પાથેય । દેવું કરી ક્યારેય ઘી ન પીવાય...!

    ૦૬-ફેબ્રુઆરી-૨૦૨૦

pathey_1  H x W
 
 
એક શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્રવાસનું આયોજન થયું. તમામ બાળકો પોતાના ઘરેથી અવનવી વાનગીઓ બનાવી લાવવાની વાતો કરતા હતા. આ તમામમાં એક ગરીબ પરિવારનો વિદ્યાર્થી પણ હતો. તેણે ઘરે જઈ પોતાની માને શાળાના પ્રવાસ અને અન્ય બાળકો દ્વારા લાવનાર વાનગીઓની વાત કરી. માએ કહ્યું, બેટા, આપણા ઘરમાં તો ખાવાના પણ ફાંફા છે. આપણી પાસે એવી વાનગીઓ બનાવવાના પૈસા ક્યાંથી હોય ? હા, ઘરમાં થોડીક ખજૂર પડી છે એ તું લઈ જા. અચાનક માનો વિચાર બદલાયો અને તેને થયું કે શાળાનાં અન્ય બાળકો ખાવાની સારી સારી વસ્તુઓ લાવશે અને મારો દીકરો ખજૂર લઈને જશે તો બાળકો મારા દીકરાની મજાક ઉડાવશે. થોડા સમય બાદ તે બાળકના પિતા ઘરે આવ્યા. બાળકનાં માતા-પિતા વચ્ચે થોડી ચર્ચા થયા બાદ તે બાળકના પિતા પગરખાં પહેરી ક્યાંક જવા માટે ઊપડ્યા. આ જોઈ પેલા બાળકે પિતાને કહ્યું, પિતાજી, તમે ક્યાં જાવ છો ? તારા માટે બજારમાંથી કોઈ સારી વાનગી લેવા. આ સાંભળી પેલા બાળકે કહ્યું, પણ આપણી પાસે તો પૈસા નથી ને...! બાળકના પિતાએ કહ્યું, એ તો હું મહાજન પાસેથી થોડા પૈસા ઉધાર લઈ લઈશ તેમાંથી આવી જશે.
 
પોતાના પિતાની કરજ લેવાની વાત સાંભળી બાળકે કહ્યું, પિતાજી, ઉધાર લેવું એ તો સારી વાત નથી તે તમે જ મને કહ્યું હતું ને ? હું પ્રવાસમાં ખજૂર લઈને જ જઈશ. કોઈ શું વિચારશે એનાથી મને ફરક પડવાનો નથી, કારણ કે તમે જ મને શીખવ્યું છે કે દેવું કરીને ખોટી શાન દેખાડવી એ ખરાબ વાત છે. પોતાના બાળકની આ સમજદારીભરી વાત સાંભળી તેના પિતા ગદગદ થઈ ગયા અને તેને ગળે લગાડી દીધો. એ બાળક મોટો થઈ પંજાબ કેસરી લાલા લજપતરાય નામે જાણીતો બન્યો. જેમણે પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરી હતી અને સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જથી મૃત્યુ પામ્યા હતા.