અરાજકતા પેદા કરી મોદી સરકાર દ્વારા કટોકટી લદાય તેવો વિપક્ષોનો કારસો !

    ૦૪-ફેબ્રુઆરી-૨૦૨૦

modi government vs all op
 
 
કેરળમાં રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન પર કથિત ઇતિહાસકાર ઇરફાન હબીબનો હિચકારા હુમલાનો પ્રયાસ, પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલને વિધાનસભામાં પ્રવેશ માટે દરવાજો બંધ રાખવો, મોંઘી ડુંગળીનું રાજકારણ ખેલનાર વિપક્ષો દ્વારા તેમના રાજ્યોને કેન્દ્રએ આયાત કરેલી ડુંગળી ખરીદવા ન દેવી, વિપક્ષો શાસિત રાજ્યોમાં કેન્દ્રના ના.સુ.અ. સહિત કાયદા તેમજ યોજનાઓનો અમલ ન કરવો... આ બતાવે છે કે વિપક્ષો હવે દેશમાં અરાજકતા સર્જી નરેન્દ્ર મોદી કટોકટી લાદે અને તેમના પર પણ ઇન્દિરા ગાંધી જેવી કાળી ટીલી લાગે તેવું ઇચ્છી રહ્યા છે.
 

રાજ્યપાલોનું અપમાન અને હુમલો

 
તાજેતરમાં કેરળ વિધાનસભામાં ના.સુ.અ. (સીએએ અર્થાત્ નાગરિકત્વ સુધારા અધિનિયમ) સામે પ્રસ્તાવ પસાર કરાયો. કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને ૧૧ રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખી અનુરોધ કર્યો કે પંથનિરપક્ષેતા અને લોકતંત્રને બચાવવા એક થવું જોઈએ. આ જ કેરળમાં તાજેતરમાં ભારતીય ઇતિહાસ કૉંગ્રેસનું સંમેલન યોજાયું હતું. તેમાં રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન બોલવા ઊભા થયા ત્યારે ઇતિહાસને વિકૃત કરવાનો જેના પર આક્ષેપ છે તે ભારતીય ઇતિહાસ કૉંગ્રેસના વડા ઈરફાન હબીબે આરીફ મોહમ્મદ ખાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
 

modi government vs all op ભારતીય ઇતિહાસ કૉંગ્રેસના વડા ઈરફાન હબીબે આરીફ મોહમ્મદ ખાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
 
આરીફજીના કહેવા પ્રમાણે, ઈરફાન હબીબે કલમ ૩૭૦ હટાવવા અને ના.સુ.અ.ની ખોટી ટીકા કરી હતી અને રાજ્યપાલનો ધર્મ છે કે બંધારણનો બચાવ કરવો. આથી તેઓ તેના પર સરકારનો પક્ષ મૂકી રહ્યા હતા જે ઈરફાન હબીબથી સહન ન થયું. આ બતાવે છે કે રાજકીય લોકો તો છોડો, ડાબેરી બૌદ્ધિકો પણ વખત આવે કેવા હિંસક થઈ શકે છે ! રાજ્યપાલ અને સરકાર વચ્ચે ઘર્ષણનો આ પહેલો બનાવ નથી, પરંતુ આ તો રાજ્યપાલ અને ઇતિહાસકાર વચ્ચેના ઘર્ષણની વાત છે.
 
કેરળ સરકારે તાજેતરમાં સીએએ વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી કરી તે પહેલાં રાજ્યપાલની પરવાનગી પણ ન લીધી જેથી આરીફજીએ તેમની પાસે અહેવાલ માગ્યો.
 

રાજ્યપાલ આવ્યા અને દરવાજો બંધ 

 
પરંતુ માત્ર કેરળમાં જ રાજ્યપાલ સાથે આવું થાય તેવું નથી. પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ જગદીપ ધનકર સાથે પણ આવું જ થાય છે. તેમને વિધાનસભાના અધ્યક્ષે બપોરના ભોજન માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ તે રદ કરી નાખવામાં આવ્યું. રાજ્યપાલે આ અંગે કહ્યું કે આ અપમાન હતું અને ષડયંત્ર હોવાની શંકા જાય છે. તેઓ વિધાનસભામાં જવા ગયા ત્યારે ત્રીજા ક્રમાંકનો દરવાજો બંધ રખાયો અને તેમને ત્યાં ઘણો સમય પ્રતીક્ષા કરવી પડી. રાજ્યપાલે અગાઉથી તેમની મુલાકાતની જાણ કરી હોવા છતાં દરવાજો બંધ રખાયો હતો. ગૃહની બેઠક મોકૂફ રખાઈ તેનો અર્થ એવો નથી કે દરવાજો બંધ રાખવો. તેમાંય ખાસ કરીને જ્યારે રાજ્યપાલ આવવાના હોય. આ પહેલાં તેઓ કોલકાતા યુનિવર્સિટી સ્ટ્રીટ કેમ્પસ ગયા ત્યારે કોઈ વરિષ્ઠ અધિકારી હાજર નહોતા! અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ હોદ્દાની રૂએ તેમના અધિકારક્ષેત્ર હેઠળના રાજ્ય અથવા રાજ્યોનાં વિશ્વવિદ્યાલયોના કુલપતિ હોય છે. આ પહેલાં રાજ્યપાલ જગદીશ ધનકરને મુર્શીદાબાદ જિલ્લાના ફરક્કામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા જવાનું હતું તો મમતા બેનર્જી સરકારે તેમને હેલિકૉપ્ટર આપવા ના પાડી હતી અને કહ્યું હતું કે આ સરકારી નાણાંનો દુરુપયોગ છે.
 

modi government vs all op 
 
છેલ્લાં બે વર્ષથી વિપક્ષ શાસિત રાજ્યો (એટલે વિપક્ષો એમ જ વાંચો) જે રીતે વર્તી રહ્યાં છે તે બંધારણની વિરુદ્ધ છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં ગરીબોને લાભકર્તા એવી કેન્દ્ર સરકારની આયુષમાન સહિત કેટલીક યોજનાઓનો અમલ નથી કરી રહ્યાં અને આ રીતે રાજકારણ દ્વારા ગરીબોને યોજનાઓના લાભોથી વંચિત રાખી રહ્યાં છે. વર્ષ ૨૦૦૯માં તત્કાલીન ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ને પાકિસ્તાનથી આવેલા હિન્દુ અને શીખ શરણાર્થીઓને નાગરિકત્વ આપવા અનુરોધ કરતો પત્ર લખનાર અશોક ગેહલોત હવે કહે છે કે તેમના રાજ્યમાં ના.સુ.અ.નો અમલ તેઓ નહીં કરે ! આવું જ મધ્ય પ્રદેશ, છત્તીસગઢનાં કૉંગ્રેસશાસિત રાજ્યો પણ કહે છે. જોકે સર્વોચ્ચ ન્યાયાલયનું બે વાર ના.સુ.અ. વિરુદ્ધની અરજીઓ અંગે જે વલણ રહ્યું છે તે જોતાં અને કાયદાના જાણકાર હોવાથી ધારાશાસ્ત્રી અને કૉંગ્રેસના નેતાઓ કપિલ સિબ્બલ અને સલમાન ખુર્શીદે કહ્યું છે કે ના.સુ.અ. સંસદે પસાર કર્યો હોવાથી કોઈ રાજ્ય તેના અમલનો ઇનકાર કરી શકે તેમ નથી. કાયદાનો અમલ ન કરે તો રાજ્ય સરકારોને બરખાસ્ત કરી શકવાનો ભય હોવાથી અને જો તેમ થાય તો સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ તેમનો કેસ ટકી શકે તેમ ન હોવાથી આ કૉંગ્રેસી નેતાઓને આ ડહાપણ આવ્યું છે.
 
મોદી સરકારની કિસાન સન્માન નિધિ નામની યોજના અંતર્ગત રૂ. ૬,૦૦૦ની સહાય વર્ષે ખેડૂતના ખાતામાં સીધી જમા થવાની હતી પરંતુ વિપક્ષો શાસિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકે (જ્યારે ત્યાં કૉંગ્રેસની જદ (સે) સાથે સરકાર હતી) આ યોજનાનો અમલ નહોતો કર્યો તેમ ૧૨ માર્ચ ૨૦૧૯નો ફાઇનાન્સિયલ એક્સપ્રેસનો એક અહેવાલ કહે છે. આનો અર્થ સમજાય છે? એક તરફ કેન્દ્ર સરકાર ખેડૂતવિરોધી હોવાની બૂમરાણ મચાવી ખેડૂતોને આંદોલન કરવા ભડકાવવાના અને બીજી તરફ, ખેડૂતોને મળતી સહાય આ રીતે અટકાવવાની જેથી ખેડૂતોમાં અસંતોષ ભડકે!
 

મધ્યમ વર્ગને ભડકાવવાનો પ્રયાસ

 
મધ્યમ વર્ગને ભડકાવવાનો પણ વિપક્ષોએ ભરપૂર પ્રયાસ કર્યો. અતિવૃષ્ટિ વગેરે કુદરતી કારણોસર ડુંગળી મોંઘી બની. પરંતુ નવી ડુંગળીની આવક ન થઈ હોવાથી કેન્દ્ર સરકારે વિદેશથી ૪૫ હજાર ટન ડુંગળી આયાત કરવાનો નિર્ણય કર્યો. તેમાંથી ૫૦૦૦ ટન ડુંગળીની આયાત (૩ જાન્યુઆરી ૨૦૨૦ની સ્થિતિએ) થઈ ગઈ અને બીજી રસ્તામાં હોવા છતાં રાજ્યોએ તે ન ખરીદી. રાજ્ય સરકારોએ એવું બહાનું કાઢ્યું કે તેઓ ડુંગળીની નવી આવકની રાહ જોઈ રહ્યા છે. વિપક્ષોનો ઇરાદો સ્પષ્ટ છે કે ડુંગળીના ભાવો પર બૂમરાણ મચે, વિધાનસભા ચૂંટણીમાં લાભ મળે. આમ, જનતાએ વિચારવું જોઈએ કે વિપક્ષ શાસિત રાજ્યો જનતા કેન્દ્ર સરકાર સામે ભડકે તે માટે કેવી કેવી ચાલ રમી રહ્યા છે અને સરવાળે પીસાઈ રહી છે તો જનતા જ.

modi government vs all op 
 
આ અગાઉ ગયા વર્ષે આપણે જોયું હતું કે શારદા કૌભાંડમાં પોલીસ કમિશનર રાજીવ કુમાર વારંવાર નોટિસ છતાં સહકાર ન આપતા હોવાથી જ્યારે સીબીઆઈની ટીમ તેમની ધરપકડ કરવા પશ્ચિમ બંગાળ ગઈ ત્યારે તેમની સાથે કેવું વર્તન કરાયું હતું અને પોલીસ કમિશનરને બચાવવા મમતા બેનર્જી બધો કામધંધો છોડીને ધરણા પર બેસી ગયાં હતાં! ગયા મે મહિનામાં ફેણી વાવાઝોડું આવ્યું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નુકસાનીનો ક્યાસ કાઢવા બેઠક બોલાવી હતી તેમાં હાજર રહેવા પણ મમતા બેનર્જીએ સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો.
 
આ જ મમતા બેનર્જીએ ૪ ઑગસ્ટ ૨૦૦૫ના રોજ લોકસભામાં અધ્યક્ષના પૉડિયમ પર કાગળો ફેંકી અંધાધૂંધી સર્જી હતી અને તે પછી સાંસદ તરીકે પોતાનો ત્યાગપત્ર આપી દીધો હતો. કારણ? મમતાના કહેવા પ્રમાણે, તેમને લોકોના મુદ્દા સંસદમાં ઉઠાવવા નહોતા દેવાતાં. તે વખતે કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર હતી. અને મમતાને લોકોના કયા મુદ્દા ઉઠાવવા નહોતા દેવાતા? મમતાના કહેવા પ્રમાણે, બાંગ્લાદેશથી ગેરકાયદે આવેલા લોકો મતદાર યાદીનો ભાગ બની ગયા છે અને રાજ્ય સરકાર (તે વખતે ડાબેરી સરકાર હતી) કંઈ નથી કરી રહી. તે વખતે મમતાએ કેવું નાટક કર્યું હતું તે યાદ અપાવવું જરૂરી છે.
 
મમતાએ પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દે ગૃહમોકૂફીની નોટિસ આપી હતી અને તેનું શું થયું તે જાણવા માગ્યું. ઉપાધ્યક્ષ ચરણજિતસિંહ અતવાલે તેમને કહ્યું કે આ નોટિસ ફગાવી દેવાઈ છે તે પછી પણ તેઓ બોલતાં રહ્યાં. ડાબેરી પક્ષોના કેટલાક સભ્યો સાથે ઉગ્ર દલીલો થઈ તે પછી મમતા ગૃહની મધ્યમાં ધસી ગયાં અને અધ્યક્ષની ખુરશી તરફ કાગળો ફેંક્યા. તેમણે અધ્યક્ષ પર રાજકીય પૂર્વગ્રહ રાખવાનો આક્ષેપ પણ કર્યો. કાગળ ફેંક્યા પછી મમતા પોતાની બેઠક પર બેસીને રોવાં લાગ્યાં. તે વખતે સમાજવાદી પક્ષનાં સાંસદ જયાપ્રદા તેમને શાંત પાડવા ગયાં.
 

modi government vs all op 
 
અને હવે મમતા મત બૅન્ક માટે થઈને બાંગ્લાદેશી સહિતના ઘૂસણખોરોને કાઢવા માટે રાષ્ટીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) અને ના.સુ.અ.નો વિરોધ કરી રહ્યાં છે! અને આ માટે તેમણે પશ્ચિમ બંગાળમાં બે સપ્તાહમાં નવ રેલી યોજી હતી! મમતા એટલાં વિહ્વળ થઈ ગયાં છે કે તેમણે સંયુક્ત રાષ્ટ્રોના નિરીક્ષણમાં આ મુદ્દે જનમત કરવાની માગણી પણ કરી નાખી. હોબાળો થયો એટલે ફેરવી તોળ્યું.
 
૪ જાન્યુઆરીના અંકમાં સીએએ વિરોધી હિંસા પાછળની ચોંકાવનારી કડીઓમાં લખ્યું જ હતું કે કૉંગ્રેસના નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનમાં મોદી સરકારને ઉથલાવવા મદદ માગી હતી. વળી, સીએએ વિરોધી હિંસામાં કૉંગ્રેસ, પીએફઆઈ વગેરેનો હાથ હોવાના પ્રાથમિક અહેવાલો કહે છે. આ બધું જોતાં, એમ લાગી રહ્યું છે કે મોદી સરકારને કટોકટી લાદવાની ફરજ પડે અને ઇન્દિરા ગાંધી જેવી કાળી ટીલી મોદી-ભાજપને પણ લાગી જાય તેવી અરાજક સ્થિતિ અથવા તો આંતરિક બળવો થાય તેવી સ્થિતિ ઉત્પન્ન કરવા ભણી શું વિપક્ષો કારસો ઘડી રહ્યા છે ! રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ જાગૃત, સાવધ અને આ પરિસ્થિતિનો સામનો કરવા મેદાને ઊતરવા તૈયાર રહેવું પડશે !
 
- જયવંત પંડ્યા