દુનિયામાં 114 દેશોમાં 118,000થી વધુ કોરોના વાઇરસની બીમારીના કેસો નોંધાયા છે ત્યારે ભારત સરકાર આ પગલાં ભરવા જઈ રહી છે...

    ૧૨-માર્ચ-૨૦૨૦

corona_1  H x W
 
નોવેલ કોરોના વાઇરસ બીમારી (COVID-19)ને હવે સત્તાવાર રીતે વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. સમગ્ર દુનિયામાં 114 દેશોમાં 118,000થી વધુ કોરોના વાઇરસની બીમારીના કેસો નોંધાયા હોવાથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ગઇકાલે તેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે.
 
ચીનના વુહાનમાં 31 ડિસેમ્બર 2019ના રોજ આ બીમારીનો પહેલો કેસ નોંધાયો ત્યારથી જ ભારતમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સંબંધિત મંત્રાલયો/ વિભાગ તેમજ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના ટોચના અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યાં છે અને તેની સમીક્ષા કરી રહ્યાં છે.
 
WHO દ્વારા COVID-19ને 30 જાન્યુઆરી 2020ના રોજ જાહેર સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવ્યો તેના ઘણાં સમય પહેલાં 8 જાન્યુઆરીથી જ ભારતે આ દિશામાં પ્રતિભાવ આપવાનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યોને 17 જાન્યુઆરી 2020ના રોજ સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે તૈયારીઓ કરવાના નિર્દેશો આપી દેવામાં આવ્યા હતા. એ જ દિવસે, પ્રવેશના તમામ સ્થળોએ પણ ચકાસણી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

corona_1  H x W
 
 
COVID-19ના વ્યવસ્થાપન માટે કેન્દ્રીય મંત્રાલયો દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને મજબૂત સામુદાયિક દેખરેખ, સંસર્ગનિષેધ સુવિધાઓ, આઇસોલેશન વૉર્ડ્સ, પુરતા પ્રમાણમાં PPE, તાલીમબદ્ધ માણસો, ઝડપી પ્રતિભાવ ટીમ જેવા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. 17 જાન્યુઆરીના રોજ 3 હવાઇમથકો (મુંબઇ, દિલ્હી અને કોલકાતા) ખાતે સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં વધુ ચાર હવાઇમથકો (ચેન્નઇ, કોચીન, બેંગલુરુ, હૈદરાબાદ) ખાતે 21 જાન્યુઆરી 2020થી સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્ક્રિનિંગની કામગીરી વધારીને 30 હવાઇમથકો પર શરૂ કરવામાં આવી છે. વિદેશથી આવી રહેલા તમામ મુસાફરોનું 30 હવાઇમથકો પર સ્ક્રિનિંગ કરવામાં આવે છે. સાથે સાથે, 12 મુખ્ય બંદરો અને 65 નાના બંદરો પર પણ વિદેશથી આવી રહેલા જહાજોમાં આવતા લોકો માટે સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું છે.
 
ભારતે હંમેશા વિદેશમાં રહેતા પોતાના નાગરિકોની સલામતી અને સુખાકારીનો વિચાર કર્યો છે અને તેના કારણે COVID-19થી અસરગ્રસ્ત દેશો વસતા ભારતીયોને સમયસર વતન પરત લાવવા માટે 1 ફેબ્રુઆરી 2020ના રોજથી કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ભારત સરકાર 900થી વધુ ભારતીયોને વિદેશમાંથી પરત લાવી છે તેમજ માલદીવ્સ, મ્યાનમાર, બાંગ્લાદેશ, ચીન, યુએસ, મડાગાસ્કર, શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુ જેવા દેશોના 48 નાગરિકોને પણ બહાર કાઢ્યા છે.
 
આ ઉપરાંત, ઇટાલીમાંથી પરત લાવવામાં આવેલા 83 લોકોને ગઇકાલે સંસર્ગનિષેધ માટે માનેસર ખાતે ઉભી કરવામાં આવેલી સુવિધામાં લઇ જવામાં આવ્યા હતા. તમામ દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમનું સ્વાસ્થ્ય સ્થિર હોવાના અહેવાલ છે.
 
માનનીય પ્રધાનમંત્રીના નિર્દેશોના પગલે, મંત્રીઓના ઉચ્ચ સ્તરીય સમૂહની રચના કરવામાં આવી છે જે સતત પરિસ્થિતિ પર દેખરેખ રાખે છે અને તમામ તૈયારીઓનું મૂલ્યાંકન કરે છે તેમજ દેશમાં COVID-19ને અંકુશમાં રાખવા સંબંધિત વિવિધ પગલાં લઇ રહ્યું છે. મંત્રીઓના સમૂહ દ્વારા અત્યાર સુધીમાં માર્ગદર્શન, પરિસ્થિતિની સમીક્ષા અને દેખરેખ સંબંધે છ વખત બેઠકો યોજવામાં આવી છે.
 

corona_1  H x W 
 
પરિસ્થિતિમાં ઝડપથી થઇ રહેલી વૃદ્ધિને અનુલક્ષીને ગઇકાલે બે વખત મંત્રીઓના સમૂહની બેઠક યોજાઇ હતી. મંત્રીઓના સમૂહએ ભારતના નાગરિકોના હિતોમાં વિવિધ સાચવેતીરૂપ પગલાં પર વિચારવિમર્શ કર્યો હતો. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સચિવોની સમીતીએ કરેલી ભલામણોના આધારે મંત્રીઓના સમૂહ દ્વારા ગઇકાલે સાંજે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા...
 
# અત્યારના તમામ અસ્તિત્વમાં રહેલા વિઝા (ડિપ્લોમેટિક, અધિકારી, યુએન/ આંતરરાષ્ટ્રીય સંગઠન, નોકરી, પ્રોજેક્ટ વિઝા સિવાય) 15 એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય 13 માર્ચ 2020ના રોજ 1200 GMTથી પ્રસ્થાન સ્થળેથી અમલી છે.
 
# OCI કાર્ડ ધારકોને આપવામાં આવતી વિઝા ફ્રી પ્રવાસ સુવિધા 15 એપ્રિલ 2020 સુધી અટકાવી દેવામાં આવી છે. આ નિર્ણય 13 માર્ચ 2020ના રોજ 1200 GMTથી પ્રસ્થાન સ્થળેથી અમલી છે.
 

corona_1  H x W 
# જેઓ પહેલાંથી ભારતમાં રોકાયેલા હોય તેવા OCI કાર્ડ ધારકો ઇચ્છે ત્યાં સુધી ભારતમાં રોકાઇ શકે છે.
 
# ભારતમાં હાલમાં રોકાયેલા તમામ વિદેશીઓના વિઝા માન્ય રહેશે અને તેઓ પોતાના વિઝાના એક્સટેન્શન/ રૂપાંતરણ વગેરે થવા તેમને કોઇપણ વાણિજ્યદૂત સંબંધિત સુવિધા લેવાની ઇચ્છા હોય તોઇ- FRRO દ્વારા FRRO/FROનો સંપર્ક કરી શકે છે.
 
# અનિવાર્ય સંજોગોમાં ભારતમાં આવવા માંગતા કોઇપણ વિદેશી પ્રવાસી તેમના નજીકના ભારતીય મિશનનો સંપર્ક કરી શકે છે.
 
# વિઝા પ્રતિબંધો પહેલાંથી જ અમલમાં મૂકવામાં આવ્યા છે તે ઉપરાંત, ઇટાલી અથવા કોરિયાથી પ્રવાસ કરીને આવી રહેલા/ આ દેશોની મુલાકાત લીધી હોય તેવા પ્રવાસીઓ ભારતમાં આવવા ઇચ્છુક હોય તો તેમણે COVID-19 નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર જે-તે દેશના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા નિયુક્ત લેબોરેટરી પાસેથી લઇને રજૂ કરવાનું રહેશે. આ નિર્ણય 10 માર્ચ 2020ના રોજ 0000 કલાકથી અમલમાં છે અને COVID-19ના કેસોમાં ઘટાડો ના થાય ત્યાં સુધી હંગામી પગલાં તરીકે અમલમાં રહેશે.
 

corona_1  H x W 
 
# 15 ફેબ્રુઆરી 2020 પછી ચીન, ઇટાલી, ઇરાન, કોરિયા પ્રજાસત્તાક, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા અથવા તે દેશોની મુલાકાત લીધી હોય તેવા ભારતીય નાગરિકો સહિત ભારતમાં આવનાર કોઇપણ પ્રવાસીને ઓછામાં ઓછા 14 દિવસ સંસર્ગનિષેધ સુવિધામાં રાખવા. આ નિર્ણય તમામ પ્રસ્થાન સ્થળો પર 13 માર્ચ 2020ના રોજ 1200 GMTથી અમલમાં છે.
 
# ભારતીય નાગરિકો સહિત કોઇપણ આવી રહેલા પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ બિનજરૂરી પ્રવાસ ટાળે અને જો ભારતમાં તેમનું આગમન થશે તો 14 દિવસ સુધી સંસર્ગનિષેધ સુવિધામાં રહેવું જરૂરી છે તેનાથી માહિતગાર રહે.
ભારતીય નાગરિકોને વધુમાં પ્રબળપણે સલાહ આપવામાં આવે છે કે તેઓ, ચીન, ઇટાલી, ઇરાન, કોરિયા પ્રજાસત્તાક, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીનો પ્રવાસ કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળે.
 
# ભારતમાં આવી રહેલા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ જાતે જ પોતાના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવી અને "આટલું કરો" તેમજ "આટલું ના કરો" વિશે સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતોનું પાલન કરવું.
 
# જમીન માર્ગેથી આવતા આંતરરાષ્ટ્રીય ટ્રાફિકને નિર્ધારિત ચેકપોસ્ટ પર રોકવામાં આવશે અને સઘન સ્ક્રિનિંગ સુવિધાઓમાં તેમની તપાસ થશે. આ અંગે ગૃહમંત્રાલય દ્વારા અલગથી સૂચના આપવામાં આવશે.
 
# ભારતમાં પ્રવેશી રહેલા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ સ્વાસ્થ્ય અધિકારીઓ અને ઇમીગ્રેશન અધિકારીઓને પોતે સહી કરેલું જાહેર એકરાર ફોર્મ (અંગત માહિતી જેમ કે, ફોન નંબર અને ભારતમાં સરનામું સહિત)ની નકલ આપવાની રહેશે અને તમામ પ્રવેશ સ્થળોએ નિયુક્ત સ્વાસ્થ્ય કાઉન્ટર પર સાર્વત્રિક સ્વાસ્થ્ય સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે.
 
અત્યાર સુધીમાં, COVID-19ના 73 કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસમાં દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે.