કોરોના પર કાબૂ નહીં લેવાય તો મહામારી સાથે મહામંદી પણ ફેલાશે

    ૧૪-માર્ચ-૨૦૨૦   

corona_1  H x W
 
 
આજથી બરાબર એકસો ને બે વર્ષ પહેલાં ડિસેમ્બર ૧૯૧૮માં સ્પેનિશ ફ્લૂ તરીકે ઓળખાતા એન્ફ્લૂએન્જા નામના રોગ્ો સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ૨૦૦૯માં એચ૧એન૧ એન્ફ્લૂએન્જા વાયરસે સ્વાઈન ફ્લૂ રોગના નામે આખા વિશ્વને ભરડામાં લીધું હતું. આ બંને રોગોથી આખા વિશ્વની ૨૭ ટકા વસ્તીને અસર થઈ હતી, ૫૦ કરોડથી વધુ લોકો બીમાર પડ્યા હતા અને ૪ થી ૫ કરોડ લોકો મોતને ભેટ્યા હતા. હવે ૨૦૨૦માં અતિ ઘાતક કોરોના વાયરસ ચીનના વુહાન પ્રાંતમાંથી નીકળીને સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. દુનિયાભરના સંશોધકોના મતે જો આના પર જલદી અંકુશ નહીં લેવાય તો વિશ્વની માનવજાત પર ખતરનાક આફત આવી પડશે.
 
શરૂઆતમાં કહેવાયું કે આ વાયરસ સાપ અને ચામાચીડિયાથી ફેલાયો છે, પરંતુ એ અંગે સહમતી સધાઈ નથી. કહેવાય છે ચીનના વુહાનમાં જૈવિક રાસાયણિક પ્રયોગશાળામાંથી આ વાયરસ ફેલાયો છે. ઈઝરાયેલના ટોચના જાસૂસ દાની સોહામે દાવો કર્યો છે કે, કોરોના ચીને બનાવેલું બાયોલોજિકલ વેપન છે, જે દુશ્મન દેશોમાં જીવાણુ અને વિષાણુ ફેલાવીને મોટા પાયે લોકોની હત્યા માટે બનાવાયું હતું. પણ બેદરકારીથી લેબોરેટરીમાં જ એ વાયરસ લીક થઈ જતાં ચીન પોતે જ ભોગ બન્યું. સામ્યવાદી વિચારસરણીને વરેલા સરમુખત્યારશાહી હુકૂમતવાળા ચીને શરૂઆતમાં કોરોના વાયરસની માહિતી છુપાવી હતી એ જ એની બૂરી દાનતની ચાડી ખાય છે. ચીનના આ કરતૂતના લીધે જ આજે બે મહિના પછી પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોનાનું મારણ શોધી શક્યા નથી. ચીનમાં નોંધાયેલા કેસોની સામે સરકારી આંકડા અનુસાર મૃત્યુઆંક માત્ર બે ટકાનો છે, પરંતુ ચીને અનેક પ્રાંતો પર લશ્કરી જાપ્તો ગોઠવી દીધો છે, ચીને જો દરેક પ્રાંતમાં આવું કર્યું હોય તો એની સામ્યવાદી સમાજરચના હોવા છતાં એ માનવ અધિકાર વિરુદ્ધનું હીનકૃત્ય છે.
 
કોરોના વૈશ્વિક મહામારી તરીકે ઊભરી રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં એક લાખથી પણ વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. વિશ્વના ૮૧ કરતાં વધારે દેશોમાં તે ફેલાઈ ચૂક્યો છે અને ૪૫૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં પીડિતોની સંખ્યા ૩૦ની છે, ગુજરાતમાં ૩૫ શંકાસ્પદમાંથી ૩૦ નેગેટિવ અને અન્ય પાંચના વધુ રીપોર્ટ થઈ રહ્યા છે. કોરોના મહામારીના ભારતમાં પગપેસારા પછી દેશનાં અનેક રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, ઈટલીમાં ફેલાયેલા ચેપને પગલે કેન્દ્ર સરકારે કોરિયા અને ઈટલીથી આવનારા લોકો પાસે કોરોનામુક્તનું સર્ટિફિકેટ લાવવાનું ફરજિયાત કર્યું, મધ્યપ્રદેશમાં યોજાનારો આઈફા એવોર્ડ સ્થગિત કરાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેલ્જિયમનો પ્રવાસ રદ કર્યો. વિમાની મથકોએ કડક તપાસ થઈ રહી છે. ગુજરાત સહિત અનેક રાજ્યના આરોગ્ય તંત્રએ સાવચેતીનાં મોટાં પગલાં શરૂ કરી દીધાં છે. યુરોપ, અખાતના દેશોથી માંડીને અમેરિકા પણ રોગચાળાના વ્યાપને લઈને ફફડે છે. જાપાન, ઇરાક, સાઉદી અરેબિયા જેવા દેશોએ પણ વિદેશી પ્રવાસીઓને અટકાવવા કામ શરૂ કર્યું છે, શાળા-કોલેજો બંધ કરાવાઈ છે. ઈરાને શુક્રવારની નમાજ અને બિનજરૂરી અવર-જવર પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
 
કોરોના વાયરસ માત્ર માનવીને જ નહીં, વૈશ્વિક અર્થતંત્રને પણ બીમાર કરી રહ્યો છે. આર્થિક સહયોગ અને વિકાસ સંગઠને બહાર પાડેલા રિપોર્ટ મુજબ કોરોનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા વર્તમાન ત્રિમાસિકમાં એક મોટા આંચકામાંથી પસાર થઈ રહી છે, જે ૨૦૦૯માં આવેલી મંદી બાદ પહેલી વખત છે. વિશ્વ બેંકે કોરોનાને કારણે ગ્લોબલ ગ્રોથ રેટમાં એક ટકા સુધીના ઘટાડાની ચેતવણી આપી. વૈશ્વિક માર્કેટ ૧૦%થી વધારે તૂટવાથી કોરોના ઇન્ફેક્શનથી મરતાં લોકોનાં પ્રમાણમા માર્કેટના ઈન્વેસ્ટર્સ વધારે મરી જશે. બ્લૂમર્ગના એક રિપોર્ટ મુજબ સમગ્ર દુનિયાના ટોપ - ૫૦૦ અબજોપતિઓની સંપત્તિમાં ગત એક જ અઠવાડિયામાં ૪૪૪ અબજ ડોલર, લગભગ ૩૨ લાખ કરોડ રૂપિયાનો કડાકો જોવા મળ્યો. ગયા સપ્તાહમાં ભારત સહિત સમગ્ર વિશ્વના શેરબજારમાં આવેલો ભૂકંપ સ્ૂાચવે છે કે આવનારા દિવસોમાં જો આ રોગ પર કાબૂ નહીં લેવાય તો મહામારી સાથે મહામંદી પણ ફેલાઈ જશે, કારણ કે વિશ્વની મલ્ટિનેશનલ કંપનીઓ - એપલનો આઈફોન હોય કે નાઈકીના શૂઝ વગેરેની મોટાભાગની પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરીંગ ચીનમાં થાય છે.
 
ચીનમાં કોરોના વાયરસના પગલે એરલાઇન્સ, ક્રૂઝ લાઇન્સ, હોટેલ્સ, ઈન્ડસ્ટ્રિઝ, ટૂરિઝમ વગેરેને મોટો ફટકો પડ્યો છે. પેટ્રોલ - ડિઝલની ખપત ૩૫ ટકા જેટલી ઓછી થઈ ગઈ છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક જીડીપીમાં ચીનનું યોગદાન પરચેઝ પાવરની દૃષ્ટિએ ૧૯.૭૧ ટકા જેટલું થાય છે. કોરોનાને પગલે ચીનનો જીડીપી એકથી સવા ટકા ઘટે તો વિશ્વનો જીડીપી અરધો ટકો ઘટે તેવી ત્રિરાશી નિષ્ણાતો મૂકી રહ્યા છે. વિશ્વના વેપારમાં ચીન ૧૩ ટકા નિકાસ અને ૧૧ ટકા આયાત કરે છે. તેની ગણના સૌથી મોટા નિકાસકાર અને દ્વિતીય નંબરના આયાતકાર તરીકે થાય છે. આથી સમગ્ર વિશ્વને નુકસાન થાય અને આર્થિક મંદી આવે ત્ોવી શક્યતાઓ છે. ભારતના ઉદ્યોગો, ખાસ કરીને ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ, મેન્યુફેક્ચરિંગ સર્વિસિઝ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ કંપનીઝ, કેમિકલ્સ, એરલાઇન્સ, શિપિંગ, ઓટો ઇન્ડસ્ટ્રિઝ વગ્ોરે ક્ષેત્રોમાં ભારતને ખાસ્સું નુકસાન સહન કરવું પડશે, કારણ કે આ ઉદ્યોગો ચીનના કાચા માલ પર અવલંબે છે. મેન્યુફેક્ચરિંગથી માંડીને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ જેવાં તમામ ક્ષેત્રોમાં કોરોના વાયરસની નકારાત્મક અસર જોવા મળે છે.
 
અત્યારે મેડિકલ ઇન્ડસ્ટ્રીઝનું ધ્યાન વ્યક્તિગત બીમારીની સારવાર પર છે. આખા સમાજને બાનમાં રાખનારી કમ્યુનિટી હેલ્થ સિસ્ટમ હોસ્પિટલોના એજન્ડા પર નથી. આશા રાખીએ કે જલદીથી કોઈ વૈશ્વિક નિર્ણય લેવાય. ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના મારણ સહિત ત્ોનાથી સાવચેતીનાં નક્કર પગલાંઓ સમગ્ર વિશ્વની જનતાને મળી રહે તે માટે પ્રયત્ન કરવાની જરૂર છે. માત્ર મોતના આંકડાઓથી જનતામાં ડર અને ભયનું વાતાવરણ સર્જાય છે, તેના બદલે સાવધાનીના ઉપાયોની ચર્ચા વધારે ઢ કરવી જોઈએ. કેવો ખોરાક લેવો, કેવી રીતે બહાર નીકળવું વગેરે બાબતોનો પૂરતા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર થવો જોઈએ.
 
વિશેષજ્ઞો કહી રહ્યા છે કે ભારતમાં ઉનાળાનો પ્રભાવ વધવાની સાથે સાથે ગરમીને કારણે કોરોના ફેલાતો અટકશે. ભારતનો યોગ, આયુર્વેદ, નેચરોપથી, જડીબુટ્ટીઓ અને જીવનશૈલી કુદરતનાં સહકાર સાથે વધારે મદદરૂપ થાય. વાયરસ પણ ખતમ થઈ જાય તેવી આશા અને સૌને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ.