માનસમર્મ । તું તારો દિલનો દીવો થા । મોરારિબાપુ

    ૧૪-માર્ચ-૨૦૨૦   

moraribapu_1  H 
 
બાવનબારો શબ્દ સાંભળવા સાતમી ઇન્દ્રિય સતેજ કરો
 
મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. અસત્યનો સત્ય પર વિજય થયો. શ્રીકૃષ્ણ દ્વારિકા તરફ પ્રસ્થાન કરતા હતા. છેલ્લે માતા કુંતીના ચરણોમાં પ્રણામ કર્યાં અને કહ્યું કે આપની હું શું સેવા કરી શકું ?
 
કુંતીએ કહ્યું કે આપવું જ હોય તો થોડાં દુઃખ આપો.
 
મા, તમે માગી માગીને દુખ માગ્યું ?
 
અમારા પર દુ:ખના દરિયા ઢોળાય ત્યારે જ તમે મદદ કરવા દોડી આવો છો. દુ:ખને બહાને તમને મળી શકાય છે અને તમને મળીએ પછી દુખ શાનું !
 
કેટલીક વ્યક્તિને મળીએ તો પ્રસન્નતા છવાઈ જાય છે. એને આપણી પણ ઉંમર લાગી જાય એવી મનોકામના થઈ જાય છે. કેટલાકને પહેલીવાર મળીએ અને એનો ચહેરો જોઈ એક થપાટ મારવાની ઇચ્છા થઇ આવે છે. દરેક વ્યક્તિની આસપાસ એની એક ઓરા હોય છે. સંતો એ ઓરાને નિહાળી શકે છે.
 
સાચા ગુરુ ન બોલાયેલા શબ્દને પણ સાંભળે છે. બાવનબારો શબ્દ સાંભળવા સાતમી ઇન્દ્રિય સતેજ કરવી પડે,જે ગુરુ વિના શક્ય નથી. વિવેકપ્રધાન ગુરુનો આશ્રય એ સાધકનું મોટામાં મોટું કવચ છે; મંદિરનો એક દીવો પૂજારી પ્રગટાવે છે ત્યારે દેવ વાટ નથી સંકોરતા કે નથી દીવેલ પૂરતા. જે કંઇ કરે છે એ પૂજારી કરે છે. એ પૂજારી એટલે ગુરુ અને ગુરુ એટલે ઈશ્વરનો પ્રતિનિધિ. આપણે ત્યાં ગુરુ વિશે અનેક દર્શનોની ચર્ચા થઇ છે. એમાં મોટાભાગની ધારણાઓમાં ગુરુ અનિવાર્ય છે અને ઉપકારક છે, એ વાત દૃઢતાપૂર્વક કહેવાઈ છે. એક એવો વિચાર પણ આપણે ત્યાં પ્રવર્તે છે કે ગુરુ જરૂરી નથી. પોતાની યાત્રા પોતે જ કરવાની હોય અને છેલ્લે બુદ્ધ કહે છે તેમ અપ્પ દીવો ભવ. બુદ્ધ સાથે સંમત થવા છતાં ગુરુની ઉપકારકતા અને અનિવાર્યતા વિશે કંઇક કહેવું હોય તો એટલું જ કહીશ કે તું તારા દિલનો દીવો થા. આ એક પંક્તિ આખું આકાશ ભરીને અજવાળાં પાથરે છે. દીવો પ્રગટાવનાર કોઈક તો જોઈએ. એ કોઈક નામના તત્ત્વને આપણે ગુરુ નામે ઓળખીએ છીએ. એ પછી દતાત્રેયની માફક પશુ, પક્ષી કે માણસ કોઈ પણ હોઈ શકે. જ્યાંથી પણ સદ્ પ્રાપ્ત થાય એ આપણા સદ્ગુરુ. ગુરુ એકવાર આત્મજ્યોતિ પ્રગટાવી દે પછી એને સંસારના વાયરાઓ બુઝાવી ન શકે. એ ચીમનીની ગરજ સારે છે. રામાયણમાં કહ્યું છે કે કવચ અભેદ વપિર ગુર પૂજા.
 

moraribapu_1  H 
 
મહાભારતમાં કહેવાયું છે કે જેમ ખેતર વગર વાવેલું બી વેડફાઈ જાય છે તેવી રીતે મહેનત વગર ભાગ્ય ઊજળું થતું નથી. શ્રમ વગર માણસનો આરો-ઓવારો નથી. ગુરુ પાસે જશો તો એ પણ પહેલાં સાધના કરવાનું કહેશે. ભગવાન વ્યાસે પ્રમાદને મૃત્યુ કહ્યું છે. મને ઘણા લોકો કહે છે કે બાપુ, આપ તો વાતો કરો છો. આપને તો બહુ પરિશ્રમ પડતો જ નથી. બાપ, ચિંતન-મનન પણ એક શ્રમ છે. સાધક અવસ્થામાં સાધના કરવી એ બહુ મોટો ઉદ્યમ છે. વિષ્ણુ શ્રમધર્મા છે. એટલા માટે વિષ્ણુનો વર્ણ શ્યામ છે. નીલ સરોરુહ શ્યામ પંચધર્મા વિષ્ણુનું પ્રથમ લક્ષણ છે શ્રમધર્મા. નરરૂપમાં નારાયણનો આનંદ લેવો હોય તો આપણે શ્રમધર્મા થવું જ જોઈએ.
 
જ્યાં સુધી વ્યક્તિ પોતાની ફરજ પૂરી નથી કરતી ત્યાં સુધી એ વ્યક્તિ માણસ નથી બની શકતી. ઉમાશંકર જોશીએ કહ્યું છે કે વ્યક્તિ મટી વિશ્વમાનવી બનવાની વાત તો પછી આવે છે. ધર્મનો એક અર્થ ફરજ પણ થાય છે. તલગાજરડીની ષ્ટિએ જોઈએ તો સમસ્ત ધર્મોનો સાર સત્ય, પ્રેમ અને કરુણામાં સમાઈ જાય છે.
 
મા બાળકને જન્મ આપે એ બહુ મોટું સમર્પણ છે. નવ મહિના પોતાના ઉદરમાં સાર-સંભાળ રાખે એ જગતનો સૌથી મોટો શ્રમ છે. સંહાર તો સેકન્ડમાં થાય છે પણ સર્જનમાં વર્ષો વીતી જાય છે. અશક્યને પણ શક્ય બનાવે એ જાદુઈ છડીનું નામ મહેનત છે. દુષ્યંતકુમાર કહે છે તેમ...
 
કૈસે આકાશ મેં સૂરાખ નહીં હો સકતા,
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારોં ।
 
- આલેખન - હરદ્વાર ગોસ્વામી