તંત્રીલેખ । કોરોના સામેનું વૈશ્વિક યુદ્ધ જીતવાનું જ છે !

    ૧૯-માર્ચ-૨૦૨૦   

corona_1  H x W 
 

વિશ્વમાં કુલ ૨,૧૯,૩૫૭ લોકો કોરોનાથી અસરગ્રસ્ત તેમાથી ૮૭,૭૪૫ને કોરોના મટી ગયો છે

 
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ માત્ર સરકારના વિભાગો મટી વિશ્વભરના લોકોનો મહામંત્ર બની ગયો. વુહાન, ચાઈનામાં નવેમ્બર-૧૯માં પ્રકટ થયેલ કોવિદ-૧૯ જે કોરોના વાયરસે અધિકતમ દેશોને બાનમાં લીધા છે. તેને સમજવામાં, ત્વરિત ઉપાય શોધવામાં અને એકસાથે અનેકને થાય તો આપાતકાલિન પ્રતિભાવ વિકસીત કરવામાં ગયેલ સમયમાં, આ વાયરસે વુહાનના લોકોના સંપર્કમાં આવેલ વૈશ્વિક સમુદાયના ઇટલી, સ્પેન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, જાપાન, અમેરિકાના લોકોને અસરગ્રસ્ત કર્યા અને તે સૌના સંપર્કમાં આવેલ લાખો લોકો, અંદાજીત ૧૨૪ દેશમાં જાણે અણુ હુમલા જ કર્યા. તા. ૧૬ માર્ચ, સોમવાર સુધીના અહેવાલે વિશ્વમાં કુલ ૨,૧૯,૩૫૭ લોકો કોરોનાથી અસરગ્રસ્ત છે અને ૮૯૭૦ મૃત્યુને ભેટ્યા છે.
 

જીવલેણ જીવાણુ કોરોના?

 
વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ આ જીવલેણ જીવાણુ, કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. ચાર તબક્કામાં ફેલાતા આ ભયાનક રોગમાં પરદેશથી આવેલ વ્યક્તિ તેના જીવાણુ લઈને આવે, તેના સંપર્કમાં આવતા લોકોને તેનો શ્વાસોચ્છવાસ, છીંક, ઉધરસ, થુંકવા વગેરેથી ચેપ લગાડે, આવી ચેપ લાગેલ વ્યક્તિ/વ્યક્તિઓ સામુહિક રીતે તેનો શિકાર બને અને સમગ્રતામાં ફેલાતો આ રોગ મહામારીનું વરવું સ્વરૂપ ધારણ કરે તેવા છે. ચેપ લાગ્યા પછી તેના સંલક્ષણો દેખાતા અંદાજીત પંદર દિવસ થાય છે અને સામુહિક શિકાર થયેલ શહેરોના લોકોને /દેશોને છેલ્લા ત્રણ અઠવાડિયાનો તાગ મેળવતાં સ્પષ્ટ અંદાજ આવ્યો કે ભૂમિતિ ગણિત પદ્ધતિની માત્રાથી વધી રહેલ આ રોગે મહામારીનું સ્વરૂપ લીધું જ છે.
 

દરેક તબક્કે સાવધાની 

 
ચાઈનામાં ૮૧૦૦૦થી વધુ કેસ અને ૩૨૦૦ થી વધુ જાહેર થયેલા મૃત્યુ છતાં, તેની તબીબી પ્રતિભાવ વ્યવસ્થા અન્વયે ત્યાં આ રોગ કાબૂમાં અને યુરોપમાં આ રોગે માઝા મૂકી આગળ વધ્યો હોય તેવું વૈશ્વિક આરોગ્ય સંસ્થા કહે છે. ચાઈનાએ શરૂઆતમાં વધુ ધ્યાન રાખ્યું હોત, વ્હિસલ બ્લોઅર દ્વારા અપાયેલ ગંભીર ચેતવણી પરથી, ત્વરીત પગલાં લીધા હોત તો ચાઈનામાં જ ૯૫% કેસ બચી શકતા, મહામારીમાં ન પલટાત તેમ હોંગકોંગ ફ્રી પ્રેસ જર્નલ લખે છે. નવેમ્બર-ડિસેમ્બરમાં થયેલ આક્ષેપ જૈવિક રાસાયણિક યુદ્ધ (બાયોલોજીકલ વોર)માં ઉપયોગમાં લઈ શકાય તેવા વાયરલનું નિર્માણ વગેરે ઉપર પણ અત્યારે વિશ્વ આખાએ મૌને સેવ્યું છે. છતાં યુરોપના ઈટલીમાં માત્ર એક દિવસમાં ૩૬૮, સ્પેનમાં ૯૭, યુકેમાં ૧૯ મૃત્યુ થયાં. સ્વીત્ઝર્લેન્ડમાં ૧ દિવસમાં ૮૦૦ કેસ નોંધાયા અને અમેરિકા ૩૨૪૪ કેસ સાથે ૬૨ મૃત્યુને ભોગવી ચુક્યું છે. ભારતમાં ૧૨૪ કન્ફર્મ કેસ સામે મૃત્યુનો આંક બે હોવા છતાં, ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચના ડોક્ટર્સ પ્રમાણે આવતા ચાર અઠવાડિયાં આપણા માટે ખૂબ અગત્યના છે. માનવીય સંપર્ક અને સંબંધના દરેક તબક્કે સાવધાની રાખવા અને સ્વચ્છતાનો મહામંત્ર આત્મસાત કરવાના અંગત, કૌટુબિક તથા સામાજિક દરેક સ્તરે મહત્તમ ચોકસાઈ વર્તવા માટેના પ્રોટોકોલ્સ તે અંગેની જાગ્રત, તબીબી સલાહ તથા સાર્વજનિક સ્થળોએ રાખવાની તકેદારીના કમ, વટકમ, સમજદારી કેળવવાની સલાહ વગેરે રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકાર દ્વારા ગત અઠવાડિયાથી કાર્યાન્વિત છે.
 

નમસ્તે કરો... 

 
ભારતે વિદેશીઓના વિઝા હંગામી ધોરણે અમાન્ય રાખ્યા તો અમેરિકાએ યુરોપના ૨૬ દેશોના નાગરિકો પર અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂક્યો. ઇંગ્લેન્ડ પણ એ જ હરોળમાં છે. દરેક અસરગ્રસ્ત દેશે, મુસાફરી-સલાહ જાહેર કરી નાગરિકોને તાતી જરૂરિયાત સિવાય મુસાફરી ન કરવા જણાવ્યું તો અનેકોએ લોકોને ઘરમાં જ અલાયદા રહેવાની વ્યવસ્થા ઊભી કરી સામાજિક સંપર્ક દૂરીની સલાહ આપી. વિશ્વ આખું જ લૅાક-ડાઉનમાં હોય અને કોઈને ય સીધો ઉપાય, રોગ પ્રતિકારક રસી હાથમાં ન હોવાથી મૃત્યુ અને તેનો ભય, ખૂબ સતાવી રહ્યો છે. ભારતમાં ૧૪ રાજ્યો અસરગ્રસ્ત હોવાથી સ્કૂલ, કોલેજ, રમતગમતના મેદાનો, સ્વિમિંગપુલ, લોકોને એકત્ર થવાના સ્થાન, સામાજિક મેળાવડાના પ્રસંગો વગેરે બધુ બંધ થયું છે.
 
આશાવાદીઓ તો જરૂર કહે છે કે દુનિયા એન્થ્રેક્સ, વેસ્ટ નાઈલ વાયરસ, સાર્સ, બર્ડ ફ્લૂ, ઇકોલી, સ્વાઈન ફ્લૂ, ઇબોલા, ઝીકા વાયરસ, નિપાહ વગેરેના ભયમાંથી પસાર થઈ ચુકી છે. ૨૦૦૮ના આર્થિક ધબડકા, ઉત્તર કોરિયાની ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી કે માયાન કેલેન્ડર પ્રમાણે ૨૦૧૨માં વિશ્વ સમાપ્તીના અંદાજાેથી યે બહાર આવી છે જે સંપૂર્ણ સત્ય હોવા છતાં, ૧૨૪ કરતા વધારે અસરગ્રસ્ત દેશો પાસે, વાયરસ સામે તેને નિર્મૂળ કરવાની પ્રતિકારક રસી ન હોય ત્યાં તેનો વિનાશ, મૃત્યુઆંક, ડર, ભવિષ્યની ચિંતા, મુસાફરી બંધ થવી, ઉત્પાદનમાં સ્થગિત માહોલ અને તેની સળંગ પ્રતિક્રિયા રૂપે અર્થતંત્રમાં મહામંદીના એંધાણ અટકાવી શકાય નહીં. વિશ્વના આર્થિક બજાર તથા શેર બજારે, નિવેશકોનો ૨૫-૩૦% વિશ્વાસ ગુમાવવાની સાથે લાખો-કરોડો ડોલર્સનું બાષ્પીભવન થયું છે. કોરાના વાયરસથી થયેલ મૃત્યુ કરતાં, આ વ્યવસ્થાની અડચણથી અસરગ્રસ્ત લાખો લોકોનું જીવન નીરસ થાય કે તેમને આપઘાત સુધી પહોંચાડે તે ય સંભવ પૂરું ખરું જ.
પત્થરયુગથી આજ પર્યંત, માનવજાત દરેક પડકારો સામે, પ્રાકૃતિક કે માનવસર્જીત, હિંમતભેર લડી છે. છેલ્લા ૨૦૦ વર્ષના તબીબી ઇતિહાસ ય અનેક રોગ અને મહામારીમાંથી હેમખેમ બહાર નિકા છે. કપરા સંજાેગોમાં અજ્ઞાનતા, જીવલેણ જ સાબિત થાય. બે હાથ મળે તો ૧૨૪ મિલિયન, માત્ર હાય-ફાય કરવાથી ૫૫ મિલિયન, મુઠ્ઠી માત્ર અડકવાથી ૭ મિલિયન જેટલા સુક્ષ્મ બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે, નમસ્તે કરવાથી શૂન્ય બેક્ટેરિયા છે. સરકારોએ જાહેર કરેલ અનેક પ્રોટોકોલ્સ પાળવા અને કુટુબીજનોનું ય ધ્યાન રાખવું તે આજના સમયની તાતી જરૂરિયાત.
 

corona_1  H x W 
 

આજનો મહામંત્ર. ડિટેક્ટ, પ્રોટેક્ટ અને ટ્રીટ 

 
વિશ્વના વિજ્ઞાનીઓ, બાયોટેકનોલોજી કપનીઓ, આ કટોકટીમાં અનેકગણી વધારે ઝડપથી, વાયરસની પ્રતિરોધક રસી શોધવા કાર્યરત છે. તે શોધાય ત્યાં સુધી અને ત્યાર પછી યે, વૈશ્વિક સમુદાય, ડોક્ટરો તથા તબીબી કર્મીઓની સારવાર હેઠળ જ છે. તેમને સંપૂર્ણ સહયોગ તે ય આજનો મહામંત્ર. ડિટેક્ટ, પ્રોટેક્ટ અને ટ્રીટ તે ડોક્ટરની કાર્યશૈલી છે. આ મહામારીમાં દર્દીઓને સારવાર આપતા લાગેલ ચેપના કારણે અનેક વ્યાવસાયિકોના મૃત્યુ પણ થયા છે અને કેટલાં ય અસરગ્રસ્ત છે. તેમની હિંમતને બીરદાવવા સાથે શ્રદ્ધાંજલિ આપીએ તો ય ઋણમુક્તિ તો ન જ મળે. મહામારીની વણસેલ પરિસ્થિતિમાં, જ્યાં રોગગ્રસ્તોને વેન્ટીલેટર પર રાખવા પડે, ત્યાં તેના અભાવે, ડોક્ટર તથા દવાખાના વહીવટી તંત્ર માટે ય નિર્ણય લેવા ખૂબ કપરા થઈ પડે. આ સંજાેગોમાં જ નવું લર્નિંગ તથા ઇનોવેશન આવે. કોને અગ્રીમતા ? બાળક, યુવાન, સગર્ભા સ્ત્રી ૭૫-૮૦ વર્ષથી ઉપરના, હોસ્પિટલનો સ્ટાફ, ડોક્ટર્સ, અધિકારી, રાજનીતિજ્ઞ, નેતા ? તેમના માટે આ સૌથી મોટી વિડબણા, ફેફસાંની કાર્યક્ષમતાને શુન્ય કરતા આ વાયરસમાં ઓક્સિજન કોને આપવો અને કોના નાકમાંથી તેની ટ્યુબ કાઢી લેવી તેવા નિર્ણયો વ્યક્તિગત ફાયદા કરતા સામાજિક અને રાષ્ટીય કક્ષાએ દુરોગામી અસર કરે તે પરિસ્થિતિમાં મશીનનું રેશનીંગ કરવું તેમાં કયા તબીબ કર્મીઓને પોતાનામાં જલ્લાદના દર્શન ન થાય ?
 
ઇટલીના સ્વાસ્થ્ય સંરક્ષકો આ વિમાસણમાંથી પસાર થઈ રહ્યા છે. ૮૦ વર્ષથી ઉપરના દર્દીઓને હોસ્પિટલમાં ભરતી નહીં નો નિર્ણય કેટલો ક્રૂર લાગે ? આ લખાણ ડર માટે નહીં, સમજણ માટે જ છે. ત્યાંના નાગરિકોએ દેશ આખો સાવચેતી માટે અલાયદો કરી પીડાને માણોના ગીતો ઘરના કઠેડામાં ઊભા રહી. નતમસ્તકે ગાયા તે ય કરુણાસભર આંસુ જ લાવે. વુહાનમાં ય ૧૦૦૦ દર્દીઓમાંથી માત્ર ૬૦૦ ને જ વેન્ટિલેટર મળી શક્યાં તે કેટલું કરુણાજનક ?
 
આવી પરિસ્થિતિ ભારત માટે દૂર ન હોવા છતાં તેને દૂર રાખવા માટે સ નાગરિકોની સતર્કતા જ અત્યંત ઉપયોગી થાય. હોસ્પિટલ્સ, નર્સીસ, પેરામેડિકલ સ્ટાફ, સરકાર વગેરે પોતાની ભૂમિકા યથાયોગ્ય ભજવે અને તેમનો ભાર ઓછો રહે માટે પોતાના સ્વાસ્થ્યની જાળવણીની પ્રધાનતા તો સૌ નાગરિકોના જ હાથમાં. ૧૭૦ દેશોએ જે યોગને વધાવ્યો છે તેના આસનો, પ્રાણાયમ વગેરે થકી મજબૂત ફેફસા, કપાલભાતી, ભસ્ત્રીકા વગેરે દ્વારા પ્રાણવાયુથી છલોછલ શરીર, વાઈરસનો શરીર પ્રવેશ રોકવા નાક અને મોં પર સંરક્ષક તેલ/માસ્ક વગેરે સાથે ડરને વેગળો મુકી હિંમતભેર તકેદારી રાખવી તે જ સ્વ કલ્યાણ અને કુટુબીજનોને આ અંગે મદદરૂપ થવું તે પરિવાર કલ્યાણનો માર્ગ છે.
 

માનવજાતનું કલ્યાણ એ ભારતનો મહામંત્ર 

 
જર્મની, ઇઝરાયલ તથા અમેરિકન કપનીઓના વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ, સંશોધન વિશેષજ્ઞો બાયોટેક્નોલોજી કપની દ્વારા તબીબી પ્રથાએ કોરોના વાયરસના રોગપ્રતિકારક રસી શોધવા અંગે કરી રહ્યા છે. તે અંગે ઇજારો ઊભો કરવા કે મારા દેશને સૌ પ્રથમ રોગપ્રતિકારક રસી મળે, અન્યને પછી જ અગર આવી કપનીઓને વેચાણ લેવા કરવા કે ભેળવી દેવા અંગે ચાલતી મથામણો આધ્યાત્મિક જીવોને ઘૃણાસ્પદ લાગે છતાં આ દુનિયાની તવારીખ છે. માનવજાતનું કલ્યાણ એ ભારતનો મહામંત્ર છે માટે જ પ્રધાનમંત્રીએ સાર્ક દેશો સાથે વાતચીત કરી, ભંડોળ એકત્ર કરવામાં ભારતનો પ્રથમ ફાળો નોંધાવ્યો. વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ બનતી ઝડપે સેફ્ટી ધ્યાનમાં રાખી લવાયા અને વિદેશીઓને ભારતમાં થોડા સમય માટે આવવા પર પ્રતિબંધે ય લાધ્યો.
 
આપણે ઝઝુમવાનું છે. સંકલ્પ માત્રથી નહીં, સ્વાસ્થ્ય રક્ષક બની, પ્રાકૃતિક અને વિલાયતી દવાઓ અને સિસ્ટમનો વૈકલ્પિક ઉપયોગ કરી હિંમતભેર, વિકટ પરિસ્થિતિઓમાં સમજણપૂર્વક, ડોક્ટરો હોસ્પિટલનો સહયોગ કરી. સંપૂર્ણ સમાજને સ્વસ્થ રાખવાનો છે અને વૈદિક પ્રાર્થનાથી ઇશ્વરને ય આહ્વાન જ.
 
સર્વે ભવન્તુ સુખીનઃ, સર્વેસન્તુ નિરામયા ।
સર્વેભદ્રાણી પશ્યન્તુ, માકશ્ચિત દુઃખ ભાગ ભવેત્ ॥