નમસ્તે દ્વારા અભિવાદન કરવાની ભારતીય પરંપરા ઉપરાંત બીજી અનેક રીત છે કે વિશ્વના લોકો અપનાવશે...!

    ૧૯-માર્ચ-૨૦૨૦   

hindutva_1  H x 
 

આખિર સબ કો આના હૈ, જરા દેર લગેગી

 
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુ, પૂર્વ ક્રિકેટર જૉન્ટી રૉડ્સ અને હૅડસ્પેસ કંપનીના સ્થાપક એન્ડી પુડ્ડુકૉમ્બે વચ્ચે શું સામ્યતા છે ? તેમણે પશ્ચિમી વિકૃતિઓ તરફ વળવા લાગેલા ભારતીયોને શું સંદેશો આપ્યો છે ?
 
કોરોના વાઇરસ... આજકાલ જ્યાં જોઈએ ત્યાં તેની જ વાત ચાલી રહી છે. અને રાજકીય મજાક ન કરીએ અને વાસ્તવિકતા કહીએ તો ચીન તો છે જ પણ ઇટાલીથી આ વાઇરસના દર્દી ભારતમાં વધુ આવ્યા છે !
 
આ વાઇરસથી જે રીતે દર્દી ટપોટપ મરી રહ્યા છે, ત્યારે લોકોમાં હાઉ ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં આ લખાય છે ત્યાં સુધી એક પણ દર્દી ઈશ્વરકૃપાએ કોરોના વાઇરસનો નથી, પરંતુ જ્યારે આની વાત આવવી શરૂ થઈ અને એક અગ્રણી સમાચારપત્રએ નેગેટિવ સમાચાર ફેલાવતાં લખ્યું કે કોરોનાનો એકેય કેસ ન હોવા છતાં રૂ. ૧ કરોડના ખર્ચે ૨ લાખ માસ્કનો ખડકલો. આ સમાચાર પાંચ ફેબ્રુઆરીએ છપાયા હતા પરંતુ તેના એક મહિના પછી જ વર્તમાનપત્રએ જુદી રીતે સ્વીકાર્યું કે ગુજરાતમાં ૩૫માંથી ૩૦ કેસ નેગેટિવ આવ્યા. પાંચ શંકાસ્પદ કેસના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
 

મહાશય! હાથ નહીં મિલાવવાના.... 

 
કોરોના વાઇરસના પગલે-પગલે જે કેટલીક સૂચનાઓ-સલાહ ડૉક્ટર અને (પશ્ચિમી ચિકિત્સામાં માનતા) આરોગ્ય નિષ્ણાતો તરફથી દેવાઈ રહી છે તે જો આપણા કોઈ સાધુ-સંતે આપી હોત તો? હોબાળો થઈ ગયો હોત, મહાશય! હાથ નહીં મિલાવવાના. ફ્રાન્સમાં તો ગાલે ચુંબન કરીને અભિવાદન કરવાનું પણ બંધ કરી દેવાયું. ભીડમાં ન જવું. આવી સૂચનાઓના પગલે સાધુ-સંતો પર કથિત વામપંથી મીડિયા અને મહિલાવાદીઓ તૂટી પડ્યાં હોત - આ તો ૧૮મી સદીના વિચારો છે. હાથ મેળવવાથી કોઈને રોગ કેવી રીતે થઈ જાય ? ગાલે ચુંબન કરવાથી તો પ્રેમ વધે, રોગ નહીં. જે પ્રક્રિયાથી પ્રજોત્પત્તિ થાય તે બીમારી કેવી રીતે ફેલાવી શકે ?... વગેરે વગેરે.
 
પરંતુ હવે કહેવું આપણે નથી પડતું. દુનિયા જ કહી રહી છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્ઝામીન નેતન્યાહુને નવી ચૂંટણી માટે બહુમતી માટે થોડી સંખ્યા ખૂટે છે પરંતુ તે મળી જશે. તે આનંદના સમાચાર ઉપરાંત બીજા સમાચાર એ છે કે તેમણે આ રોગચાળાની સમીક્ષા બેઠક પછી જે પગલાં સૂચવ્યાં તેમાં નમસ્તે દ્વારા અભિવાદન કરવાની ભારતીય (એટલે હિન્દુ) પરંપરાને અપનાવવાની વાત કરી. અલબત્ત, ભારતના વામપંથી મીડિયાએ આ સમાચારને જોઈએ તેટલું મહત્ત્વ ન આપ્યું.
 

namaste_1  H x  
 
આપણા પર રાજ કરનાર અને આપણને ખોટી અંગ્રેજી રીતભાત આપી જનારા બ્રિટીશરોના દેશના પ્રિન્સ ચાર્લ્સ હોય કે ફ્રાન્સના પ્રમુખ મેક્રો કે પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તમામ હવે નમસ્તેથી અભિવાદન કરવા લાગ્યા છે.
 

જૉન્ટી રૉડ્સને ભારતીય પરંપરા પસંદ છે...

 
બીજી એક તસવીર તાજેતરમાં પ્રચલિત થઈ તે જૉન્ટી રૉડ્સની. જૉન્ટીનો પરિચય આપવાની જરૂર નથી. એક સમયના દક્ષિણ આફ્રિકાના તરવરિયા અને ચપળ ફિલ્ડર અને બૅટ્ધર. તેઓ અદભુત ફિલ્ડિંગ દ્વારા દુનિયાભરમાં જાણીતા બની ગયા હતા. આઈપીએલમાં તેઓ પંજાબની કિંગ્સ ઇલેવન પંજાબના કૉચ છે. જૉન્ટી રૉડ્સ નાનપણથી ચુસ્ત ખ્રિસ્તી વાતાવરણમાં મોટા થયા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે એમ કહેલું કે એક વાર મેં મારી જિંદગી ક્રાઇસ્ટને આપી દીધી પછી હું શતક ફટકારું કે શૂન્ય પર આઉટ થઉં, મને તેનાથી કોઈ ફરક પડતો નહીં. એક રીતે કહી શકાય કે સંપૂર્ણ આધ્યાત્મિક જીવન. જે રીતે આપણે ત્યાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારી લઈ માત્ર કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે તેવું.
 
અને એટલે જ તાજેતરમાં તેમણે ટવિટર પર પોતાની તસવીર મૂકી તે બતાવે છે કે સાચા ઈશ્વરમાં માનનારમાં एकम् सत् विप्राः बहुधा वदन्ति માને છે. હકીકતે તેઓ ભારતમાં પોતાના પરિવાર સાથે વેકેશન ગાળવા આવ્યા હતા. ચાર માર્ચે તેમણે પોતાનો ફોટો મૂક્યો, જેમાં તેઓ પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લઈને પ્રણામની મુદ્રામાં દેખાય છે. તેમણે લખ્યું, પવિત્ર ગંગાના ઠંડા પાણીમાં ડૂબકી લેવાના શારીરિક અને આધ્યાત્મિક બંને પ્રકારના લાભ છે.
 
આપણા ક્રિકેટરો અને હિન્દી ફિલ્મજગતનાં નટ-નટીઓ જે આજકાલ હિન્દુ હોવામાં શરમ અનુભવે છે અથવા હિન્દુ પરંપરાને ત્યજતાં જાય છે, આપણા તરુણો, જે આ નટ-નટીઓનું જોઈને પોતાની ઉજ્જ્વળ પરંપરાને ક્ષુલ્લક અને કાળબાહ્ય માને છે તેના માટે આ મોટો સંદેશ છે. સ્પિનર હરભજનસિંહે આનો જવાબ આપતાં લખ્યું, તમે મારા કરતાં વધુ ભારતને જોયું છે. તમને પવિત્ર ગંગા નદીમાં ડૂબકી મારતા જોઈને સારું લાગ્યું. આવતી વખતે મને પણ સાથે લઈ જજો.
 
આમાં મહત્ત્વની વાત એ છે કે આપણાં સ્થાનો, આપણાં નાયક-નાયિકાઓનાં નામ અંગ્રેજોએ તો બગાડી મૂક્યાં જ છે પરંતુ કાળા અંગ્રેજો સમાન ભારતીયો તે જ નામ ચલાવ્યે રાખે છે, જેમ કે ગંગાને Ganges તરીકે અંગ્રેજો લખતા હોય છે, પરંતુ અંગ્રેજોને ભારત છોડ્યાંને ૭૩ વર્ષ થવાં આવ્યાં તો પણ મીડિયા, નટ-નટીઓ અને મહાનુભાવો પોતે પણ Ganges તરીકે જ લખે છે. અહીંથી વિદેશ જાય તો પોતાનાં નામ શરમના માર્યા બદલી નાખતાં હોય છે. હરિનું હેરી કરી નાખે! અહીં જૉન્ટીએ પણ Ganges લખેલું, પરંતુ હરભજને ટવિટર પર જવાબ આપતી વખતે Ganga જ લખ્યું.
 

namaste_1  H x  
 
ગૂગલમાં શોધખોળ કરશો તો કંગના રાનાવતને બાદ કરતાં ભારતના કોઈ જાણીતા કલાકાર-ક્રિકેટરની ગંગા નદીમાં ડૂબકી મારતી તસવીર નહીં દેખાય. હરભજનસિંહે ટવિટમાં લખ્યું કે આવતી વખતે મને સાથે લઈ જજો. એનો અર્થ એ થયો કે જૉન્ટી રૉડ્સને જોઈને તેમને પણ થયું કે આ તો સારી વાત છે. આપણે પણ જવું જોઈએ.
 

વિદેશી મહાનુભાવો કહે પછી જ આપણને શા માટે જાગીએ છીએ? 

 
પરંતુ તકલીફ એ છે કે વિદેશી મહાનુભાવો કહે પછી જ આપણને શા માટે આપણી કોઈ બાબત પ્રત્યે ગૌરવ થાય છે? શું આપણામાંના કોઈને આપણા પરિવાર પ્રત્યે ત્યારે જ ગૌરવ થાય છે જ્યારે કોઈ વિદેશી કે બહારની વ્યક્તિ કહે કે હા, તમારો પરિવાર તો બહુ સારો ? નહીં ને ? તો પછી વિદેશી મહાનુભાવો ભારતીય પરંપરા કે નદીનાં ગુણગાન ગાય પછી જ આપણે શા માટે જાગીએ છીએ ?
 
આશ્વાસન લેવું હોય તો એ લઈ શકાય કે પશ્ચિમના લોકો જે વિકૃતિના રવાડે ચડ્યા હતા તે હવે ભારતમાં આવીને આધ્યાત્મિક અનુભૂતિ કરી રહ્યા છે. (આમ તો વર્ષોથી કરતા જ રહ્યા છે, પરંતુ સૉશિયલ મીડિયાના કારણે ધ્યાને ચડે છે.)
 
ત્રીજી બાબત તાજેતરમાં આપણને હિન્દુઓને હિન્દુ હોવા માટે ગૌરવ અપાવનારી એ બની કે એન્ડી પુડ્ડીકૉમ્બે નામના એક મહાનુભાવે દિલ્લી ખાતે ઇકૉનૉમિક ટાઇમ્સની ગ્લૉબલ બિઝનેસ સમિટમાં કહ્યું કે ભારત ધ્યાનનું જન્મસ્થળ છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે પશ્ચિમમાં તેને પાગલપણા તરીકે જોવાય છે... તેમણે એમ પણ કહ્યું કે હું છેલ્લાં કેટલાંક સપ્તાહોથી ભારત ફરું છું. દરેક જણ ધ્યાન વિશે જાણે છે. તેના લાભ વિશે પણ જાણે છે, પરંતુ બહુ થોડા લોકો તે કરે છે.
 

આપણે નમસ્તે કરીએ છીએ કે હાથ મિલાવીએ છીએ? 

 
આ વાત સાચી છે. જે હિન્દુવાદીઓ છે, તેમણે પણ હવે પોતાની જાતને પ્રશ્ન પૂછવાની આવશ્યકતા છે. ક્યાંક આપણા પર તો પશ્ચિમી ખોટી ટેવો હાવી નથી થઈ રહી ને ? આપણે જન્મદિન કઈ રીતે મનાવીએ છીએ? કેક કાપીને કે મંદિરે દર્શન કરીને ? ગાયને ઘાસ ખવડાવીને? આપણે નમસ્તે કરીએ છીએ કે હાથ મિલાવીએ છીએ? આપણે રોજ ધ્યાન કરીએ છીએ?
 
આપણે અન્ય લોકો - ખાસ કરીને સેક્યુલરો સાથેની વાતચીતમાં અથવા આપણી વચ્ચે અરસપરસ હિન્દુત્વની જે મોટી-મોટી વાતો કરીએ છીએ તેમાંથી આપણે તેનું કેટલું પાલન કરીએ છીએ? માત્ર વાતોનાં વડાંથી નહીં ચાલે. પ્રેક્ટિકલ આપણે તે કરીને બતાવવું પડશે. દુનિયા તે જોશે તો જ પ્રેરાશે. વિદેશીઓ તો હવે પ્રેરાયા જ છે. પ્રેરાઈ રહ્યા જ છે. ત્યારે હવે આપણા પર મોટી જવાબદારી છે કે આપણે એક મૉડલ પૂરું પાડીએ. ચાહે તે આધ્યાત્મિક બાબતો હોય, પારિવારિક બાબતો હોય, લગ્ન વગેરે પ્રસંગો હોય, સ્વદેશીની વાત હોય કે પછી વંદે માતરમ્ની. કેટલા લોકો વંદે માતરમ્ કડકડાટ એક અંતરા સાથે પણ ગાઈ શકે છે? કેટલા લોકો અંગ્રેજીમાં જો વાત કરવી પડે તો યોગાના બદલે યોગ અને રામાના બદલે શ્રી રામ બોલે છે? આ વાત આપણે આપણી જાતને પૂછવી જોઈએ. અહીં પ્રશ્ન હિન્દુવાદીઓ પર ઉઠાવવાનો નથી, પરંતુ જે સ્થિતિ છે તેમાં હવે હિન્દુત્વમાં માનનારાની જવાબદારી વધી જાય છે અને હિન્દુવાદીઓ પર માત્ર વિરોધીઓની જ નહીં, સમગ્ર દુનિયાની નજર છે. 
 

એન્ડી પુડ્ડુકૉમ્બેએ પડકાર આપ્યો છે ભારતીયોને. ... 

 
જે રીતે એન્ડી પુડ્ડુકૉમ્બેએ નિરીક્ષણ કર્યું તેવું નિરીક્ષણ થાય તો ભારત માટે કેટલી શરમજનક બાબત કહેવાય કે ધ્યાનની વાત કરનારા ભારતમાં માત્ર થોડા લોકો જ ધ્યાન કરે છે! એક રીતે એન્ડી પુડ્ડુકૉમ્બેએ પડકાર આપ્યો છે ભારતીયોને. તે સહુ ભારતીયોએ ઝીલી લેવાનો છે.
 
પરંતુ કોઈ પણ વાચકને થશે કે આ એન્ડીભાઈ છે કોણ? તો એ જાણી લો કે તેઓ યુકેના રહેવાસી છે. તેમણે સ્પૉર્ટ્સ સાયન્સનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ બૌદ્ધ સાધુ બનવા ૧૯૯૪માં અભ્યાસ અધૂરો છોડી દીધો. તેમણે ભારત, નેપાળ, મ્યાનમાર, થાઇલેન્ડ, ઑસ્ટ્રેલિયા અને રશિયામાં ધ્યાનનું પ્રશિક્ષણ લીધું. ૨૦૦૬માં તેમણે મેડિટેશન કન્સલ્ટન્ટ તરીકે કારકિર્દી શરૂ કરી દીધી. ૨૦૧૦માં લંડનમાં એક ઈવેન્ટ કંપની હૅડસ્પેસ શરૂ કરી. તેઓ કારકિર્દી દ્વારા મેડિટેશન એટલે કે ધ્યાનનો પ્રચાર કરી રહ્યા છે. તેમને કેન્સર થયું પરંતુ તેમણે કહ્યું કે (ધ્યાન વગેરે દ્વારા) ચેતના જાગૃત થવાના લીધે તેમને બીમારી સામે લડવામાં મદદ મળી રહી છે.
 
આના પરથી પેલા ગીતની પંક્તિ હિન્દુત્વના સંદર્ભમાં યાદ આવે છે: આખિર સબ કો આના હૈ, જરા દેર લગેગી.