મિત્રો, અજાણ્યા ગ્રહના દેવદૂતો...
બાલાશિનોરની સર્વોદય હોસ્પિટલમાં એક લકવાથી કણસતો દર્દી છે, એ કોઈ જાહેર સંસ્થાનો કર્મયોગી હોય એમ જણાય છે, પાતળું કુટુબ, એથીયે પાતળી આવક અને ઊંડી ઊતરી ગયેલી આંખો અને ખોટા પડી ગયેલા અંગનો ના ઊંચકાય એવો ભાર, છતાં આ માણસના ચહેરા પર એક અજબનું સ્મિત કેમ ફરકે છે ? તપાસ કરી. એની સાથે એક વ્યક્તિ બ્લ્યુ-ટી શર્ટ અને ઓફ વ્હાઇટ પેન્ટમાં ઊભી છે, રૂપરંગ અને કપડાં પરથી જ જણાઈ આવે એ એના સગા નથી અને સુખી એન.આર.આઈ. છે. પણ એ આ દર્દીના સગા તરીકે ઊભા છે, કેમ ? ખબર પડી પેલા દર્દીના મિત્ર છે, અને આ ભાઈ એકલા નથી, ત્રણ મિત્રો છે જેમણે એમના બાળપણના આ મિત્રની જવાબદારી ઉપાડી લીધી છે. શ્ય નાનું છે, પણ એનો ચમકારો ગજબ છે. મિત્રતા પરફ્યુમ નથી જે બહારથી છાંટી શકાય, એ જેમ ગુલાબને હોય છે તેવી અંદરની સુગંધ છે. માનવસંબંધોની ક્ષીણકાય નદીમાં વહેતો આ એક ઝરો છે, ક્ષીણ પ્રવાહ છે પણ નદીને પુનર્જીવન આપી શકે એવી એની તસ્વીર અને તાકાત છે. મનુષ્યને પ્રેમ કરવાનું જે વરદાન મળેલું છે. તેનાથી જ આ જગત જીવવા જેવું રહ્યું છે. મિત્રતા એ મનુષ્યતાનું પુષ્પ છે, આનંદનો રાજમાર્ગ છે. બાળપણના મિત્રોની એક જબરી કેમેસ્ટ્રી હોય છે. એમાંયે તમે બાળપણ ગામડામાં વિતાવ્યું હોય તો તો આંબાની કેરીની ખટાશ અને કોક અજાણ્યા પક્ષીના ટકાથી છલોછલ હોય છે મિત્રતા. પહેલી વાર કબડ્ડી રમતાં રમતાં જેણે આપણને પછડાટ આપીને હાથ છોલી નાંખેલો, એ જણ મળે તો એને ભેટવાની ઇચ્છા થઈ આવે છે. દરેક બાળક એક નાનકડી મિત્રોની કાલીઘેલી દુનિયા ગજવામાં રાખીને મોટો થતો હોય છે.
કોલેજના દિવસોમાં યૌવનનો નશો હોય છે, મસ્તીનો માહોલ હોય છે, જીવનમાં શક્તિનો આવિર્ભાવ અને અહેસાસના આ દિવસો મિત્રોને શોધે છે. શેર કરવાની ઇચ્છા જાગે છે, ફ્રેન્ડને લાઇક કરવાની ઋતુ બેસે છે. પોતે એક ફાડિયું છે અને બીજું ફાડિયું શોધવાનું છે એની એક ઝીણી તડપન અનુભવાય છે. સ્માર્ટફોનના આગમન સાથે આ દિવસો ભારે રંગરંગીલા બન્યા છે. ટીન-એજર્સ નહીં, સ્ક્રીન-એજર્સની દુનિયા ડિજિટલ પ્રેમ અને મૈત્રીના નવાનક્કોર દરિયામાં નહાવા પડે છે. આ મિત્રો યુવાનના વ્યક્તિત્વને બનાવે છે અથવા બગાડે છે. મિત્ર વગરનો યુવાન સુકાઈ ગયેલા વૃક્ષના થડ જેવો લાગે છે. અહીં મજાની જિજ્ઞાસા ભળે છે. પુસ્તકોની અને મિત્રોની દુનિયા માણસને લીલાછમ્મ વૃક્ષ જેવો બનાવે છે.
વ્યવસાયમાં જુદા જ પ્રકારના મિત્રો મળે છે. જેમને એજન્ડા-પીધેલા લોકો કં છું એમને ઓળખતાં આવડે ત્યારે મનુષ્ય વ્યાવસાયિક સફળતાનો આનંદ તો માણે જ છે, પણ તેના કરતાં માણસને ઓળખવાની કલા એક આધ્યાત્મિક કક્ષાના અનુભવમાં પરિવર્તિત થાય છે. આભિજાત્ય અને નિત્યાનિત્યવિવેક જેવા આવિર્ભાવોથી માણસ જીવનની યથાર્થતા અને વ્યર્થતાનો નીરક્ષીર વિવેક શીખે છે તે પણ મિત્રો, અર્ધમિત્રો કે બરૂપીઓને આભારી છે. બધી પરીક્ષાઓમાંથી પાર ઊતરેલી મિત્રતા દૈવી આભા પ્રાપ્ત કરે છે, એમાં વિનોદ ભળે તો ક્ષણે ક્ષણે જીવન ઉત્સવ લાગે છે. જે લોકોને ઘડપણમાં એકલાપણું નથી લાગતું એ લોકોનો મિત્રવૈભવ અદભુત હોય છે. મોબાઇલ-મોબથી કટાળેલું મન મિત્રોનો મેળો ઝંખે છે, જેને આવી ટોળી મળી હોય એની ઝોળીને ઈશ્વર આનંદથી છલકાવી દે છે. (મારા આ નસીબને કારણે ં ભાગ્યેશ છું) ભર્તૃહરિએ મિત્રોનાં છ લક્ષણ કહ્યાં છે. (પાપાન્નિવારયતિ, યોજ્યતે હિતાય, ગૃહ્યં નિગૂહતિ ગુણાન્પ્રકટી કરોતિ, આપદગતે ન જહાતિ, દદાતિ કાલે, સન્મિત્રલક્ષણમિદ પ્રવદન્તિ સન્તઃ) જે પાપમાં જતા મનુષ્યને પાછો વાળે અને જે હિતવર્ધક હોય તે તરફ વાળે.
ભગવદગીતામાં અર્જુનને વારંવાર ભગવાન કહે છે, હિતાય, હિતકામ્યયા તારા હિત માટે, તારી હિતની ઇચ્છાથી વળી, સન્મિત્ર હમેશાં તમારી જે બાબતો ગુપ્ત રાખવા જેવી હોય એને ખાનગી રાખે છે. જ્યારે તમારા સદગુણોનો મહિમા કરે છે. જે તમે દુઃખમાં હો ત્યારે તમને છોડી ના દે પણ સાથે ઊભો રહે અને દુર્દૈવના દિવસોમાં મદદ કરે. આ છ સન્મિત્રનાં લક્ષણો છે.
જીવનના અનેક વળાંકો પર જે મિત્રો મળે છે એ જેમ આયુષ્યના જે તે તબક્કાની માનસિક જરૂરિયાત પ્રમાણે મળતા હોય છે પણ એમની વૃત્તિ અને વર્તનથી પણ પાંચ પ્રકાર પાડી શકાય છે. કેટલાક મિત્રોની પ્રકૃતિ પીડાનાશક હોય છે, તમે પીડામાં હો ત્યારે આવા મિત્રો આવી જાય છે જ્યારે બીજા પ્રકારના મિત્રો મહોત્સવોના મહારથી હોય છે. આવા મિત્રો તમારે ઘેર આવનારા ઉત્સવોને જીવંત બનાવી દે છે. લગ્ન જેવા પ્રસંગોમાં આ મિત્રો આખો ભાર ઉપાડી લેતા હોય છે. ત્રીજા પ્રકારના મિત્રો પરિવારના પીલર્સ હોય છે, એ તમારા પરિવારના સામાજિક ચોકઠામાં ના હોવા છતાં આવા મિત્રોને આખું કુટુમ્બ ધ્યાનથી સાંભળે છે. ચોથા પ્રકારના મિત્રો ગમ્મતના ગુલદસ્તા જેવા હોય છે. એ આવે એટલે આનંદ વ્યાપી જાય છે. જાે કે આ બધાનો સમાવેશ કરે તેવા પાંચમા પ્રકારના મિત્રો પ્રેમના સંતો જેવા હોય છે. એ બધા સમયના સાથી હોય છે. એમને ભગવાને મોકલ્યા હોય તેવી એમની આભા હોય છે.
મિત્રો લાગતા હોય છે સામાન્ય માણસ જેવા પણ એ દેવદૂતો હોય છે, એમની આંખમાં બુદ્ધની કરુણાનું સાંસારિક ભાષાંતર હોય છે. એમની વાણીમાં શ્રીકૃષ્ણનો ટકાર હોય છે, એ કર્ણના વંશજ હોય છે. એમને મન પ્રેમ એ જ જીવનનો અર્ક છે. મિત્રો બને છે, જ્યારે ભાઈ-બહેન-માતા-પિતા બધું ઇશ્વર આપે છે. મિત્ર એ માણસની શોધ છે એવું લાગે પણ વાસ્તવમાં એ શોધનો વિષય નહીં, સાધન બની જાય છે. સ્વાર્થ અને શોર્ટકટના આ સમયમાં સારા મિત્ર મળવા એ ધન્યતા છે.