દેશભરમાં સંઘની ૩૦૦૦ શાખાઓ વધી : શ્રી ભૈય્યાજી જોશી

    ૧૯-માર્ચ-૨૦૨૦

rss bhaiyaji joshi_1  
 

બેંગ્લુરુમાં આયોજિત રા. સ્વ. સંઘની પ્રતિનિધિ સભા અંગે સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશીની પ્રેસવાર્તા

૧૫ લાખ સ્વયંસેવકોનું સર્વેક્ષણ

 
વિશ્વભરમાં ફેલાઈ રહેલા કોરોના વાઈરસને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ભરવામાં આવેલા સાવચેતીના પગલાંના અનુસંધાનમાં રાષ્ટીય સ્વયંસેવક સંઘ દ્વારા બેંગલુરુમાં આયોજીત પ્રતિનિધિ સભા રદ કરવામાં આવી છે. પરંતુ રા. સ્વ. સંઘના સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી સંઘના ગત વર્ષના તમામ કાર્યનું વૃત નિવેદન આપ્યું હતું.
મા. શ્રી ભૈયાજી જોશીએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, સંઘના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે પ્રતિનિધિ સભાની બેઠકને સ્થગિત કરવી પડી હોય. સંઘકાર્ય ૯૫ વર્ષથી ચાલી રહ્યું છે. આ દરમિયાન અનેક લોકો સંઘના સંપર્કમાં આવ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખી ગત બે વર્ષમાં ૧૫ લાખ સ્વયંસેવકોનું સર્વેક્ષણ (વર્ષ, શિક્ષણ, રુચિ, અનુસાર) કરવામાં આવ્યું છે. તેમનો સમાજિક પરિવર્તનમાં કેવો ઉપયોગ કરી શકાય તેની યોજના બનાવી તેમના પ્રશિક્ષણનો વિચાર કરવામાં આવી રહ્યો છે અને આવનાર વર્ષોમાં ક્રમબદ્ધ રીતે તેને પૂર્ણ કરવામાં આવશે.
 

બેઠકમાં ત્રણ પ્રસ્તાવ પારિત 

 
તેઓએ કહ્યું હતું કે દેશભરમાં લગભગ ૩૯ હજાર સ્થાનો પર દરરોજ ૬૩ હજાર શાખાઓ ચાલે છે. આ ઉપરાંત ૨૮ હજાર સ્થાનો પર સાપ્તાહિક મિલન અને માસિક મંડળી ચાલે છે. એટલે કે લગભગ ૭૦ હજાર ગામોમાં સંઘનું કામ ચાલે છે. આ સિવાય ૧૦ હજાર સ્થાનો પર સંઘનું નિયમિત કામ તો નથી, પરંતુ સંઘ દ્વારા તેમને સૂચના મળે ત્યારે ત્યાં કામ થાય છે, આ રીતે કુલ ૮૦ હજાર સ્થળો પર સંઘનું કામ ચાલે છે. ગત વર્ષની સરખામણીમાં સંઘ શાખાઓમાં પણ ૩ હજારનો વધારો થયો છે. આ રીતે દેશભરમાં આયોજીત સંઘ શિક્ષા વર્ગોમાં (૨૦ અને ૨૫ દિવસોના)માં ૧૫ હજાર સ્વયંસેવકોનું પ્રશિક્ષણ થયું છે.
 
મા. શ્રી ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, બેઠકમાં ત્રણ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા છે. પ્રથમ શ્રીરામજન્મભૂમિની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે. તેના માટે સુપ્રીમ કોર્ટ તથા સરકારના અભિનંદન કરતો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવમાં આંદોલનમાં બલિદાન આપનાર અને સંઘર્ષ કરનારને યાદ કરવામાં આવ્યા છે. બીજો ઐતિહાસિક નિર્ણય સંસદમાં આર્ટિકલ ૩૭૦ને રદ્દ કરવાનો લેવામાં આવ્યો છે. તેના માટે પણ સરકારને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે. ત્રીજો સીએએ કાયદામાં સંશોધનની જરૂરિયાત હતી જેથી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી પ્રતાડિત થઈને આવેલા લોકોને નાગરિકતા મેળવામાં સરળતા રહે. સરકારે આ અંગે કાયદો બનાવ્યો છે તે માટે પણ અમે સરકારને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ પારિત કર્યો છે.
 

૩૦૦ ગામોમાં ખૂબ જ સારી ગતિથી કાર્ય ચાલી રહ્યું છે 

 
તેઓએ કહ્યું હતું કે, ગ્રામ વિકાસનું લક્ષ્ય રાખી અમે એક હજાર જેટલા ગામોની પસંદગી કરી છે. તેમાંથી ૩૦૦ ગામોમાં ખૂબ જ સારી ગતિથી કાર્ય ચાલી રહ્યું છે. ગ્રામ વિકાસ માટે પાંચ બિન્દુઓ જેવા કે શિક્ષા, સ્વાસ્થ્ય, કૃષિ, સામાજિક સમરસતા અને સ્વાવલંબનને આધાર બનાવી કામ ચાલી રહ્યું છે. સંઘ દ્વારા ઔપચારિક અને અનૌપચારિક બન્ને પ્રકારના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થાય છે.
 
આગામી વર્ષ માટે અમારી કેટલીક યોજનાઓ છે. અમે સમગ્ર દેશમાં ૧૮થી ૨૫ વર્ષ તથા ૨૬થી ૩૫ વર્ષના લગભગ એક લાખ યુવાઓને ચિન્હિ્ત કર્યા છે. સંઘકાર્યને આગળ વધારવા માટે અમે તેમની ભૂમિકા નિશ્ચિત કરવાનો વિચાર કર્યો છે.
સીએએ અંગે પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતા તેઓએ કહ્યું હતું કે, કમભાગ્યે એ રાષ્ટીય વિષયને રાજનૈતિક બનાવી દેવામાં આવ્યો છે. રાજનૈતિક હિતો સાધવા કેટલાક મોટા નેતાઓ સમાજમાં ભ્રમ ફેલાવી રહ્યા છે અને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. જ્યારે કે આ મામલે તમામ રાજકીય પક્ષોએ સરકારનું સમર્થન કરવું જોઈએ. જો કે પ્રમાણમાં સીએએનું સમર્થન કરનારાની સંખ્યા પણ ખૂબ જ મોટા છે. અનેક સંગઠનોએ આ અંગે જાગૃકતા ફેલાવા માટે અભિયાનો ચલાવ્યા છે અને સંઘ આવા સંગઠનો સાથે છે.