નહીં. આપણે જે મોટપની મીણબત્તી પ્રગટાવી છે એને ફૂંક મારી ઓલવી નાખીએ તો જ ચાહતનો ચાંદ દેખાય... જીવનમાં કોઈનો સહારો બનીએ તો જ બહારો આવી શકે છે. મરીઝ કહે છે...
 
હા સૌને પ્રેમ કરવાને લીધો તો મેં જનમ,
વચમાં તમે જરાક વધારે ગમી ગયા.
 
- આલેખન - હરદ્વાર ગોસ્વામી