સામાન્ય બજેટ ૨૦૨૦ : સૌનો સાથ - સૌનો વિકાસ

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૨૦   

budget 2020_1  
 
આર્થિક સદ્ધરતા એ સમાજ અને દેશનો મુખ્ય પાયો છે. દરેક વર્ષે કેન્દ્ર સરકાર આ પાયાને વધુ મજબૂત કરવા માટેના સંકલ્પો તથા નાણાંકીય ફાળવણી કરે, ઉત્પાદન, ખેતી તથા સેવાકીય ક્ષેત્રોને રાહ ચીંધે છે. આર્થિક સર્વેક્ષણ, સરકારની આવક - દેવું કરવાની ક્ષમતા તથા આગલા વર્ષનું કુલ ઘરેલું ઉત્પાદન તેના બજેટ ફાળવણીના આધાર તે જ દિશાનિર્દેશ.
સંપત્તિ પેદા કરતી પ્રજા આ બજેટની કાગડોળે રાહ જુએ. ૨૦૧૮-૧૯ની આર્થિક ગતિવિધિ અન્વયે આ વર્ષ ટેક્ષ કેટલા તર્કસંગત રહેશે, નાના તથા મધ્યમ ઉદ્યોગોને કેટલી રાહતો મળે અને નાણાંકીય સગવડો ઉપલબ્ધ થશે, બેંકો તથા નોન-બેન્કિગ ફાઇનાન્સ કપનીઓની બદ્દતર પરિસ્થિતિ જોતાં, તેમને કેટલી તાકતવર બનાવવાના પ્રયત્નો થશે, ખેતી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક વિકાસ માટેની કેટલી જોગવાઈઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેટલા વધુ નાણાં ફાળવાશે વિ.ની કાગડાળે રાહ જોતી પ્રજાને પૂર્ણ સંતોષ મળવો ભારતની જટિલ અર્થવ્યવસ્થામાં ઓછો શક્ય હોવાથી જ આત્મવિશ્વાસનું બેરોમીટર એવું શેર માર્કેટ ૯૦૦થી વધારે પોઇન્ટ તૂટ્યુ. નાણામંત્રીને આશા જરૂર છે, તે સરખું થશે અને આમ પણ આર્થિક સ્વાસ્થ્યનું એકમાત્ર નિર્દેશક નથી જ.
 
બજેટનાં મુખ્ય સૂત્રોમાં સહુ માટે સારું અને ઉત્સાહજનક જીવન, વધુ કાળજી આવે. સમાજ તથા સંપૂર્ણ સમાજ માટે આર્થિક ઉન્નતિ ધ્યાનમાં રાખીને ગત વર્ષના આર્થિક સર્વેક્ષણના આધારે સરકારે રૂા. ૧૫ લાખની વાર્ષિક આવક ધરાવતા લોકોને ટેક્સમાં રાહત આપી, રૂા. ૫ લાખ સુધીની આવક હોય તો કોઈ વેરો નહીં, અત્યાર સુધી જે ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ બેન્કમાં મુકેલ નાણાંની, બેન્ક ફડચામાં જાય તો માત્ર રૂા. ૧ લાખની બાંહેધરી હતી તે વધારીને રૂા. ૫ લાખની કરી, શેરધારકો માટે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્ષ જે કપનીઓ કાપતી હતી તેમાંથી રાહત આપી (જેથી નાના શેરધારકોને ફાયદો થાય પરંતુ મોટા રોકાણકારોને હવે પોતાની આવકમાં ઉમેરવાથી ટેક્ષનો સ્લેબ વધી શકે), તથા નાણાંકીય ખાદ્ય ઘટાડવા માટે અને રૂા. ૩૦ લાખ કરોડના બજેટમાં નાણાં ઓછા ખૂટે તે માટે LIC તથા IDBI જેવી કપનીઓમાંથી પોતાનો હિસ્સો વેચી નાણાં ઊભા કરવા માટેની ઇચ્છા દર્શાવી.
 
ગત વર્ષમાં કુલ ઘરેલું ઉત્પાદનમાં અંદાજિત ૫.૫%ની વૃદ્ધિ સામે આર્થિક સર્વેક્ષણમાં ૬-૬.૫% ની જ વૃદ્ધિનો અંદાજ ૨૦-૨૧માં રહેશે તેમ સરકાર દ્વારા જ કહેવાયું છતાં, ખૂબ આક્રમક રહી નાણામંત્રી સીતારામને આ વર્ષ ૧૦% સુધીની વૃદ્ધિ કરવાની નેમ જાહેર કરી છે. અંદાજીત રૂા. ૫.૩૧ લાખ કરોડના ઋણ સાથે સરકારની ખાદ્ય ૩.૫% રહેશે. ગત વર્ષે આ જ ખાધ ૩.૩% અંદાજીત હતી, જે ૧૯-૨૦માં ૩.૮% સુધી પહોંચશે છતાં, અર્થતંત્રનું વધુ સારું મેનેજમેન્ટ કરી તેને ૩.૫% સુધી જ રખાશે. માત્ર રૂા. ૧.૦૫ લાખ કરોડને સરકારી કપનીઓનો હિસ્સો વેચવાના ગયા વર્ષના ટાર્ગેટ સામે આ વર્ષે રૂા. ૨.૧ લાખ કરોડનો હિસ્સો વેચીને પણ, અર્થતંત્રને વેગ આપીશું તેવી જાહેરાત બજેટમાં થઈ છે.
 

budget 2020_1   
 
સર્વાંગીણ વિકાસની દિશામાં ખેતી માટે રૂા. ૧૫ લાખ કરોડ ક્રેડિટ ટાર્ગેટ, ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂા. ૧.૭ લાખ કરોડ, પાવર સેક્ટરને રૂા. ૪૦,૭૪૦ કરોડ, એજ્યુકેશન માટે રૂા. ૯૯,૩૦૦ કરોડ તથા ઇન્ફ્રા ડેવલપમેન્ટ માટે રૂા. ૧૦૦ લાખ કરોડ (પાંચ વર્ષનો અંદાજ) ફાળવીને તથા તેના સુક્ષ્મ પાસાઓ તપાસીને અંદાજીત ૫૦૦ જિલ્લાઓમાં આ બધા જ નાણાંનો ઉપયોગ થાય તો સમગ્ર દેશનો વિકાસ થાય તેવું નાણાંકીય આયોજન થયેલ છે. આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે નવી મેડિકલ કોલેજીસ ખોલવી, પોલીસ યુનિવર્સિટી, વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે તેવી વ્યવસ્થા, કેન્દ્ર શાસિત કાશ્મીર, જમ્મુ તથા લદાખના વિકાસ માટે પૂરતી જોગવાઈઓ તથા ખાસ કરીને ખેતી વિષયક ૧૦૦ જિલ્લાઓમાં વિશેષ પાણી-પુરવઠા, સિંચાઈ યોજના, ૩૦ લાખ સોલાર પમ્પ્સ, તેમાં જ નવા ૧૫ લાખ જોડાણ, રાસાયણિક ખાતર ઓછું વપરાય અને જૈવિક માટેની સગવડો, કૃષિ ઉડાન યોજના જેવા ૧૬ સુત્રી કાર્યક્રમ દ્વારા સરકારે ખેડૂતોની આવકમાં ખૂબ વૃદ્ધિ થાય તેવા નાણાંકીય આયોજન કર્યા છે.
 
પ્રજાના હાથમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ય વધુ આવક અને નાણાં મુકવાથી, માંગમાં વધારો થાય તો ઉત્પાદન ક્ષેત્રે ય વધારો થાય. ગત વર્ષે વિદેશી નાણાં અંદાજીત ૬૧ બિલિયન ડૅાલરનું ભારતમાં નિવેશ થયું તે જોતાં, ચાઈનામાં અમેરિકા-ચાઇના ટ્રેડ વોર તથા લેબર ભાવો વધવાથી, ભારત તરફ વિદેશી કપનીઓનો ઉત્પાદન એકમો સ્થાપવા માટેનો ઝોક તથા `એસેમ્બલ ઇન ઇન્ડિયા, મેઈક ઇન ઇન્ડિયા' અને ભારતને દક્ષિણ એશિયા માટે મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાના સરકારના પ્રયત્નોથી નવી નોકરીઓની શક્યતાઓ વધી રહી છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાથી એ ક્ષેત્રને ફાયદો થવાની સંભાવના ખરી.
 
આવતા વર્ષની અર્થતંત્રની મજબૂતાઈનો આધાર સરકારે બનાવેલ યોજનાઓના અમલીકરણ પર, નવા નાણાંકીય નિવેશ પર જે ખાનગી ક્ષેત્ર તથા FDI પર નિર્ધારિત રહે, સરકારના ડાઇવેસ્ટમેન્ટ ટાર્ગેટ્સની સફળતા પર તથા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ય નવી નોકરીઓ ઊભી થાય તેના પર રહેલ છે. સહિયારો પુરુષાર્થ અને સનો વિશ્વાસ જ સૌનો સાથ-સૌનો વિકાસના દર્શન કરાવે.