ઇતિહાસ કહે છે કવિ ઇકબાલનું અવસાન ૧૯૩૮માં થયું હતું, પણ ના દેશમાં કવિ ઇકબાલ હજુ પણ જીવે છે

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૨૦   

shaheen bagh_1  
 
 
તાજેતરમાં એક પત્રકારે દિલ્હીના શાહીનબાગ આગળ ભેગા થયેલા ટોળામાંના એક સજ્જનને પૂછ્યું, આ શાહીન કોલોની છે શું?
 
પેલા સજ્જને જવાબ આપ્યો, થોડાં વર્ષો પહેલાં ૧૯૮૪માં જશોલા ગામની આ જમીન એન્શારૂલ્લા નામના એક શખ્સે ખરીદીને આ કોલોની બનાવેલી.
 
પત્રકારે બીજો પ્રશ્ન પૂછ્યો, તો આ કોલોનીનું નામ શાહીન કોલોની કેમ રાખ્યું છે ?
 
પેલા સજ્જને કહ્યું, મહાન શાયર ઇકબાલની પ્રખ્યાત ગઝલના એક લબ્ઝ (શબ્દ) શાહીન પરથી.
તો શાહીનનો અર્થ શો થાય ?
 
શાહીન એટલે બાજ પક્ષી જે ઊડવામાં અને શિકાર પકડવામાં માહિર છે.
તે ગઝલની થોડી કડીઓ સંભળાવશો ?
 
તૂ શાહીન હૈ, પરવાઝ હૈ કામ તેરા
તેરે સામને આસમાઁ ઔર ભી હૈ.
 
તેમની ગઝલમાંથી બીજી પંક્તિઓ નીચે પ્રમાણે છે.
 
અભી ઇશ્ક કે ઇમ્તિહાં ઔર ભી હૈ
યહાં સેંકડો કારવાઁ ઔર ભી હૈ
તેરી જમીન ઓર મકાઁ ઔર ભી હૈ
ચમન ઔર ભી આશિયાં ઔર ભી હૈ.
 
આ પંક્તિઓ સાંભળીને આપણને પ્રશ્ન થાય છે કે દરેક પંક્તિમાં ઔર ભી હૈ, ઔર ભી હૈ એટલે શું ? શું ઔર ભી હૈ એટલે અહીં આ દેશમાં નહીં પણ બીજે ક્યાંક એવો અર્થ સમજવો?
 
જે દેશમાં ગવાય છે કે જીના યહાં, મરના યહાં ઇસકે સિવા જાના કહાઁ તે ભારતભૂમિમાં ચમન ઔર ભી હૈ, આસમાઁ ઔર ભી હૈ એટલે આખરે આ ગઝલ કહેવા શું માંગે છે?
 
શું આ ગઝલ એવું કહેવા માંગે છે કે `ચલ ઉડ જા રે પંછી (શાહીન) કિ અબ યે દેશ આ બેગાના ?'
 
એ સમજવા માટે આ ગઝલના રચયિતા શાયર મોહંમદ ઇકબાલના જીવનને જાણવું પડશે. તેમનો જન્મ ૯ નવેમ્બર, ૧૮૭૭માં સિયાલકોટમાં થયો હતો. કાશ્મીરી હિંદુ પંડિત બિરબલ સપ્રુના પરિવારના તેઓ વંશજ છે. બિરબલ સપ્રુના પુત્રનું નામ કનૈયાલાલ સપ્રુ. કનૈયાલાલ સપ્રુનો પુત્ર રતનલાલ સપ્રુ. આ રતનલાલે સિયાલકોટમાં હિંદુ ધર્મ ત્યજી ઇસ્લામનો સ્વીકાર કરેલો અને પોતાનું નામ નૂર મોહંમદ રાખેલું. આ રતનલાલ સપ્રુ ઉર્ફે નૂર મોહમ્મદનો પુત્ર એટલે મોહંમદ ઇકબાલ. ઇકબાલ ગુજરાતના જમાઈ પણ થાય.
 
ઇકબાલે `તરાના-એ-હિંદ' ગીત, સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા મૂળ બાળકો માટે લખેલું. આ ગીત ૧૬ ઓગસ્ટ, ૧૯૦૪માં `ઇત્તેહાદ' નામના સામયિકમાં પ્રકાશિત પણ થયેલું. પણ ૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપના બાદ ઇકબાલની વિચારસરણીમાં ધરખમ પરિવર્તન થવા માંડ્યું અને ઇસ્લામિક ઝનૂનમાં પલટાવા લાગ્યું. એ પછી તેમણે `તરાના-એ-મિલ્લી' (મુસ્લિમ સમાજનું ગીત) લખ્યું. જેમાં એક પંક્તિ હિન્દી હૈ હમ, વતન હૈ હિન્દોસ્તાઁ હમારાને બદલીને નવેસરથી પંક્તિ જોડી લખ્યું - મુસ્લિમ હૈ હમ, વતન હૈ સારા જહાઁ હમારા. આમ ઇકબાલ `હિન્દી'માંથી `કટ્ટર મુસ્લિમ' બની ગયેલા દેખાયા.
`ચીનો અરબ હમારા હિન્દોસ્તાં હમારા' લખી દારૂલ-ઇસ્લામની વાત પણ લખી નાંખી. તેમનું મઝહબી ઝનૂન નીચેની પંક્તિઓમાં પણ દેખાય છે.
 
એ અર્જ એ પાક તેરી રમત મેં કટ મરેં હમ
હૈ ખૂન તેરી રગોંમેં, અબ તક રવાઁ હમારા
 
પાકિસ્તાનના સર્જન માટે કપાઈ મરવાની વાત પણ આ કવિએ લખી નાંખી છે.
તેમણે પોતાની કવિતામાં લખ્યું છે -
 
કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી
સદિયાઁ રહા હૈ દુશ્મન દૌર-એ-જહાં હમારા.
  
પ્રથમ નજરે દેશભક્તિની લાગતી આ કવિતા ખરેખર એમ કહેવા માંગે છે કે સદીઓથી આ જમાનો ઇસ્લામનો દુશ્મન રહ્યો છે, છતાં ઇસ્લામની હસ્તી કોઈ મિટાવી શક્યું નથી. આ વાત ઘણાને ગળે નહીં ઊતરે પણ હકીકત એ છે કે ઇકબાલનું સમગ્ર શિક્ષણ મદરેસામાં થયું છે અને મદરેસામાં શિક્ષણ માત્ર ઇસ્લામનો જ વિચાર આપે છે, દેશભક્તિ રાષ્ટભક્તિનો નહીં. તરાના-એ-મિલ્લી અર્થાત્‌ સમુદાયનું ગીત એ ઇકબાલની કવિતા છે જેમાં મોહંમદ ઇકબાલે મુસ્લિમ ઉમ્માહ (ઇસ્લામિક જગત)ને અંજલિ આપતાં કહ્યું છે કે ઇસ્લામમાં રાષ્ટવાદનું સમર્થન કરવામાં નથી આવ્યું. દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા મુસલમાનને એક જ મુસ્લિમ સમાજ (ઉમ્માહ)ના અંગ તરીકે જોયો છે, જેના નેતા મુહમ્મદ છે, જેઓ મુસલમાનોના પેગંબર છે.
હવે આપણે ઇકબાલની પાકિસ્તાન નિર્માણની કાર્યસિદ્ધિ જોઈએ.
 

shaheen bagh_1   મહાન શાયર ઇકબાલ
 
ભારતના મુસ્લિમો માટે અલગ દેશ (Home land)નો પ્રથમ વખત વિચાર મૂકનાર મોહમ્મદ ઇકબાલ હતા. ઇસ્લામિક સ્ટેટની કલ્પના દેશ સામે સૌપ્રથમ ઇકબાલે મૂકી હતી. સન ૧૯૩૦માં ઇકબાલને જ્યારે મુસ્લિમ લીગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે પ્રયાગરાજમાં મુસ્લિમ લીગના વાર્ષિક જલસામાં અધ્યક્ષીય ભાષણ કરતાં બોલેલા કે મૈં પંજાબ, નોર્થ ઈસ્ટ, ફ્રન્ટિયર, સિંધ ઔર બલૂચિસ્તાન કો એક સંયુક્ત રાજ્ય કે રૂપ મૈં દેખના ચાહતા હું, બ્રિટિશરાજ કે તહત યા ફિર ઉસ કે બિના ભી એક ખુદ - મુખ્તાર નોર્થ-વેસ્ટ ભારતીય મુસ્લિમ રાજ્ય હી મુસલમાનોં કા આખિરી મુસ્તકબિલ હૈ. પોતાનું આ સપનું સાકાર કરવા માટે મોહંમદઅલી જિન્હા જેવા સમર્થ નેતા પણ ઇકબાલને મળી ગયા. ઇકબાલ અને ઝીણાનો મેળ જલદીથી એટલા માટે પડી ગયો કે ઇકબાલ પણ ધર્મપરિવર્તિત હિન્દુ પરિવારના સંતાન હતા. અને મહંમદઅલી ઝીણા પણ ગુજરાતના મોટી પાનોલી ગામના મુસ્લિમ બનેલા પુંજાભાઈ ઠક્કરના પુત્ર ઝીણાભાઈ ઠક્કરના દીકરા હતા. બંને ધર્મપરિવર્તિત પરિવારના સંતાનોને મુસ્લિમો માટે અલગ દેશની રચનાનો વિચાર ગમી ગયો.
 
કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બન્નેએ ઝીણાને કોઈ ખાસ મહત્ત્વ આપ્યું નહીં. ત્રીજી ગોળમેજી પરિષદમાં તો લીગે તેમને યાદ પણ કર્યા નહીં તેથી પોતે ભારતના રાજકારણમાં પોતાનું સ્થાન જમાવી શકશે નહીં તેવો પાક્કો અણસાર થતાં ઝીણા નિરાશ થઈ કાયમી વસવાટ માટે ઇંગ્લેન્ડ પણ જતા રહેલા. પણ તેમના જીવનમાં પરિવર્તન લાવનારી એક ઘટના બની. ઉત્તર પ્રદેશના મુસ્લિમ નેતા નવાબજાદા લિયાકત અલી ખાન પોતાની બેગમ સાથે ઝીણાને બંગલે પહોંચી (ઇકબાલની યોજના અનુસાર) ઝીણાને ભારત પાછા ફરી મુસ્લિમ લીગનું નેતૃત્વ સંભાળવા સહમત કર્યા. ઝીણા પોતાનું મકાન વેચી ભારત પહોંચી ગયા અને યોજના મુજબ મુસ્લિમ લીગે તેમને સ્થાયી અધ્યક્ષ પણ બનાવી દીધા. ૧૯૩૭ની ચૂંટણીમાં જ્યારે મુસ્લિમ લીગને ભારે પછડાટ મળી ત્યારે ઝીણા ફરી પાછા ઘોર નિરાશામાં ડૂબી ગયા તેવે વખતે કવિ ઇકબાલ ઝીણાના પથદર્શક અને પ્રેરણાપુરુષ બની ગયા. ઝીણાની સામે ઘોર અંધકાર હતો તેવે સમયે ઇકબાલ આશાનું કિરણ બનીને આવ્યા. ઝીણાની અંતરવેદના ઇકબાલે જાણી લીધી. ઝીણાને માનસિક રીતે કટ્ટર ઇસ્લામિક અને પૃથક્તાવાદી બનાવવા ઇકબાલે અનેક પત્રો લખેલા. ઇકબાલે ઝીણાની દુખતી રગ પર હાથ મૂકી કહ્યું, તુમ્હારે પાસ પૈની બુદ્ધિ હૈ, તર્કશક્તિ હૈ, સંવિધાનિક વિશેષતા હૈ કિન્તુ તુમ્હે (શાગીર્દ) અનુયાયી ચાહિએ. ઇકબાલે ઝીણાને સમજાવતાં કહેલું કે મુસ્લિમ સમાજ તમારા જેવા નેતા ખોળી રહ્યો છે. જો તમે મુસ્લિમ સમાજનું નેતૃત્વ સ્વીકારી લો તો આ સમાજ તમને ખભા પર ઊંચકી લેશે. તમે મુસ્લિમોના નેતાના સ્વરૂપમાં જ ગાંધીજીને પડકાર આપી શકશો. રાષ્ટવાદી મુસ્લિમ તરીકે હરગિજ નહીં. તમે કોંગ્રેસને હિન્દુ રાજ્યના રૂપમાં ચીતરો અને બીજી બાજુ મુસ્લિમોને એકજૂટ કરો. અને આમ માત્ર ચાર જ વર્ષમાં કવિ ઇકબાલની યોજના મુજબ મરી ગયેલી મુસ્લિમ લીગ જીવતી થઈ ગઈ. તેમણે `ઇસ્લામ ખતરે મેં હૈ'નો ઉન્માદ જગાડી દીધો અને અલગ પાકિસ્તાનની ગુંજ જોરશોરથી સંભાળાવા લાગી. ભારતીય મુસલમાનોને એક અલગ માતૃભૂમિની જરૂર છે એ વાત ઝીણાને સમજાવવામાં કવિ ઇકબાલ અત્યંત સફળ રહ્યા. એટલું જ નહીં આગળ જતાં અલગ પાકિસ્તાન બની પણ ગયું. અલબત્ત ૧૯૩૮માં ૨૧ એપ્રિલના રોજ ઇકબાલનું અવસાન થયું હોવાથી તેઓ પાકિ. જોઈ ન શક્યા. પણ ઇકલાબના ભાગે બે સિદ્ધિઓ ચોક્કસ ગણાવી શકાય. (૧) તેઓ પોતાના જીવનકાળમાં પાકિસ્તાન જોઈ ન શક્યા પણ પાકિસ્તાનના જનક તરીકે ઝીણાને કટિબદ્ધ કરવામાં ઇકબાલ શત પ્રતિશત સફળ રહ્યા અને (૨) મૃત્યુ પછી તેઓ પાકિસ્તાનના રાષ્ટકવિ પણ બની શક્યા. પણ દારૂલ ઇસ્લામ એટલે બિનમુસ્લિમ દેશને મુસ્લિમ દેશમાં પરિવર્તિત કરવાનું તેમનું સપનું હજુ બાકી હોય એમ લાગે છે. અને તે સપનું પુરું કરવાના પ્રયાસોના પરચા વર્તમાનમાં દેશમાં દેખાઈ પણ રહ્યા છે.
 

shaheen bagh_1   
 
ઇકબાલે આપેલા આ `શાહીન' શબ્દ પરથી રચાયેલી આ શાહીનબાગની હરકતો, અલિગઢ મુસ્લિમ યુનિ., જેએનયુ અને જામિયા-મિલિયામાં પોકારાતાં દેશવિરોધી સૂત્રો, લખનૌ, કાનપુર, દિલ્હીમાં દેખાતાં બેનરો, અમદાવાદના શાહઆલમની પથ્થરમારાની ઘટનાઓ, શરજીલની આસામને ભારતથી અલગ કરી દેવાની ધમકીઓ, આફરીન ફાતિમાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પ્રત્યે જગાવેલી કુશંકાઓ, કેરળની પી.એફ.આઈ.એ દેશની શાંતિને ફૂંકી મારવા કરેલી યોજનાઓ, જિન્હાવાલી આઝાદીની ગળાફાડ ઘોષણાઓ, `જલા દેંગે, જલા દેંગે હિન્દોસ્તાઁ કો ફિર સે જલા દેંગે'ની શાહીનબાગમાં ચેતવણી આપતી મુસ્લિમ મહિલાઓ, ગલી ગલીમેં શાહીનબાગ બનાયેંગેની ઉમર ખાલિદની ઘોષણાઓ અને શરજીલ તેરે સપનોં કો મંઝીલ તક પહોંચાયેંગેવાળી ધમકીઓ જોઈ એવું લાગવા દિલ પ્રેરાય છે કે દેશના ભાગલા પાડનાર કવિ ઇકબાલ મર્યા નથી, તેઓ હજુ પણ જીવે છે - અમદાવાદના શાહઆલમથી માંડી મમતાના બંગાળ સુધી અને શાહીનબાગથી માંડી કેરળના વાયનાડ સુધી અત્ર તત્ર, સર્વત્ર, પૂરા દેશમાં.
 
***
 
(લેખકશ્રી `સાધના' સાપ્તાહિકના ટ્રસ્ટી છે.)