માનસમર્મ । ગુરુનું તિલક એ શિષ્ય માટે સેંથીનું સિંદૂર છે

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૨૦   

moraribapu katha_1 &
 
જૂના જમાનાની વાત છે. દાનરુચિ નામના એક બ્રાહ્મણે અતિથિવ્રત લીધું હતું. એને નિયમ હતો કે અતિથિને ભોજન કરાવ્યા પછી જ પોતે ભોજન લેવું. એની પત્ની પણ પતિ ભોજન લે એ પછી જ જમતી હતી. એક દિવસ એમને કોઈ અતિથિ ન મળ્યો. લાંબા સમય સુધી અતિથિ શોધતાં રહ્યાં. પછી જેવી હરિઇચ્છા કહી ભૂખ્યા પેટે ભગવાનનું ભજન કરવા લાગ્યાં. બ્રાહ્મણે પત્નીને ભોજન લેવા કહ્યું પણ એ ટસની મસ ન થઈ. એમની પાસે પત્ની પણ ભૂખ્યા પેટે બેસી રહી.
 
અગ્નિદેવને એમની પરીક્ષા લેવાનું મન થયું. એ બ્રાહ્મણના ઘર સામે ચાંડાલનું રૂપ ધરી બેસી ગયા. બ્રાહ્મણ એની પાસે ગયો અને ઘરે પધારવા કહ્યું. ત્યારે અગ્નિદેવે કહ્યું કે મારું શરીર ધ્રૂજી રહ્યું છે. મારે હૂંફની સતત જરૂર છે. હું ચાંડાલ છું. તારા ઘરે કઈ રીતે આવી શકું ? બ્રાહ્મણે અગ્નિ પેટાવ્યો. ચાંડાલ સ્વસ્થ થયો પછી બ્રાહ્મણ બોલ્યો, મારા ઘરે આવનાર કોઈ વ્યક્તિની જ્ઞાતિ-જાતિ કદી પૂછતો નથી. આવનાર દરેક વ્યક્તિ અતિથિ છે. અગ્નિદેવ એના ઘરે ગયા, ભોજન લીધું અને મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ઇચ્છિત વરદાન આપ્યું.
 
સૌરાષ્ટ પંથકમાં મહેમાનોને બહુ માન અને બહુમાન પણ કરાય છે, અઢળક અન્નક્ષેત્ર છે. ટુકડો ત્યાં હરિ ઢૂકડો. આવાં અન્નક્ષેત્રોમાં મોટા મોટા માણસો પણ સેવા કરતા હોય. એ રીતે એ વધુ મોટા થતા હોય છે. આમ પણ નાના બનવાથી કામ સરળ બની જાય છે. તુલસી કહે છે કે -
 
પુર રખવારે દેખ બિ કપ મિન કન્હી વિચાર ।
અત લઘુ રૂપ ધરૌ નસિ નિગર કરૌં પઈસાર ।।
 
નાના બનવાથી સુરસા જેવા મોટાં વિઘ્નો પણ પાર કરી શકાય છે. જળની ઉપરથી જયારે હનુમાનજી ઉડાન ભરી રહ્યા હતા ત્યારે, સિંહિકાએ પડછાયા દ્વારા એમને પકડી પાડ્યા હતા. ક્યારેક આપણો પડછાયો પણ નુકસાન પહોંચાડી શકે છે. પણ રામકૃપા હોય એ વિઘ્નમાંથી બહાર નીકળી શકે છે. લંકાની એક રાક્ષસી લંકિની રાવણની સેવિકા છે. એક અર્થમાં જોઈએ તો લંકિની પણ સ્વયં લંકા છે. એ રીતે સ્વયંનું રક્ષણ કરે છે. આત્મા જ આત્માનો ઉદ્ધાર કરી શકે છે. જાત જેવું રક્ષણ બીજે ક્યાંય મળતું નથી. હનુમાનજી લઘુ રૂપ લઈને ગયા અને પકડાઈ ગયા તો એમને કહેવામાં આવ્યું કે હું તને ખાઈ જઈશ. દુનિયામાં પણ નાના માણસોને ગ્રસી જવાની કોશિશ કરાય છે. હનુમાનજી જ્યારે વિશાળ રૂપ લઈ ઉડાન ભરી રહ્યા હતા ત્યારે સિંહિકાએ એમને પાડવાની કોશિશ કરી હતી. મતલબ કે આપણે મોટા થઈએ ત્યારે દુનિયા આપણને પાડવાની કોશિશ કરે છે.
 

moraribapu katha_1 & 
 
રામાયણમાં જીવનના બધા પ્રશ્નોનો ઉકેલ છે. તમારી પાસે ગુરુ ન હોય તો ગુરુનું સ્મરણ કરીને માનસ વાંચો. તમારું અંત:કરણ શુદ્ધ હશે તો અવ્યક્ત ગુરુ પણ રામાયણનાં રહસ્યોનો બોધ કરાવી દેશે. માનસમાં લખ્યું છે કે માતા, પિતા, ગુરુ અને પ્રભુ એ ચારની વાતો આચરણમાં ઉતારવી. ખલિલ જિબ્રાન કહે છે કે સંતાનનાં અસલી માબાપ તમે નથી, એનાં અસલી માબાપ તો પરમાત્મા છે. તમારા દ્વારા એ જગતમાં આવે છે. તમે એના વાહક બન્યા. ઠાકુર રામકૃષ્ણ પણ પરમાત્માને માતા-પિતા કહે છે. ઉદ્ધવ અને અર્જુન ભાગવતમાં પરમાત્માને સખા કહે છે. મિત્રથી જે કામ થાય છે એ મોટા સાહેબોથી પણ થતું નથી. આગ્રહ અને અનુશાસનની કંઠી બાંધે એ ગુરુ નહીં. બીજા કોઈ દેવને ન માનવું, બીજા કોઈના કાર્યક્રમમાં ન જવું ઇત્યાદિ આજ્ઞા આપનાર ગુરુ છે જ નહીં.
 
લાઓત્સે કહે છે કે એક રાજા એવા હોય છે કે જેના દ્વારા બધું થાય છે, પરંતુ તેઓ આપણને બોજારૂપ બનતા નથી. બીજા રાજા એવા હોય છે કે દુનિયા એને પૂજે. ત્રીજા રાજા એવા છે કે દુનિયા એને પ્રેમ કરે. ચોથા રાજા એવા છે કે દુનિયા એમનાથી ડરે. પાંચમાં રાજા એવા છે કે દુનિયા એને ધિક્કારે. એમ ગુરુ પણ ઉપર જણાવ્યા પ્રમાણેના પાંચ પ્રકારના હોય છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે કેવા રાજા જોઈએ છે.
 
- આલેખન - હરદ્વાર ગોસ્વામી