માનસમર્મ । અંતરને ઉઘાડે અને આડંબરને ભગાડે એ આધ્યાત્મિકતા

    ૦૪-ફેબ્રુઆરી-૨૦૨૦   

moraribapu manasamamr_1&n
 
 
જાપાનમાં માયોશીનજી નામનું મંદિર છે. તેની છત ઉપર દૈવી અજગરનું ચિત્ર છે. ચિત્રકાર કેનો તાન્યુએ ચિત્ર એવું અદ્ભુત બનાવ્યું છે કે જાણે જીવતો ડ્રેગન ! ચિત્ર જોતાં એવું લાગે કે એની પૂંછડી હલી રહી છે અને હમણાં અજગર આપણા માથે પડશે. જગતનાં શ્રેષ્ઠ ચિત્રોમાં એની ગણતરી થાય છે. તાન્યુએ ચિત્રકલા ગુરુ ગુડો પાસે શીખી હતી. એકવાર ગુરુએ કહ્યું કે `તું અજગરનું ચિત્ર બનાવ.'
 
`મેં તો અજગર જોયો નથી.'
 
ગુરુ એને પોતાની ઝૂંપડીમાં લઈ ગયા અને કહ્યું કે જો કેટલા બધા અજગર છે !
 
`મને તો એક પણ અજગર દેખાતો નથી.'
ગુરુએ કહ્યું,`ધ્યાનમાં બેસી જા.'
 
શિષ્ય ધ્યાનમાં બેસી ગયો. એ પછી એને અનેક અજગર દેખાયા. ત્યાર બાદ એણે પીંછી હાથમાં લીધી. ત્રણ વર્ષે કામ પૂરું થયું.
 
કોઈ પણ વસ્તુમાં એકરૂપ થયા વગર પરિણામ મળતું નથી. એકરૂપ થયા બાદ સાધના પણ એટલી જ જરૂરી છે. સાધનામાં એકરૂપતા ભળે ત્યારે અનેક ઉત્તમ પરિણામ મળ્યાના દાખલાઓ આપણી પાસે છે.
 
વૈજ્ઞાનિકોના અનુમાન પ્રમાણે પૃથ્વી સૂરજમાંથી છૂટી પડી એને ચાર અબજ વર્ષ થયાં. પછી જળતત્ત્વની ભાળ મળી. પછી અનેક વર્ષ વીતી ગયાં અને એકકોષી જીવ મળ્યો, જેનું નામ અમીબા. પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિની સંકલ્પના રચાઈ.
ઉત્ક્રાંતિવાદ આપણને માણસ સુધી લઈ આવ્યો. રામ-કૃષ્ણ સુધી પહોંચાડ્યા. એવું કહેવાય છે કે રામ અને કૃષ્ણ તો અવતાર છે એટલે પૂર્ણ છે. આપણે માણસ છીએ એટલે હજી પૂરેપૂરું માણસપણું પ્રગટતાં વર્ષો નીકળી જશે. ઈશ્વર તો પ્રગટી જાય છે કારણ કે કર્તુમ્ અકર્તુમ્ અન્યથા કર્તુંમ્ સમર્થ છે. વિશ્વમાનવી કેવો હશે ? જેની પરિકલ્પના વેદમાં છે. વિશ્વમાનુષ શબ્દ લઈ એની સાધના કરી હતી. એવા વિશ્વવ્યક્તિત્વની આપણે શબરીવત્ પ્રતીક્ષામાં છીએ. બામણાથી બ્રહ્માંડ સુધી જેના વિચારો વ્યાપ્ત છે એ ઉમાશંકર જોશીએ પણ વિશ્વમાનવીની કલ્પના કરી છે... વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુન્ધરાની. આવી ભવ્ય અને દિવ્ય કલ્પના માટે વ્યાસપીઠ એ જ્ઞાનપીઠને વંદન કરે છે.
 
અખબારમાં મેં વાંચ્યું હતું કે બીજા ગ્રહો પૃથ્વીના સંપર્કમાં આવવાની કોશિશ કરે છે. એનો અર્થ એ કે આપણી કલ્પના બહાર પણ એક જગત વિકસિત છે. જેને આધ્યાત્મની ભાષામાં પરમતત્ત્વ કહે છે. અંતરને ઉઘાડે અને આડંબરને ભગાડે એ આધ્યાત્મિકતા. માણસ બન્યાનો સંતોષ લઈ શકીએ એ પણ ઘણું છે. જગદ્ગુરુ શંકરાચાર્યને યાદ કરું દુર્લભમ્ ત્રયમવૈતત્. આ જગતમાં ત્રણ વસ્તુ દુર્લભ છે. પહેલું મનુષ્યપણું, બીજું મનુષ્ય બન્યા પછી મુક્ત થવું અને ત્રીજું મહાપુરુષોનો સંગ. જે માત્ર વીરરસના કાવ્ય રચે એને કવિવર ટાગોરવર્ણી કવિ કહે છે. વર્ણી કવિ એટલે કવિતાના વર્ણનો ક્ષત્રિય. જે બ્રહ્મતત્વની વાતો કરે એ બ્રાહ્મણ કવિ. સમાજની લેતીદેતી અને રીતિને અભિવ્યક્ત કરે એ વૈશ્ય કવિ. ઉપેક્ષિતોના કાવ્યો રચે એ ચોથા વર્ગનો કવિ. અહીં વર્ણ શબ્દ જાતિવાચક નથી પણ ભાવવાચક સંજ્ઞા છે. અવતારચરિત્રના રચયિતા ઇશરદાન જન્મજાત કવિ છે. એ વીરરસ માંડે પછી શું કહેવું ! ઉપનિષદને માથા પર આ કવિએ ઉપાડ્યું છે.
 
સાધુકૂળમાં જન્મ્યો છું એનું ગૌરવ છે. સાચા સાધુ થતાં વર્ષો નીકળી જાય છે. મનોજ ખંડેરિયા કહે છે તેમ પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને, આ હાથ આખેઆખો બળે એમ પણ બને. કવિ કવિતા રચે ત્યારે અજબ એકાગ્રતા આવે છે. જગતનો છેદ ઊડી જાય છે. હું નાનો હતો ત્યારે મેં ભાદ્રોડમાં જોયેલું દૃશ્ય...ભગતબાપુ દેવાયત મુખીને ત્યાં ઊતરે. સાંજનું ટાણું થાય ત્યારે બે અગરબત્તી પ્રગટાવી, ઓરડામાં આસન જમાવી દે. અર્ધા કલાક પછી બહાર આવે ત્યારે એમના ચહેરા પર અજબ ચમક દેખાતી. તલગાજરડી વ્યાસપીઠ આને પણ ભજનનો એક પ્રકાર કહે છે. પરંપરાગત ઘટનાને નવી રીતે રજૂ કરવાનો કવિને અધિકાર છે. સર્જક નિરંકુશ છે. મનુ ધર્મનાં દસ લક્ષણો બતાવે છે. તુલસીદાસ પોતાની રીતે ધર્મનાં લક્ષણો કહે છે. બંને મહાપુરુષો સાચા. સમય પ્રમાણે સર્જકે બદલાતા રહેવું જોઈએ. જે જડ છે એ સર્જક નથી.
 
આલેખન -  હરદ્વાર ગોસ્વામી