આર્થિક અસમાનતા દૂર કરવા ભારતીય પરંપરાનું અનુસરણ જ એક ઉપાય

    ૦૪-ફેબ્રુઆરી-૨૦૨૦   

economic imbalance in ind
 
 
સ્વિત્ઝરલેન્ડના દાઓસ શહેરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ૫૦મી વાર્ષિક બેઠકમાં ઓક્સફેમ કન્ફેડરેશન દ્વારા રજૂ થયેલાં ટાઇમ ટુ કેર નામના રિપોર્ટ મુજબ ભારતની કુલ વસ્તીના ૧ ટકા લોકો પાસે દેશના કુલ ૯૫.૩ કરોડ લોકોથી આશરે ચાર ગણી વધારે સંપત્તિ છે. દુનિયાના કુલ ૨૧૫૩ અબજોપતિઓ પાસે દુનિયાની કુલ વસ્તીના ૬૦ ટકા લોકો કરતાં વધારે સંપતિ છે. ચિંતા વ્યક્ત થઈ છે કે દુનિયામાં આર્થિક અસમાનતા ભારે ઝડપથી વધી રહી છે.
 
રિપોર્ટ મુજબ ૨૦૨૦માં દુનિયાની અર્થવ્યવસ્થાને દર સેકન્ડે ૨૦૩૦ લાખ રૂપિયાનું નુકસાન થશે. અમેરિકાનાં સમાજસેવી જ્યોર્જ સેરોસે દુનિયામાં તાનાશાહોનાં રાજનાં પરિણામે આ મુશ્કેલીઓ સર્જાયાનું અને ઓપન સોસાયટી યુનિવર્સિટીની સ્થાપના કરી લોકકલ્યાણ અર્થે ૭૧૦૦ કરોડનાં રોકાણની જાહેરાત કરી. દાઓસમાં પધારેલા વૈશ્વિક લીડરો અને દિગ્ગજ ઉદ્યોગપતિઓએ અર્થવ્યવસ્થા સાથે સાથે પર્યાવરણ, સાયબર સુરક્ષા, ડેટા સુરક્ષા વગેરે વિશેષ ચિંતા - ચિંતન કર્યા.
અમીરી - ગરીબીની ખાઈ દૂર કરવાનું કામ જે તે દેશના શાસકોનું છે. દુનિયામાં સમાજવાદી અર્થવ્યવસ્થા સારી કે મૂડીવાદી અર્થવ્યવસ્થા સારી એ બાબતે વરસોથી ચર્ચા ચાલતી આવે છે, પરંતુ દુનિયાની પ્રજાએ અનુભવ કરી લીધો છે કે બંનેમાંથી એક પણ અર્થવ્યવસ્થાથી આર્થિક અસમાનતા દૂર થઈ નથી.
 
મૂડીવાદનો વિરોધ કરનાર ચીન અને રશિયાએ સામ્યવાદી શાસન પ્રણાલી અપનાવી, પરંતુ ત્યાંના ગરીબોની હાલત બદ્તર છે.
 
ભારત સરકાર દ્વારા વરસોથી અહીંની અસમાનતા પૂરવા માટે વિશેષ પ્રયત્નો થતાં રહ્યા છે. પાછલાં થોડાંક વર્ષમાં જ ગરીબોના શિક્ષણ, સ્વાસ્થ્ય, રહેઠાણ, કૃષિ, ઉધોગ, વેપાર વગેરે માટે વિશેષ યોજનાઓ અમલમાં આવી છે. મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આવાસ યોજનાઓ એનાં ઉદાહરણો છે, પરંતુ આટલું પર્યાપ્ત નથી. માત્ર ભારત જ નહીં દુનિયાના અનેક દેશો આવી નીતીઓ ઘડી રહ્યા છે અને ગરીબોને ઉત્પાદન વ્યવસ્થામાં ય જોડી રહ્યા છે.
 
ગત મહિને યુ.એન.ડી.પી. દ્વારા જાહેર કરાયેલ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પહેલી વખત અમીરો - ગરીબો વચ્ચે વધી રહેલી અસમાનતા અને તેના દ્વારા પેદા થયેલી અભાવની સ્થિતિનેય સામેલ કરાઈ. આ અસમાનતા દૂર કરવા માથાદીઠ આવકથી ઉપર ઉઠીને શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે વિશે વિચારવું રહ્યું. ન્યુનતમ વેતન કમાતા લોકોનું જીવનધોરણ ઉંચે લાવવા સર્વાધિક પ્રયત્ન કરવા રહ્યા.
 

economic imbalance in ind 
 
આનંદની વાત એ ય છે કે અબજોપતિઓ ગરીબી દૂર કરવા માટે આગળ આવી રહ્યા છે. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને બાર્કશાયર હેથવેવના ચેરમેન વોરેન બફેટે પોતાની અરધી સંપત્તિ વિશ્વકલ્યાણ અર્થે દાનમાં આપી દેવાની જાહેરાત કરીને, વિશ્વના અમીરો સામે `ધ ગિવિંગ પ્લેજ' જેમાં કુબેરપતિઓ ૫૦%થી વધુ રકમ દાનમાં આપેનો નવતર વિચાર મૂક્યો. `ધ ગિવિંગ પ્લેજ' એક એવું પરોપકારી કોર્પોરેટ અભિયાન છે. હોંગકોંગના બિઝનેસમેને ૧૦ બિલિયન ડોલર અને માર્ક ઝુકરબર્ગ દ્વારા પ૦ કરોડ ડોલર દાનમાં અપાયા. વિપ્રોના ચેરમેન ભારતીય ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીય આમાં જોડાયા અને અરધી સંપતિ દાનમાં આપી દેવાની જાહેરાત કરી છે. તેમણે તેમના દીકરાના લગ્નમાંય સામેથી ચાંદલો માંગીને ચાંદલા જેટલી રકમ પોતે ઉમેરીને લોકકલ્યાણ અર્થે વાપરી હતી. એ વખતે શિવ નાદરે ૪૩ કરોડનો ચાંદલો કર્યો હતો. ઉપરાંત રોહિણી નિલકાની, રતન ટાટા, મલ્લિકાર્જુન જેવા ઉદ્યોગપતિઓએ પોતાની સંપત્તિનો ૧૦ ટકા હિસ્સો ગરીબો માટે દાનમાં આપી રહ્યા છે.
 
વિશ્વભરમાંથી વહી રહેલો ગરીબો માટે દાનનો આ પ્રવાહ ભારતીય લોકકલ્યાણની જૂની પરંપરાની યાદ અપાવે છે. દીનદયાળ ઉપાધ્યાય, મહાત્મા ગાંધી અને તેમના જેવા અનેક મહાનુભાવો છેવાડાના માનવીના આર્થિક અને સામાજિક વિકાસની વાત કરતાં હતા. આ પરંપરામાં જમનાલાલ બજાજ, કસ્તૂરભાઈ લાલભાઈ, અમૃતલાલ શેઠ, સારાભાઈ, નાનજી કાલીદાસ, દીપચંદ ગાર્ડી જેવા અનેક નામો અગ્રેસર રહ્યાં છે. સમાજસેવા, શિક્ષણ, ગરીબોને મદદ, રોજગારલક્ષી કાર્યક્રમો કે પ્રાકૃતિક આપદાઓ હોય ભારત- ગુજરાતની મહાજન - શ્રેષ્ઠી પરંપરાએ પોતાની સંપત્તિને દાનની ગંગામાં અસ્ખલિત વહેવડાવીને ટ્રસ્ટીશિપના સિદ્ધાંતને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે.
 
મહાત્મા ગાંધી કહેતા, સાબરમતિની વિપુલ જળરાશિમાંથી માત્ર એક લોટા પાણી પર જ મારો હક છે. ગાંધીજીએ માલિકોને તેમની સંપત્તિના ટ્રસ્ટી તરીકે વર્તવા અપીલ કરી હતી, દેશ-દુનિયાના અમીરો આ રીતે વર્તો તો અમીર-ગરીબીની ભેદરેખા જ ભૂંસાઈ જાય.
 
ઈશાવાસ્યમ્ ઈદં સર્વં, યત્કિચ જગત્યાં જગત્,
તેન ત્યક્તેન ભુંજીથા:, મા ગૃધ: કસ્યસ્વિત્ ધનં ।
 
અર્થાત્ : આ જગતમાં જે કાંઈ ઉપકરણો છે, તે સર્વનું ઈશ્વર જ સર્જન કરે છે. એટલા માટે ઇશ્વર અને અન્ય માટે ત્યાગ કર્યા બાદ જ તારા ન્યાયી હિસ્સાનો તું હક્કદાર બન. તું સ્વાભાવિક ક્રમમાં જ જે આવી મળે તેનો ઉપભોગ કર... કોઈના ધનની વાસના રાખીશ નહીં.
 
દાન માટે `દાનં સંવિભાગ:' અર્થ પ્રયોજાયો છે. મતલબ કે સંપતિની સમાન વહેંચણી. સંપત્તિની સમાન વહેંચણીની ભારતીય પરંપરાને અનુસરીને આપણે સૌ અસમાનતાની આ ખાઈ દૂર કરવા કટિબધ્ધ થઈએ.